બ્રેકિંગ, ભારત-ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશમાં LAC ખાતે ઘર્ષણ
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે 9 ડિસેમ્બરે આ ઘટના ઘટી હતી.તવાંગ વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) સુધી પહોંચી ગઈ હતી.
આ ઘર્ષણમાં બન્ને તરફ સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, બન્ને પક્ષો તુરંત જ પાછા હઠી ગયા હોવાનું પણ સમાચાર સંસ્થા જણાવી રહી છે.
ભારતના એક પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ભારતીય સંરક્ષણ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સૈનિકોની સરખામણીએ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.
લદ્દાખની ગણવાન ખીણમાં 15 જૂન 2020ના રોજ બન્ને દેશોના સૈનિકોએ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે. એ વખતે ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાયને ઈજા પહોંચી હતી.
'ધ ટ્રિબ્યૂન' અખબાર લખે છે કે આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો પહેલાંથી જ આમને-સામને થતા રહે છે.
જોકે, હજુ સુધી ભારત સરકાર તરફથી આ મામલે કોઈ આધિકારિક ટિપ્પણી નથી આવી. પૂર્વ લદ્દાખમાં ઑગષ્ટ 2020 બાદ બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણનો આ પ્રથમ મામલો છે.
ચીન તરફથી પણ આ મામલે કોઈ આધિકારિક નિવેદન જાહેર કરાયું નથી.