You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પ્રધાન મોદી-'ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે છે, વિપક્ષ તેમની પ્રગતિને આડે આવે છે'

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 403 બેઠકો પૈકી 58 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. નરેન્દ્ર મોદીના નિવેદન 'રાહુલ સાંભળતા નથી'નો અર્થ રાહુલ ગાંધી સમજાવ્યો, શું કહ્યું?

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડમાં એક સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો જવાબ આપ્યો.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, રાહુલ ગાંધીએ ગુરુવારે ઉત્તરાખંડમાં એક ચૂંટણીસભામાં કહ્યું, '' કાલે નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો. તેમાં તેમણે કહ્યું 'રાહુલ સાંભળતા નથી'. તેનો અર્થ તમે સમજ્યા. આનો અર્થ છે રાહુલ પર ઈડી અને સીબીએસઈનું દબાણ કામ નથી કરતું અને મારી વાત નથી સાંભળતા. હું કેમ સાંભળું?''

    કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા તેમણે કહ્યું, ''નરેન્દ્ર મોદીજીએ નોટબંધી કરી, ખોટી રીતે જીએસટી લાગુ કરીને નાના અને મધ્યમ કારોબારીઓ તથા ખેડૂત-મજૂરોને તબાહ કરી દીધા.''

    રાહુલ ગાંધીએ કહ્યું, "હું ચીન વિશે બોલ્યો કે ચીનની સેના ભારતની અંદર બેઠી છે, પરંતુ નરેન્દ્ર મોદીએ આની પર કંઈ ન કહ્યું. નરેન્દ્ર મોદીએ સંસદમાં લાંબું ભાષણ આપ્યું. તેમાં કૉંગ્રેસ પાર્ટી વિશે ખોટું બોલ્યા, મારા વિશે ખોટી વાતો કહી. આખું ભાષણ કૉંગ્રેસ પાર્ટી પર જ આપ્યું."

    રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના મંગલોરમાં આયોજિત 'ઉત્તરાખંડી સ્વાભિમાન' કાર્યક્રમમાં કહી.

    તેમના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા ભાષણમાં તેમણે કહ્યું કે, ''દેશમાં બે હિંદુસ્તાન બની રહ્યાં છે. એક ગરીબ અને બેરોજગાર હિંદુસ્તાન બીજું અમીર હિંદુસ્તાન.''

    તેમણે કહ્યું કે,'' તમે જો અબજપતિ છો અને અમીર હિંદુસ્તાનનો ભાગ છો તો તમને અહીં બધું મળશે. પરંતુ જો તમે અમીર નથી તો અહીંયા તમારા માટે કોઈ જગ્યા નથી.''

  2. હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બૅન્ચ હવે સોમવારે સુનાવણી કરશે

    હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બૅન્ચ હવે સોમવારે આ મામલાની સુનાવણી કરશે.

    ગુરુવારે આ મામલે ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી અને જસ્ટિસ કૃષ્ણા એસ દિક્ષિત અને જે એમ કાઝીએ અલગઅલગ અરજીઓ પર સુનાવણી કરી.

    સમચારા સંસ્થા એએનઆઈ અનુસાર અરજદાર તરફથી વકીલ સંજય હેગડેએ કહ્યું, "કર્ણાટક એજ્યુકેશન ઍક્ટમાં યુનિફોર્મને લઈને વિશેષ જોગવાઈઓ નથી."

    સંજય હેગડેએ પોતાના યુનિવર્સિટીના દિવસો યાદ કરતાં કહ્યું કે તેમના સમયમાં કોઈ યુનિફોર્મ નહોતો.

    તેમણે કહ્યું કે, "શરૂઆતના દિવસોમાં યુનિફોર્મ શાળાઓમાં ચાલતો, કૉલેજમાં યુનિફોર્મ પછીથી આવ્યો. યુનિફોર્મ કોડમાં કોઈ ભંગ કરવા પર કોઈ દંડની જોગવાઈ નથી. કર્ણાટક એજ્યુકેશન ઍક્ટમાં મોટા ભાગે મૅનેજમેન્ટ માટે દંડની જોગવાઈ છે."

    સમચારા સંસ્થા એએનઆઈ અનુસાર કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે , "અમે આ મામલામાં એ જોઈ રહ્યા છીએ કે હિજાબ પહેરવું એ મૂળભૂત અધિકારોમાં આવે છે કે કેમ. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે હિજાબ પહેરવું એ કોઈ ધર્મના ફરજિયાત નિયમોમાં આવે છે કે કેમ."

    સમચારા સંસ્થા એએનઆઈ અનુસાર કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, "મીડિયા કોઈ મૌખિક નોંધણીને રિપોર્ટ ન કરે, ફાઇનલ ઑર્ડરની રાહ જુએ."

    આ મામલે કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજોની બૅન્ચ હવે સોમવારે આ મામલાની સુનાવણી કરશે.

  3. ધ એજ ઑફ એન્ગર : આપણામાં હિંસા, ક્રોધ અને નફરત કેમ વધી રહ્યાં છે?

    રાજ ગોસ્વામી

    બીબીસી ગુજરાતી માટે

    તમે જો સામાજિક ફિલસૂફી અને ઇતિહાસના ચાહક હો, તો અમેરિકન લેખક દંપતી વિલ ડુરાં અને એરિયલ ડુરાંના તોતિંગ ગ્રંથ 'ધ સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન'ની ખબર હશે.

    1935થી 1975 સુધીના સમયગાળામાં લખાયેલા પશ્ચિમી અને પૂર્વી સંસ્કૃતિઓના આ ઇતિહાસમાં આ દંપતીએ ધ એજ ઑફ ફેઈથ, ધ એજ ઑફ રીઝન, ધ એજ ઑફ લુઇસ, ધ એજ ઑફ વોલ્તેર, ધ એજ ઑફ નેપોલિયન એવા શીર્ષક હેઠળ 11 ભાગ લખ્યા હતા.

    ધારો કે તેમને એ ઇતિહાસમાં વર્તમાન સમયનો સમાવેશ કરવાનો આવે તો તેઓ તેનું નામ શું આપે? ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે.

    એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. તેમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કોમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક છે ધ એજ ઑફ એન્ગર (આક્રોશનો યુગ).

    આપણે ટેકનૉલૉજી અને કથિત આર્થિક વિકાસના સમયગાળામાં સમાજમાં જે હિંસા, આક્રમકતા, ક્રોધ, નફરત જોઈ રહ્યા છીએ તે જોતાં, ડુરાં દંપતીએ તેમના આધુનિક ઇતિહાસ માટે પંકજ મિશ્રા પાસેથી એ શીર્ષક ઉધાર લીધું હોત.

    આખો અહેવાલ વાંચો

  4. વડા પ્રધાન મોદીએ કહ્યું 'ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે છે, વિપક્ષ તેમની પ્રગતિને આડે આવે છે'

    કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, "યોગી આદિત્યનાથની સરકારે મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે સતત કામ કર્યું છે. વિપક્ષ મુસ્લિમ મહિલાઓની પ્રગતિમાં આડે આવતો રહ્યો છે."

    ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર યુપીના સહારનપુરમાં એક ચૂંટણી સભામાં તેમણે કહ્યું કે, "ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકીને ભાજપ સરકારે મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કર્યો છે. પરંતુ વિપક્ષે મુસ્લિમ બહેનોને મોદીના વખાણ કરતાં જોયાં તો તેમને થયું કે તેમને રોકવી પડશે."

    "તેમને રોકવા માટે, તેમના અધિકારો અને આશાઓને આડે આવવા માટે વિપક્ષનાં દળો અલગ- અલગ રસ્તા શોધી રહ્યાં છે."

    તેમણે કહ્યું કે ભાજપ સરકાર દરેક પીડિત મુસ્લિમ મહિલા સાથે ઊભી છે જે પીડિત છે. પાર્ટીના દગાખોરો તેમને ગેરમાર્ગે દોરે છે.

    આગળ તેમણે કહ્યું કે, "2013માં મુઝફ્ફરનગર રમખાણો અને 2017માં સહારનપુરમાં થયેલી હિંસા એ વાતનો પુરાવો છે કે રાજકીય આશ્રય હેઠળ કેવી રીતે લોકોને નિશાન બનાવવામાં આવે છે."

  5. લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્રને જામીન, વિપક્ષે કરી ટીકા

    લખીમપુર ખીરી હિંસા કેસમાં મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બૅન્ચ પાસેથી જામીન મળી ગયા છે.

    ગત વર્ષે ત્રણ ઑક્ટોબરે લખીમપુર ખીરીમાં કારથી કચડાઈને ચાર ખેડૂતોનાં મૃત્યુ થયાં હતાં જેમાં એક કાર આશિષ મિશ્રાની પણ હતી.

    ઉત્તર પ્રદેશ પોલીસની એક એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે અને ગત મહિને આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

    રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ ચૌધરી જયંત સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, "શું વ્યવસ્થા છે, ચાર ખેડૂતોને કચડી નાખ્યા, ચાર મહિનામાં જામીન..."

    ત્યારે તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મોહુઆ મોઇત્રાએ પણ ટ્વીટ કરીને આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "કોઈ પણ જામીન માટે ત્રણ મૂળભૂત સિદ્ધાંત હોય છે કે આરોપી આ ત્રણ વસ્તુઓ કરી શકવાની ક્ષમતા અથવા તાકાત ન ધરાવતો હોય, સાક્ષીને ડરાવવા, પુરાવા નષ્ટ કરવા, ભાગી જવાની. આશિષ મિશ્રા પ્રથમ શરતને કેવી રીતે પૂરી કરે છે? "

    મોહુઆ મિત્રાએ કહ્યું કે "આ વ્યક્તિ જામીન પર બહાર છે, મને આશા છે રાજ્યમાં દરેક ખેડૂત મત આપતી વખતે આનો ચહેરો યાદ રાખશે."

    કૉંગ્રેસના પ્રવક્તા અને નેતા રણદીપ સુરજેવાલાએ પણ આ મામલે ટીકા કરતાં કહ્યું કે, "કાલે કૅમેરા પર સ્પષ્ટતા કરાઈ હતી, આજે તેમને મુક્ત કરવામાં આવ્યા છે ! ખેડૂતો સાથે 'વિશ્વાસઘાત' સંયોગ નથી, આ રાજાના અત્યારારોનો 'યોગ' છે! પરંતુ જનતા પણ પ્રયોગ કરી રહી છે, યોગ્ય અવસરનો 'ઉપયોગ' કરવાનો છે."

  6. યુપીમાં મતદાન પહેલાં મોદીએ અખિલેશ યાદવને કેમ ખરું-ખરું સંભળાવી દીધું?

    યુપીમાં મતદાનના એક દિવસ પહેલાં સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોદીએ આ વિવાદને ફરી છેડતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતીનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા.

    વડા પ્રધાનના આ ઇન્ટરવ્યૂની અનેક લોકોએ એમ કરીને ટીકા કરી છે કે ઉત્તર પ્રદેશના મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બધી વાતો કરી છે.

  7. અમદાવાદનો એ વિસ્તાર જ્યાં મુસ્લિમોને નાગરિકતાના નામે ગોંધી રાખવાના આરોપ લાગ્યા

    ઊંચા-નીચા ટેકરા પર જાણે મુશ્કેલીથી ઊભાં રહેલાં મકાનો, તેની આસપાસ ચારેકોર ગંદકીના ઢગલા અને સાંકડા રસ્તાઓ. અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના મુસ્લિમ વિસ્તારની કંઈક આવી હાલત છે.

    આ મુસ્લિમ વિસ્તારને અમુક લોકો 'બંગાળી વિસ્તાર' તરીકે પણ ઓળખે છે.

    અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા આમિર 20 મહિનાથી એસઓજીની કચેરીમાં હતા, ગુજરાત હાઈકોર્ટના ઑર્ડર બાદ તેઓ કસ્ટડીથી મુક્ત થયા છે.

    જોકે અહીં વસતા મુસ્લિમોનો દાવો છે કે 'તેઓ કોલકાતાથી આવીને વસી ગયા છે, પરંતુ સરકારી તંત્ર આ વાત નથી માનતું અને અહીંની પોલીસ અનેક વખત આ લોકોને 'બાંગ્લાદેશી નાગરિક' ગણાવીને પકડી લે છે.' અમુક લોકો છૂટી જાય છે, તો ઘણા લોકો નથી પણ છૂટતા.

  8. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં નૉમિની @LovlinaBorgohai ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતવા સુધીની કહાણી

  9. ઉત્તરાખંડ ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન મોદીએ કહ્યું 'કૉંગ્રેસે જનરલ બિપિન રાવતનું અપમાન કર્યું'

    ઉત્તરાખંડમાં ચૂંટણીપ્રચાર કરવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતની ચર્ચા કરી અને કૉંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.

    તેમણે ઉત્તરાખંડના શ્રીનગરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે,"નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ લોકોએ જનરલ રાવતને દેશના પ્રથમ સીડીએસ બનાવવા પર ખૂબ રાજનીતિ કરી."

    નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ કૉંગ્રેસ પાર્ટીના નેતા બિપિન રાવતને રસ્તાનો ગુંડો સુધી કહેતા હતા. આ છે દેશના સૈનિકો માટે આ લોકોની નફરત. આજે વોટ માટે આ લોકો જનરલ બિપિન રાવતનો રાજકારણમાં ઉપયોગ કરવા માગે છે, તેમને જવાબ આપવાની જવાબદારી ઉત્તરાખંના લોકોની છે."

    ગત વર્ષે આઠ ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં એક હેલિકૉપ્ટર ક્રૅશમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવતનાં પત્ની મધુલિકા રાવત અને હેલિકૉપ્ટરમાં સવાર 12 અન્ય લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં.

  10. વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઇડલાઇન, 7 દિવસ ફરજિયાત ક્વૉરન્ટીન નહીં થવું પડે

    કેન્દ્ર સરકારે ગુરુવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેની ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે. 14 ફેબ્રુઆરીથી વિદેશથી આવતા મુસાફરોએ ફરજિયાત સાત દિવસ ક્વૉરન્ટીન નહીં થવું પડે.

    સમાચાર એજન્સીએએનઆઈના અહેવાલ પ્રમાણે, ઍરપોર્ટ પર કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સાત દિવસ માટે ફરજિયાત ક્વૉરન્ટીન નહીં થવું પડે.

    નવી ગાઇડલાઇન પ્રમાણે, તમામ મુસાફરોએ ઍરપોર્ટ પર આવ્યા તે દિવસથી ચાર દિવસ માટે સૅલ્ફ મૉનિટરિંગ કરવું પડશે અને જો આ સમય દરમિયાન કોરોનાનાં લક્ષણો જણાય તો સરકારી તંત્રને જાણ કરવાની રહેશે.

    આની સાથે જ હવે યાત્રા કરતા પહેલાં યાત્રીએ ઍર સુવિધા પોર્ટલ પર અથવા તો આરટીપીસીએર ટેસ્ટની નૅગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે અથવા વૅક્સિનેશનનું સર્ટિફિકેટ દેખાડવું પડશે.

    ઍરપૉર્ટ પર બધા યાત્રીઓની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારના લક્ષણ મળવા પર એક આરોગ્ય ફેસિલિટીમાં આઈસોલેટ કરવામાં આવશે.

    જો ટેસ્ટમાં કોઈ યાત્રી પૉઝિટિવ આવશે તો પ્રોટોકૉલ અનુસાર તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવશે.

    બોર્ડિંગના 72 કલાક પહેલાં નૅગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની જગ્યાએ 82 દેશોના યાત્રીઓ બંને ડોઝના વૅક્સિનેશનનું સર્ટિફિકેટ અપલોડ કરી શકશે. આમાં એ દેશો પણ સામેલ છે જેની સાથે ભારતનો રસીની માન્યતાને લઈને કરાર થયો છે અને એ દેશ ભારતોને ક્વૉરન્ટીન ફ્રી પ્રવેશ આપશે.

  11. FB Live : ઉત્તર પ્રદેશના હાપુડ ખાતેના પિંક મતદાનકેન્દ્ર પર મતદારો સાથે વાતચીત

  12. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી ગુજરાતના વધુ 60 માછીમારોને પકડ્યા

    છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાને ગુજરાતમાંથી માછીમારી કરવા ગયેલી 12 જેટલી બોટ સાથે અંદાજિત 75 માછીમારોને પકડ્યા હોવાના અહેવાલો છે.

    પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 600થી વધુ માછીમારો સજા ભોગવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફરી એક વખત પાકિસ્તાને 60 જેટલા ગુજરાતી માછીમારોને પકડી લીધા છે.

  13. યોગી આદિત્યનાથનો વિપક્ષ પર પ્રહાર, અગાઉની સરકારો પર રમખાણો કરાવવાનો આક્ષેપ

    ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે સહારનપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ચૂંટણીસભા યોજાઈ હતી.

    આ દરમિયાન મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અગાઉની સરકારો પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "કોસીકલાં હોય કે મુઝફ્ફરનગર, સહારનપુર કે પછી અલીગઢ, અગાઉની સરકારોના અરાજક શાસન દરમિયાન ઘણા રમખાણો થયા. તેમણે કર્ફ્યૂ લાદ્યા, રમખાણો કરાવ્યા, લોકોને તહેવારો ઉજવતા રોક્યા અને કાવડ યાત્રા રોકી દેવામાં આવી."

    ઉત્તર પ્રદેશનાં જ જિલ્લામાં વોટિંગ ચાલી રહ્યું છે તેમાં મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, શામલી, હાપુડ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે.

    સવારે સાત વાગ્યાથી શરૂ કરાયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

    પ્રથમ ચરણમાં 623 ઉમેદવારો મેદાનમાં છે અને આ ચરણમાં લગભગ 2.28 કરોડ લોકો મતદાન માટે નોંધાયા છે.

  14. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર : તમારાં ફૅવરિટ મહિલા ખેલાડીને વોટ આપો

  15. કર્ણાટક હિજાબ વિવાદ : 'મને ડર લાગે ત્યારે અલ્લાહનું નામ લઉં છું', નારા પોકારનાર યુવતી મુસ્કાન ખાન

  16. અખિલેશ યાદવની 'ઈવીએમ ખરાબ થવા અને જાણીને ધીમું મતદાન કરાવતાં' મતદાનમથકો પર કાર્યવાહીની માગ

    આજે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સવારથી મતદાનમથકો પર લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે.

    ત્યારે કેટલાક સ્થળોએ મતદાન ધીમું તેમજ ઓછું થઈ રહ્યું હોવાની ફરિયાદો આવતાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રીય ચૂંટણીપંચને સંબોધીને ટ્વીટ કર્યું હતું કે, "ચૂંટણીઆયોગને અપીલ છે કે જ્યાં પણ ઈવીએમ ખરાબ હોવાથી કે પછી જાણી જોઈને મતદાન ધીમું કરાવવાનાં આરોપ લાગ્યા છે, તે મતદાનકેન્દ્રો પર તેઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે. 'સુચારું અને નિષ્પક્ષ મતદાન' ચૂંટણીપંચની સૌથી મોટી જવાબદારી છે."

    ઉત્તર પ્રદેશના જે જિલ્લામાં વોટિંગ ચાલી રહ્યું છે તેમાં મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, શામલી, હાપુડ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે.

    સવારે સાત વાગ્યાથી શરૂ કરાયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

    પ્રથમ તબક્કામાં 623 ઉમેદવારો મેદાનમાં છે અને આ ચરણમાં લગભગ 2.28 કરોડ લોકો મતદાન માટે નોંધાયા છે.

  17. 'લાગે છે, ખેડૂતો અને યુવાનો ગુસ્સામાં બટન દબાવી રહ્યા છે' - ઈવીએમ બગડવાની ફરિયાદો પર રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ

    ગુરુવારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

    રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત સિંહે આ મતદાન દરમિયાન ઠેરઠેરથી ઈવીએમ બગડ્યા હોવાની ફરિયાદો સામે આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.

    આ ફરિયાદોને અનુલક્ષીને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, "ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો આવી રહી છે. લાગે છે યુવાનો અને ખેડૂતો ગુસ્સામાં બટન દબાવી રહ્યા છે. આપ સૌને નિવેદન છે કે જોરથી નહીં, ગઠબંધનની તરફેણમાં પ્રેમથી બટન દબાવો."

    પ્રથમ તબક્કાના મતદાનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેને જાટ બૅલ્ટ અથવા તો ગન્ના બૅલ્ટ કહેવામાં આવે છે. અહીં ભાજપે 17 જાટ ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળે 12 અને 6 જાટ ઉમેદવારો મેદાને ઊતાર્યા છે.

    આ ચૂંટણી આરએલડી અને સમાજવાદી પાર્ટી ગઠબંધન બનાવીને લડી રહી છે. જેના કારણે મતદાનના આ તબક્કા પર તમામ લોકોની નજર છે.

  18. કર્ણાટક હિજાબ વિવાદ પર પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને બોલાવીને ચિંતા વ્યક્ત કરી

    કર્ણાટકના હિજાબ વિવાદ પર ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ બોલાવીને ચિંતા વ્યક્ત કરી.

    પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ભારતના કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધની ટીકા કરી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા આસિમ ઇફ્તિખાર અહેમદ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન ભારતીય રાજ્ય કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીના હિજાબ પહરેવા પર પ્રતિબંધ મૂકવાની ટીકા કરે છે. નિવેદન અનુસાર ભારતીય રાજદ્વારીને પાકિસ્તાનની ચિંતાથી અવગત કરાવવામાં આવ્યા છે કે ધાર્મિક અસહિષ્ણુતા, નકારાત્મક સ્ટીરિયોટાઇપિંગ, મુસ્લિમો પર ધબ્બા લગાડવા અને તેમની વિરુદ્ધ ભેદભાવ દિલ્હીના રમખાણોનાં બે વર્ષ પછી પણ ચાલુ છે.

    પાકિસ્તાનનાં પ્રખ્યાત મહિલા અધિકાર કાર્યકર અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ કર્ણાટકમાં હિજાબને લઈને ચાલતા વિવાદ પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

    તેમણે કહ્યું હતું, "છોકરીઓને પોતાનો હિજાબ સ્કૂલમાં પહેરવાથી રોકવી એ ભયાવહ વાત છે. ઓછાં કે વધુ કપડાં પહરેવાને મામલે મહિલાઓને એક વસ્તુ સમજવાનું સતત ચાલુ છે."

    તેમણે ભારતીય નેતાઓને વિનંતી કરી કે તેમણે મુસ્લિમ મહિલાઓની ઉપેક્ષા થતી અટકાવવી જોઈએ.

    પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મુસ્લિમ છોકરીઓને શિક્ષાથી વંચિત રાખવી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ મૂળભૂત અધિકારથી કોઈને વંચિત રાખવા અને હિજાબ પહેરવા પર આતંકિત કરવા દમનકારી કૃત્ય છે. દુનિયાએ સમજવું પડશે કે આ મુસ્લિમોને ઘેટો (એક સમુદાયની વસતી)માં રહેવા મજબૂર કરવાની ભારતની યોજનાનો ભાગ છે."

    ત્યારે પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ (નવાઝ)નાં નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝ શરીફે ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પિક્ચરમાં કર્ણાટકની મુસ્લિમ વિદ્યાર્થિની મુસ્કાનની તસવીર મૂકી છે.

    બુધવારે એઆઈએમઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર પાકિસ્તાનથી આવેલી પ્રતિક્રિયઓનો જવાબ આપ્યો. તેમણે ઉત્તર પ્રદેશમાં એક રેલીમાં કહ્યું કે, "આ અમારા ઘરનો મામલો છે, પાકિસ્તાન તેમાં હસ્તક્ષેપ ન કરે."

    અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "મલાલા પર હુમલો પાકિસ્તાનમાં થયો. તેમને ત્યાંથી બ્રિટન જઈને અભ્યાસ કરવો પડ્યો. પાકિસ્તાનના બંધારણના હિસાબથી બિન-મુસ્લિમ ત્યાંના વડા પ્રધાન ન બની શકે."

    "અમે પાકિસ્તાનના લોકોને કહીશું કે અહીં ન જુઓ, ત્યાં જ જુઓ. તમારી પાસે બલૂચીઓની સમસ્યા છે, તમારા કેટલાય ઝઘડા છે, તમે તેને જુઓ. આ મારો દેશ છે. તમારો નથી, અમારા ઘરની બાબત છે. તમે આમાં હસ્તક્ષેપ ન કરો."

  19. વડા પ્રધાન મોદી યુપીમાં ચૂંટણીપ્રચાર માટે પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યુપી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા છે.

    એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે, "પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેટલીક વિધાનસભા બેઠકોમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. શિયાળાની સવારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે એનો મને આનંદ છે. યુપી ભાજપનો ચૂંટણી ઢંઢેરોમાં લોકકલ્યાણની વાત છે."

    હાલ યુપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

  20. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ

    તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એટલે કે ટીઆરએસના સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ આપ્યો છે.

    આ સાંસદોએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આંધ્રપ્રદેશ પુનર્ગઠન વિધેયક પર કરેલી ટિપ્પણી સામે આ પ્રસ્તાવ મૂક્યો છે.

    ટીઆરએસના સાંસદોનું કહેવું છે કે રાજ્યસભાના સભાપતિ જ્યાર સુધી તેમના પ્રસ્તાવને સ્વીકાર નહીં કરે ત્યાર સુધી તેઓ સંસદનો બહિષ્કાર કરશે. તેમણે ત્યાર બાદ સંસદમાંથી વૉક આઉટ કર્યું હતું.

    રાજ્યસભામાં કૉંગ્રેસની ટીકા કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, "કૉંગ્રેસ સરકારના સમયમાં આંધ્રપ્રદેશનું વિભાજન ખોટી રીતે થયું."

    મોદીના નિવેદન પછી તેલંગાણામાં ભાજપ વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. લોકોએ વડા પ્રધાનના પૂતળાં ફૂક્યાં હતાં. ટીઆરએસ કાર્યકરો રાજ્યમાં મોદીના નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

    વડા પ્રધાને કહ્યું હતું કે કૉંગ્રેસે આંધ્રપ્રદેશનું વિભાજન કર્યું હતું. કોઈ ચર્ચા નહોતી થઈ, શું બરાબર હતું? શું તે લોકશાહી હતી?

    કૉંગ્રેસે પણ આનો વિરોધ કર્યો હતો. તેલંગાણામાં ટીઆરએસ નેતાઓએ પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ,"ભાજપ હંમેશાંથી તેલંગાણાના વિરોધમાં રહ્યો છે."