You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' - રાહુલ ગાંધી

મોરબીમાં પુલ અકસ્માતમાં 141 લોકોનાં મૃત્યુ થયાં છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ સામસામે આવી ગયા છે.

લાઇવ કવરેજ

  1. મોરબી પુલ દુર્ઘટનામાં પોલીસે પકડેલા આરોપીઓ કોણ છે?

  2. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે SCમાં નિવૃત્ત જજ પાસે તપાસની માગ કરતી PIL કરાઈ, PILમાં દેશમાં જૂનાં અને ભયજનક સ્મારકો-સ્થળોના જોખમનિર્ધારણ અને સર્વે માટે સમિતિની રચના કરવા ભારત સરકાર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગ કરાઈ છે

    રવિવારે સાંજે બનેલ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરાઈ છે અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસેથી કરાવવાની માગ કરાઈ છે.

    નોંધનીય છે કે આ ઘટનામાં હજુ સુધી 134 મૃત્યુ થયાં છે. આ સિવાય અરજીમાં દેશનાં તમામ જાહેર સ્થળોએ સેફ્ટી ઓડિટ કરાવવા માટેની માગ પણ કરાઈ છે.

    અરજી કરનાર વકીલ વિશાલ તિવારીએ કરેલ આ PILમાં રાજ્યોમાં દુર્ઘટનાની તપાસ માટે કાયમી આપત્તિ તપાસ ટીમ બનાવવા નિર્દેશ આપવાની દાદ મગાઈ છે.

    બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીએ શૅર કરેલ માહિતી અનુસાર આ PILમાં દેશમાં જૂનાં અને ભયજનક સ્મારકો-સ્થળોના જોખમનિર્ધારણ અને સર્વે માટે સમિતિની રચના કરવા ભારત સરકાર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવાની માગ કરાઈ છે.

    આ સિવાય PILમાં રાજ્યો સરકારો દ્વારા કન્સ્ટ્રક્શન ઇન્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશ ડિપાર્ટમેન્ટની રચના કરવા સૂચન આપવાની વિનંતી કરાઈ છે.

    જેથી જાહેર બાંધકામનાં સ્થળોએ થયેલ કામની ગુણવત્તા અને તેની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

    બીબીસી સાથેની વાતચીતમાં તિવારીએ કહ્યું હતું કે, “આવી ઘટનાઓ જવાબદારીમાંથી ન ભજવવાની ગંભીર વૃત્તિ અને સરકારી તંત્રની બેદરકારી સૂચવે છે. તેથી આ ઘટના અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા વિગતવાર તપાસ થવી જોઈએ.”

  3. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોની મુલાકાત કરશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે એક વાગ્યે મોરબી પહોંચશે, તેમની આ મુલાકાત વિશે કૉંગ્રેસે સવાલ કર્યા છે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બપોરે મોરબીના ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાના પીડિતો અને તેમના પરીવારની મુલાકાત કરશે.

    રવિવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં મોરબીનો 150 વર્ષ જૂનો ઐતિહાસિક પુલ તૂટી પડ્યો હતો જેમાં 134 વ્યક્તિઓના મોત થયા છે.

    આ ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

    વડા પ્રધાન મોદીએ સોમવારે રાત્રે ગુજરાતના રાજભવન ખાતે મળેલી બેઠકમાં મોરબી દુર્ઘટના વિશેની વિગતવાર માહિતી મેળવી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

    ગુજરાત સરકારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

    આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતીની રચના કરવામાં આવી છે.

    વડા પ્રધાનની મુલાકાતના મોરબી મુલાકાતના સમાચાર મળતાની સાથે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને રંગરોગાનની કામગીરીના કથિત વીડિયો વાઇરલ થયા હતા. આ વીડિયો સંદર્ભે કૉંગ્રેસે આ દુખદ ઘટનાને એક ઇવેન્ટ બનાવી દેવા વિશે સવાલ કર્યા છે.

  4. બીજી નવેમ્બરે ગુજરાતમાં રાજકીય શોકની જાહેરાત

    મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના શોકમાં બીજી નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવામાં આવશે.

    સોમવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માહિતી ટ્વીટ કરીને આપી હતી.

  5. મોરબી દુર્ઘટના : હાલ કેવી પરિસ્થિતિ છે? મોરબીના કલેક્ટરે આપી માહિતી

    મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ દુર્ઘટના બાદ હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું...

    • અત્યાર સુધી 224 લોકોનો બચાવ કરાયો
    • 17 લોકો સારવાર હેઠળ. એમાંથી બે રાજકોટમાં, બાકીના મોરબીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ
    • 73 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા મળી
    • બે લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોલ ચાલુ
    • એનડીઆરએફ અને એસપીઆરએફની બે-બે ટીમ, આર્મીની છ કૉલમ, નૅવીની ટીમ, 18 બોટ, ફાયરબ્રિગેડ, એસઆરપીએફની ટીમ, રેન્જ આઈજી, એસપી રાજકોટ, એસપી મોરબી, એસપી સુરેન્દ્રનગરની ટીમ દ્વારા હજુ પણ બચાવકામગીરી ચાલુ છે.
    • કેટલીક ચૅનલો દ્વારા મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાની વાતો કરાઈ રહી છે એ ખોટી અને લોકો અફવા પર ધ્યાન ન આપે
  6. મોરબીની પુલ દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી પાંચ બાળકો છે. મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટનાથી આ ગામના કુલ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક સાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા આખા ગામમાં શોકનો માહોલ છે.

    રવિવારે સાંજ સાડા છ વાગ્યાની આસપાસ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.

    વીડિયો : દર્શન ઠક્કર / સુમિત વૈદ

  7. 'હું આ મામલે રાજકારણ નહીં કરું' : રાહુલ ગાંધી

    મોરબી પુલ દુર્ઘટના અંગે જ્યારે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આ અંગે કૉંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું આ મામલે રાજકારણ નહીં કરું'

    કૉંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ રાહુલ ગાંધીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે ટ્વીટ કર્યું હતું, 'પ્રશ્ન : મોરબી બ્રિજ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે? જવાબ : હું આ ઘટના પર રાજકારણ નથી કરવા માગતો. લોકોના જીવ ગયા છે. આ તેમના પ્રત્યે અપમાનજનક છે. એટલે હું એવું નહીં કરું.'

  8. મોરબીનો ઝૂલતો પુલ રિપેરિંગના સમય પહેલાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો?

    મોરબીનો જે ઐતિહાસિક ઝૂલતો પુલ 141 કરતાં વધુ લોકોના મોતનું કારણ બન્યો છે, તેનું સમારકામ અને જાળવણીનું કામ અજંતા બ્રાન્ડની ઘડિયાળનું ઉત્પાદન કરનારા મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

    આ ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે રૂપિયા 300ના સ્ટેમ્પપેપર પર થયેલા ચાર પાનાંના કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટમાં ટિકિટના દર માટે જેટલી વિગતવાર માહિતી આપવામાં આવી છે, તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો માટે જોવા મળતી નથી.

    બીબીસી ગુજરાતી પાસે આ કૉન્ટ્રેક્ટ ઍગ્રીમેન્ટની કૉપી છે.

    આ ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઝૂલતા પુલનું "મૅનેજમૅન્ટ" જેવું કે O&M (ઑપરેશન અને મેન્ટનન્સ), (સિક્યૉરિટી)/ સફાઈ / મૅન્ટનન્સ/ પેમેન્ટ કલેક્શન/ સ્ટાફ વગેરેનો ઍગ્રીમેન્ટ કરવામાં આવેલ છે."

    આ ઍગ્રીમેન્ટમાં કલેક્ટર, નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ દ્વારા પુલ પર જવાના હાલના દર અને વર્ષ 2027-28 સુધી તેમાં કેટલો વાર્ષિક વધારો કરવામાં આવશે તેની વયજૂથ પ્રમાણે વિગતો આપવામાં આવી છે. જેમાં હાલ જે સામાન્ય સહેલાણીઓ માટેની ટિકિટના દર 15 રૂપિયા છે, તેનો વર્ષ 2027-28 સુધીમાં 25 રૂપિયા થશે.

  9. મોરબી પુલ દુર્ઘટના મામલે નવ લોકોની ધરપકડ

    રેન્જ આઈજી અશોક યાદવે મોરબી દુર્ઘટના મામલે પત્રકારપરિષદ ભરી હતી અને બધી માહિતી આપી હતી.

    યાદવે જણાવ્યું કે આ મામલે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે કંપનીમાં મૅનેજર પણ સામેલ છે.

    પોલીસે કહ્યું કે ગઈ કાલે નોંધાયેલી ફરિયાદ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

    આ સમગ્ર ઘટનાને પગલે ઝૂલતા પુલનું સમારકામ, મેન્ટનન્સ તથા મૅનેજમૅન્ટ કરનાર વ્યક્તિ/એજન્સીઓ વિરુદ્ધ મોરબી સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ઇન્ડિયન પીનલ કોડ 304, 308, 114 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

    અગાઉ પોલીસે જાહેર કરેલ પ્રેસ રિલીઝ અનુસાર દીપક પારેખ, દિનેશ દવે, માદેવભાઈ સોલંકી, મનસુખભાઈ ટોપિયા, પ્રકાશભાઈ પરમાર, દેવાંગભાઈ પરમાર, અલ્પેશ ગોહીલ, દિલીપ ગોહીલ અને મુકેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે.

    મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાની ઘટનામાં 141 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

  10. એવું તો શું બન્યું કે 100 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો?

    મોરબીમાં ઝુલતો પુલ તૂટતા 140થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    24 કલાક બાદ પણ લોકો પોતના સ્વજનોને શોધી રહ્યા છે. આ મામલે રાજકારણ પર ગરમાયું છે. જોકે, એવા કેટલાક મુદ્દા છે, જેને લઈને હજી સુધી સ્પષ્ટતા થઈ નથી.

    જુઓ બીબીસી ગુજરાતીનો અહેવાલ.

  11. મોરબી : 20 કલાકથી વધુ સમયથી બચાવ કામગીરી ચાલુ

    • ગઈ કાલની ઘટના બાદ આખી રાત્રી અને હજી પણ અવિરત બચાવ કામગીરી ચાલુ છે.
    • મોરબીમાં પુલ અકસ્માતમાં 141 લોકોનાં મૃત્યુ થયાં છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ સામસામે આવી ગયા છે.
    • મોરબી પુલ દુર્ઘટના મામલે વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ ઘટનાની ચોક્કસ તપાસની માગ કરી હતી.
    • મોરબી પુલ દુર્ઘટના મામલે પોલીસે આઠ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરી શરૂ કરી છે.
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું સતત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં રહ્યો છું, આ ઘટનાથી બહુ વ્યથિત છું.
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતી કાલે મોરબીની મુલાકાત લેશે.
    • મોરબીમાં જૂનો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં પોલીસના જણાવ્યા પ્રમાણે 141 લોકોનાં મોત થયાં છે.
    • હાલમાં પણ નદી કાંઠે અલગઅલગ ટીમો તહેનાત છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે.
  12. મોરબી : 'પાણીમાં ખાબક્યા અને અમે સામે મોત જોયું'

    "અમે સાંજના સમયે પુલ પર ફરવા ગયા હતા. પુલની વચ્ચે પહોંચ્યા ત્યારે પુલ માણસોથી ભરાઈ ગયો. એવામાં પુલ હલવા લાગ્યો અને વચ્ચેથી તૂટતાં અમે બધા નીચે પાણીમાં જઈ પડ્યા. પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે અમે મોતનો નજારો જોઈ લીધો હતો."

    આ શબ્દો જિગર સોલંકીના છે. જિગર સોલંકી તો મોરબી પુલની દુર્ઘટનામાં જેમતેમ કરીને બચી ગયા પણ એમના ભત્રીજાની ભાળ નથી.

    મોરબીમાં રવિવાર સાંજે જાણીતો ઝૂલતો પુલ તૂટી પડતાં 140થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને હજુ પણ બચાવકામગીરી ચાલુ છે.

    આ પુલને સાત મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં જ 26 ઑક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

  13. મોરબી પુલ દુર્ઘટના મામલે વિપક્ષના પ્રહાર

    મોરબીમાં પુલ અકસ્માતમાં 141 લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસે આઠ લોકોની અટકાયત કરી છે.

    ઘણા પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. હવે આ મામલે રાજકીય નેતાઓ પણ સામસામે આવી ગયા છે.

    કૉંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પણ આ અંગે ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે, “મોદીજી મોરબી પુલ દુર્ઘટના દૈવી ઘટના છે કે પછી કૌભાંડનું કૃત્ય?”

    એક તરફ કૉંગ્રેસના નેતાઓ તરફથી આ દુર્ઘટના માટે સત્તાપક્ષ ભાજપ સામે સવાલ ઉઠાવાઈ રહ્યા છે તો સામેની બાજુએ ભાજપ દ્વારા પણ વળતા શાબ્દિક પ્રહાર કરાઈ રહ્યા છે.

    ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી સેલના ગુજરાત એકમના નેતા ડૉ. પંકજ શુક્લે મોરબી પુલ દુર્ઘટનાના તાર આમ આદમી પાર્ટી સાથે જોડવા અંગેનો પ્રયાસ કર્યો હતો.

    ભાજપના નેતા ડૉ. પંકજ શુક્લે આ મામલે ટ્વીટ કરતા કહ્યું હતું કે, “જે પ્રકારે આપના નેતાઓ ગુજરાતમાં કોઈ મોટા ધમાકાની વાત કરી રહ્યા હતા અને મોરબી અકસ્માત પહેલાં તરત રાજનીતિ કરવા લાગ્યા તે સંયોગ છે કે પ્રયોગ.”

    તેમણે આપ નેતા નરેશ બાલિયાનનું એક ટ્વીટ શૅર પણ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, “કાલે ભાજપને ગુજરાતમાં મોટો ઝાટકો લાગશે. ગુજરાતની રાજનીતિમાં બે મોટા ધડાકા થશે.”

    તો આપના ગુજરાત પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગુજરાત તકના એક ટ્વીટને રિટ્વીટ કર્યું અને ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે, “આનાથી ભયાનક શું હોઈ શકે જ્યારે મોરબીના કલેક્ટરે આ પુલને પ્રાઇવેટ કંપનીને આપવાનો ઇનકાર કર્યો, પરંતુ ગાંધીનગરથી મોટા નેતાનો ફોન આવ્યો અને નિગમે પુલ પ્રાઇવેટ કંપનીને આપી દીધો.”

    “એ નેતા કોણ છે અને તેના કંપની સાથે કેવા સંબંધ છે. કલેક્ટરના આદેશને કેમ અવગણવામાં આવ્યો.”

    રાષ્ટ્રીય જનતા દળે મોરબી પુલ દુર્ઘટના અંગે મીડિયા સંસ્થાઓના મૌન અંગે સવાલ ઉઠાવ્યા છે.

    રાષ્ટ્રીય જનતા દળે ટ્વીટ કરીને લખ્યું, "ગુજરાતમાં પુલ તૂટી પડતાં 140 નિર્દોષ લોકોની હત્યા થઈ ગઈ, પરંતુ ભ્રષ્ટાચાર અને મોત પર ગોદી મીડિયામાં સન્નાટો છે, કેમ કે ત્યાં (ગુજરાત) 27 વર્ષથી ભાજપની સરકાર છે."

    "ગોદી મીડિયા મોદી-શાહના ગૃહરાજ્યમાં કોઈ દોષ અને અવગુણ તો જોશે નહીં? કલ્પના કરો કે જો 140 મોત બિનભાજપી શાસનમાં થયાં હોત તો?"

    રાષ્ટ્રીય જનતા દળે પોતાના ટ્વિટર પર પીએમ મોદીના નિવેદન પર ટિપ્પણી કરતા ટ્વીટ કર્યું હતું.

  14. પોલીસે મોરબી પુલ દુર્ઘટના મામલે લોકોની અટકાયત કરી

    પોલીસે મોરબી પુલ દુર્ઘટના મામલે આઠ લોકોની અટકાયત કરી છે.

    એસપી રાહુલ ત્રિપાઠીએ કહ્યું કે આઠ લોકોની અટકાયત કરીને પૂછપરછ માટે લાવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે.

    મોરબીમાં જૂનો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં પોલીસના જણાવ્યા પ્રમાણે 141 લોકોનાં મોત થયાં છે.

    હાલમાં પણ નદી કાંઠે અલગઅલગ ટીમો તહેનાત છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે.

    બચાવકાર્ય માટે ભુજ અને જામનગરના 60 તથા નેવીના 50 જવાનો, 33 ઍમ્બ્યુલન્સ, 7 ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કૉલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના 30 ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સામેલ છે.

  15. મોરબી પુલ દુર્ઘટના : શું છે પુલનો ઇતિહાસ?

    મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા અને કેટલાયનાં મૃત્યુ થયાં.

    આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં મૃતાંકનો આંક 140થી વધી ગયો છે. રવિવાર સાંજે ઘટેલી આ દુર્ઘટનામાં હજુ કેટલાય લોકો લાપતા છે અને મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

    એક સદી જૂનો આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો હતો અને એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ કરાવ્યું હતું.

    લગભગ દોઠસો વર્ષ પહેલાં મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.

    એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાયો હતો.

    પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું.

    • લગભગ દોઠસો વર્ષ પહેલાં મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું. એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાયો હતો

  16. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલે મોરબી જશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મોરબીની મુલાકાત લેશે.

    સીએમઓ તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાતપ્રવાસે છે. આજે વડા પ્રધાન કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.

    વડા પ્રધાને કહ્યું કે "હું એકતાનગરમાં છું, મારું મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. જીવનમાં આવી પીડા મેં ભાગ્યેજ અનુભવી હશે. જે લોકોએ જીવન ગુમાવ્યું છે, તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું."

  17. મોરબીનો પુલ કેવી રીતે તૂટ્યો હતો, પ્રથમ વખત સામે આવ્યો વીડિયો

  18. મોરબી પુલ દુર્ઘટના : નદીમાં અલગઅલગ ટીમો દ્વારા શોધખોળ

    મોરબીના વર્ષો જૂનો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે.

    અંદાજે 200 લોકોએ આખી રાત બચાવની કામગીરી કરી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફ, ફાયર, પોલીસ વગેરેની ટીમો અહીં હાજર છે.

    આજે સાંજે સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થાય તેવી શક્યતા છે.

    હજુ પણ નદીમાં એનડીઆરએફના લોકો ફરી રહ્યા છે.

  19. મોરબી : 'હું અને બહેન ફોટો લેતાં હતાં અને પુલ તૂટ્યો'

    ‘પુલ તૂટ્યો ત્યારે અમે ઉપર જ હતા, અમે વચ્ચોવચ પાણીમાં પડ્યાં હતાં. હું તો બચી ગયો પણ મારી બહેનનો કોઈ પત્તો નથી. કાલ સાંજથી એને શોધું છુ, હજી મળી નથી.’

    મોરબીમાં બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં યુવકે રડતાં-રડતાં પોતાની આ આપવીતી જણાવી હતી.

    બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય અને રોક્સી ગાગડેકર છારા સોમવારે સવારે મોરબીમાં મચ્છુ નદીના કિનારેથી ફેસબુક લાઇવ કરી રહ્યા હતા, એ વચ્ચે એક યુવક રડતો-રડતો ત્યાં આવ્યો હતો.

    આ યુવકે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતા કહ્યું હતું કે, "મારી બહેન લાપતા છે મને હજી સુધી નથી મળી."

    જુઓ વીડિયો.

  20. મોરબી પુલ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો

    મોરબી પુલ દુર્ઘટનામાં અનેક પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે. મોરબીમાં એક જ પરિવારના ચાર-ચાર વ્યક્તિનાં મોત થતા એકસાથે અર્થી ઊઠી હતી.

    આ દુર્ઘટનામાં ત્રણ સંતાન અને માતાનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.

    રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં હંસાબહેન ડાભી, તુષાર (8 વર્ષ), શ્યામ (5 વર્ષ) અને માયા (2 વર્ષ)નાં મોત થયાં છે.

    રૂપેશભાઈ તરીને બહાર નીકળી ગયા હતા, પણ તેમનો પરિવાર બચી શક્યો નહોતો. દલવાડી સર્કલ નજીક આવેલા કપુરીવાડી વિસ્તારમાં હાલ શોકનો માહોલ છવાયો છે.

    ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.