યુપીએ સરકાર દરમિયાન સીબીઆઈએ મારા પર મોદીને ફસાવવા દબાણ કર્યું : અમિત શાહ

ઇમેજ સ્રોત, Twitter/BJP4India
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે યુપીએ સરકારના વખતમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ તેમના પર તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ફસાવવા માટે દબાણ ઊભું કર્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે આ વાત વિપક્ષી પાર્ટીઓ તરફથી ભાજપ પર કેન્દ્રીય સંસ્થાઓનો દુરુપયોગ કરવાના આરોપ અંગે કહી હતી.
અમિત શાહે કહ્યું, "હું આપને જણાવું કે દુરુપયોગ કેવી રીતે થાય છે. મેં ખુદ એ ભોગવ્યું છે. કૉંગ્રેસે અમારા વિરુદ્ધ કોઈ ભ્રષ્ટાચારનો કેસ કર્યો ન હતો. એક ઍન્કાઉન્ટર થયું હતું. તે સમયે હું રાજ્યનો ગૃહમંત્રી હતો. મારા પર કેસ કર્યો અને સીબીઆઈએ મારી ધરપકડ કરી લીધી."
તેમણે આગળ કહ્યું, "ધરપકડ બાદ 90 ટકા સવાલોમાં એક જ વાત હતી કે હેરાન કેમ થઈ રહ્યા છો. મોદીનું નામ આપી દો, અમે તમને છોડી દઈશું. અમે તો કાળાં કપડાં નહોતાં પહેર્યાં. કોઈ વિરોધ કર્યો નથી."
"મોદીજી વિરુદ્ધ એસઆઈટી બનાવવામાં આવી, એક રાજ્યના મુખ્ય મંત્રી વિરુદ્ધ. કોઈ ભ્રષ્ટાચારનો કેસ ન હતો. રમખાણોમાં સંડોવણીનો નકલી પ્રકારનો કેસ કર્યો. જે પાછળથી સુપ્રીમ કોર્ટે રદ કર્યો. અમે તો કંઈ ન કહ્યું."






