You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અદાણી સમૂહે હિંડનબર્ગના રિસર્ચ મુદ્દે 'છેતરપિંડી'ના આરોપો પર શું કહ્યું?
નોંધનીય છે કે મંગળવારે છપાયેલ એક રિપોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો હતો કે 218 બિલિયન ડૉલરવાળું અદાણી સમૂહ 'કારોબારી ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી' કરી રહ્યું છે.
લાઇવ કવરેજ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી : ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને 'શ્રદ્ધાળુનાં મનની વાત જાણવાની' સંપૂર્ણ 'કરમકુંડળી'
અદાણી સમૂહે કહ્યું, “હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ”
અદાણી સમૂહે કહ્યું છે કે તેઓ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
અદાણી તરફથી ગુરુવારે જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું, “24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા દુર્ભાવનાપૂર્વ અને સંશોધન વગર પ્રકાશિત રિપોર્ટે અદાણી સમૂહ, અમારા શૅરધારકો અને રોકાણકારો પર પ્રતિકૂળ અસર કરી છે.”
“રિપોર્ટના કારણે ભારતીય શૅરબજારોમાં અસ્થિરતા અત્યંત ચિંતાનો વિષય છે અને આના કારણે ભારતીય નાગરિકો વગર કારણે પરેશાન થયા છે.”
“સ્પષ્ટપણે, રિપોર્ટ અને તેની નિરાધાર સામગ્રી અદાણી સમૂહની કંપનીઓના શૅરની કિંમતો પર પ્રતિકૂળ અસર થાય તે માટે ડિઝાઇન કરાયાં હતાં, કારણ કે હિંડનબર્ગ રિસર્ચે જાતે માન્યું છે કે અદાણીના શૅરમાં ઘટાડાથી તેને ફાયદો થશે.”
“રોકાણકારો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવા, અદાણી સમૂહ અને તેના અધિકારીઓની પ્રતિષ્ઠા ઘટાડવા અને અદાણી એફપીઓ (ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ)ને નુકસાન પહોંચાડવા માટે એક વિદેશી એકમ દ્વારા જાણીજોઈને બેદરકારીથી કરાયેલા પ્રયાસથી અમે અત્યંત પરેશાન છીએ.”
“અમે હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકન અને ભારતીય કાયદા અંતર્ગત પ્રાસંગિક જોગવાઈઓનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.”
નોંધનીય છે કે મંગળવારે છપાયેલ એક રિપોર્ટમાં હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો હતો કે 218 બિલિયન ડૉલરવાળું અદાણી સમૂહ ‘કારોબારી ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી’ કરી રહ્યું છે.
'મારી સામે ઘર પડી ગયાં, પતિ દટાઈ ગયા..' કચ્છના ભૂકંપમાં બધું ગુમાવનાર ગુજરાતી મહિલાની હિંમતની કહાણી
સુરત હિટ ઍન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ, બાઇકચાલકને ‘12 કિમી સુધી ઢસડ્યા’નો આરોપ
સ્થાનિક અહેવાલો અનુસાર સુરત હિટ ઍન્ડ રન કેસમાં આરોપીની ધરપકડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે.
નોંધનીય છે કે ગત 18 જાન્યુઆરીના રોજ બાઇકસવાર દંપતીનો કડોદરા-બારડોલી રોડ પર લક્ઝુરિયસ કાર સાથે અકસ્માત થતાં અશ્વિની પાટીલ નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
અકસ્માત અંગે વાત કરતાં મૃતકનાં પત્નીએ જણાવ્યું હતું કે, “અમે સુરતથી આવી રહ્યાં હતાં ત્યારે અચાનક પાછળથી એક કારે અમને જોરદાર ટક્કર મારી, ત્યારે રાતના દસ વાગી રહ્યા હતા, હું સદ્ભાગ્યે બાઇક પરથી પડી ગઈ, આસપાસના લોકોએ મારી મદદ કરી. તેમણે મારા પતિની પણ ખૂબ શોધખોળ કરી પરંતુ તેઓ અંધારામાં ક્યાંય ન દેખાયા.”
સ્થાનિક અહેવાલો અનુસાર અકસ્માત થયો એ સ્થળથી મૃતકનું શરીર લગભગ 12 કિલોમીટર દૂર બે દિવસ બાદ મળી આવ્યું હતું. બાઇકચાલક યુવક કારની નીચે ફસાઈને ઢસડાતા રહ્યા હતા. જે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
હવે સ્થાનિક અહેવાલો અનુસાર આ કેસમાં આરોપી બિરેન શિવાભાઈ લાડુમોરેની પોલીસે ધરપકડ કરી છે.
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મૃતદેહ અકસ્માત સ્થળથી દૂર સુરતના પલસાણા તાલુકાની એક જગ્યાએથી મળી આવ્યું હતું.
આ કેસમાં લક્ઝુરિયસ કાર પાછળ ચાલી રહેલ કારે આ સમગ્ર ઘટનાક્રમ પોતાના કૅમેરામાં રેકૉર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર આરોપી એક બિલ્ડર છે અને તેમની મુંબઈથી ધરપકડ કરાઈ હતી.
એલસીબીના અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “આરોપી 23 વર્ષનો છે. તે પોતાની સાઇટ પરથી કારથી પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન મોટરસાઇકલ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. એ દરમિયાન ગાડીની ઍરબૅગ ખૂલી જતાં તે ગભરાઈ ગયેલો, તે ગાડીને કાબૂમાં ન રાખી શકતા તેણે અકસ્માત બાદ પણ ગાડી પૂરપાટ ઝડપે આગળ હાંકી.”
“મૃત્યુ પામનાર યુવાન ગાડીની નીચે ફસાઈ ગયો હતો, પરંતુ આરોપીએ ધ્યાન નહોતું આપ્યું, જેના કારણે તે યુવક કાર નીચે જ ઢસડાતો રહ્યો. ત્યાર બાદ તે ગભરાઈ ગયેલ હોવાથી ત્યાંથી નાસી ગયેલો, જ્યાંથી તે બૉમ્બે અને પછી સિરોહી પહોંચી ગયો હતો. તે જ્યારે સિરોહીથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એલસીબીએ બાતમીના આધારે તેને પકડી પાડ્યો હતો. આગળની તપાસ કડોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે.”
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે પહેલા દિવસે બૉક્સિ ઑફિસ પર કેટલી કમાણી કરી?
અંદાજે ચાર વર્ષ બાદ શાહરુખ ખાનની કોઈ ફિલ્મ આવી છે. બુધવારે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે અને પહેલા દિવસે બૉક્સિ ઑફિસ પર મોટી કમાણી કરી છે.
ફિલ્મ ટ્રેડ ઍનાલિસ્ટ કોમલ નહાટા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે બધી ભાષામાં કુલ 53 કરોડની કમાણી કરી છે. આ કમાણી એટલા માટે પણ મોટી મનાઈ રહી છે કે આ કલેક્શન વીકેન્ડ કે કોઈ રજાની દિવસની નથી.
સામાન્ય રીતે ફિલ્મ શુક્રવારે રિલીઝ થતી હોય છે, જેથી વીકેન્ડ પર લોકો જોવા માટે થિયેટરમાં આવે અને કમાણી વધુ થાય. પણ પઠાણને બુધવારે રિલીઝ કરાઈ હતી.
કોમલ નહાટાએ ટ્વિટર પર લખ્યું, "પઠાણે પહેલા દિવસે (બધા ભાષામાં) 53 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે. 'વૉર' ફિલ્મ (બધા ભાષાઓમાં)ની પહેલા દિવસની કમાણી 53.35 કરોડ હતી. પણ એ રજાનો દિવસ હતો. આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દુસ્તાને પહેલા દિવસે (બધા ભાષામાં) 52.25 કરોડની કમાણી કરી હતી, આ પણ વીકેન્ડનો દિવસ હતો."
"માનવામાં આવે છે કે પઠાણનું પહેલા દિવસનું ઓવરસીઝ કલેક્શન 40 લાખ ડૉલરથી વધુ જણાઈ રહ્યું છે. જે બૉક્સ ઑફિસ પર મોટું કલેક્શન છે. સટીક આંકડાની રાહ."
જોકે ઈન્દોર, ગ્વાલિયર, બૅંગલુરુ સહિત અનેક જગ્યાએ હિન્દુ સંગઠનોએ સિનેમાઘરમાં લઈને ફિલ્મનો વિરોધ કર્યો હતો.
જાપાનના સમુદ્રમાં માલવાહક જહાજ ડૂબ્યું, ચીનના નાગરિકો સહિત આઠનાં મૃત્યુ
જાપાનના સમુદ્રમાં એખ માલવાહક જહાજ ડૂબવાથી આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં ઘણા ચીની નાગરિકો સામેલ છે. ચીની અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી.
જિન તિઆન નામનું જહાજ મંગળવારે ડૂબ્યું અને સાંજથી જ રાહત-બચાવનું કાર્ય ચાલી રહ્યું છે. દક્ષિણ કોરિયાનાં કોસ્ટ ગાર્ડ અને પ્રાઇવેટ જહાજ આ કામમાં જોતરાયેલાં છે.
જે પાંચ લોકોને બચાવાયા છે, તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી છે.
આ જહાજ પર 22 લોકો સવાર હતા અને જાપાનના ડાન્ગો ટાપુથી લગભગ એક કિલોમિટર દૂરથી તેમાંથી સ્ટ્રેસ સિગ્નલ મોકલવાનું શરૂ કરાયું હતું.
ચીની અધિકારીઓ પ્રમાણે મૃતકોમાં છ ચાઇનીઝ નાગરિક સામેલ છે. જાપાન તરફથી મૃત્યુ પામેલ તમામ લોકોની સંખ્યાની પુષ્ટિ નથી કરાઈ.
'Super 30'ના આનંદ કુમાર ખરેખર હીરો છે કે વિલન
પ્રજાસત્તાકદિન પરેડમાં “ક્લીન-ગ્રીન એનર્જી ગુજરાત’ની થીમ આધારિત ગુજરાતની ઝાંખી
રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય અને કેન્દ્ર તરફથી ઝાંખીઓ જોવા મળી હતી, ત્યારે દેશની વિવિધતા અને સશક્તિકરણની તસવીરો પણ રજૂ કરાઈ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પ્રજાસત્તાકદિન પરેડ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 17 ઝાંખીઓમાં ગુજરાતની ઝાંખી “ક્લીન-ગ્રીન એનર્જી ગુજરાત’ની થીમ પર આધારિત હતી.
આ પ્રજાસત્તાકદિન પરેડમાં ગુજરાતની ઝાંખીમાં સૌર અને પવનઊર્જા દર્શાવવામાં આવી હતી.
આ ઝાંખી દ્વારા દેશ અને વિશ્વને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને સ્વચ્છ ઊર્જા બનાવવાનો સંદેશ અપાયો હતો.
બોટાદ : ગુજરાતમાં 74મા પ્રજાસત્તાકદિવસની બોટાદ ખાતે ઉજવણી કરાઈ, મુખ્ય મંત્રી અને રાજ્યપાલ રહ્યા હાજર
ગુજરાત 26 જાન્યુઆરીએ 74મો પ્રજાસત્તાકદિવસ ઉજવી રહ્યું છે અને બોટાદ જિલ્લામાં એક રાજ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રકારનું આયોજન જિલ્લામાં પહેલી વખત થયું હતું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, 26 જાન્યુઆરી પ્રજાસત્તાકદિવસે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો હતો.
ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દેશભક્તિની થીમ પર વિવિધ ડાન્સ પણ યોજાયા હતા.
આ સાથે તેઓએ જિલ્લા માટે 298 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોની પણ જાહેરાત કરી હતી.
આ સાથે એક અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોટાદ જિલ્લાને એક નવી સિવિલ હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ મળશે. આ બુધવારે મુખ્ય મંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી વિકાસ યોજનાનો ભાગ છે.
બુધવારે આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, પ્રજાસત્તાકદિવસ ઉજવવાની આદર્શ રીત લોકો માટે અથાક પરિશ્રમ કરવા બરાબર છે.
પ્રથમ વખત બીએસએફની ઊંટસવાર ટુકડીમાં દેખાઈ મહિલાઓ
આ વર્ષે પ્રથમ વખત સીમા સુરક્ષાબળની ઊંટસવારોની ટુકડીના હિસ્સાના રૂપમાં મહિલાદળે પરેડમાં ભાગ લીધો અને કર્તવ્ય પર સલામી આપીને આગળ વધી.
આ મહિલાઓ સશસ્ત્રદળોના 16મા માર્ચ કરનાર દળનો ભાગ બની.
આ વર્ષે આ ટુકડીમાં મહિલાઓની હાજરી મહિલા સશ્કિતકરણના દાખલા તરીકે જોવાઈ રહી છે.
બીબીસી ડૉક્યુમેન્ટરી પર અમેરિકાએ કહ્યું કે 'પ્રેસની સ્વતંત્રતાનું અમે સમર્થન કરીએ છીએ'
અમેરિકાના વિદેશ મંત્રાલયે બીબીસીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની ડૉક્યુમેન્ટરીને લઈને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમે દુનિયામાં પ્રેસની આઝાદીનું સમર્થન કરીએ છીએ અને અમે હંમેશાં લોકતાંત્રિક મૂલ્યોના મહત્ત્વને ઉજાગર કરતા આવ્યા છીએ.
પ્રેસ કૉન્ફરન્સમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટરીને ભારત સરકારે બૅન કરી છે. આને લઈને યુનિવર્સિટી, કૉલેજમાં સ્ક્રીનિંગ રોકવામાં આવી છે, લિંક સોશિયલ મીડિયા પરથી હઠાવવામાં આવી છે. શું તમને લાગે છે કે આ અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો છે?
તેમણે જવાબ આપ્યો, “હું કહેવા માગું છું કે જ્યારે આ પ્રકારની વાતો થાય છે ત્યારે અમે દુનિયામાં પ્રેસની આઝાદીનું સમર્થન કરે છે. અમે અને અમારા લોકશાહીના મૂલ્યોનું મહત્ત્વ ઉજાગર કરે છે. જેમકે બોલવાની આઝાદી, ધર્મ અને માન્યતાઓને માનવાની સ્વતંત્રતા, માનવ અધિકાર, આ બધાથી લોકશાહી મજબૂત બને છે. આ બિંદુઓના આધારે દુનિયાના દેશોના સંબંધ બને છે. ભારત સાથે અમારા સંબંધમાં આ પણ એક બિંદુ છે.”
બીબીસીએ બે એપિસોડની એક ડૉક્યુમેન્ટરી બનાવી છે જેનું નામ છે -'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'.
પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીના બ્રિટનમાં પ્રસારિત કરાયો હતો, બીજો એપિસોડ 24 જાન્યુઆરીના પ્રસારિત થયો હતો.
આ ડૉક્યુમેન્ટરી બીબીસી 2 પર પ્રસારિત થઈ હતી, બીબીસીએ આ ડૉક્યુમેન્ટરી ભારતમાં રિલીઝ નથી કરી.
આજે 74મા ગણતંત્ર દિવસનો ભવ્ય સમારોહ, અલ-સીસી મુખ્ય અતિથિ હશે
ગુરુવારે દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાકદિવસની ઉજવણી કરવામાં આવશે, જ્યાં આ પ્રસંગે એક ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે.
આ પ્રથમ વખત છે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને ઇજિપ્ત આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યા છે.
બુધવારે અલ-સીસી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઇજિપ્તના નેતાની આ મુલાકાત ભારત-ઇજિપ્ત સંબંધોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પરેડમાં રાજ્ય અને કેન્દ્ર તરફથી ઝાંખીઓ જોવા મળશે, ત્યારે દેશની વિવિધતા અને સશક્તિકરણની તસવીર રજૂ કરાશે.ત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખીઓ અને વિભિન્ન મંત્રાલયોમાંથી 6
ઝાંખીઓ અને રક્ષા મંત્રાલયમાંથી 4 ઝાંખીઓ કર્તવ્ય પથ પર ઉતરશે.
પહેલી વખત મહિલાઓ સીમા સુરક્ષા બળની ઊંટ ટુકડીના ભાગરૂપે પરેડમાં ભાગ લેશે. આ મહિલાઓ સશસ્ત્ર દળોની 16મી માર્ચિંગ ટુકડીનો ભાગ હશે.
આ વર્ષે પરેડમાં સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સિસ, દિલ્હી પોલીસ, નેશનલ કૅડેટ કોર, એનએસએસ સહિત 19 સૈન્ય જૂથો સામેલ છે.
આ દરમિયાન કાર્યક્રમના શાંતિપૂર્ણ આયોજનને સુનિશ્રિત કરવા માટે રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે અલગ-અલગ સ્થળે ચેક પોસ્ટ અને પેટ્રોલિંગ અભિયાન ઝડપી કરી દીધું છે.
પીટીઆઈ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કે, “લગભગ 6 હજાર સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને સમારોહમાં સામેલ થનારા લોકો માટે નવી દિલ્હીમાં કુલ 24 બેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે.”
વડા પ્રધાને પ્રજાસત્તાકદિન પર દેશવાસીઓને શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાકદિન પર દેશવાસીઓને શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ વખતનો અવસર એટલે વિશેષ છે કારણ કે આપણે તેને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ઉજવી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્યસેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે આપણે એકજુટ થઈને આગળ વધીએ, એજ કામના છે.
દિલ્હીના કર્તવ્યપથ પર ગુરુવારે 74માં પ્રજાસત્તાકદિનનો સમારોહ યોજાશે, જ્યાં આ અવસર પર ખાસ પરેડનું આયોજન કરાશે.
આ વખતે સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસી સામેલ છે.
આ પ્રથમ વખત છે કે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ આ આયોજનમાં સામેલ થશે. ભારત અને ઇજિપ્ત આ વર્ષે પોતાના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા છે.
પરેડમાં રાજ્ય અને કેન્દ્ર તરફથી ટૅબ્લો તૈયાર કરાયા છે જે દેશની વિવિધતા અને સશક્તિકરણનું ચિત્ર પ્રસ્તુત કરશે.
મીડિયા રિપોર્ટ અનુસાર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને વિભિન્ન મંત્રાલયોના છ ટૅબ્લો અને સંરક્ષણ મંત્રાલયના ચાર ટૅબ્લો કર્તવ્યપથ પર ઉતરશે.
પ્રથમ વખત મહિલા સીમા સુરક્ષાબળની ઊંટ ટુકડીના ભાગરૂપે પરેડમાં સામેલ થશે. આ મહિલાઓ સશસ્ત્રબળના 16મા માર્ચદળનો ભાગ હશે.
આ વર્ષે પરેડમાં કેન્દ્રીય અર્ધ સૈનિક બળ, દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય કૅડેટ કોર, એનએસએસની સાથે 19 સૈન્ય સમૂહો સામેલ છે.
Republic Day Parade Live : ભારતના ગણતંત્રદિવસની ઉજવણી કઈ રીતે થઈ રહી છે? કોણ-કોણ રહ્યું હાજર?
ભારતના પ્રજાસત્તાકદિવસની ઉજવણી રાજધાની નવી દિલ્હીમાં થઈ રહી છે. પરેડ, આકાશી કરતબો સિવાય બીજું શું થઈ રહ્યું છે? જુઓ લાઇવ
ઇજિપ્તે ભારત પાસેથી તેજસ લાઇટ લડાકુ વિમાન ખરીદવામાં રસ દાખવ્યો
ઇજિપ્તે ફરી એકવાર ભારત પાસેથી લાઇટ લડાકુ વિમાન તેજસ સહિત રડાર, મિલિટ્રી હેલીકૉપ્ટર અને અન્ય સૈન્ય પ્લેટફૉર્મ ખરીદવામાં રસ ધરાવ્યો છે.
બંને દેશોએ તેમનીરાષ્ટ્રીય સુરક્ષાની ઉભરતી જરૂરિયાતો માટે સંરક્ષણ કરારને વધુ મજબૂત બનાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ સીસી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત દરમિયાન હથિયારોના સોદા પર ચર્ચા થઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ વાતચીતની માહિતી રાખતા લોકોનું કહેવું છે કે મોદી અને સીસીએ ભારત અને ઈજિપ્ત વચ્ચેના સહયોગને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.
સીસી મંગળવારે ત્રણ દિવસના ભારતના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હશે.
ભારત અને ઈજિપ્ત વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના પ્રયાસો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે.
ગયા વર્ષે જુલાઈમાં ભારતીય વાયુસેનાએ ત્રણ એસયૂ-30 સુખોઈ અને બે સી-17 ટ્રાન્સપોર્ટ વિમાનો સાથે ઈજિપ્તમાં એક મહિનાના ટૅક્ટિકલ લીડરશિપ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
આ પછી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સપ્ટેમ્બરમાં ઈજિપ્તની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. ઇજિપ્તને આફ્રિકા અને યુરોપના બજારનો મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. એટલા માટે ભારત તેની સાથે તેના સહયોગને વધુ મજબૂત કરવા માગે છે.
પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો મુલાયમ સિંહ યાદવ સહિત કયા-કયા નામ યાદીમાં છે
74માં ગણતંત્ર દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ 106 પદ્મ સન્માનોને મંજૂરી આપી છે.
મુલાયમ સિંહ યાદવ, દિલીપ મહલનોબિસ, જાકિર હુસૈન, એસ એમ કૃષ્ણા, બાલકૃષ્ણ દોશી અને શ્રીનિવાસ વર્ધનને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે.
આ ઉપરાંત સુધા મૂર્તિ, કેએમ બિડલા સહિત નવ લોકોને પદ્મ ભૂષણ સન્માન આપવામાં આવશે.
24 જાન્યુઆરીએ અવસાન પામેલા આર્કિટેક્ટ બી. વી. દોશીને આ યાદીમાં પદ્મવિભૂષણ સન્માન આપવાની જાહેરાત કરાઈ હતી.
દોશી ઉપરાંત સાત અન્ય ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.
ગુજરાતથી ભજનિક હેમંત ચૌહાણ, ભાનુભાઈ ચિતારા, મહિપત કવિ, અરિઝ ખંભાતા (મૃત્યુ પશ્ચાત), હિરાબાઈ લોબી, પ્રો. મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી પુરસ્કાર અપાશે.
આ સાથે પદ્મશ્રી એમ એમ કીરાવની, આનંદ કુમાર, સહિત 91 લોકોને આપવામાં આવશે.
સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
25જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.