કિરણ પટેલને લઈને ગુજરાત પોલીસ કાશ્મીરથી રવાના, આજે અમદાવાદ લવાશે

ઇમેજ સ્રોત, @BANSIJPATEL/ TWITTER
કાશ્મીરમાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ઉચ્ચ અધિકારી તરીકેની બનાવટી ઓળખ આપીને સરકારી સુવિધાઓનો લાભ લેનારા કિરણ પટેલ સામે અમદાવાદમાં છેતરપિંડીનો કેસ દાખલ છે. અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ વિભાગની ટીમ શ્રીનગરથી કિરણ પટેલને લઈને રવાના થઈ ગઈ હતી.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ પ્રમાણે પોલીસ કિરણ પટેલને લઈને સોમવારે સાંજે અમદાવાદ પહોંચી શકે છે. કિરણ પટેલને રોડ માર્ગે લવાય રહ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ચૈતન્ય માંડલિકે કહ્યું, ‘રવિવારે સવાર પછી પોલીસની ટીમ ગુજરાત આવવા રવાના થઈ ગઈ હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રવાના થઈ હતી. 36 કલાકમાં તેઓ પહોંચી શકે છે.’
પીએમઓના અધિકારી તરીકે બનાવટી ઓળખ સાથે સરકારી સવલતો મેળવવાના કેસમાં કિરણ પટેલની જમ્મુ કાશ્મીરમાં જ્યુડિશિયલ કસ્ટડી 31 માર્ચે સમાપ્ત થઈ હતી. આ કેસ બાદ ગુજરાત પોલીસે કિરણ પટેલનો કબજો મેળવવા માટે ટ્રાન્સફર વોરન્ટ માટેની અરજી કરી હતી. એટલે હવે તેમને લઈને પોલીસ અમદાવાદ આવી રહી છે.
કિરણ પટેલ સામે ગુજરાતમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં બંગલાના સમારકામ પેટે તેમની સાથે કથિતરૂપે 15 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે.
તેમાં કિરણ પટેલનાં પત્ની માલિની સામે પણ ફરિયાદ છે. અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેણાંક મિલકત વિશેનો આ કેસ છે. જેમાં વર્ષ 2022માં છેતરપિંડી થઈ હોવાની વાત છે.

