You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દેશની હાઈકોર્ટમાં લગભગ 60 લાખ કેસ પડતર

દેશની હાઈકોર્ટમાં લગભગ 60 લાખ કેસ પડતર છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવા કેસોની સંખ્યા લગભગ 70 હજાર છે.

લાઇવ કવરેજ

  1. મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપ 2023 શરૂ, ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રવિવારે રમાશે

  2. અદાણી પર હિંડનબર્ગનો આરોપ, હવે રિઝર્વ બૅન્ક શું પગલાં લઈ શકે?

  3. અમિત જેઠવા હત્યાકેસમાં દોષિત શિવા સોલંકીની સજા કયા આધારે મોકૂફ રખાઈ?

  4. દેશની હાઈકોર્ટમાં લગભગ 60 લાખ કેસ પડતર

    દેશની હાઈકોર્ટમાં લગભગ 60 લાખ કેસ પડતર છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવા કેસોની સંખ્યા લગભગ 70 હજાર છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે.

    આ માટે તેમણે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીને ટાંકી છે.

    રિજિજુએ કહ્યું, “નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (એનજેડીસી) પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 1 ફેબ્રુઆરી, 2023 સુધીમાં દેશની તમામ (25) હાઈકોર્ટમાં કુલ 59,87,477 કેસ પેન્ડિંગ છે. જ્યારે, સુપ્રીમ કોર્ટમાં 69,511 કેસ પેન્ડિંગ છે.

    તેમણે કહ્યું કે દેશની સૌથી મોટી હાઈકોર્ટ એટલે કે અલાહાબાદ હાઈકોર્ટમાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે. અહીં 10.30 લાખ કેસનો નિર્ણય લેવાનો બાકી છે. જ્યારે સિક્કિમ હાઈકોર્ટમાં સૌથી ઓછા 171 કેસ પેન્ડિંગ છે.

    કિરેન રિજિજુએ દાવો કર્યો છે કે તેમની સરકારે કેસોની ઝડપી સુનાવણી માટે ઘણા પગલાં લીધા છે.

  5. ગૂગલને જાહેરાતમાં એક નાનકડી ભૂલના બદલામાં 100 અબજ ડૉલરનું નુકસાન

    આ જાહેરાત ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચૅટબૉટ 'બાર્ડ'ની હતી, જેમાં એક ભૂલના કારણે ગૂગલને 100 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.

    ગૂગલે હાલમાં જ પોતાનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચૅટબૉટ બાર્ડ લાવવાની જાહેરાત કરી હતી.

    સોમવારે રિલીઝ થયેલી આ જાહેરાતમાં એક નવ વર્ષની છોકરીને ચૅટબૉટને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની શોધો વિશે પ્રશ્નો પૂછતી દર્શાવવામાં આવી હતી.

    જવાબમાં ચૅટબૉટ કહે છે કે આ ટેલિસ્કૉપે સૌપ્રથમ પૃથ્વીના સૌરમંડળની બહારના ગ્રહની તસવીર લીધી હતી.

    જોકે, ખગોળ વૈજ્ઞાનિકોએ આ માહિતીને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે પ્રથમ વખત આ તસવીર લેવાની સિદ્ધિ વર્ષ 2004માં યુરોપના એક મહાકાય ટેલિસ્કૉપના નામે છે.

    ત્યારબાદ પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેર બુધવારે સાત ટકા ઘટ્યા, જેના કારણે કંપનીને 100 અબજ ડૉલરનું નુકસાન થયું.

    જોકે ગૂગલ પોતાની એક જાહેરાતમાં ભૂલ બાદ યૂઝર્સને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી રહી છે કે તે હજુ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટેકનિકની દોડમાં આગળ છે.

  6. બૉમ્બે હાઈકોર્ટે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન સામે ગોદરેજની અરજી ફગાવી

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કેસમાં ગોદરેજ ઍન્ડ બૉયસ કંપનીની અરજી બૉમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે.

    કોર્ટે ગુરુવારે કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ "રાષ્ટ્રીય મહત્ત્વનો અને જાહેર હિતમાં" છે.

    ગોદરેજ ઍન્ડ બૉયસ કંપનીએ આ પ્રોજેક્ટ માટે તેમની જમીનના સંપાદનનો વિરોધ કર્યો હતો. આ જમીન મુંબઈના વિક્રોલી વિસ્તારમાં છે.

    મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવાના હતા.

    ન્યાયમૂર્તિ આરડી ધાનુકા અને એમએમ સાથ્યેની ખંડપીઠે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વિશેષ છે અને વ્યક્તિગત હિતથી ઉપર જનહિતમાં છે.

    મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508.17 કિલોમીટરના રેલવે ટ્રૅકનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો 21 કિલોમીટરનો એક ભાગ ભૂગર્ભમાં બનાવાઈ રહ્યો છે.

    રેલવે લાઇનમાં પ્રવેશતી જમીનનો એક છેડો વિક્રોલીમાં હશે, જેની માલિકી ગોદરેજ કંપની પાસે છે.

    રાજ્ય સરકાર અને એનએચએસઆરસીએલનું કહેવું છે કે કંપની જાહેર હિતના આ પ્રોજેક્ટમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહી છે.

    ઑથૉરિટીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે વિક્રોલી વિસ્તાર સિવાય સમગ્ર રેલવે લાઇન માટે સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

  7. બ્રેકિંગ, રાજ્યસભામાં મોદીનો વિપક્ષ પર વાર - 'કૉંગ્રેસને વારંવાર દેશ નકારી રહ્યો છે'

    રાજ્યસભામાં વિપક્ષના 'મોદી અદાણી ભાઈ-ભાઈ'ના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભાષણ આપ્યું હતું.

    વડા પ્રધાને ભાષણની શરૂઆત શાયરાના અંદાજમાં કરી. વડા પ્રધાને એક શેર કહ્યો, "કીચડ ઉસકે પાસ થા, મેરે પાસ ગુલાલ, જો ભી જીસકે પાસ થા વો દિયા ઉછાલ" જેટલું કીચડ ઉછાળશો, કમળ એટલું વધુ ખીલશે. એટલે કમળ ખિલવવામાં તમારું પ્રત્યક્ષ અને પરોક્ષ તમારું જે કંઈ યોગદાન છે તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું."

    "મેં ઊંડાણથી અધ્યયન કર્યું તો જોયું કે 60 વર્ષ કૉંગ્રેસના શાસનમાં ખાડા જ ખાડા કરી નાખ્યા હતા. તેઓ ખાડા ગાળવામાં 6-6 દાયકા બરબાદ કરી નાખ્યા ત્યારે દુનિયાના નાના દેશો પણ આગળ વધી રહ્યા હતા."

    "સમસ્યાઓનું સમાધાન કરવાની તેમની જવાબદારી હતી પરંતુ તેમની પ્રાથમિકતાઓ અને તેમના ઇરાદાઓ અલગ હતા. અમારી સરકારની ઓળખ બની છે તે અમારા પુરૂષાર્થને કારણે બની છે. અમે કાયમી ઉકેલની દિશામાં આગળ વધી રહ્યા છીએ."

    "છેલ્લાં નવ વર્ષમાં 48 કરોડ જનધન બૅન્ક ખાતાં ખોલાયાં. તેમાંથી 32 કરોડ બૅન્ક ખાતાં ગ્રામ્ય વિસ્તારોમાં છે. ખડગેજી કાલે ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવી જાય છે."

    "હું કહું છું કે કર્ણાટકમાં એક કરોડ 70 લાખ જનધન બૅન્ક ખાતાં ખૂલ્યાં છે. તેમના વિસ્તાર કલબુર્ગીમાં આઠ લાખ બૅન્ક ખાતા ખૂલ્યા છે. તમારું ખાતું બંધ થઈ જાય એમાં તમે અહીં કેમ રોવો છો."

    "દેશમાં પહેલાં પરિયોજનાઓ લટકાવી દેવી, અટકાવી દેવી એ એમની કાર્યશૈલીનો હિસ્સો બની ગયો હતો. અમે ટેકનૉલૉજીનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો."

    "જે યોજનાઓ બનાવવામાં મહિનાઓ લાગી જતા તે આજે અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. અમે સત્તામાં આવ્યા તે પહેલાં દેશમાં 14 કરોડ ઘરોમાં એલપીજી કનેક્શન હતાં, અમે 25 કરોડથી વધુ પરિવારો પાસે ગૅસ કનેક્શન પહોંચાડ્યાં."

    "18,000થી વધુ ગામોમાં વીજળી નહોતી પહોંચી. આ ગામોમાં મોટાભાગના આદિવાસી, પહાડી વિસ્તારનાં ગામો હતાં. અમે બધાં ગામોમાં સમયસીમામાં વીજળી પહોંચાડી. પહેલાંની સરકારોમાં કેટલાક કલાક વીજળી આવતી હતી, આજે સરેરાશ આપણા દેશમાં 22 કલાક વીજળી આપવાના પ્રયાસમાં અમે સફળ થયા છીએ."

    "આ માટે અમારે નવી ટ્રાન્સમિશન લાઈનો લગાવવી પડી, ઊર્જા ઉત્પાદન કરવું પડ્યું. અમે મહેનતવાળો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ દેશ જોઈ રહ્યો છે."

    દરમિયાન વિપક્ષ તરફથી સૂત્રો લાગ્યા કે 'મૌની બાબા, કુછ તો બોલો, કુછ તો બોલો, કુછ તો બોલો. ફેંકુબાજી નહીં ચલેગી, નહી ચલેગી'.

    મોદીએ આગળ કહ્યું કે, "કૉંગ્રેસને વારંવાર દેશ નકારી રહ્યો છે પણ કૉંગ્રેસ પોતાના ષડયંત્રોથી ઉપર નથી ઊઠતી. અમે આદિવાસી બહુમત ધરાવતા 110 આકાંક્ષિત જિલ્લાઓને તારવ્યા."

    "આ જિલ્લાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરેમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે. અમે 500 નવી એકલવ્ય મૉડલ સ્કૂલ મંજૂર કરી છે અને 38000 નવી ભરતીઓની આ બજેટમાં જોગવાઈ કરી છે. અમે 11 કરોડ શૌચાલયો બનાવ્યાં છે."

    "મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે તે વાતનો અમને ગર્વ છે. અમે દીકરીઓ માટે સૈનિક સ્કૂલો બનાવી અને આજે સિચાસિન પર દીકરી દેશની રક્ષા કરવા માટે તહેનાત છે તે જોઈને અમને ગર્વ થાય છે. અમે સૌભાગ્ય યોજના થકી ગરીબ પરિવારો સુધી વીજળી પહોંચાડી."

  8. રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન - જેટલું કીચડ ઉછાળશો તેટલું કમળ વધુ ખીલશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

    આ દરિમયાન વિપક્ષના સાંસદ સતત 'મોદી-અદાણી ભાઈ-ભાઈ'ના નારા લાગી રહ્યા છે.

    જોકે બુધવારના લોકસભાની જેમ રાજ્યસભામાં પણ તેમણે અદાણી મામલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં.

    પીએમ મોદીએ એક શેરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "જેટલું કીચડ ઉછાળશો તેટલું કમળ વધુ ખીલશે."

    તેમણે ઇન્દિરા ગાંધીના શાસનકાલમાં બૅન્કોના રાષ્ટ્રીયકરણની ટીકા કરતા કહ્યું કે પોતાની સરકાર દ્વારા આમ આદમી પાર્ટી માટે કેટલાક કામ કરવામાં આવ્યા છે.

    વિપક્ષી સાંસદોની રાજ્યસભામાં નારેબાજી પર કટાક્ષ કરતા તેમણે કેટલીક વાતો કહી.

    મોદીએ શું કહ્યું?

    "આ સદન રાજ્યો છે કે ગત દાયકાઓમાં અનેક બુદ્ધિજીવિઓને સદનથી દેશને દિશા આપી છે. સદનમાં એવા પણ લોકો બેઠા છે જેમણે પોતાના જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. સદનમાં થનારી વાતો દેશ ગંભીરતાથી સાંભળે છે."

    "પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સદનમાં કેટલાક લોકોનું વર્તન અને વાણી ન માત્ર સદનને બલ્કે દેશને નિરાશ કરનારાં છે. માનનીય સભ્યોને હું કહીશ કે 'કીચડ ઉનકે પાસ થા મેરે પાસ ગુલાબ, જો ભી જિસકે પાસ થા ઉસને દિયા ઉછાલ.' તમે જેટલું કીચડ ઉછાળશો, કમળ એટલું વધુ ખીલશે."

  9. ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ વધ્યું, કસ્ટોડિયલ ડેથમાં રાજ્ય સૌથી આગળ

    ગુજરાતમાં આત્મહત્યા કરનારાનું પ્રમાણ વધ્યું છે.

    આ આંકડા રાજ્યસભામાં સરકાર દ્વારા રજી કરવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ જોસ કે. મણીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે દેશના તમામ રાજ્યોના આંકડા રજૂ કર્યા હતા.

    (આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

    જેમાં 2020ની સરખામણીએ 2021માં ગુજરાતમાં આત્મહત્યા કરનારાની સંખ્યા 9.2 ટકા વધુ હોવાનું જણાયું હતું. ગુજરાતમાં આત્મહત્યા કરનારાની સંખ્યા વર્ષ 2017માં 7418 હતી જે વધીને વર્ષ 2021માં 8789 થઈ ગઈ.

    વર્ષ 2018માં તે 7793, વર્ષ 2019માં તે 7655 અને વર્ષ 2020માં તે 8085 હતી. નિત્યાનંદ રાયે વધુમાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશની પહેલી રાષ્ટ્રીય આત્મહત્યા રોકથામ રણનીતિ પણ તૈયાર કરી છે જે તેની વેબસાઇટ www.mohfw.gov.in પર ઉપલબ્ધ છે.

    રાજ્યસભામાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે મુજબ દેશમાં સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં થાય છે.

    વર્ષ 2021માં મહારાષ્ટ્રમાં 22207 લોકોએ આત્મહત્યા કરી. ત્યારપછી બીજો નંબર તામિલનાડુનો આવે છે. વર્ષ 2021માં તામિલનાડુમાં 18925 લોકોએ આત્મહત્યા કરી અને પછી ત્રીજો નંબર મધ્યપ્રદેશનો આવે છે.

    વર્ષ 2021માં મધ્યપ્રદેશમાં 14965 લોકોએ આત્મહત્યા કરી. આત્મહત્યાનું સૌથી ઓછું પ્રમાણ હોય તેવાં રાજ્યોમાં નાગાલૅન્ડ આવે છે. અહીં 2021માં 43 લોકોએ આત્મહત્યા કરી.

    આખા ભારતની વાત કરીએ તો દેશમાં વર્ષ 2021માં 164033 લોકોએ આત્મહત્યા કરી. અગાઉ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટા મુજબ ભારતમાં વર્ષ 2021માં કુલ 88 કસ્ટોડિયલ ડેથ નોંધાયાં હતાં.

    જેમાં ગુજરાતમાં કુલ 23 કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. જે આંકડો દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે.

    નવાઈની વાત એ હતી કે જે 23નાં કસ્ટોડિયલ ડેથ થયાં હતાં તે પૈકી 22 લોકોનાં મોત પોલીસ કસ્ટડી દરમિયાન કે પછી લોકઅપમાં થયાં હતાં અને તેઓ પોલીસ રિમાન્ડ પર નહોતા.

    જેમાં નવ લોકોએ કસ્ટડીમાં જ આત્મહત્યા કરી હતી. નવના મોત માંદગીને કારણે થયા હતા જ્યારે બેનાં પોલીસના માર મારવાને કારણે થએલી ગંભીર ઇજા થવાને કારણે મોત થયાં અને એકનું મોત પોલીસની કસ્ટડીમાંથી ભાગવા દરમિયાન થયું.

    ગુજરાતમાં વર્ષ 2020માં 15 કસ્ટોડિયલ ડેથ નોંધાયાં હતાં.

  10. 14 ફેબ્રુઆરીના 'કાઉ હગ ડે'તરીકે ઉજવવાની અપીલ, સોશિયલ મીડિયા પર ચાલી છે ચર્ચા

    ભારતીય પશુ કલ્યાણ બોર્ડે કહ્યું કે 14 ફેબ્રુઆરીના ગો આલિંગન દિવસ (કાઉ હગ ડે) ઉજવવાની અપીલ કરી છે.

    બોર્ડે કહ્યું છે કે ગાયના મહત્ત્વ અને માનવજીવનમાં યોગદાનને જોતાં આ દિવસ ઉજવવો જોઈએ. બોર્ડે ભારત પર પશ્ચિમી સભ્યતાના વધતા પ્રભાવની પણ વાત કરી છે.

    ભારતીય પશુકલ્યાણ બોર્ડે કહ્યું છે કે, ''ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, આપણા જીવનને સંવારે છે. સમયની સાથે પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરાઓ લગભગ વિલુપ્ત થવા આવી છે. પશ્ચિમી સભ્યતાની ચમકે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને લગભગ ભુલાવી દીધા છે.''

    ''ગાયના અપાર લાભ જોતાં ગાયને ગળે લગાવવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે અને અમારા વ્યક્તિગત અને સામૂહિત સુખોમાં વૃદ્ધિ થશે. એટલે બધા ગોપ્રેમી પણ ગાય માતાના મહત્ત્વને ધ્યાનમાં રાખીને 14 ફેબ્રુઆરીના ગો આલિંગન દિવસ (કાઉ હગ ડે) ના રૂપમાં ઉજવે.''

    દુનિયામાં સામાન્ય રીતે 14 ફેબ્રુઆરીની તારીખ વૅલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે. દક્ષિણપંથી સંગઠનો વૅલેન્ટાઇન ડેનો વિરોધ કરે છે અને આને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ કહે છે.

    આ અપીલની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

    ટીએમસી સાંસદ મોહુઆ મોઇત્રાએ આ મુદ્દા પર ટ્વીટ કર્યું, ''તો હવે સરકારે અમારા માટે વૅલેન્ટાઇન્સ ડેનો પ્લાન પણ બનાવ્યો છે.''

    ફૅક્ટ ચેકર મહમદ ઝુબૈરે લખ્યું છે કે, ''પહેલાં મને લાગતું હતું કે આ ફેક ન્યૂઝ છે. કેટલીક ન્યૂઝ ચૅનલઅને વૅરિફાઇડ હૅન્ડલ્સ તરફથી કરવામાં આવેલા ટ્વીટ્સને મે આર્કાઇવ કર્યા છે. પછી ખબર પડી કે આ ફેક ન્યૂઝ નહીં સત્ય છે. પશુકલ્યાણ બોર્ડ ઇચ્છે છે કે હવે તમે 14 ફેબ્રુઆરીના ગાયને ગળે લગાવો કારણ કે તેનાથી શાંતિ મળશે.''

    ગાયને આલિંગનનું ચલણ

    નેધરલૅન્ડ્સમાં પોતાની કાળજી લેવાની એક પરંપરા થોડા સમય પહેલાં ચર્ચામાં આવી હતી.

    સ્થાનિક ભાષામાં આને 'કાઉ નફલેન' કહે છે જેનો મતલબ છે ગાયોને ગળે લગાવવી.

    આ પરંપરા ગાયોને અડીને બેસવા દરમિયાન મનને મળતી શાંતિ પર આધારિત છે.

    ગાયોને ભેટનારા લોકો કોઈ ફાર્મમાં જઈને ગાયની બાજુમાં બેસે છે. તેની પીઠ થાબડે છે અને તેની સાથે ભેટવું, તેની બાજુમાં બેસવું એ બધું થૅરેપીનો ભાગ છે.

    જો ગાય તમને ચાટે તો તે વ્યક્ત કરે છે કે તે તમારા પર કેટલો વિશ્વાસ કરે છે.

    ગાયના શરીરનું ગરમ તાપમાન, ધીમા ધબકારા અને મોટો આકાર તેમને અડીને બેસનારાઓને શાંતિનો અનુભવ કરાવે છે. આ સુખદાયક અનુભવ હોય છે. એટલું જ નહીં આનાથી ગાયોને પણ સારું લાગે છે. આ તેની પીઠ પર ખંજવાળવા જેવું છે.

    એવું માનવામાં આવે છે કે પાળેલાં પશુઓને ભેટવાથી મનને જે શાંતિ મળે છે તે મોટાં જાનવરને ભેટવાથી વધે છે.

  11. તુર્કી ભૂકંપમાં મૃતકોની સંખ્યા 12 હજાર પહોંચી, અર્દોઆને કર્યો સરકારનો બચાવ

    તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ભૂકંપ બાદ સ્થિતિ કાબુમાં લાવવા અંગે થઈ રહેલા સવાલો પર સરકારનો બચાવ કર્યો છે.

    તેઓએ કહ્યું કે, આટલા સ્તર સુધી આપત્તિ માટે તૈયાર રહેવું અશક્ય છે.

    તુર્કી અને ઉત્તર સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 12 હજાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

    ટીકાકારોનું કહેવું છે કે, ઇમરજન્સી સેવાઓ ધીમી ગતિએ કામ કરી રહી છે અને સરકારની તૈયારી પણ યોગ્ય નથી.

    રાષ્ટ્રપતિ અર્દોઆને સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ હવે સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

    જોકે તુર્કીની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા કેમાઇલ કુલુચતરોલો આ વાત સાથે અસહમત છે.

    તેઓએ કહ્યું છે કે, “જો કોઈ આ માટે જવાબદાર છે, તો તે અર્દોઆન છે.”

    રાષ્ટ્રપતિએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, આપત્તિના સમયે એકતા જરૂરી છે. તેઓએ રિપોર્ટ્સ દ્વારા કહ્યું છે કે,“આવી સ્થિતિમાં મારા માટે એવા લોકોને સહન કરવા મૂશ્કેલ છે, જેઓ રાજકીય લાભ માટે નકારાત્મક અભિયાન ચલાવે છે.”

    ભૂકંપ બાદ તુર્કી અને સીરિયા વચ્ચે બાબ અલ-હવા ક્રૉસિંગ સંપૂર્ણપણે બંધ છે અને રસ્તાઓ તૂટી ગયા છે.

    સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ કહ્યું કે, રસ્તાઓ ટૂંક સમયમાં સરખા થઈ જશે. તુર્કીના વિદેશ મંત્રી મેવલૂત ચેવૂશોગલૂએ પુષ્ટિ કરી છે કે દેશ બંને બાજુની સરહદો ખોલી શકે છે, જેથી સીરિયા સુધી મદદ પહોંચાડી શકાય.

    યુરોપીય સંઘએ પુષ્ટિ કરી છે કે તેઓ સરકારની વિનંતી પર સીરિયામાં 35 લાખ યૂરો (31 કરોડ રૂપિયા) ની મદદ મોકલી રહ્યું છે, પરંતુ આ મદદ સરકાર અને વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના જ વિસ્તારોમાં પહોંચવી જોઈએ.

    ઇદબિલ પ્રાંતમાં 1500થી વધુ લોકો માર્યા ગયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સલાહકારે કહ્યું કે, પ્રતિબંધોના કારણે સીરિયાને જરૂર પ્રમાણે મદદ મળી રહી નથી.

  12. આજથી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મૅચ શરૂ, શું ગાવસ્કર બૉર્ડર ટ્રૉફી ભારત જીતશે

    નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મૅચની સીરિઝની પ્રથમ મૅચ 9 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થશે.

    તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટની બે સૌથી જોરદાર ટીમો વચ્ચે થનારી મૅચ પર દુનિયાની નજર છે.

    આ સીરિઝનો નિર્ણય જૂન મહિનામાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ નક્કી કરશે.

    સીરિઝમાં સ્પષ્ટપણે ભારતનો દબદબો છે, કારણ કે ઘરઆંગણે ટીમ ઇન્ડિયાને હરાવવી સરળ પડકાર નથી.

    ઘરઆંગણે ટીમનો રૅકોર્ડ જોરદાર હોવા છતાં, સત્ય એ જ છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઑસ્ટ્રેલિયા પાસે ઘણો સરળ પડકાર છે. ભારતે ફાઇનલમાં જીતવા માટે તમામ ચાર ટેસ્ટ જીતવી પડશે.

    એટલું જ નહીં, તાજેતરની સીરિઝ માટે ઑસ્ટ્રેલિયન ટીમ જોરદાર ફૉર્મમાં છે.

    આમ 2004માં એડમ ગિલક્રિસ્ટ પછી ભારતીય મેદાન પર સીરિઝ જીતનારી પ્રથમ ટીમ બનવાનો કરિશ્મા પૅટ કમિંસની ટીમ બતાવી શકે છે.

    એટલું જ નહીં ભારત સામે સારું પ્રદર્શન કરીને જૂન અને જુલાઈ મહિનામાં યોજાનારી એશેઝ સીરિઝ માટે ટીમનું મનોબળ પણ વધશે, પરંતુ ભારતીય પીચો પર એવરેસ્ટ શિખર જીતવા જેવો પડકાર છે.

    શું છે દાવ પર?

    આ સિરીઝ જીતનાર ટીમને વર્લ્ડ કપ ચૅમ્પિયનશિપ, 2021-23ના ફાઇનલમાં પ્રવેશ મળશે. ભારતીય ટીમનો આ જ પ્રાથમિક લક્ષ્ય હશે.

    વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ બીજા સ્થાને છે. જો ભારત આ સિરીઝ 4-0ના અંતરથી જીતશે તો તેને તેને ફાઇનલમાં પ્રવેશ મળી જશે.

    ભારતીય ટીમ જો આ સિરીઝ 2-0 અથવા તેનાથી વધારે પૉઇન્ટ્સથી જીતશે તો ટેસ્ટ રૅંકિંગમાં શીર્ષ સ્થાન પર પહોંચી જશે.

    જો ભારતીય ટેસ્ટ રૅંકિંગમાં શીર્ષ સ્થાને પહોંચશે તો આ ક્રિકેટ ઇતિહાસમાં માત્ર બીજી વખત હશે કે તે ટેસ્ટ રૅંકિંગમાં ટોચ પર પહોંચી હશે.

    ભારત પહેલાં જ વનડે અને ટી20ની ટોચની ટીમ હશે. આની પહેલાં 2004માં દક્ષિણ આફ્રિકાના ઉપલબ્ધિ મેળવી હતી.

  13. આ 6 તસવીરો તમને આપશે ભૂકંપમાં ઊજડી ગયેલાં તુર્કીના શહેરોની તબાહીનો ચિતાર

  14. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    8 ફેબ્રુઆરીનાસમાચાર વાંચવા માટે ક્લિક કરો.