You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અમેરિકામાં કોરોના સંક્રમણના 75 ટકા જેટલા કેસ ઓમિક્રૉન વૅરિયન્ટના

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકારે ઓમિક્રૉન વૅરિયન્ટના ઝડપથી વધતા સંક્રમણને જોતાં તૈયારીઓ શરૂ કરી.

લાઇવ કવરેજ

  1. ઓમિક્રૉન : જો બાઇડને વધતા સંક્રમણને પહોંચી વળવા 50 કરોડ ટેસ્ટ કિટ ખરીદી

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકાર ઓમિક્રૉનના વધતા સંક્રમણને જોતાં રેપિડ ટેસ્ટની 50 કરોડ કિટ્સ મફત ઉપલબ્ઘ કરાવવા જઈ રહી છે.

    જો બાઇડન મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં નાતાલની રજાઓમાં લોકોને પોતાને સુરક્ષિત રહેવા માટે વિનંતી કરશે.

    એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાલ વધુ વૅક્સિન અને હૉસ્પિટલમાં વધારે તૈયારીની જરૂર છે પરંતુ લૉકડાઉનની જરૂર નથી.

    અમેરિકામાં હાલ સંક્રમિત વ્યક્તિઓમાં ઓમિક્રૉન વૅરિયન્ટ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે.

    અમેરિકામાં કોરોનાના કેસમાં લગભગ 75 ટકા કેસ ઓમિક્રૉનના છે.

    ગત મહિને દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઓમિક્રૉન વૅરિયન્ટ જોવા મળ્યો હતો ત્યાર બાદ વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધ્યું છે.

    જોકે અમેરિકામાં 73 ટકા કેસ વયસ્કોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે, અને જેમણે રસી નથી લીધી તેમને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, " જો તમે રસી નથી લીધી તો તમારા બીમાર થવાનો ખતરો વધારે છે. વૅરિયન્ટ ખૂબ ઝડપથી પ્રસરે છે અને જેમનું રસીકરણ નથી થયું તેમના હૉસ્પિટલમાં દાખલ થવાનો ખતરો આઠ ટકા વધી જાય છે અને કોરોનાથી મૃત્યુ થવાનો ખતરો 14 ટકા વધારે હોય છે."

  2. ગુજરાત સરકારે પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કેમ કરવી પડી? હર્ષ સંઘવી કેમ મેદાનમાં આવ્યા?

  3. ગુજરાતના પાડોશી રાજ્યમાં એટલી ઠંડી પડી કે પાઇપલાઇનમાં બરફ જામી ગયો

  4. ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણી : હાર્દિક પટેલનો દાવો '50 ટકા ગ્રામપંચાયતોમાં કૉંગ્રેસ સમર્થક ઉમેદવારનો વિજય'

    ગુજરાતની 8600થી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી પછી પરિણામ આવી રહ્યું છે.

    કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને ગ્રામપંચાયત ચૂંટણીમાં જીતીને સરપંચ બનેલા બધા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

    તેમણે લખ્યું કે, "તમે બધા પોતાની ક્ષમતાથી પંચાયતના વિકાસમાં મહત્ત્વની જવાબદારી પૂરી કરો એવી શુભેચ્છાઓ. 50 ટકાથી વધારે પંચાયતોમાં કૉંગ્રેસ સમર્થક સરપંચ બન્યા છે, તમે બધા પંચાયતના નિર્માણથી પ્રદેશનું નવનિર્માણ કરો."

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ મુજબ ગ્રામપંચાયતની ચૂંટણીમાં રાજ્યભરમાં 77 ટકા મતદાન થયું હતું.

    ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા કરાઈ હતી.

    જે પૈકી કેટલીક ગ્રામપંચાયતો સમરસ જાહેર થતાં રવિવારના રોજ રાજ્યની 8,686 ગ્રામપંચાયતો અને 48,573 વૉર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી.

    ગ્રામપંચાયતની આ ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ હતી.

  5. રાજલ બારોટની સફળતા પાછળના સંઘર્ષની કહાણી

  6. ગ્રામ પંચાયત ચૂંટણી : વાપીના એ ઉમેદવાર જેમના પરિવારમાં 12 સભ્યો છે પરંતુ મત માત્ર એક જ

  7. દાહોદ જિલ્લામાં 21 વર્ષનાં મહિલા બન્યાં સરપંચ

    ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે અને દાહોદ જિલ્લામાં ઘેસવા ગામનાં સરપંચ હાલ સૌથી વધારે ચર્ચામાં છે.

    દાહોદના ઝાલોદ તાલુકાના ઘેસવા ગામમાં 21 વર્ષનાં મહિલા સરપંચ જીત્યાં છે.

    રિંકુ ડામોર જિલ્લામાં સૌથી નાની વયનાં સરપંચ બન્યાં છે.

  8. હેડ ક્લાર્ક પેપર લીક કેસની તપાસ સીટિંગ જજ પાસે કરાવવાની કૉંગ્રેસની માગ

    ગુજરાત કૉંગ્રેસના નેતાઓ હેડ ક્લાર્ક પેપર લીક કેસ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

    ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાના કૉંગ્રેસના સભ્યો ગુજરાતના યુવાનો સાથે વારંવાર થતા અન્યાય અંગેની રજૂઆત કરવા મુખ્ય મંત્રીને મળ્યા હતા.

    તેમણે કહ્યું કે, "કૉંગ્રેસે ગુજરાત સરકાર પાસે હેડ ક્લાર્ક પેપર લીક કેસની તપાસ સીટિંગ જજ પાસે કરાવવાની માગ કરી છે. જે શિક્ષિત બેરોજગારો જેમનાં માતાપિતાએ ખર્ચ કરીને તેમને પરીક્ષા આપવાની તૈયારી કરાવી છે તેમને ફરી પરીક્ષા થાય ત્યાં સુધી ટ્યુશનની ફી આપવામાં આવે."

  9. હેડ ક્લાર્ક પેપર લીક કેસ : 'અસિત વોરા સામે હજી પુરાવા નથી, પુરાવા હોય તો પગલાં લેવાશે' - સી.આર.પાટીલ

    ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત કરી છે.

    પેપર લીક કેસમાં જ્યારે ગુજરાત સરકાર બધેથી ઘેરાઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે પ્રેસ વાર્તાને સંબોધતા કહ્યું કે પેપર લીક કેસમાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી, તાત્કાલિક 14 લોકોને પકડી પાડવામાં આવ્યા. પોલીસ તપાસ ચાલી રહી છે અને કોઈ પણ સંડોવાયેલી વ્યક્તિને છોડવામાં નહીં આવે.

    સી આર પાટીલે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ પણ કહ્યું છે કે ગુનેગારોને એવી કડક સજા કરાવીશું કે ભવિષ્યમાં પેપર લીક કરવાનું અથવા પેપર વેચાતું લેવાનું કામ કોઈ ન કરે."

    તેમણે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલયના ઘેરાવની ટીકા કરતાં કહ્યું કે, "આવી ઘટના બને ત્યારે અલગઅલગ રાજકીય પાર્ટીઓ પણ પોતાનો વિરોધ દર્શાવવા આવે એ તેમની ફરજ છે."

    "પરંતુ ગાંધીનગર છાવણીમાં જવાને બદલે છેલ્લી ઘડીએ ભાજપ કાર્યાલયમાં જબરજસ્તી ઘૂસીને નાના-મોટા આગેવાનોની સાથે જે વર્તન થયું, એ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી."

    આગળ તેમણે કહ્યું કે, "વિરોધ કરવો જોઈએ, સૂચનો આપે એ પણ આવકાર્ય છે પરંતુ આવું બેદૂહું વર્તન પાર્ટીઓને શોભતું નથી."

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાને હઠાવવાની વિપક્ષની માગ વિશે વાત કરતા સી આર પાટીલે કહ્યું કે, "આ કિસ્સામાં ચૅરમૅન એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે, છતાં આ તપાસમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 88,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે તેમના ભવિષ્ય સાથે ચેડા કરાશે નહીં."

    ભાજપ દ્વારા અસિત વોરાને બચાવવાના પ્રયત્ન કરાતાં હોવાના આક્ષેપ પર વાત કરતાં પાટીલે કહ્યું કે, "અસિત વોરા સામે આક્ષેપ થયા છે પરંતુ હજી સુધી તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી. પુરાવા મળશે તો કોઈને છોડવામાં આવશે નહીં."

  10. ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી જીત્યા બાદ હવે આ સરપંચો શું કરશે?

  11. 'છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાથી કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે' - મોદી

    ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની એક પછી એક મુલાકાત લઈ રહ્યા છે.

    મંગળવારે પ્રયાગરાજમાં વડા પ્રધાન મોદીએ નારી સશક્તિકરણ સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લીઘો જેમાં બે લાખ મહિલાઓએ સામેલ થઈ હોવાનું કહેવાય છે.

    મોદીએ આ કાર્યક્રમમાં સેલ્ફ હૅલ્પ ગ્રૂપ્સને એક હજાર કરોડ રૂપિયાની ધનરાશિ ઑનલાઇન ટ્રાન્સફર કરી હતી.

    તેમણે આ સભાને સંબોધિત કરતાં કહ્યું કે તેમના બેટી બચાઓ, બટી પઢાઓ અભિયાનને કારણે કેટલાંક રાજ્યોમાં છોકરીઓની સંખ્યા વધી છે. તેમણે કહ્યું કે સરકારે ગર્ભવતીઓના રસીકરણ, હૉસ્પિટલમાં સુવાવડ અને પ્રેગનન્સી દરમિયાન પોષણનું ધ્યાન રાખ્યું છે.

    તેમણે કહ્યું કે "પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના હેઠળ ગર્ભવતી હોય ત્યારે સરકારે મહિલાઓના એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા છે."

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "અમે મહિલાઓ માટે લગ્નની ઉંમર 21 કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી તેઓ ભણી શકે અને પ્રગતિ કરી શકે. દેશ તેમની દીકરીઓ માટે આ નિર્ણય લઈ રહ્યો છે. બધા જોઈ રહ્યા છે કે આનાથી કોને તકલીફ થઈ રહી છે."

    તેમણે કહ્યું કે તેમની સરકાર કોઈ પક્ષપાત અને ભેદભાવ વગર દીકરીઓનું ભવિષ્ય મજબૂત કરવા માટે કામ કરી રહી છે. તેમણે દાખલો આપતાં કહ્યું કે ગત અઠવાડિયે કેન્દ્રીય કૅબિનેટે છોકરીઓની લગ્નની કાયદાકીય ઉંમર 21 કરવાને મંજૂરી આપી.

    તેમણે કહ્યું કે " દીકરીઓને પણ ભણવાનો સમય જોઈએ છે, તેમને પણ સમાન અવસર જોઈએ છે. જેથી, છોકરીઓ માટે લગ્નની ઉંમરને 21 વર્ષ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે".

  12. આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવા અંગે ચૂંટણી સુધાર બિલ રાજ્યસભામાં પસાર

    આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવા અંગે ચૂંટણી સુધાર બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે.

    વિપક્ષની આપત્તિ છતાં ચૂંટણી સુધાર સંશોધન બિલ 2021 રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ સહિત કેટલાંક વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કર્યો હતો.

    વિપક્ષની પાર્ટીઓએ સરકાર પાસે આ બિલને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માગ કરી હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ બિલ પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયું હતું અને ફરી આવી માગ કરવી, એ વિપક્ષનું ચરિત્ર દર્શાવે છે.

    આની પહેલાં સોમવારે આ બિલને લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

  13. વિશ્વની બે મોટી વિમાન નિર્માતા કંપનીઓએ 5જીને લઈને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી

    દુનિયાની વિમાન બનાવતી બે સૌથી મોટી કંપનીઓના વડાઓએ અમેરિકાની સરકારને નવી 5જી ફોન સર્વિસના લૉન્ચને મુલતવી રાખવાની વિનંતી કરી છે.

    એક પત્રમાં બોઇંગ અને ઍરબસના અધિકારીઓએ કહ્યું છે કે 'આ 5જી ટેકનૉલૉજીની ઉડ્ડયન ઇન્ડસ્ટ્રી પર ખૂબ માઠી અસર પડશે.'

    આની પહેલાં પણ 5 જી વાયરલૅસ સી બૅન્ડ સ્પેક્ટ્રમ ઍરક્રાફ્ટ ઇલેક્ટ્રોનિક્સમાં બાધારૂપ બની શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી.

    અમેરિકાની ટેલિકૉમ કંપની એટીઍન્ડટી અને વેરિઝોન પાંચ જાન્યુઆરીથી 5જી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.

    બોઇંગ અને ઍરબસ અમેરિકાઝના ટૉપ અધિકારીઓ ડેવ કૅલહૉન અને જેફરી નિટલે સંયુક્ત પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, "5જીનો હસ્તક્ષેપનો ઍરક્રાફ્ટના સુરક્ષિત ઑપરેશન પર માઠી અસર પડી શકે છે."

    આ પત્રમાં ટ્રેડ સમૂહ ઍરલાઇન્સ ફૉર અમેરિકાના સંશોધનને ટાંકતાં લખવામાં આવ્યું છે કે આ સંશોધનમાં જાણવા મળ્યું કે અમેરિકાના ફેડરલ એવિએશન એડમિન્સ્ટ્રેશન (એફએએ)ના 5 જી નિયમો જે 2019માં અમલમાં આવ્યા, તેના કારણે 3,45000 યાત્રીઓ અને 5,400 કાર્ગો ફ્લાઇટ્સમાં વિલંબ, રૂટ બદલવા અથવા રદ કરવાની જરૂર પડી શકી હોત.

    ઉડ્ડયન ઉદ્યોગ અને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ઍરક્રાફ્ટના સંવેદનશીલ સાધનો જેમકે રેડિયો ઑલ્ટિટ્યૂડ મીટર્સમાં 5જીને કારણે હસ્તક્ષેપ જોવા મળી શકે છે.

  14. પેપર લીક મામલો : હેડ ક્લાર્કની પરીક્ષા રદ, યુવરાજસિંહે હવે કઈ માગો રાખી?

  15. ઑમિક્રોન વેરિયન્ટ ભારતમાં કોરોનાનો અંત લાવી દેશે? ડૉ.દિલીપ માવળંકરે શું કહ્યું?

    ઑમિક્રોન વૅરિયન્ટ વિશે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ વૅરિયન્ટ ડેલ્ટા કરતાં વધારે જોખમી છે, તો કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ વૅરિયન્ટ ડેલ્ટા કરતાં ઓછો ઘાતકી છે.

    વિશ્વભરના આંકડા સૂચવે છે કે ઓમિક્રૉન વધુ સંક્રામક છે અને વધારે ઝડપથી પ્રસરી શકે છે, પરંતુ અત્યાર સુધી એ વાત સાબિત નથી થઈ કે તે ગંભીર રીતે અસર કરે છે કે નહીં.

    કેટલાક લોકોનો દાવો છે કે તે અન્ય વૅરિયન્ટ કરતાં ઓછો ઘાતકી છે, પરંતુ હાલના તબક્કે કંઈ પણ કહી શકાય તેમ નથી.

    જોકે, અન્ય વૅરિયન્ટની જેમ જ ઓમિક્રૉન વૃદ્ધ લોકો અને અન્ય બીમારી ધરાવતા લોકોને વધુ અસર કરી શકે છે.

    બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હૅલ્થના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવળંકર સાથે વાત કરીને ઑમિક્રોન વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

  16. પાકિસ્તાનના કરાચીમાં મંદિરમાં મૂર્તિ તોડવામાં આવી, ઈશનિંદાનો કેસ દાખલ

    પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાચીના નારાયણપુરામાં એક વ્યક્તિએ મંદિરમાં તોડફોડ કરી હતી જ્યાર બાદ વિસ્તારના લોકો તેને પકડીને પોલીસ પાસે લઈ ગયા.

    સોમવારની સાંજે આ ઘટના સામે આવી જેમાં મુકદમા ઈદગાહ પોલીસ સ્ટેશનમાં મુકેશ કુમાર નામની એક વ્યક્તિની ફરીયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો.

    એફઆઈઆરમાં મુકેશ કુમારે કહ્યું છે કે તેમનાં પત્ની જોગમાયા મંદિરમાં પૂજા કરવાં ગયાં હતાં ત્યારે અચાનક સવા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ હથોડી લઈને આવી અને ત્યાં મૂકેલી જોગમાયાની મૂર્તિ પર હથોડીથી મારવાનું શરૂ કર્યું.

    આની પર તેમનાં પત્નીએ બૂમો પાડી જે સાંભળીને મંદિરમાં લોકો ભેગા થઈ ગયા અને તે વ્યક્તિને મૂર્તિ પર હથોડી મારતાં પકડી લેવામાં આવી.

    ઈશનિંદાનો કેસ દાખલ કરાયો

    મુકેશ કુમાર મુજબ સ્થાનિક પોલીસ આ દરમિયાન ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તે વ્યક્તિને અટકાયતમાં લીધી હતી. પોલીસે તે વ્યક્તિની વિરુદ્ધ ઈશનિંદાનો કેસ દાખલ કર્યો છે.

    એસએસપી સિટી મઝહર નવાઝે કહ્યું કે, ''સ્થાનિક નિવાસીઓએ તે શંકાસ્પદ વ્યક્તિને હિંસાની નિશાન બનાવી પરંતુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.''

    કરાચીમાં બીબીસી સંવાદદાતા નિગાર રિયાઝ સુહૈલ અનુસાર સ્થાનિક લોકો ઇમારતોને તોડવામાં વપરાતી હથોડી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં તેમણે પ્રદર્શન પણ કર્યું અને પોલીસને જણાવ્યું કે તેઓ આ હથોડી આપવા આવ્યા છે. પોલીસ અધિકારીઓએ તેમને ન્યાયનો ભરો અપાવ્યો જ્યાર બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા.

    આ દરમિયાન 25 વર્ષીય વ્યક્તિનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો તેને સવાલ કરી રહ્યા છે કે તેણે આવું કેમ કર્યું.

    પોલીસે કહ્યું કે, 'આ યુવા બેરોજગાર છે અને સ્પષ્ટ રૂપથી તેની માનસિક હાલત પણ બરાબર નથી, તેમનું કહેવું છે કે તે ખુદાના મિશન પર છે.'

    પાકિસ્તાનમાં મંદિરો પર હુમલાની ઘટનાઓ પહેલાં પણ બની છે.

  17. હેડ ક્લાર્કની પરીક્ષા રદ, માર્ચ મહિનામાં ફરી લેવાશે પરીક્ષા

    હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આજે મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

    તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામા આવશે.

    તાજેતરમાં જ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાના આક્ષેપો થયા હતા.

    જ્યાર બાદ પોલીસ દ્વારા સ્વતંત્ર તપાસ કરાતા તેની ખરાઈ થઈ હતી અને એક પછી એક આ ઘટનામાં કુલ 14 લોકોની ધરપકડ કરાઈ છે

  18. રાજ્યસભામાં જયા બચ્ચન ભડક્યાં

  19. Typhoon Rai: એવું ભયંકર વાવાઝોડું કે મિનિટોમાં બધું તહસનહસ કરી નાખ્યું

  20. 8600થી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ, ટૂંક સમયમાં પરિણામ

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલપ્રમાણે, ગ્રામપંચાયતની ચૂંટણીમાં રાજ્યભરમાં 77 ટકા મતદાન થયું હતું.

    ચૂંટણીપંચ પ્રમાણે, રાજ્યની 10,879 ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે 27, 085 મતદાનમથકો પર 54,387 મતપેટીઓની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

    જે પૈકી કેટલીક ગ્રામપંચાયતો સમરસ જાહેર થતાં રવિવારના રોજ રાજ્યની 8,686 ગ્રામપંચાયતો અને 48,573 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી.

    રાજ્યના ચૂંટણીપંચ દ્વારા 22 નવેમ્બરના રોજ આ ચૂંટણીપ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી.

    ગ્રામપંચાયતની આ ચૂંટણી બૅલેટ પેપરથી યોજાઈ હતી.