ટીવી અભિનેત્રી તુનિષા શર્માનો આપઘાત, શૂટિંગ સ્પૉટ પર ગળે ફાંસો ખાધો

ઇમેજ સ્રોત, Instagram/Tunisha Sharma
ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ એક ટીવી સિરિયલના સેટ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયાં, જોકે ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
હૉસ્પિટલમાં ડૉક્ટરોએ અભિનેત્રીને મૃત જાહેર કરી હતી.
થાણા જિલ્લાના વાલીવ પોલીસના સિનિયર ઇન્સપેક્ટરકૈલાસ બાર્વેએ બીબીસીને જણાવ્યું કે તુનિષા શર્માના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે.
ઇન્સપેક્ટરે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગ્યે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં 4:20એ એમને મૃત જાહેર કરવામાં આવ્યાં.
તેમના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન વિરામ વખતે તુનિષા પોતાના મેકઅપ રૂમમાં જતા રહ્યાં હતાં અને નક્કી કરાયેલા સમય બાદ પણ શૂટિંગ પર પહોંચ્યાં નહોતાં.
તેમણે કહ્યું, "એ બાદ કેટલાક લોકો જ્યારે તેમને જોવા ગયા તો અવાજ કરવા છતાં તેમણે દરવાજો નહોતો ખોલ્યો. એ બાદ જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તેઓ ફાંસી ખાધેલા જોવા મળ્યાં. એ બાદ લોકો તેમને તત્કાલ હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં."
તુનિષાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2015માં ટીવી સિરિયલ'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ'થી કરી હતી.
એ બાદ તેમણે 'ચક્રવર્તી અશોક સમ્રાટ' સિરિયલમાં પણ કામ કર્યું, 'ઇશ્ક સુભાનઅલ્લાહ', 'ઇન્ટરનેટવાલા લવ' જેવાં સિરિયલોમાં પણ કામ કર્યું.
2016માં તેમણે ફિલ્મ 'ફિતૂર'થી બોલિવૂડ કૅરિયરની શરૂઆત કરી હતી.















