ઉત્તરાખંડના જોશીમઠમાં ઘરો અને
રસ્તાઓમાં તિરાડો પડતા અને લોકોના વિરોધ બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ ત્યાં કામચલાઉ
પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો છે.
સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ તેમણે
ટ્વિટર પર આ માહિતી આપી હતી.
તેમણે લખ્યું, "જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલન સંબંધિત બેઠકમાં કમિશનર ગઢવાલ મંડળ, સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલી પાસેથી
ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને, વહેલી તકે સલામત સ્થળે એક મોટું
કામચલાઉ પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરવા અને જોખમી વિસ્તાર ખાલી કરાવવા માટેના
નિર્દેશો આપવામાં આવ્યા છે."
"સેક્ટર અને ઝોનલ મુજબની યોજનાઓ
બનાવવા અને વિના વિલંબે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કાર્યરત કરવા માટે પણ સૂચનાઓ આપી
દેવામાં આવી છે. સરકાર આ સમસ્યાના ઉકેલ માટે પૂરી તીવ્રતા સાથે કામ કરી રહી છે.
નાગરિકોની સલામતી અને વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
છે."
ઉત્તરાખંડના જોશીમઠમાં છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના ઘર છોડીને સંબંધીઓના ઘરે આશ્રય લઈ રહ્યા છે. જે લોકો આમ કરી શકતા નથી, તેઓ તેમના ઘરની બહાર ખુલ્લા આકાશ નીચે સૂવા માટે મજબૂર છે.
સ્થાનિક લોકોમાં રાજ્ય સરકાર પ્રત્યે એટલો ગુસ્સો છે કે ગુરુવારે સવારે સામાન્ય લોકોએ બદ્રીનાથ હાઈવે બ્લોક કરી દીધો અને સાંજે મશાલ સરઘસ કાઢ્યું હતું.
જોશીમઠ શહેરના અનેક મકાનોની દિવાલો અને મકાનોમાં તિરાડો સતત પહોળી થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીંના રસ્તાઓમાં પણ તિરાડો દેખાવા લાગી છે.
જોશીમઠ મહાનગરપાલિકાના પ્રમુખ શૈલેન્દ્ર પંવારે ગુરુવારે જણાવ્યું હતું કે 'સ્થિતિ હવે ચિંતાજનક બની ગઈ છે કારણ કે દર કલાકે આ તિરાડો મોટી થઈ રહી છે'.
જોશીમઠમાં સરકાર સામે વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે સરકારે એનટીપીસીના ઉતાવળા બાંધકામ અંગેની તેમની ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નથી.
જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતીએ સવાલ કર્યો છે કે, 'હવે જ્યારે અમે જમીનમાં સમાઈ જવાને આરે છીએ ત્યારે સરકારે બાંધકામનું કામ કેમ બંધ કરાવી દીધું છે. તેમણે પહેલા અમારી તરફ ધ્યાન કેમ ન આપ્યું.
અતુલ સતીએડાઉન ટુ અર્થસાથે વાત કરતા દાવો કર્યો છે કે તપોવન વિષ્ણુગઢ પરિયોજના હેઠળ બનાવવામાં આવેલી ટનલથી જમીન પોલી થઈ ગઈ છે.
જોશીમઠના મારવાડી વોર્ડ અને વોર્ડ 2 ની જમીનમાંથી કિચડ બહાર નીકળતો જોઈ સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે. લોકોને શંકા છે કે આ માટી પહાડ પર બનાવવામાં આવી રહેલી ટનલમાંથી નીકળી રહી છે.