You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ખેડૂત પ્રદર્શન : 6 તારીખે સમગ્ર દેશમાં ચક્કાજામ- ખેડૂતોનું એલાન

નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. જાણો બીજું શું કહ્યું?

લાઇવ કવરેજ

  1. બજેટ 2021 : ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય કેટલું દૂર?

  2. ખેડૂતોની જાહેરાત, 6ફેબ્રુઆરીએ કરીશું આખા ભારતમાં ચક્કાજામ

    સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે છ ફેબ્રુઆરીએ ખેડૂત ત્રણ કલાક માટે રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગો પર ત્રણ કલાક સુધી ચક્કાજામ કરશે.

    સોમવારે મોડી સાંજે થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે આખા દેશમાં ફેબ્રુઆરીની 6 તારીખે 12વાગ્યાથી લઈને 3વાગ્યા સુધી રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગો પર ત્રણ કલાક સુધી ચક્કાજામ કરીશું.

    તેમણે કહ્યું કે સોમવારે સાંજે થયેલી ખેડૂત નેતાઓની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. યુવાન ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમને મારવામાં આવી રહ્યા છે.

    તેમણે ઉમેર્યું, "26 જાન્યુઆરીએ થયેલી ટ્રૅક્ટર રેલી પછી અનેક ખેડૂતો ગાયબ છે. સરહદના આસપાસના વિસ્તારના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ધરણાસ્થળની આસપાસ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવી રહ્યું છે. અહીં પાણી અને વીજળીની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. અહીં શૌચાલયની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી રહી છે."

    ખેડૂત નેતાઓનો આરોપ છે કે આંદોલનના સમર્થનમાં આવી રહેલા લોકોને ધરણાંસ્થળે પહોંચવાથી રોકવામાં આવે છે.

  3. ખેડૂત આંદોલનનાં સ્થળોએ ઇન્ટરનેટ બંધ

    ભારતમાં સિંઘુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર અને ટિકરી બૉર્ડરના વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા બે ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે.

    આ સાથે જ ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલયના આદેશથી ટ્વિટરે ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં ટ્વિટર એકાઉન્ટ્સ અટકાવી દીધા છે.

    ટ્વિટરે સોમવારે પોતાના પ્લેટફોર્મ પર ખેડૂત આંદોલનને સમર્થન કરતા અનેક ટ્વિટર એકાઉન્ટને અટકાવી દીધા.

    એકાઉન્ટ્સ અટકાવવા અંગે ટ્વીટરેએક નોટિફેકેશન બહાર પાડીને કહ્યું, “કાયદાકીય બંધનને લીધે તમારાં એકાઉન્ટ્સને હાલ અટકાવી દેવામાં આવ્યાં છે.”

    ખેડૂત આંદોલન સાથે જોડાયેલા કિસાન એકતા મોર્ચા, બીકેયુ એકતા ઉરગાહા ઉપરાંત કૅરેવાન મૅગેઝિન, પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતી, કર્મશીલ હંશરાજ મીણા, અભિનેતા સુશાંત સિંઘ ઉપરાંત અનેકનાં એકાઉન્ટ્સ બંધ કર્યા હતા.

    ટ્વીટરે કહ્યું, "ઘણા દેશોમાં એવા કાયદા હોય છે જે ટ્વીટ્સ અને ટ્વિટર એકાઉન્ટ સામગ્રી પર લાગુ થઈ શકે છે. અમારી સેવાઓને દરેક જગ્યાએ લોકોને ઉપલબ્ધ કરાવવા માટેના સતત પ્રયત્નોમાં, જો અમને કોઈ અધિકૃત ઑથોરિટી દ્વારા યોગ્ય રીતે અટકાવવાની વિનંતી મળે, તો તે પ્રકારના કન્ટેન્ટને અટકાવવો જરૂરી બને છે"

    તેમણે વધુમાં કહ્યું, “પારદર્શિતા અભિવ્યક્તિની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે, તેથી અમારી પાસે માહિતી અટકાવવાની સૂચનાની નીતિ છે. સામગ્રીને રોકવાની વિનંતીઓની પ્રાપ્તિ પછી, અમે અસરગ્રસ્ત ખાતાધારકોને તાત્કાલિક ધોરણે જાણ કરીશું (સિવાય કે અમને આવું કરવા પર પ્રતિબંધ ન હોય.)"

  4. બજેટ 2021ની મહત્ત્વની જાહેરાતોને સરળતાથી સમજો

  5. બીલ પરત નહીં, તો ઘરે પણ પરત નહીં

    ખુશહાલ લાલી

    બીબીસી પંજાબી સંવાદદાતા, સિંઘુ બૉર્ડરથી

    દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપુર સરહદે હાજર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે હમણાંથી થોડા સમય પહેલાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું, “બિલ પરત નહીં તો ઘરે પરત નહીં જઈએ.”

    તેમણે કહ્યું, “જે પ્રકારે ખેડૂતોની ફોજ હાલ તૈયાર થઈ છે તેને તૂટવા નથી દેવાની.”

    તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાલના નિવેદન પર કહ્યું કે વડા પ્રધાન પોતાનો નંબર કહી દે કે ક્યાં નંબર પર વાત કરવી છે. અમે તેમની સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યા છીએ.

    ગત શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક દરમિયાન ખેડૂત આંદોલન પર પોતાની વાત રજૂ કરી હતી અને કહ્યું હતું, “સરકાર ચર્ચા માટે તૈયાર છે. જો ખેડૂત સંગઠન આગળ ચર્ચા કરવા માગે છે તો હું એક કૉલ દૂર છું.”

    ગાઝીપુર સરહદે ખેડૂતોને સંબોધિત કરતા રાકેશ ટિકૈતે કહ્યું, “આંદોલનને દફનાવવાનો પ્રયત્ન થયો છે, પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી.”

    તેમણે કહ્યું કે ખેડૂતોને બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની સિંઘુ બૉર્ડર પર પોલીસ દ્વારા બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી તરફથી સિંઘુ બૉર્ડર જઈ રહેલાં રસ્તા પર બે કિલોમીટર પહેલાંથી જ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. આમાં પસંદગીની ગાડીઓને જ જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. પરંતુ મીડિયાની ગાડીઓને જવા દેવામાં આવતી નથી.

    સિંઘુ બૉર્ડરની પાસેના રસ્તાને સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોરચાના મંચથી પહેલાં એક કિસાન સંઘર્ષ સમિતિનો સ્ટેજ છે. આ સ્ટેજ પર બે દિવસ પહેલાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સ્ટેજની આગળ સિમેન્ટ અને સળિયા નાખીને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે.

    સિંઘુ બૉર્ડર જવા માટે તમામ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. નરેલા તરફથી ધરણાંમાં સામેલ થવા આવી રહેલા 46 ખેડૂતોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    સિંઘુ બૉર્ડર પર હાજર એક ખેડૂત નેતા સુરજીત સિંહ ઢેરે કહ્યું, “મોદી સરકાર દિલ્હી અને હરિયાણાની સરહદ પર એવી દિવાલ ઉભી કરી રહ્યું છે, જે દિવાલ બનાવવાની જાહેરાત ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકોની સરહદે કરી હતી.”

    જમ્હૂરી કિસાન સભાના અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂએ કહ્યું, “સરકારે ઇન્ટરનેટ બંધ કરીને અને બેરિકેટિંગ કરીને ખેડૂત આંદોલનના સમાચારને બહાર આવવાથી રોકવામાં આવી રહ્યા છે. આ સિવાય મોદી સરકારે પોતાના પ્રચાર સાધનોથી આ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે કે ધરણાં નબળાં પડી ગયાં છે પરંતુ એવું બિલકુલ નથી. હરિયાણા અને પંજાબથી હજારો ખેડૂતો સતત આવી રહ્યા છે.”

    સતનામ સિંહ પન્નૂએ બીબીસીને કહ્યું, “આ પ્રકારનું બેરિકેડિંગ ટિકરી, સિંઘુ અને ગાઝીપુર દરેક બૉર્ડર પર થઈ રહી છે. સરકારનો આ રસ્તો ખેડૂતોનું મનોબળ ઘટાડવાના પ્રયત્નો છે પરંતુ ખેડૂત સંપૂર્ણ જોશમાં છે અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરાવીને અને એમએસપી કાયદાઓને બનાવીને જ પરત જશે.”

    સિંઘુ બૉર્ડરના એક સ્થાનિક યુવા સાગરે કહ્યું કે ગત બે મહિનાથી ખેડૂતોના પ્રદર્શનથી સ્થાનિક લોકોને કોઈ તકલીફ થઈ રહી નથી પરંતુ 26 જાન્યુઆરી પછી સરકારના બેરિકેટિંગ અને સખતાઈના કારણે લોકોની સમસ્યા વધી ગઈ છે.

  6. શું સસ્તું થયું અને શું મોંઘું થયું?

  7. નિરાશાજનક બજેટ : અખિલેશ યાદવ

    ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2021-2022ના બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે અર્થવ્યવસ્થા માટે કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી.

    તેમણે કહ્યું, શું સરકારના આ બજેટથી અાપણે 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાની નજીક પહોંચી રહ્યા છીએ. જે લોકો 5 ટ્રિલિયનનાં સપનાં બતાવી રહ્યા હતા તેમને ખેડૂતો અને બેરોજગારોને નિરાશ કર્યા છે.

  8. બજેટના કેન્દ્રમાં ગામ છે, ખેડૂતો છે - વડા પ્રધાન મોદી

    2021-22ના બજેટ પર પ્રતિક્રિયા આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશમાં કૃષિ ક્ષેત્રને બળ આપવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે બજેટમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.

    એપીએમસીને વધુ મજબૂત કરી શકાય તે માટે ઍગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

    તેમણે વધુમાં કહ્યું, "આ તમામ નિર્ણયો બતાવે છે કે બજેટના કેન્દ્રમાં ગામ છે, આપણા ખેડૂતો છે."

    સોમવારે સંસદમાં રજૂ થયેલ સામાન્ય બજેટ વિશે તેમણે કહ્યું કે, "અસાધારણ સંજોગો વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે."

    "આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને બહાર લાવશે. બજેટમાં આત્મનિર્ભરતાના દર્શન થાય છે અને પ્રત્યેક નાગરિક અને દરેક વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે."

    મોદીએ કહ્યું કે આ બજેટ ખાસ કરીને એ ક્ષેત્રો પર કેન્દ્રિત છે જેનાથી વેલ્થ અને વેલનેસમાં ઝડપથી વધારો થશે.

    તેમણે ઉમેર્યું, "ભારતના કેરળ, બંગાળ, તામિલનાડુ અને દરિયાકાંઠાનાં રાજ્યોને એક બિઝનેસ પાવરહાઉસ બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. આસામ જેવા પૂર્વોત્તર રાજ્યના અત્યાર સુધી છૂપાયેલી ક્ષમતાનો લાભ લેવામાં આ બજેટ મદદરૂપ પુરવાર થશે. જે જોગવાઈઓ કરવામાં આવી છે, તેનાથી યુવાનોને બળ મળશે. મહિલાઓનાં જીવન સરળ બનાવવા માટે બજેટમાં કામ કરવામાં આવ્યું છે."

  9. બજેટ 2021 : નિર્મલા સીતારમણે ખેડૂતોને શું આપ્યું?

  10. બજેટ-2021 : ઇન્કમટૅક્સના સ્લેબમાં કોઈ સુધારો નહીં

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું હતું.

    આ બજેટમાં 75 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આયકર રિટર્ન ભરવાથી છૂટ આપવામાં આવી છે.

    જોકે આ બજેટમાં ઇન્કમટૅક્સના સ્લેબમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. એટલે કે ગત વર્ષની જેમ જ સ્લેબ રાખવામાં આવ્યો છે.

  11. હાઇડ્રોજન ઍનર્જી મિશન શરૂ થશે, નાણામંત્રીનું એલાન

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે વર્ષ 2021-22માં એક હાઇડ્રોજન ઍનર્જી મિશનની શરૂઆતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે હેઠળ ગ્રીન પાવર સ્રોતોથી હાઇડ્રોજનને પેદા કરી શકાશે.

  12. દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ ખોલાશે- સીતારમણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે "ભારતમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી 100 નવી સૈનિક સ્કૂલો ખોલવામાં આવશે. સાથે જ લદ્દાખમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી પણ ખોલાશે."

    તેમણે કહ્યું કે આઠ કરોડ પરિવારને લાભ આપનારી ઉજ્જવલા સ્કીમ ચાલુ રહેશે. વધુ એક કરોડ લોકોને તેનો લાભ પહોંચાડાશે.

    "સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં અમે આગામી ત્રણ વર્ષમાં 100 વધુ જિલ્લાઓને જોડીશું. ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને જમ્મુ-કાશ્મીર સુધી પહોંચાડાશે."

  13. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ - નિર્મલા સીતારમણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

    તેમણે કહ્યું કે "ધાન્યની ખરીદી પર 2013-14માં 63 હજાર કરોડ ખર્ચ કરાયા છે, જેને વધારીને એક લાખ 45 હજાર કરોડ કરાયા છે."

    "આ વર્ષે આ આંકડો 72 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. 1.2 કરોડ ખેડૂતોને તેનાથી ગત વર્ષે લાભ થયો હતો. આ વર્ષે તેનાથી 1.5 કરોડ ખેડૂતોને લાભ થયો છે."

    તેમણે કહ્યું કે "ઘઉં પર સરકારે 33 હજાર કરોડ રૂપિયા 2013-14માં ખર્ચ કર્યા હતા. 2019માં 63 હજાર કરોડ રૂપિયા અને હવે એ આંકડો 75 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે. વર્ષ 2020-21માં 43 લાખ ખેડૂતોને લાભ થયો હતો."

  14. નિર્મલા સીતારમણ : JNUનાં વિદ્યાર્થિનીથી નાણામંત્રી બનવા સુધીની સફર

  15. બજેટ 2021-22ની મહત્ત્વની વાતો

    • ડિપૉઝિટ ઇન્સ્યોરન્સ કવરને એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરાશે, તેના માટે 1961ના કાયદામાં સંશોધન કરીને પ્રસ્તાવ લવાશે.
    • વાયુ પ્રદૂષણને નાથવા માટે 2217 કરોડની ફાળવણી
    • રેલવે માટે 1,10,055 કરોડનો પ્રસ્તાવ. નેશનલ રેલપ્લાન 2030 તૈયાર છે. તેમાં મેક ઇન ઇન્ડિયા પર ફોકસ છે.
    • વેસ્ટર્ન અને ઇસ્ટર્ન ફ્રન્ટ કૉરિડૉર જૂન 2022 સુધી તૈયાર થશે
    • રોડ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડની વધારાની જોગવાઈ છે
  16. બજેટ 2021-22ની મહત્ત્વની વાતો

  17. હેલ્થ સેક્ટર પર 2.23 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે- સીતારમણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે વર્ષ 2021-22માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર 2,23,846 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

    તેમજ તેમણે કહ્યું કે "વર્ષ 2021-22માં કોરોના રસી માટે 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને જરૂર પડ્યે તેઓ વધુ ફંડ આપવા માટે પ્રતિબદ્ધ છે."

  18. બજેટ 2021-22ની મહત્ત્વની વાતો

    • રેલવે પાછળ 1.10 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે
    • મેટ્રો, સિટી બસસેવાના વિસ્તાર કરવા પર ભાર મુકાશે, તેના માટે 18 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાશે
    • કોચીન, બેંગલુરુ, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટના વિસ્તાર પર ફોકસ
  19. પશ્ચિમ બંગાળમાં રોડનિર્માણ પર 25 હજાર કરોડ ખર્ચ થશે- સીતારમણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે "પશ્ચિમ બંગાળમાં 25,000 કરોડ રૂપિયાના ખર્ચે 675 કિમી રાજમાર્ગનું નિર્માણ કરાશે.

  20. જળજીવન મિશન લૉન્ચ કરાશે- નિર્મલા સીતારમણ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટભાષણમાં કહ્યું કે "જળજીવન મિશન (શહેરી) લૉન્ચ કરાશે. તેનો ઉદ્દેશ્ય 4,378 શહેરી સ્થાનિક એકમોમાં 2.86 કરોડ ઘરેલુ નળકનેક્શનોને સર્વસુલભ જળઆપૂર્તિ વ્યવસ્થા કરવાનો છે."