કેટલું મતદાન થયું?
ગોવામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 75.29% અને ઉત્તરાખંડમાં 59.37% મતદાન થયું. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 60.44 ટકા મતદાન થયું છે.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ અને ગોવા માટે આ એક જ તબક્કામાં ચૂંટણી પૂરી થશે. જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી આ વખતે સૌથી લાંબી ચાલશે.
ગોવામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 75.29% અને ઉત્તરાખંડમાં 59.37% મતદાન થયું. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 60.44 ટકા મતદાન થયું છે.
ઉત્તરાખંડમાં 3 વાગ્યા સુધી 49.24% ટકા મતદાન થયું.
ગોવામાં મુખ્ય મુકાબલો ગોવામાં દાયકાઓથી પોતાનું સ્થાન બનાવી ચૂકેલા આ બન્ને પક્ષો વચ્ચે છે તે સ્પષ્ટ છે.60 વર્ષ પૂર્વે ગોવા સ્વતંત્ર થયું એ પછીના બે-અઢી દાયકા સુધી અહીં સ્થાનિક પક્ષોનું વર્ચસ્વ હતું.
80ના દાયકામાં અહીં કૉંગ્રેસ સત્તા પર આવી અને એ પછીના દાયકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી. આ બન્ને પક્ષ છેલ્લા ત્રણ દાયકાથી ગોવામાં એક પછી એક સરકાર બનાવતા રહ્યા છે, પરંતુ તેઓ આ વખતે ‘આગવી ઓળખ’ની અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છે.
2017માં અહીં ચૂંટણી જીત્યા પછી ભાજપનો ચહેરો બદલાતો રહ્યો છે. 2019માં પક્ષના મોટા નેતા મનોહર પર્રિકરનું અવસાન થયું પછી તેમાં વધારે બદલાવ આવ્યો હતો.
ભાજપના અડધાથી વધારે ધારાસભ્યો કૉંગ્રેસમાંથી આવેલા છે. આ વખતે પણ લગભગ 20 બેઠકો માટે અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી છે. તેથી ભાજપની ખરી ઓળખ બાબતે મતદારોનાં મનમાં ગૂંચવાડો સર્જાય તે સ્વાભાવિક છે.
બીજી તરફ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણા અસંતુષ્ટો કૉંગ્રેસ છોડી ગયા છે. સૌથી મોટો પક્ષ પોતાના માણસોને કેમ સાચવી શકતો નથી એ સવાલ ગોવામાં અનેક વખત કરવામાં આવતો રહ્યો છે.
આ વખતે કૉંગ્રેસે 38 નવા ચહેરાઓને ટિકિટ આપી છે. પક્ષાંતર કરીને આવેલા એકેયને ટિકિટ આપી નથી. દિગંબર કામત જેવા જૂના જોગીને બાદ કરતાં બાકીના બધા ઉમેદવારો નવા છે. આ લોકો જાણીતા નથી. તેથી કૉંગ્રેસ સામે પણ આગવી ઓળખનો સવાલ છે.
મતદારો આ વખતે રાષ્ટ્રીય પક્ષોમાં કેવો અને કેટલો વિશ્વાસ વ્યક્ત કરશે એ સવાલ છે. તેથી આગવી ઓળખનો મુદ્દો મહત્ત્વનો છે.
આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં રાજકીય પત્રકાર પ્રમોદ આચાર્યે બીબીસીને જણાવ્યું, “વર્તમાન સ્થિતિમાં પોતાનો વોટ શૅર કેટલો છે અને મતદારો કેટલા છે તેની જ ભાજપ કે કૉંગ્રેસને ખબર નથી. ભાજપ માટે તેનાં બે કારણ છે. એક તો પોતાના કેટલાક કાર્યકરો અને મતદારો પક્ષથી દૂર થઈ ગયા છે, એ ભાજપ જાણતો નથી. બીજું એ કે પક્ષ બહારથી જે નેતાઓને લાવ્યા તેમની સાથે તેમના મતદારોને પણ લાવ્યા છે કે કેમ? એની ખાતરી નથી. કૉંગ્રેસનું પણ એવું જ છે. જૂના મતદારો પોતાની સાથે છે કે કેમ? તે કૉંગ્રેસ જાણતી નથી.”
કૉંગ્રેસ અને ભાજપમાંથી મતદારો કોને સાથ આપશે, તે બાબતે અસ્પષ્ટતા હોવાથી ગોવા વિધાનસભાની ચૂંટણી વધુ પડકારરૂપ બની ગઈ છે.
ગોવામાં44.63% મતદાન
ઉત્તર પ્રદેશમાં 39.07% મતદાન
ઉત્તરાખંડમાં 35.21% મતદાન
સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા અને મુખ્ય મુસ્લિમ ચહેરો ગણાતા રામપુરના સાંસદ આઝમ ખાન આ વખતે રામપુર વિધાનસભા બેઠક પર જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 80ના દાયકાથી રામપુરની આ બેઠક આઝમ ખાન અને તેમના પરિવાર પાસે જ રહી છે.
આઝમ ખાન આ બેઠક પરથી નવ વખત ચૂંટણી જીત્યા છે. આઝમ ખાન વિરુદ્ધ કેટલાય કેસ નોંધાવનારા કાર્યકર આકાશ સક્સેનાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે અહીં નવાબ પરિવારના કાઝિમઅલી ખાનને ટિકિટ આપી છે, જ્યારે બસપામાંથી સદાકત હુસૈન લડી રહ્યા છે.
આઝમ ખાન પોતાના રાજકીય વર્ચસ્વને કાયમ રાખવા માટે ચૂંટણી લડી રહ્યા છે. વળી, જેલમાં હોવાને પગલે તેમને ભાવનાત્મક સમર્થન પણ મળી રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન મુરાદાબાદમાં ડ્રોનની મદદથી દેખરેખ રખાઈ રહી છે. એસપી અખિલેશ ભદૌરિયાએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. અમે ડ્રોન કૅમેરાની મદદથી વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યા છીએ."
અમરોહા વિધાનસભાની મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે અને સમાજવાદી પાર્ટી અહીં જીતતી આવી છે. સપાના ઉમેદવાર મહબૂબઅલી અહીંથી પાંચ વખત ચૂંટાયા છે.
ગત બે ચૂંટણીમાં મહબૂબઅલીએ વિજય હાંસલ કર્યો હતો અને બન્ને વખતે બીજા નંબરે બહુજન સમાજ પક્ષ રહ્યો હતો.
આ વખતે કૉંગ્રેસના ઉમેદવાર સલીમ ખાને ચૂંટણીના બે દિવસ પહેલાં સપાના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.
બસપામાંથી નવેદ અયાઝે ઉમેદવારી નોંધાવી છે. યુવા ઉમેદવાર અયાઝના લીધે અહીંનો મુકાબલો રોચક થઈ ગયો હતો.બીજી તરફ ભાજપના ઉમેદવાર રામસિંહ સૈની પણ જીતવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે
11 વાગ્યા સુધી મતદાનના આંકડા
ગોવામાં 11 વાગ્યા સુધીમાં 26.63% મતદાન
ઉત્તર પ્રદેશમાં 23.03% ટકા મતદાન
ઉત્તરાખંડમાં 18.97% ટકા મતાદન
ગોવામાં આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીના ઉમેદવાર અમિત પાલેકરે પોતાનાં માતા સાથે મતદાન કર્યું હતું.
મતદાન કરતી વખતે પાલેકરે આ ઘડીને પરિવર્તન માટેની તક સમાન ગણાવી હતી.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના બીજા તબક્કામાં મુરાદાબાદમાં કેવો માહોલ છે? જણાવી રહ્યા છે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા( કૅમેરા : પવન જયસ્વાલ)
શૈલેષ દાંગોદરા ઉનામાં રહે છે. નાનપણથી જ અંધ છેસુંદર અવાજના ધણી શૈલેષ દાંગોદરા પહેલેથી જ સારું ગાતા હતા અને આ દ્રષ્ટિહીન શૈલેષ દાંગોદરાના જ ગામમાં રહેતાં દયા તેમના અવાજના પ્રેમમાં પડી ગયાં હતાં.
શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ દયા સમજણાં થયાં ત્યારથી શૈલેષના પ્રેમમાં હતાં. એમણે પોતાનાં માતા-પિતાને કહ્યું કે "હું લગ્ન કરીશ તો શૈલેષ સાથે જ કરીશ."અહીં વાંચો એમની પ્રેમકહાણી
બિજનૌરની આઠ વિધાનસભાની બેઠકો પૈકી સૌથી રોમાંચક મુકાલબો બિજનૌર બેઠક પર છે.
અહીં ભાજપે વર્તમાન ધારાસભ્ય સૂચિ મૌસમ ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય લોકદલ ગઠબંધને ડૉક્ટર નીરજ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.
આ બેઠક પર જાટ અને દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ષ 1991માં રામમંદિર-આંદોલન બાદથી જ બિજનૌર બેઠક પર ભાજપ મજબૂત રહ્યો છે.
અહીં વર્ષ 1991, 2002, 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે 1996 અને 2007માં અહીં અનુક્રમે બસપા અને સપા જીત્યાં હતાં.
બહુજન સમાજ પાર્ટી તરફથી આ વખતે રુચિ વીરા મેદાનમાં છે, જેઓ વર્ષ 2014માં અહીંથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયાં હતાં.
આજે સવારે 9 વાગ્યા સુધી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં 11.04 ટકા, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 9.45 ટકા અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં 5.15 ટકા મતદાન નોંધાયું.
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણીમાં આજે સહારનપુર, મુરાદાબાદ અને બરેલી જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ 55માંથી 38 બેઠકો ભાજપે જીતી હતી. જોકે, ગત લોકસભાની ચૂંટણીમાં અહીંની 11માંથી સાત વિધાનસભા બેઠકો વિપક્ષે જીતી હતી.
સહારનપુર મંડલના બે જિલ્લા મુઝફ્ફરનગર અને શામલીમાં પહેલા તબક્કા દરમિયાન 10 ફેબ્રુઆરીએ મતદાન થઈ ચૂક્યું છે. આજે સહારનપુર, મુરાદાબાદ, બિજનૌર, અમરોહા, સંભલ, રામપુર, બદાયુ, બરેલી અને શાહજહાંપુર જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે.
બીજા તબક્કામાં ઘણી બેઠકો પર રોમાંચક મુકાબલો છે અને ઘણા રાજકીય ધુરધંરોની શાખ દાવ પર લાગેલી છે. આ તબક્કામાં સામેલ જિલ્લામાં મુસ્લિમોની સારી એવી વસતી છે અને ઘણી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો સરળતાથી જીતે છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની 55 બેઠકો, ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે.
વિધાનસભા ચૂંટણીપ્રક્રિયાના બીજા તબક્કામાં ત્રણ રાજ્યોની કુલ 165 બેઠકો પર 1,519 ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીઓમાં સમાવાશે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. તો ઉત્તરાખંડ અને ગોવામાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી લડી રહી છે.
ઉત્તરાખંડ અને ગોવા માટે આ એક જ તબક્કામાં ચૂંટણી પૂરી થશે. જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી આ વખતે સૌથી લાંબી ચાલશે.
નોંધનીય છે કે મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયું. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.
બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.
અહીં અમે આપને યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી વિશેની લેટેસ્ટ અપડેટ આપીશું.
અગત્યના મુદ્દાઓ પર સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ આપને અહીં વાંચવા મળશે.