You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોના સામે શું-શું તૈયારી ચાલી રહી છે?
આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓની મીટિંગ યોજાઈ હતી. ત્યાર બાદ રાજ્યમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, ICICIનાં પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની CBI દ્વારા ધરપકડ
ICICIનાં પૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
વીડિયોકૉન ગ્રૂપ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં CBIએ ICICI બૅન્કનાં પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.
સતત નવ વર્ષ સુધી આઈસીઆઈસીઆઈ બૅન્કનાં સીઈઓ અને એમડી રહી ચૂકેલાં ચંદા કોચર પર વીડિયોકૉન ગ્રૂપને લોન આપવાનો આરોપ છે.
આ મામલો સૌથી પહેલા વ્હિસલ બ્લોઅર અરવિંદ ગુપ્તાની ફરિયાદ બાદ ઉજાગર થયો હતો. અરવિંદ ગુપ્તા વીડિયોકૉન ગ્રૂપમાં રોકાણકાર હતા.
ચંદા કોચર પર તેમના પતિને કથિત રીતે આર્થિક લાભ આપવા માટે પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.
એનડીટીવીનો 65 ટકા ભાગ અદાણી ગ્રૂપ પાસે જવો નક્કી
એનડીટીવીના સંસ્થાપક પ્રણવ રૉય અને રાધિકા રૉયે કહ્યું છે કે તેમણે પોતાના શૅર અબજપતિ ગૌતમ અદાણીને વેચવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
બાદમાં અદાણી ગ્રૂપ એનડીટીવીના 65 ટકા શૅર સાથે સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે.
એનડીટીવીમાં રાધિકા રૉય અને પ્રણવ રૉયની 27.26 ટકા ભાગીદારી છે. જેને તેઓ અદાણીની સ્વામિત્વવાળી કંપનીને ટ્રાન્સફર કરી દેશે.
અદાણી ગ્રૂપ અગાઉ જ ઓપન ઑફર અને પહેલાં કરાયેલા અધિગ્રહણ દ્વારા એનડીટીવીમાં 37 ટકા ભાગ મેળવી ચૂક્યું છે.
પ્રણવ રૉય અને રાધિકા રૉયે એક નિવેદનમાં કહ્યું, "હાલની ઓપન ઑફર બાદ એએમજી મીડિયા નેટવર્ક હવે એનડીટીવીનું સૌથી મોટું શૅરહોલ્ડર બની ગયું છે. આંતરિક સમજૂતી પ્રમાણે અમે નિર્ણય લીધો છે કે અમે અમારા શૅર એએમજી મીડિયા નૅટવર્કને વેચી દઈશું."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "જ્યારથી ઓપન ઑફર લૉન્ચ કરવામાં આવી છે, ત્યારથી અમારી અને ગૌતમ અદાણી વચ્ચેની વાતચીત સકારાત્મક રહી છે અને અમારા સૂચનોને સકારાત્મક રીતે સ્વીકારવામાં આવ્યા છે."
કોરોના : ભારતની ચીન જેવી હાલત થશે તો પહોંચી વળશે?
'27 ડિસેમ્બરે રાજ્યની તમામ હૉસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે'
આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓની મીટિંગ યોજાઈ હતી. ત્યાર બાદ રાજ્યમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ ઋષિકેશ પટેલે કહ્યું, "કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બેઠકમાં નવા સબ-વૅરિયન્ટના પ્રભાવ અને રાખવાની તકેદારી વિશે ચર્ચા કરવામાં આવી."
"વૅક્સિન અને હર્ડ ઇમ્યુનિટીના કારણે જુદાજુદા વૅરિયન્ટનો સામનો કરી શક્યા છીએ. હવે ફરીથી સંભાવનાઓ ઊભી થઈ છે ત્યારે મંત્રીઓ અને અધિકારીઓ સાથે આગામી ઍક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી."
"ઍરપૉર્ટ પર બે ટકા લોકોનું સૅમ્પલિંગ કરવામાં આવશે અને થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સ્વૈચ્છિક ડોમ ઊભા કરીને ઝડપથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની સુવિધા ઊભી કરવામાં આવશે."
નવા વૅરિયન્ટ વિશે વાત કરતાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તજજ્ઞોના મતે BF.7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત 16 વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગઅલગ છે. અત્યાર સુધીમાં ભારતમાં તેના કુલ 4 કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર–2022માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રિકવર થયા છે.
આ સાથે આરોગ્યમંત્રીએ લોકોને માસ્ક પહેરવા, સૅનેટાઇઝરનો ઉપયોગ કરવા અને પ્રિકૉશન ડોઝ લેવાની અપીલ કરી હતી.
બેઠકના કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દા
- રાજ્યમાં 100 ટકા વૅક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે
- 27 ડિસેમ્બરે રાજ્યની તમામ હૉસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે
- અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનિંગ કરાશે
- 2 ટકા યાત્રીઓનું રેન્ડમ આરટીપીસીઆર સૅમ્પલિંગ થશે
- ગુજરાતમાં હાલ દૈનિક 10 હજા કોરોના ટેસ્ટ થાય છે, જરૂર પડે તો ક્ષમતા વધારાશે
કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે રામસેતુ હોવાના કોઈ ઠોસ પુરાવા નથી
પૃથ્વી વિજ્ઞાન મામલાના મંત્રી જિતેન્દ્રસિંહે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે ભારતીય સેટલાઈટોને રામસેતુની ઉત્પત્તિ સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી.
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં ગુરુવારે જિતેન્દ્રસિંહે કહ્યું, "ભારતીય સેટેસાઇટોએ ભારત અને શ્રીલંકાના જોડતા રામસેતુના વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચી છે. જોકે આ સેટેલાઇટ તસવીરમાં સીધી રીતે રામસેતુની ઉત્પત્તિ અને તે કેટલો જૂનો છે તેને સંબંધિત કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી."
જવાબમાં એ પણ લખ્યું કે સાગરની નીચે ડૂબેલા શહેર દ્વારકાની તસવીરો રિમોટ સેન્સિંગ સેટેલાઈટથી નથી લઈ શકાતી, કેમ કે તે સપાટીથી નીચેની તસવીર લઈ શકતું નથી.
પરંતુ વિપક્ષ સરકારના આ જવાબ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે આ વાત મનમોહનસિંહની સરકારે કહી હતી ત્યારે ભાજપે કૉંગ્રેસને હિન્દુવિરોધી ગણાવી હતી.
આ સવાલ હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માએ પૂછ્યો હતો.
અમદાવાદ : 'દેવામાં ડૂબેલા' કંપાઉન્ડરે 'ઓછા ખર્ચે સર્જરીની લાલચ આપી માતાપુત્રીનાં મૃત્યુ કર્યાં', શું છે મામલો?
બ્રેકિંગ, પેરિસમાં ગોળીબાર, ત્રણ લોકોનાં મૃત્યુ
મધ્ય પેરિસમાં એક બંદૂકધારીએ જાહેરમાં ગોળીબાર કરતા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પેરિસમાં આવેલા કુર્દીશ કલ્ચરલ સેન્ટર પાસે થયેલા ગોળીબાર બાદ 69 વર્ષીય સંદિગ્ધને પોલીસે પકડી પાડ્યા છે.
સત્તાધીશોએ લોકોને વિસ્તારથી દૂર રહેવા સૂચના આપી છે.
ઘટનાના સાક્ષી એક દુકાનદારે સમાચાર એજન્સી એએફપીને કહ્યું, "અહીં ડરનો માહોલ છે. અમે ખુદને બંધ કરી દીધા છે."
સાક્ષીઓએ કહ્યું કે તેમણે આઠેક વખત ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો હતો.
કોરોના વૅક્સિન : બે વર્ષ બાદ પણ આપણે તેની આડઅસરો વિશે કેટલું જાણીએ છે?
નેપાળની જેલમાં ઉંમરકેદની સજા કાપી રહેલા ચાર્લ્સ શોભરાજ થયા જેલમાંથી મુક્ત
નેપાળમાં બે વિદેશી નાગરિકોની હત્યાના મામલામાં ઉંમરકેદની સજા કાપી રહેલા ચાર્લ્સ શોભરાજને 19 વર્ષ ત્રણ મહિના પછી સુંદરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ જેલના જેલર ઇશ્વરી પ્રસાદ પાંડેયે બીબીસીને જણાવ્યું કે, "અમે તેમને ઇમિગ્રેશન વિભાગ પાસે મોકલી દીધા છે. તેમના પ્રત્યાવર્તનની પ્રક્રિયા ઇમિગ્રેશન વિભાગ કરશે."
પાંડેય અનુસાર, શોભરાજે કહ્યું છે કે તેઓ મીડિયા સામે નહીં આવે અને કોઈ પ્રતિક્રિયા નહીં આપે.
અધિકારીઓએ કહ્યું કે તેમને ફ્રાન્સ પાછા મોકલવાની તૈયારી કરાઈ રહી છે.
બુધવારના સુપ્રીમ કોર્ટે 'બિકની કિલર', 'સિરિયલ કિલર'અને 'ધ સર્પેન્ટ'જેવા વિભિન્ન નામોથી ઓળખાતા ફ્રાન્સના નાગરિક ચાર્લ્સ શોભરાજને મુક્ત કરવા અને 15 દિવસની અંદર ફ્રાન્સ મોકલી આપવાનો આદેશ આપ્યો હતો.
બ્રેકિંગ, સિક્કિમમાં ભારતીય સેનાના ટ્રકનો અકસ્માત, સેનાના ત્રણ અધિકારીઓ અને 13 સૈનિકોનું મૃત્યુ
ભારતના ઉત્તરપૂર્વના રાજ્ય સિક્કિમના ઝેમામાં સેનાના એક ટ્રકનો અકસ્માત થતાં ભારતીય સેનાના 16 કર્મીઓનું મૃત્યુ થયું છે અને ચાર ઈજાગ્રસ્ત થયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારતીય સેનાએ કહ્યું છે કે, તીવ્ર વળાંક ટ્રક લપસી જતાં આ દુર્ઘટના ઘટી હતી.
ભારતીય સેનાના નિવેદન અનુસાર મૃતકોમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઑફિસર અને 13 સૈનિકો હતા.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ અકસ્માતમાં સેનાના સભ્યોનાં મૃત્યુ પર દુખ પ્રકટ કર્યું છે.
તેમણે કહ્યું કે, "દેશ તેમની સેવા અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરે છે. ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."
ભારતીય સેના અનુસાર "સવારે ત્રણ ગાડીઓનો કાફલો ચાટેનથી થાંગુ જવા નીકળ્યો હતો. ઝેનાના રસ્તામાં એક તીવ્ર વળાંક પર ઊંચા ચઢાણ પર લપસી જતાં અકસ્માત સર્જાયો હતો. બચાવકાર્ય તત્કાલિક શરૂ કરાયું હતું અને ચાર ઈજાગ્રસ્ત સૈનિકોને બચાવવામાં આવ્યા હતા."
બ્રેકિંગ, IPLની હરાજી: સનરાઇઝર્સ હૈદરાબાદે હૈરી બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા
બ્રિટનના બૅટ્સમૅન હૈરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023 માટે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તાજેતરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં બ્રુકે સૌથી વધુ રન બનાવ્યા હતા.
આ સિરીઝમાં તેમણે 93.60ની એવરેજથી 468 રન ઉમેર્યા છે, જેમાં ત્રણ સદી અને એક અડધી સદી સામેલ હતી. આ ટેસ્ટ સિરીઝમાં તેઓ મૅન ઑફ ધ સિરીઝ પણ રહ્યા હતા.
સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન પાકિસ્તાન સામે રમાયેલી સાત મૅચની T-20 સિરીઝમાં પણ તેઓ તેના સારા પ્રદર્શનના કારણે મૅન ઑફ ધ સિરીઝ બન્યા હતા.
તેમણે સાત ઇનિંગ્સમાં 79.33ની એવરેજથી 238 રન બનાવ્યા, જેમાં એક અડધી સદી અને 81 રનનો શ્રેષ્ઠ સ્કોર સામેલ હતો.
ભારતમાં નેઝલ વૅક્સિન આપવાની શરૂ ક્યારે અને કેવી રીતે થશે? કોણ લઈ શકશે આ રસી?
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ભારત બાયૉટેકની નીડલ ફ્રી નેઝલ કોવિડ વૅક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી અપાઈ છે.
નાકથી લઈ શકાય તેવી આ વૅક્સિન માટે ઇન્જેક્શનની જરૂર નથી હોતી. આ ખાનગી ક્લિનિક્સ પર ઉપલબ્ધ હશે અને જલદી જ આ કોવિન પ્લૅટફૉર્મ પર લૉન્ચ કરવામાં આવશે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આધિકારિક સૂત્રોને ટાંકતા લખ્યું છે કે ભારત સરકારે નેઝલ વૅક્સિનને મંજૂરી આપી છે જે પહેલાં ખાનગી હૉસ્પિટલ્સમાં ઉપલબ્ધ બનશે. આ નેઝલ રસીને કોરોના વૅક્સિન રસીકરણ કાર્યક્રમમાં શુક્રવારથી સામેલ કરાશે.
એનડીવીટીના અહેવાલ અનુસાર આ ભારતમાં નિર્મિત ટુ ડ્રૉપ વૅક્સિન iNCOVACC કોવિન ઍપ પર શુક્રવારે સાંજે ઉપલબ્ધ હશે.
ભારત બાયૉટેક કંપની આ રસીનું નિર્માણ કરી રહી છે અને હાલ ખાનગી કેન્દ્રો પર જ ઉપલબ્ધ હશે.
આ હિટિરોલોગસ બૂસ્ટર ડોઝ હોવાને કારણે કોવિશિલ્ડ અને કોવૅક્સિન લીધી હોય તે પણ નેઝલ વૅક્સિન લઈ શકે છે.
નીડલ ફ્રીન વૅક્સિનને ઇમર્જન્સી યૂઝ માટે મર્યાદિત વપરાશ માટે નવેમ્બર મહિનામાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ હતી.
કોવિડ-19ના કેટલાક દેશોમાં કેસ વધવાની સાથે ભારતમાં કોરોના મહામારીને લઈને ચિંતા વધી ગઈ છે.
ચીનમાં કોવિડ-19ના સબ-વૅરિયન્ટ બીએફ.7ના કારણે કેસોમાં ઝડપથી વધારો થયો છે. ભારતમાં પણ આ સબ-વૅરિયન્ટના ચાર કેસ મળી આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી.
ઘણાં રાજ્યોએ આ સંબંધમાં ઇમર્જન્સી બેઠકો પણ યોજી હતી અને તૈયારીઓને લઈને સક્રિય થયાં છે.
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો, એક પોલીસકર્મી સહિત ત્રણનાં મૃત્યુ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાંં એક પોલીસ્ટેશનમાં થયેલા આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મી અને હુમલાખોર સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇસ્લામાબાદ પોલીસના ડીઆઈજી સોહેલ ઝફર ચટ્ટાના જણાવ્યા અનુસાર, આ ઘટના I-14 સૅક્ટરમાં ઘટી હતી, જ્યારે ઇગલ સ્ક્વૉર્ડે એક શંકાસ્પદ ટૅક્સીને ચેક પૉઇન્ટ પર તપાસ માટે રોકી હતી.
ડીઆઈજી સોહેલ ઝફર ચટ્ટાના જણાવ્યા અનુસાર, જ્યારે તપાસ ચાલી રહી હતી, ત્યારે કારમાં બેઠેલી એક વ્યક્તિએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં એક મહિલા અને હુમલાખોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તપાસ અભિયાનમાં રોકાયેલા એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે બે નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.
માર્યા ગયેલા પોલીસ કર્મચારીની ઓળખ હેડ કૉન્સ્ટેબલ આદિલ હુસૈન તરીકે થઈ છે, જ્યારે હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી.
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી છે અને અધિકારીઓને ઘટનાની જાણ કરવા જણાવ્યું છે. વિસ્ફોટના કારણે કારમાં આગ લાગી હતી.
આંતરરાષ્ટ્રીય યાત્રા માટે સરકારે નવા નિયમ જાહેર કર્યા, શું-શું બદલાયું?
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રાઓને લઈને નવાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. આ નવા નિયમો કેટલાક દેશોમાં કોરોનાના વધતા મામલાને કારણે બનાવાયા છે.
નવા નિયમો વિદેશોથી ભારત આવનારા યાત્રીઓ, ઍરપૉર્ટ, પૉર્ટ અને જમીનની સરહદ પર લાગુ થશે. આ નિયમ 24 ડિસમેબર, 2022થી લાગુ થઈ જશે.
આ નિયમો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. પહેલો નિયમ યાત્રાની તૈયારી દરમિયાન, બીજો નિયમ યાત્રા દરમિયાન અને ત્રીજો યાત્રા ખતમ થાય ત્યારે પાળવાાનો રહેશે
શું છે નવા નિયમો?
- બધા યાત્રિકોએ પોતાના દેશમાં વૅક્સિનેશનના સ્વીકૃત શેડ્યુલ અનુસાર વૅક્સિન મુકાવેલી હોય.
- ફ્લાઇટ/યાત્રા દરમિયાન અને બધા પ્રવેશદ્વાર પર કોરોના મહામારીને લઈને અને સંક્રમણથી બચવાના ઉપાયો (માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું)નું પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
- યાત્રા દરમિયાન જો કોઈ મુસાફરમાં કોરોનાનાં લક્ષણો દેખાય તો નિર્ધારિત નિયમો અનુસાર આઇસોલેટ કરવામાં આવે. તેમને માસ્ક પહેરવાનો રહેશે અને તેમને સારવાર માટે આઇસોલેશન સુવિધા માટે મોકલવામાં આવશે.
- યાત્રા ખતમ થવા પર સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે યાત્રીઓને ઉતારવામાં આવશે.
- પ્રવેશદ્વાર પર આરોગ્ય અધિકારીઓ યાત્રીઓની થર્મલ સ્ક્રીનિંગ કરશે.
- જો કોઈ યાત્રી સંક્રમિત મળશે તો તેને તુરંત આઇસોલેટ કરવામાં આવશે અને નિયમો અનુસાર આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે.
- ફ્લાઇટમાં હાજર યાત્રીઓમાં બે ટકા યાત્રીઓની કોરોના સંક્રમણ માટે રૅન્ડમ તપાસ કરાશે.
- તપાસ માટે યાત્રીઓની પસંદગી સંબંધી ઍરલાઇન કરશે (લોકો અલગઅલગ દેશોથી હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ). તેઓ પોતાનું સૅમ્પલ આપીને ઍરપૉર્ટથી જઈ શકે છે.
- જો આ યાત્રીઓના સૅમ્પલ કોરોના પૉઝિટિવ આવશે તો તેમને જિનોમ સિક્વન્સિંગ માટે મોકવામાં આવશે.
- બધા યાત્રીઓને યાત્રા પૂરી કર્યા પછી પોતાના આરોગ્ય પર નજર રાખવી જોઈએ. જો કોઈ લક્ષણ દેખાય તો નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર પર વાત કરવી જોઈએ.
- 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની યાત્રા પૂરી થયા બાદ તપાસ નહીં કરાય. જો તેમનામાં પછી કે પોતાની નિગરાનીમાં કોરોનાનાં લક્ષણ દેખાય તો તેમની તપાસ અને સારવાર કરવામાં આવશે.
ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના કેટલા કેસ નોંધાયા?
કોવિડ-19ના કેટલાક દેશોમાં કેસ વધવાની સાથે ભારતમાં કોરોના મહામારીને લઈને ચિંતા વધી ગઈ છે.
ચીનમાં કોવિડ-19ના સબ-વૅરિયન્ટ બીએફ.7ના કારણે કેસોમાં ઝડપથી વધારો થયો છે. ભારતમાં પણ આ સબ-વૅરિયન્ટના ચાર કેસ મળી આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી.
ઘણાં રાજ્યોએ આ સંબંધમાં ઇમર્જન્સી બેઠકો પણ યોજી હતી અને તૈયારીઓને લઈને સક્રિય થયા છે.
ભારતમાં કોવિડ-19ના કેસની વાત કરીએ તો, ભારત સરકારની વેબસાઇટ ‘માય ગવર્નમેન્ટ’ મુજબ, ગુરુવારે દેશભરમાં કોરોના વાઇરસના 185 કેસ નોંધાયા છે.
આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના કુલ 3,402 સક્રિય કેસ નોંધાયા છે.
કોરોનાના કારણે થયેલા મૃત્યુની વાત કરીએ તો ગુરુવારે આ સંક્રમણથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 190 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.
વૅક્સિનેશનની વાત કરીએ તો ગુરુવારે 66,197 લોકોને વૅક્સિન આપવામાં આવી છે. જે સાથે કુલ વૅક્સિનેશનનો આંકડો બે અબજ 20 કરોડથી વધુ થઈ ગયો છે.
કોરોના તપાસના આંકડાઓ પર નજર કરીએ તો, એક દિવસમાં લગભગ એક લાખ 25 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ચીનમાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા?
ચીનમાં કોરોના વાઇરસને કારણે વકરેલી પરિસ્થિતિને જોતાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ચિંતા વધી ગઈ છે. જોકે ભારતમાં હાલ કોરોના વાઇરસના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં છે.
ગઈ કાલે રાજ્યમાં આરોગ્યવિભાગની જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કોવિડ-19ના છ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં બે, ભાવનગરમાં બે, દાહોદમાં એક અને તાપીમાં એક કેસ નોંધાયો છે.
આ સાથે બે દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 27 ઍક્ટિવ કેસ નોંધાયેલા છે. આ સાથે અત્યાર સુધીમાં 12,66,456 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 10,414 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને યોજાયેલી કૅબિનેટ મિટિંગ બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં નોંધાયેલા ઑમિક્રોનના સબવૅરિયન્ટ BF.7ના ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સ્વસ્થ થઈ ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, “અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. દેશમાં હાલ 3,402 ઍક્ટિવ કેસ છે. જેમાંથી ગુજરાતમાં માત્ર 23 ઍક્ટિવ કેસ છે.”
સાથે એમ પણ જણાવ્યું હતું કે “સમગ્ર રાજ્ય ની હૉસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા માટે શુક્રવારે એક મોક ડ્રિલ યોજાશે અને જરૂર પડે તેને વધારવામાં આવશે.”
95મા ઍકેડમી એવૉર્ડમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ની 'આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ' કૅટેગરીમાં પસંદગી
ગુજરાતી નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફિલ્મ'છેલ્લો શો' ઑસ્કાર ઍવૉર્ડ્સમાં બેસ્ટ 'આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ' કૅટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ફિલ્મને ઑસ્કાર ઍવૉર્ડમાં ભારત તરફથી આધિકારિક ઍન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ધ ઍકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સ દ્વારા 95મા ઍકેડમી એવૉર્ડ માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બુધવારે 10 ઑસ્કર કૅટેગરીની શૉર્ટલિસ્ટ થયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડ#ક્યુમેન્ટરી અને ઇન્ટરનેશનલ ફીચર્સ, ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટ ઑરિજિનલ સ્કોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઑસ્કાર ઍવૉર્ડની વિવિધ કૅટેગરી માટે નૉમિનેશન વોટિંગ 12થી 17 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે. નૉમિનેશની યાદી 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. 95મો ઑસ્કાર ઍવૉર્ડ 12 માર્ચે હૉલીવુડના ડૉલ્બી થિયેટરમાં યોજાશે.
કોરોનાની સ્થિતિ અને તૈયારીને લઈને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની રાજ્યના મંત્રીઓ સાથે મિટિંગ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે ત્રણ વાગ્યે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને તૈયારીઓને લઈને બેઠક કરશે.
ચીનમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ બાદ સમગ્ર વિશ્વ ફરી એકવાર એલર્ટ પર છે. ચીનમાં BF.7 નામના કોવિડ સબ-વૅરિયન્ટ કહેર જોવા મળી રહ્યો છે. ચીન દ્વારા ભલે સંક્રમણની અસર ઓછી બતાવવામાં આવી રહી છે, પરંતુ ત્યાંથી જે તસવીરો આવી રહી છે તે ભયાનક છે.
ગઈ કાલે ભારતમાં BF.7 સબ-વૅરિયન્ટના કેટલાક કેસ મળી આવ્યા છે, જે બાદ ભારત સરકારની સક્રિયતા વધી છે. ફરી એક વાર જૂની કોવિડ ગાઇડલાઇન ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર રેન્ડમ RT-PCR સૅમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, "અમે અન્ય દેશોમાંથી આવતા લોકોના RT-PCR સૅમ્પલિંગ શરૂ કર્યા છે. અમે રોગચાળાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ."
પીએમઓ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પીએમએ કડક તકેદારી રાખવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોવિડ હજુ સમાપ્ત થયો નથી અને અધિકારીઓને ખાસ કરીને ઍરપૉર્ટ પર દેખરેખ વધારવા કહ્યું છે."
મોરબી પુલ દુર્ઘટના અંગે હાઇકોર્ટનું કડક વલણ, SITનો પ્રોગેસ રિપોર્ટ માંગ્યો
એનડીટીવીના અહેવાલ અનુસાર, ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 19 જાન્યુઆરી સુધીમાં મોરબી પુલ દુર્ઘટનામાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે,
નોંધનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં 30 ઑક્ટોબરે સદી જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં હતો, જેમાં 135 લોકોનાં મોત થયાં હતાં.
કોર્ટે બુધવારે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ અને હાઇકોર્ટના અગાઉના આદેશોના પાલન અંગેનો રિપોર્ટ 19 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરવો જોઈએ."
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે બુધવારે ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાના મામલે ઓવેરા ગ્રૂપના માલિકને નોટિસ આપીને જવાબ માગ્યો હતો.
મોરબી નગરપાલિકા પર આકરા પ્રહારો કરતાં કોર્ટે કહ્યું હતું કે, 'બેદરકારી'નો બચાવ કરવા માટે સમય માગવો યોગ્ય નથી.
જો નગરપાલિકા દ્વારા બેદરકારીનો કેસ પ્રસ્થાપિત થશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ જણાવાયું હતું.
ગુજરાત હાઇકોર્ટે 7 નવેમ્બરના રોજ મોરબી અકસ્માતની સુઓ મોટો સંજ્ઞાન લીધો હતો, જેમાં ગૃહવિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી હતી અને એક અઠવાડિયામાં રિપોર્ટ માગ્યો હતો.