લખીમપુર ખીરી હિંસા કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા આશિષ મિશ્ર

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવા મામલે આરોપી આશિષ મિશ્ર ઉર્ફે મોનુ આજે (શુક્રવાર) જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. તેઓ અંદાજે નવ મહિનાથી જેલમાં હતા.

લાઇવ કવરેજ

  1. લખીમપુર ખીરી હિંસા કેસમાં જામીન પર જેલમાંથી બહાર આવ્યા આશિષ મિશ્ર, પ્રશાંત પાંડેય, લખીમપુર ખીરીથી બીબીસી માટે

    આશિષ મિશ્ર

    ઇમેજ સ્રોત, SHADAB RIZVI

    ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવવા મામલે આરોપી આશિષ મિશ્ર ઉર્ફે મોનુ આજે (શુક્રવાર) જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. તેઓ અંદાજે નવ મહિનાથી જેલમાં હતા.

    મોડી સાંડે ત્રણ-ત્રણ લાખ રૂપિયાના બે જામીનદારના સત્યાપન બાદ તેમને જેલમાંથી મુક્ત કરાયા છે. આશિષ મિશ્ર કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્ર ટેનના પુત્ર છે.

    જેલ અધીક્ષક વિપિનકુમાર મિશ્ર અનુસાર, "સેશન કોર્ટથી જામીનનો કાગળ આવ્યા બાદ આશિષને જેલ મેન્યુઅલ પ્રમાણે મુક્ત કરાયા છે."

    આશિષ મિશ્રને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જામીન મળ્યા છે.

    ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં ત્રણ ઑક્ટોબર 2021માં પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો પર ગાડી ચડાવી દેવાઈ હતી. આ ઘટનામાં ચાર ખેડૂત અને એક પત્રકારનું મોત થયું હતું.

    આ મામલે આશિષ અને 13 અન્ય લોકો આરોપી છે. એસઆઈટીએ તપાસ બાદ આશિષ સમેત 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

  2. 85 વર્ષ બાદ આજે થંભી જશે બીબીસી અરબી રેડિયોનું પ્રસારણ

    બીબીસી અરબી સેવા

    બીબીસી અરબી રેડિયો સેવાનો 85 વર્ષથી ચાલી રહેલ પ્રસારણનો સિલસિલો આજે રોકાઈ જશે.

    બીબીસી વર્લ્ડ ન્યૂઝની અરબી સેવા હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફોકસ કરશે.

    બીબીસી અરબી રેડિયો મધ્ય પૂર્વ અને વિશ્વના બીજા ભાગોમાં રહી રહેલા અરબી ભાષા બોલતા લોકોની ઘણી પેઢીઓ માટે માહિતીનો મહત્ત્વપૂર્ણ સ્રોત રહ્યો છે.

    બીબીસી અરબી રેડિયો સર્વિસનું પ્રથમ પ્રસારણ 3 જાન્યુઆરી 1938ના રોજ થયું હતું.

    મધ્યપૂર્વના ઘણા લોકો આને માહિતીનો સૌથી વિશ્વસનીય સ્રોત માનતા રહ્યા.

    બીબીસી અરબી સેવાએ પાછલા દાયકા દરમિયાન યુદ્ધ અને મધ્ય પૂર્વના સંકટ સહિત ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાનાં પ્રસારણ કર્યાં.

    બીબીસી અરબી સેવાના અમુક કાર્યક્રમ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રસારિત કરાશે.

  3. હિંડનબર્ગ રિપોર્ટ બાદ બે કારોબારી સત્રોમાં રોકાણકારોના 10.73 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

    શૅરબજાર

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતીય સ્ટૉકમાર્કેટના રોકાણકારોના પાછલાં બે સત્રમાં 10.73 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે બે સત્રો દરમિયાન બીએસઈ સેંસેક્સમાં 1647.85 અંકોનો ઘટાડો જોવા મળ્યો. માત્ર શુક્રવારે (આજે) 847.16 અંકોનો ઘટાડો નોંધાયો. શૅરબજાર 59330.90 અંકો પર બંધ થયું.

    બુધવારે 773.69 અંકોનો ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે પ્રજાસત્તાક દિવસે શૅરબજાર બંધ રહ્યું.

    અદાણી ગ્રૂપના શૅરોમાં સતત બે કારોબારી સત્રમાં ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડો લગભગ 20 ટકાનો રહ્યો. અદાણી ગ્રૂપના શૅરોની ભારે વેચવાલી જોવા મળી.

    અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી સમૂહના શૅરોની વેચાવલીનો તબક્કો શરૂ થયો.

    જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના હેડ ઑફ રિસર્ચ વિનોદ નાયરે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અદાણી ગ્રૂપના શૅરોમાં થયેલ ઘટાડા બૅંકિંગ ક્ષેત્રના શૅરોમાં પણ જોવા મળી.

  4. ડીયુ અને આંબેડકર યુનિવર્સિટીમાં પીએમ મોદી પર બીબીસી ડૉક્યુમૅન્ટરીની સ્ક્રીનિંગ દરમિયાન હંગામો, દિલનવાઝ પાશા, બીબીસી સંવાદદાતા

    ડૉક્યુમૅન્ટરી

    દિલ્હી યુનિવર્સિટી અને આંબેડકર યુનિવર્સિટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડૉક્યુમૅન્ટરીની સ્ક્રીનિંગ દરમિયાન હંગામો અને દેખાવો થયા હતા.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ દિલ્હી યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ આર્ટસ પાસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બીજી તરફ વામપંથી વિદ્યાર્થી સંગઠન એસએફઆઈએ આંબેડકર યુનિવર્સિટીમાં ફિલ્મના પ્રદર્શનની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટર લઈને આવ્યા હતા.

    પરંતુ પ્રશાસને વીજળી કાપી નાખી અને ઇન્ટરનેટ બંધ કરી દીધું, જેના કારણે ડૉક્યુમૅન્ટરીનું સ્ક્રીનિંગ અટકાવવું પડ્યું હતું.

    સ્ક્રીનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ પણ સ્ક્રીનિંગ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

    પોલીસદળ યુનિવર્સિટીમાં ઘૂસી જતાં વામપંથી વિદ્યાર્થી સંગઠન AISAએ પણ યુનિવર્સિટી બહાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં આંબેડકર યુનિવર્સિટીનાં પૂર્વ વિદ્યાર્થિની નેહા હાજર હતાં.

    બીબીસી સાથે વાત કરતાં નેહાએ કહ્યું, "પ્રશાસન ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવી રહ્યું છે. પહેલાં જેએનયુ અને જામિયામાં સ્ક્રીનિંગ અટકાવાયું હતું. હવે આંબેડકર યુનિવર્સિટીમાં રોકવામાં આવી રહ્યું છે. પોલીસ યુનિવર્સિટીમાં ઘૂસી ગઈ. અમે આનો વિરોધ કરી રહ્યા છીએ."

    આ સમયે સ્થળ પર હાજર એક પત્રકારના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ અને વીજળી કપાઈ ગયા બાદ વિદ્યાર્થીઓએ તેમના લૅપટૉપ પર ડૉક્યુમૅન્ટરી જોઈ હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમૅન્ટરી ભારતમાં રિલીઝ થઈ નથી. ભારત સરકારે તેને પ્રૉપેગ્રૅન્ડા ગણાવીને ફગાવી દીધી છે.

    તો બીબીસીએ ભારત સરકારની ટીકાને નકારી કાઢી છે અને કહ્યું છે કે આ ફિલ્મ ગંભીર સંશોધન પછી બનાવાઈ છે. આ ફિલ્મ બે ભાગમાં BBC 2 ચેનલ પર રિલીઝ થઈ છે.

    ભારત સરકારે આ ફિલ્મને ઇન્ટરનેટ મીડિયા પર બ્લૉક કરી દીધી છે અને ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને ટ્વિટર અને યૂટ્યૂબ પરથી તેની લિંક હટાવી દીધી છે.

    આંબેડકર યુનિવર્સિટી પહેલાં આ ફિલ્મને જેએનયુ અને જામિયા મિલિયા ઈસ્લામિયામાં બતાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.

  5. બ્રેકિંગ, શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં ભારે કડાકો, અદાણી જૂથના મોટાભાગના શેર લોઅર સર્કિટમાં

    પ્રજાસત્તાકદિનની રજા બાદ ખુલેલા શેર બજારમાં શુક્રવારના દિવસે પણ કડાકો જોવા મળ્યો.

    બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેરોના સેન્સેક્સમાં શુક્રવારના 1000 અંકોથી પણ વધુનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 17600 અંકથી પણ નીચે આવી ગયું છે.

    બજેન 2022023 પહેલાં રોકાણકારોમાં તણાવનો માહોલ છે અને તેની અસર શેર બજારોમાં ભારે વેચાણના રૂપમાં જોવા મળી છે.

    બજારમાં જાણકારોનું કહેવું છે કે બજેટ, અદાણી જૂથના શેરોમાં પણ ભારે વેચાણ, વર્ષ 2023 માટે ભારતના વિકાસના અનુમાનમાં ઘટાડો અને વિદેશી રોકાણકારો દ્વારા પૈસા કાઢવાના કારણે આ કડાકો જોવા મળી રહ્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એસબીઆઈ અને બીપીસીએલના શેરમાં નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળ્યો હતો.

    બુધવારના હિન્ડેનબર્ગ રિપોર્ટ બાદ અદાણી સમૂહના શેરોમાં કડાકો આવ્યા બાદ શુક્રવારના પણ જૂથની કંપનીઓમાં લોઅર સર્કિટ લાગ્યું હતું.

  6. અદાણીના શેરોમાં હિંડેનબર્ગ રિપોર્ટ બાદ 20 ટકા સુધીનો કડાકો, ત્રણ લાખ કરોડ ધોવાયા

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાસ્થિત હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ શુક્રવારે પણ અમદાવાદસ્થિત અદાણીજૂથની કંપનીઓમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી.

    ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે, શૅરબજારમાં લિસ્ટેડ સાત કંપનીઓમાં કુલે 36 અબજ 50 કરોડ ડૉલરનું (લગભગ ત્રણ લાખ કરોડ) નુકસાન થયું છે.

    શુક્રવારે જ કંપનીએ બે અબજ 45 કરોડ ડૉલરનું બીજું જાહેરભરણું ખુલ્લું મૂક્યું હતું, જેના દ્વારા કંપની પોતાની ઉપરનું દેવાનુંદબાણ ઘટાડવા માગે છે.

    ઉલ્લેખનીય છે કે ભારતીય શૅરબજારમાં માસિક ઍક્સ્પાયરી પૂર્વે તા. 24મી જાન્યુઆરીના રોજ હિંડનબર્ગ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં અદાણી સમૂહની કંપનીઓ ઉપર રહેલા દેવા અને તેમાં ટૅક્સ હેવન કંટ્રીઝમાં સ્થાપિત કંપનીઓની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

    અદાણી જૂથે આ અહેવાલોને 'પાયાવિહોણા' કહીને નકારી કાઢ્યા છે અને હિંડનબર્ગની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દાખવી છે.

    ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, અદાણી ઍન્ટરપ્રાઇઝના શૅર છ ટકા, અદાણી ટ્રાન્સમિશનના શૅર 17 ટકા, અદાણી પૉર્ટના શૅ 10 ટકા,ટોટલ ગૅસના શૅર 20 ટકા, અદાણી ગ્રીનના શૅ 15 ટકા જેટલા ગગડી ગયા હતા. આ સિવાય એનડીટીવી, અદાણી પાવર અને અદાણી વિલમરના શૅરે પાંચ-પાંચ ટકાની લૉઅર સર્કિટ મારી હતી.

    કંપનીએ તાજેતરમાં હસ્તગત કરેલી એસીસી અને અંબુજા સિમેન્ટ કંપનીઓના શૅર નવથી 11 ટકા સુધી ઘટ્યા હતા.

    જેફરિઝના રિપોર્ટ પ્રમાણે, અદાણી જૂથ ઉપર એક લાખ90 હજાર કરોડનું બૅન્કોનું દેવું છે. અદાણી જૂથનું કહેવું છે કે તેનું દેવું 'મૅનેજ' થઈ શકે તે સ્તરે છે.

  7. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું, તિસ્તા સેતલવાડ અને તેમના પતિને જેલમાં પાછા કેમ મોકલવા માગે છે

    તિસ્તા સેતલવાડ

    ઇમેજ સ્રોત, SAM PANTHAKY

    સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈ અને ગુજરાત સરકારને સવાલ કર્યો છે કે તેઓ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદને પાછા જેલમાં કેમ મોકલવા માગે છે.

    મીડ-ડેના અહેવાલ અનુસાર, ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નાની ખંડપીઠે કહ્યું કે, “સવાલ એ છે કે ક્યાં સુધી તમે કોઈ વ્યક્તિને કસ્ટડીમાં રાખશો. વચગાળાના જામીનને 7 વર્ષ થઈ ગયાં છે. તમે તેઓને પાછા જેલમાં મોકલવા માગો છો?”

    સીબીઆઈ અને ગુજરાત સરકાર તરફથી અધિવક્તા રજત નાયરે કહ્યું છે કે, આ મામલે કોર્ટ સમક્ષ કેટલીક અતિરિક્ત સામગ્રી પ્રસ્તુત કરવાની જરૂર પડશે, તેથી ચાર અઠવાડિયાનો સમય આપવો જોઈએ.

    વકીલ કપિલ સિબ્બલ અને અપર્ણા ભાટ સેતલવાડ અને તેમના પતિ આનંદના કેસની એક સુનાવણીમાં હાજર રહ્યા હતા. તે સુનાવણીમાં સીબીઆઈના પ્રતિનિધિ પણ અપીલ માટે હાજર રહ્યા હતા, તેમણે કહ્યું હતું કે ચાર્જશીટ દાખલ થઈ એ બાદ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને એ બાદ સામાન્ય જામીન આપવામાં આવ્યા હતા.

    તેમણે કહ્યું છે કે એક નિયમિત જામીન આપવામાં આવ્યા છે. એવામાં વચગાળાના જામીન સામે તપાસ એજન્સીની અપીલનો કોઈ મતલબ રહેતો નથી.”

  8. પોલીસ અધિકારીઓએ કહ્યું, દેશમાં કટ્ટરપંથી વધારી રહ્યા છે કેટલાક હિન્દુ સંગઠન

    હિન્દુ સંગઠન

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    દિલ્હીમાં ગયા અઠવાડિયે યોજાયેલા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષક સંમેલનમાં કેટલાક પોલીસ અધિકારીઓએ દેશમાં વધી રહેલી કટ્ટરપંથીમાં ઇસ્લામી સંગઠનોની સાથે-સાથે હિન્દુ સંગઠનોની ભૂમિકાને રેખાંકિત કરી છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ માહિતી આ બેઠકમાં સામેલ થયેલા અધિકારીઓ તરફથી આપવામાં આવેલા દસ્તાવેજોમાંથી મળી આવી છે.

    આ દસ્તાવેજ થોડા સમય માટે સંમેલનની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ ગયા બુધવારે તેને હટાવી દેવામાં આવ્યા હતા.

    20થી 22 જાન્યુઆરી સુધી ચાલેલા આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

    તેમાંથી એક દસ્તાવેજમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોને કટ્ટરપંથી સંગઠન ગણાવવામાં આવ્યા છે.

    અન્ય એક દસ્તાવેજમાં કહ્યું છે કે, બાબરી મસ્જિદ વિધ્વંસ, હિન્દુ રાષ્ટ્રવાદમાં વધારો, ગૌમાસને લઈને થતી હત્યાઓ અને ઘર વાપસી આંદોલન વગેરે યુવાનોને કટ્ટર બનાવવા માટે બ્રીડિંગ ગ્રાઉન્ડના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે.

    ઘણા અધિકારીઓનું એ પણ માનવું છે કે, મુસલમાનોને કટ્ટર બનવાથી રોકવા માટે રાજ વ્યવસ્થામાં તેઓને વધારે પ્રતિનિધત્વ આપવાની સાથે-સાથે આરક્ષણ આપવું જોઈએ.

  9. સાનિયા મિર્ઝા ઑસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સ ફાઇનલમાં હાર્યાં, કારકિર્દીની અંતિમ ગ્રૅન્ડ સ્લૅમ

    ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી

    ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલ મૅચ હારી ગઈ છે.

    સાનિયા અને બોપન્નાની જોડીને બ્રાઝિલના રાફેલ માટોસ અને લુઇસા સ્ટેફનીની જોડીએ 6-7, 2-6થી હરાવી હતી.

    આ સાનિયા મિર્ઝાની કારકિર્દીની આ અંતિમ ગ્રૅન્ડસ્લૅમ હતી.

    તેઓ 19 ફેબ્રુઆરીથી દુબઈમાં શરૂ થનારી ડબ્લ્યૂટીએ 1000 ટેનિસ ચૅમ્પિયનશિપમાં તેમની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ રમશે અને ત્યારબાદ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.

    સાનિયા મિર્ઝા, રોહન બોપન્નાએ આ મૅચ લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે 6-7, 2-6થી હારી ગયાં હતાં.

    સાનિયા મિર્ઝાએ વર્ષ 2014માં બ્રૂનો સોરેસ સાથે મિક્સ ડબલ્સનો તેમનો અંતિમ ખિતાબ જીત્યો હતો.

  10. વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયા

    અક્ષર પટેલ, મેહા પટેલ અને જયદેવ ઉનડકટ

    ઇમેજ સ્રોત, Jaydev Unadkat/ Instagram

    અક્ષર પટેલ અને મેહા પટેલે ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી અને હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

    એએનઆઈના અહેવાલ અનુસાર, ઑલરાઉન્ડરે તેમના લગ્નના કારણે ન્યુઝીલૅન્ડ સામેની એક દિવસીય શ્રેણી છોડી દીધી છે. જોકે તેઓએ કોઈ ફોટો અથવા વીડિયો શેર કર્યા નથી, પરંતુ ટ્વિટર પર ઘણાં ચાહકોએ તેમના યાદગાર દિવસની તસવીરો શેર કરી છે.

    તેમની કારકિર્દીની વાત કરીએ તો તેઓએ શ્રીલંકા સામે તાજેતરમાં જ સમાપ્ત થયેલી ટી-20 અને વનડેમાં સારું પ્રદર્શન કર્યું હતું.

    એનડીટીવીના અહેવાલઅનુસાર, અક્ષર પટેલના લગ્નમાં તેમના મિત્ર ક્રિકેટર જયદેવ ઉનડકટ પણ પહોંચ્યા હતા અને તેઓ તેમના મિત્ર સાથે તસવીરમાં જોવા મળી રહ્યા છે. સાથે તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પણ તસવીરો શેર કરી છે. જયદેવ ઉનડકટે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “Welcome To The Club”

    અક્ષર પટેલ અને મેહા પટેલે ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અક્ષર પટેલ અને મેહા પટેલે સંગીત સેરેમનીમાં સુંદર ડાંન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું.

    અક્ષર પટેલના પત્ની મેહા પટેલની વાત કરીએ તો તેઓ એક જાણીતા ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનિસ્ટ છે, જે ફિટનેસ માટે ઘણાં જાણીતા છે.

  11. અદાણી સમૂહે કહ્યું, “હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ”

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, g

    ગુજરાતી ઉદ્યોગપિત ગૌતમ અદાણીના બિઝનેસ જૂથ અદાણી સમૂહે કહ્યું છે, “હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ”

    અદાણી તરફથી ગુરુવારના આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું, "24 જાન્યુઆરી 2023 ના હિંડનબર્ગ રિસર્ચ દ્વારા દુર્ભાવનાપૂર્ણ અને વિના રિસર્ચ પ્રકાશિત રિપોર્ટનો અદાણી જૂથ, અમારા શેરધારકો અને રોકાણકારો પર ખરાબ પ્રભાવ પડ્યો છે."

    "રિપોર્ટના કારણે ભારતીય શેર બજારમાં અસ્થિરતા બહુ ચિંતાનો વિષય છે અને આનાથી ભારતીય નાગરિકોને કારણ વગર પરેશાન કરવામાં આવી રહ્યા છે."

    "સ્પષ્ટ રૂપથી, રિપોર્ટ અને તેની નિરાધાર સામગ્રીને અદાણી સમૂહની કંપનીઓના શેયરના મૂલ્યો પર ખરાબ અસર પડે તે માટે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં કારણ કે હિંડનબર્ગ રિસર્ચે પોતે માન્યું કે અદાણીના શેર્સમાં ગિરાવટ આવી છે.

    "રોકાણકારો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા, અદાણી જૂથ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા અને અદાણીના એફપીઓ (ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ) ને નુકસાન પહોંચાડવા માટે એક વિદેશી એકમે જાણીને અને બેદરકારીપૂર્વકના પ્રયાસથી અમે ખૂબ પરેશાન છીએ."

  12. ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પાછા ફરશે, નૂર નાનજી, બિઝનેસ સંવાદદાતા, બીબીસી

    ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પાછા ફરશે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પાછા ફરશે

    ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પાછા ફરવાના છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકીની કંપની મેટાએ તેમના છેલ્લાં બે વર્ષથી સસ્પેન્ડ કરેલા એકાઉન્ટને પુન:સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.

    સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું છે કે, “આવતા અઠવાડિયામાં” એકાઉન્ટ પુન:સ્થાપિત કરવામાં આવશે.

    મેટાના વૈશ્વિક બાબતોના પ્રમુખ નિક ક્લેગે એક નિવેદનમાં કહ્યું હતું કે, “જનતાએ સાંભળવું જોઈએ કે તેમના રાજકારણીઓ શું કહી રહ્યા છે.”

    વર્ષ 2021માં કૅપિટલ હિલ પર થયેલા હુમલા બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધું હતું.

    ક્લેગે કહ્યું છે કે, “કંપનીએ આ નિર્ણય એટલા માટે લીધો હતો, કારણ કે ટ્રમ્પે હિંસા કરનારા લોકોના વખાણ કર્યા હતા.”

    તેઓએ કહ્યું હતું કે, “આ એક અસામાન્ય પરિસ્થિતિમાં લેવામાં આવેલો અસામાન્ય નિર્ણય હતો.”

    તેઓએ એ પણ કહ્યું હતું કે એક રિવ્યૂમાં માહિતી મળી હતી કે, ટ્રમ્પના એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારની જાહેર સુરક્ષાને કોઈ ખતરો નથી.

  13. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    26જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.