જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી

જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ. સુરક્ષાનાં કારણસર ત્રણ તબક્કામાં 90 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. હરિયાણામાં ગત બે ટર્મથી ભાજપ સત્તા ઉપર છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ઇન્ડિયન નૅશનલ લોકદળ તથા જનનાયક જનતા પાર્ટીની વચ્ચે મુખ્ય બહુપાંખિયો જંગ છે.

સારાંશ

  • લોકસભા ચૂંટણી 2024 પછી આ પહેલી મોટી ચૂંટણી છે
  • શરૂઆતની મતગણતરીમાં હરિયાણામાં કૉંગ્રેસ આગળ હતી, પછી ભાજપે સરસાઈ મેળવી હતી
  • જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સૌથી મોટો પક્ષ બન્યો છે
  • બહુચર્ચિત ઉમેદવાર કુસ્તીબાજ વીનેશ ફોગાટની જીત થઈ છે
  • હરિયાણાના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલાની પાર્ટીએ ખરાબ પ્રદર્શન કર્યું છે

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી

    જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, ANI

    જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. અહીં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.

    નૅશનલ કોન્ફરન્સને 42 બેઠક પર જીત મળી છે અને કૉંગ્રેસના ખાતામાં છ બેઠક આવી છે. તો ભાજપને 29 બેઠક મળી છે. પીડીપીને માત્ર ત્રણ બેઠક મળી છે.

    આ સિવાય માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ), જમ્મુ-કાશ્મીર પીપુલ કોન્ફરન્સ (જેપીસી) અને આમ આદમી પાર્ટીને એક-એક બેઠક મળી છે. જ્યારે સાત બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે.

    જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 બેઠક છે અને બહુમત માટે 46 બેઠક જોઈએ. નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધને 48 બેઠક જીતી છે.

    જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થઈ છે. છેલ્લે ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી હતી. એ સમયે મહેબૂબા મુફ્તી મુખ્ય મંત્રી બન્યાં હતાં.

    જોકે ભાજપ-પીડીપીના ગઠબંધનવાળી સરકાર પાંચ વર્ષ પૂરાં કરી નહોતી શકી.

  2. નાયબસિંહ સૈની લાડવા બેઠકથી ચૂંટણી જીત્યા

    નાયબસિંહ સૈની

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, નાયબસિંહ સૈની

    હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠકથી ચૂંટણી જીતી ગયા છે.

    તેમણે કૉંગ્રેસના ઉમેદવાર મેવાસિંહને 16 હજારથી વધુ મતથી હરાવ્યા છે. નાયબસિંહ સૈનીને 70 હજાર મત મળ્યા છે.

    ભાજપ અને કૉંગ્રેસને કેટલી બેઠકો મળી?

    ચૂંટણીપંચના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ભાજપ 39 બેઠક જીત્યો છે અને 9 બેઠક પર આગળ છે. તો કૉંગ્રેસે 31 બેઠક પર જીત મેળવી છે અને 6 બેઠક પર આગળ છે.

    રાજ્યની કુલ 90 બેઠકો છે અને બહુમતી માટે 46 બેઠકો હોવી જરૂરી છે.

    ચૂંટણીપંચના 4.30 વાગ્યા સુધીના આંકડા

    ઇમેજ સ્રોત, Election Commission

    ઇમેજ કૅપ્શન, ચૂંટણીપંચના 4.30 વાગ્યા સુધીના આંકડા
  3. હરિયાણા કૉંગ્રેસના અધ્ચક્ષની હાર, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ હાર્યા

    હરિયાણા, જમ્મુ-કાશ્મીર, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, ANI/GETTY

    ઇમેજ કૅપ્શન, હરિયાણા કૉંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાન (ડાબે) અને ભાજપના રવીન્દ્ર રૈના (જમણે)

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણીપરિણામોમાં અનેક મોટા ઊલટફેર જોવા મળી રહ્યા છે.

    હરિયાણાની હોડલ બેઠક પરથી હરિયાણા કૉંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનનો પરાજય થયો છે. ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, હોડલ બેઠક પર તમામ 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.

    તમામ 15 રાઉન્ડની ગણતરી પછી ઉદયભાન 2595 મતોથી પાછળ હતા.

    તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના નૌશેરાથી ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાની 7819 મતોથી હાર થઈ છે.

    નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર સુરેન્દ્રકુમાર ચૌધરીએ તેમને હરાવ્યા છે. રવીન્દ્ર રૈનાને 27250 મત મળ્યા હતા.

    જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો જીતવામાં સફળતા મળી છે.

  4. હરિયાણામાં ઠેર-ઠેર ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી, જુઓ તસવીરોમાં...

    હરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપ, બીબીસી ગુજરાતી
    ઇમેજ કૅપ્શન, કુરુક્ષેત્ર, હરિયાણામાં ઉજવણી કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ
    હરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપ, બીબીસી ગુજરાતી
    હરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપ, બીબીસી ગુજરાતી
    હરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપ, બીબીસી ગુજરાતી
  5. હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું, "આ જીત ગરીબો અને ખેડૂતોની છે"

    હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની

    હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ ચૂંટણીપરિણામો અંગે મીડિયાને પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું હતું કે, "સૌથી પહેલાં હું હરિયાણાના 2.80 કરોડ લોકોને દિલથી પ્રણામ કરું છું, તેમને અભિનંદન આપું છું. હરિયાણાની જનતાએ નરેન્દ્ર મોદીજીની નીતિઓમાં ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

    "આ જીત હરિયાણાના ખેડૂતોની છે, આ જીત હરિયાણાના ગરીબો અને યુવાનોની છે. તેમણે મોદીજીની નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોએ ત્રીજી વાર ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે."

    તેમણે કહ્યું હતું કે, "આ જીત પછી હું વડા પ્રધાન મોદીજીનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું અને લાખો ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું. "

    સાંજે 4 વાગ્યા સુધીમાં હરિયાણાની 27 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે અને હજુ 23 બેઠકો પર પક્ષ આગળ ચાલી રહ્યો છે.

  6. હરિયાણામાં ચૂંટણી પરિણામો ધીમાં અપડેટ થતાં હોવાની કૉંગ્રેસની ફરિયાદનો ચૂંટણીપંચે શું જવાબ આપ્યો?

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામો, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Mayank Mongia/BBC

    ઇમેજ કૅપ્શન, હરિયાણામાં મતગણતરી

    ચૂંટણીપંચની વેબસાઇટ પર હરિયાણા વિધાનસભાનાં પરિણામો ધીમાં અપડેટ થતાં હોવાની કૉંગ્રેસની ફરિયાદનો ચૂંટણીપંચે જવાબ આપ્યો છે.

    ચૂંટણીપંચે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન પણ 4 જૂન, 2024ના રોજ પણ આવો મામલો કૉંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો, જેને ચૂંટણીપંચે ફગાવી દીધો હતો.

    ચૂંટણીપંચે કહ્યું, "અમે કહ્યું હતું કે મતદાનમથકો પર ચૂંટણીના નિયમો અનુસાર જ મતગણતરી કરવામાં આવે છે. તમારી (કૉંગ્રેસ) ફરિયાદ પર અમે કહેવા માગીએ છીએ કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારોની હાજરીમાં જ મતદાનમથકો પર મતગણતરી કરવામાં આવી રહી છે."

    કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે, "લોકસભાનાં પરિણામોની જેમ હરિયાણામાં પણ ચૂંટણીનાં વલણો ઇરાદાપૂર્વક ચૂંટણીપંચની વેબસાઇટ પર ધીમે ધીમે શૅર કરવામાં આવી રહ્યાં છે. શું ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે?"

  7. અબજોપતિ ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યાં

    હરિયાણા વિધાનસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સાવિત્રી જિંદાલ

    હિસાર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર સાવિત્રી જિંદાલની 18 હજાર 941 મતોથી જીત થઈ છે.

    ચૂંટણીપંચના સત્તાવાર આંકડા અનુસાર આ બેઠક પર હાલમાં તમામ 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

    આ બેઠક પર કૉંગ્રેસના રામનિવાસ બીજા ક્રમે રહ્યા છે. સાવિત્રી જિંદાલ બિઝનેસવુમન છે અને સજ્જન તથા નવીન જિંદાલનાં માતા છે.

    તેઓ હરિયાણા સરકારમાં કૅબિનેટ મંત્રી પણ રહી ચૂક્યાં છે. 2024ની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં જોડાયાં હતાં.

    12 ડિસેમ્બર 2023ના રોજ ફૉર્બ્સની ભારતનાં ટોચનાં 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું નામ ટોચ પર હતું. રિપોર્ટ પ્રમાણે સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29 બિલિયન ડૉલર છે.

  8. અરવિંદ કેજરીવાલે ચૂંટણીનાં પરિણામો અંગે કહ્યું, "અતિ આત્મવિશ્વાસ ક્યારેય ન કરવો"

    આમ આદમી પાર્ટી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

    દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં વલણો અને પરિણામો પર પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું, "આ ચૂંટણીથી સૌથી મોટી શીખ એ મળી છે કે ક્યારેય અતિ આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ."

    અરવિંદ કેજરીવાલે કહ્યું, "જેટલું ભગવાને આપ્યું છે તેટલામાં દેશની સેવા કરો. કોઈ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. આજની ચૂંટણીથી સૌથી મોટી શીખ એ છે ક્યારેય અતિ આત્મવિશ્વાસી ન થવું જોઈએ."

    "દરેક ચૂંટણીમાં દરેક બેઠક મુશ્કેલ જ હોય છે. મહેનત કરો. ક્યારેય અંદરખાને લડાઈ ન થવી જોઈએ. દરેક લોકોએ મહેનત કરવી જોઈએ."

  9. અંતિમ પરિણામો આવવાનાં શરૂ, અત્યાર સુધીમાં કોણે કેટલી બેઠકો પર જીત મેળવી?

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Debalin Roy/BBC

    ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપરિણામો પછીના દૃશ્યો

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે અંતિમ પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, બપોરે 2:15 સુધીમાં હરિયાણામાં કૉંગ્રેસે પાંચ બેઠકો પર અને ભાજપે ત્રણ બેઠકો પર જીત મેળવી છે.

    જમ્મુ-કાશ્મીરમાં કુલ 30 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

    અત્યાર સુધીમાં નૅશનલ કૉન્ફરન્સે 12, ભાજપે 12, કૉંગ્રેસે 2 અને પીડીપીએ 1 બેઠક પર જીત મેળવી છે. જ્યારે ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે.

  10. વીનેશ ફોગાટની જુલાના બેઠકથી 6 હજાર મતોથી જીત

    વીનેશ ફોગાટ, બીબીસી ગુજરાતી
    ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટની જીત બાદ તેમની વિધાનસભાના દૃશ્યો

    કૉંગ્રેસ ઉમેદવાર કુસ્તીબાજ વીનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના બેઠક પરથી જીત મેળવી છે.

    કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલાં વીનેશે 6015 મતોથી જીત મેળવી છે. તેમને કુલ 65080 મતો મળ્યા હતા.

    બીજા ક્રમે ભાજપના યોગેશકુમાર રહ્યા હતા જેમને 59065 મતો મળ્યા હતા.

    વીનેશ ફોગાટના ગામમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે
    ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટના ગામમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે

    વીનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં. તેમની સાથે કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કૉંગ્રેસમાં જોડાયા હતા.

    હરિયાણામાં શરૂઆતની મતગણતરીમાં કૉંગ્રેસ પક્ષ આગળ હતો, પરંતુ ત્યારબાદ ભાજપે સતત સરસાઈ જાળવી રાખી છે.

  11. હરિયાણાના પૂર્વ ઉપમુખ્ય મંત્રી દુષ્યંત ચૌટાલા કારમી હાર તરફ, છઠ્ઠા ક્રમે ધકેલાયા

    હરિયાણા ચૂંટણી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દુષ્યંત ચૌટાલા (જમણે)

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણીપરિણામોમાં અનેક ઊલટફેર પણ જોવા મળી રહ્યા છે.

    પૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા ઉચાના કલાં બેઠક પર છેક છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયા છે.

    12 રાઉન્ડની મતગણના પછી દુષ્યંત ચૌટાલાને માત્ર 6226 મત મળ્યા છે અને તેઓ છઠ્ઠા ક્રમે છે.

    તેમની પાર્ટી જેજેપી પણ એકપણ બેઠક પર આગળ ચાલી રહી નથી.

    ગત ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટીને 10 બેઠકો મળી હતી અને તેણે ભાજપને સરકાર બનાવવા માટે ટેકો આપ્યો હતો.

    બપોરે બે વાગ્યા સુધીમાં હરિયાણામાં ભાજપ 48 બેઠકો પર અને કૉંગ્રેસ 37 બેઠકો પર આગળ છે.

  12. આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં પણ ખોલ્યું ખાતું, વિજેતા ઉમેદવાર કોણ છે?

    મેહરાજ મલિક આપના નેતા સંજયસિંહ સાથે

    ઇમેજ સ્રોત, Mehraj Malik/FB

    ઇમેજ કૅપ્શન, મેહરાજ મલિક આપના નેતા સંજયસિંહ સાથે

    દિલ્હી અને પંજાબમાં સરકાર ધરાવતી આમ આદમી પાર્ટીએ હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ પોતાનું ખાતું ખોલાવ્યું હોવાનો દાવો કર્યો છે.

    જમ્મુ-કાશ્મીરની ડોડા વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક 13 રાઉન્ડની ગણતરી પછી 4538 મતોથી વિજેતા બન્યા છે.

    આમ આદમી પાર્ટીના ઍક્સ અકાઉન્ટ પર તેમને શુભેચ્છા આપતો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.

    બીજા ક્રમે ભાજપના ઉમેદવાર ગજયસિંહ રાણા છે. ડોડા વિધાનસભામાં 2014માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા.

    આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી માટે જમ્મુ-કાશ્મીરના પરિણામો સૌથી મોટી ખુશખબર છે. આટલા અંતરિયાળ વિસ્તાર ડોડામાં મેહરાજ મલિક જીત્યા છે. તેઓ ખૂબ કર્મઠ નેતા છે. તેમણે જમીન પર કામ કર્યું છે. "

    36 વર્ષીય મેહરાજ મલિક જમ્મુ-કાશ્મીરના કહારાથી ચૂંટાયેલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલર છે.

    આમ આદમી પાર્ટી પાસે દિલ્હી અને પંજાબ સિવાય ગુજરાત અને ગોવામાં પણ ચૂંટાયેલા ધારાસભ્યો છે.

  13. હરિયાણામાં મતગણતરી પ્રક્રિયા પર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ, જયરામ રમેશે શું કહ્યું?

    જયરામ રમેશ

    ઇમેજ સ્રોત, ANI

    હરિયાણામાં મતગણતરી વચ્ચે કૉંગ્રેસે કહ્યું છે કે ચૂંટણીપરિણામોને ચૂંટણીપંચની વેબસાઇટ પર ધીમે ધીમે અપડેટ કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસે આ મામલે ચૂંટણીપંચને નિવેદન પણ આપ્યું છે.

    પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે, "લોકસભાના પરિણામોની જેમ, હરિયાણામાં પણ ચૂંટણીના વલણો ઇરાદાપૂર્વક ચૂંટણીપંચની વેબસાઇટ પર ધીમે ધીમે જાહેર કરવામાં આવી રહ્યા છે. શું ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે?”

    ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જયરામ રમેશે કહ્યું હતું કે, "અમને આશા છે કે ચૂંટણીપંચ અમારી ફરિયાદનો જવાબ આપશે. અત્યાર સુધી 10-12 રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે પરંતુ માત્ર ત્રણ-ચાર રાઉન્ડના પરિણામો જ અપડેટ કરવામાં આવ્યા છે."

    કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી, હરિયાણા ચૂંટણી

    ઇમેજ સ્રોત, @jairam_Ramesh/X

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઉઠાવ્યા સવાલો

    ચૂંટણીપંચને સોંપવામાં આવેલા નિવેદનમાં જયરામ રમેશે કહ્યું છે કે, "9થી 11વાગ્યાની વચ્ચે ચૂંટણીપંચની વેબસાઇટ પર પરિણામો અપડેટ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. તેના કારણે એવા નૅરેટિવ ફેલાવવાની તક મળશે જે સમગ્ર ચૂંટણીપ્રક્રિયાને ધીમી પાડી શકે છે. અમને આશંકા છે કે મતગણતરીને પ્રભાવિત કરવા માટે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ નૅરેટિવનો ઉપયોગ કરવામાં આવી શકે છે."

    કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પણ આરોપ લગાવ્યો હતો કે, "ચૂંટણીપંચ તેની વેબસાઈટ પર ચૂંટણી પરિણામો ધીમે ધીમે બતાવી રહ્યું છે."

    તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "આ પહેલીવાર થઈ રહ્યું છે કે ચેનલો તેમના રિપોર્ટરોના આંકડા નથી બતાવી રહી પરંતુ ચૂંટણીપંચના આંકડા બતાવી રહી છે. ચૂંટણીપંચ ચોથા અને પાંચમા રાઉન્ડનાં પરિણામો બતાવી રહ્યું છે જ્યારે અમારી પાસે 11-12 રાઉન્ડ સુધીના આંકડાઓ આવી ચૂક્યા છે.

    હરિયાણાનાં તાજા ચૂંટણીપરિણામો પ્રમાણે ભાજપ 49 બેઠકો પર અને કૉંગ્રેસ 35 બેઠકો પર આગળ છે.

  14. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં મોટા નેતાઓની સ્થિતિ શું છે?

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટ

    બપોરે સાડા બાર વાગ્યા સુધીની મતગણતરીમાં વીનેશ ફોગાટ અને ઓમર અબ્દુલ્લાહ જેવા નેતાઓ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ઇલ્તિજા મુફ્તી અને દુષ્યંત ચૌટાલા જેવા નેતાઓ પાછળ ચાલી રહ્યા છે.

    હરિયાણા

    વીનેશ ફોગાટ: કૉંગ્રેસ, જુલાનાથી 4142 મતોથી આગળ

    ભૂપિન્દરસિંહ હુડ્ડા: કૉંગ્રેસ, ગરહી સાંપલા કિલોઈથી 52341 મતોથી આગળ

    નાયબસિંહ સૈની: ભાજપ, લાડવાથી 9671 મતોથી આગળ

    અનિલ વિજ: ભાજપ, અંબાલા કૅન્ટથી 545 મતોથી પાછળ

    દુષ્યંત ચૌટાલા: જેજેપી, ઉચાલા કલાંથી 21880 મતોથી પાછળ

    હરિયાણામાં પરિણામોની અત્યારની સ્થિતિ
    ઇમેજ કૅપ્શન, હરિયાણામાં પરિણામોની અત્યારની સ્થિતિ

    જમ્મુ-કાશ્મીર

    ઓમર અબ્દુલ્લાહ: નેશનલ કોન્ફરન્સ, બડગામ અને ગાંદરબલથી 11278 તથા 5448 મતે આગળ

    ઇલ્તિજા મુફ્તી: પીડીપી, શ્રીગુફવારા-બિજબેહારાથી 7004 મતે પાછળ

    રવિન્દર રૈના: ભાજપ, નૌશેરાથી 10493 મતે પાછળ

    સજ્જાદ ગની લોન: પીપલ્સ કોન્ફરન્સ, કુપવાડાથી 17585 મતે પાછળ

    જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપરિણામ, હાલની સ્થિતિ
    ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીપરિણામ, હાલની સ્થિતિ
  15. જમ્મુ-કાશ્મીર: શરૂઆતની મતગણતરીમાં નૅશનલ કૉન્ફરન્સ માટે સારો સંકેત, ઉમર અબ્દુલ્લાહ બંને બેઠકો પર આગળ

    જમ્મુ-કાશ્મીર ચૂંટણીપરિણામો, ઓમર અબ્દુલ્લાહ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઉમર અબ્દુલ્લાહ

    જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાહ બડગામ અને ગાંદરબલ એમ બંને બેઠકોથી આગળ ચાલી રહ્યા છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, ઉમર અબ્દુલ્લાહ બડગામમાં 16 હજાર મતોથી આગળ છે અને ત્યાં પીડીપીના ઉમેદવાર 8700થી વધુ મતો સાથે બીજા સ્થાને છે.

    2014માં ઉમર અબ્દુલ્લાહ એ બડગામ સીટને અડીને આવેલી બીરવાહ સીટ પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ગાંદરબલ સીટનું નેતૃત્વ ઉમરના દાદા શેખ અબ્દુલ્લાહ અને પિતા ફારૂક અબ્દુલ્લાહ કરી ચૂક્યા છે.

    ગાંદરબલમાં ઉમર અબ્દુલ્લાહ 10700 મતોથી આગળ છે. પીડીપીના બશીર અહમ પીર 6200 મતો સાથે બીજા સ્થાને છે.

    જમ્મુ અને કાશ્મીરમાં મત ગણતરીના તાજેતરનાં (11:45 સુધી) વલણોમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસનું ગઠબંધન 51 બેઠકો પર, ભાજપ 26 બેઠકો પર અને પીડીપી ચાર બેઠકો પર આગળ છે.

  16. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો: કોણ કેટલી બેઠકો પર આગળ? અહીં જુઓ...

    દરેક બેઠકની વિગતે માહિતી અહીં મેળવો. ક્યા મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે? શું જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ આસાનીથી સરકાર બનાવશે?

    જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામો
  17. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો: કોણ કેટલી બેઠકો પર આગળ? અહીં જુઓ...

    દરેક બેઠકનો ચિતાર અહીં મેળવો. ક્યા મોટા નેતાઓ પાછળ ચાલી રહ્યાં છે? હરિયાણામાં ભાજપ ફરીથી બનાવશે સરકાર?

    હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ
  18. હરિયાણા: વીનેશ ફોગાટ જુલાના બેઠકથી 2039 મતોથી પાછળ

    હરિયાણા, વીનેશ ફોગાટ, હરિયાણા વિધાનસભા ચૂંટણી

    ઇમેજ સ્રોત, UGC/FB

    ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટ

    હરિયાણાની ચૂંટણીમાં બહુચર્ચિત ઉમેદવાર કુસ્તીબાજ વીનેશ ફોગાટ મતગણતરીમાં પાછળ ચાલી રહ્યાં છે.

    જુલાના બેઠકથી ભાજપના ઉમેદવાર યોગેશકુમાર 2039 મતે આગળ ચાલી રહ્યા છે.

    એ સિવાય હરિયાણાના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા પણ પાછળ ચાલી રહ્યા છે. ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર તેમની ઉચાના કલાં બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર બ્રજેન્દ્રસિંહ આગળ છે.

    2019ની ચૂંટણીમાં જનનાયક જનતા પાર્ટીને 10 બેઠકો મળી હતી.

  19. 10 વાગ્યા સુધીનાં વલણો: જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ ગઠબંધન 50 બેઠકો પર આગળ

    જમ્મુ-કાશ્મીર ચૂંટણીપરિણામ

    ઇમેજ સ્રોત, Getty Images

    જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ ગઠબંધન સવારે 10 વાગ્યા સુધીનાં વલણોમાં 50 બેઠકો પર આગળ છે.

    જ્યારે ભાજપ 22 બેઠકો પર અને પીડીપી માત્ર બે બેઠકો પર આગળ છે.

    ગાંદરબલ બેઠકથી નૅશનલ કૉન્ફરન્સના ઓમર અબ્દુલ્લાહ બે રાઉન્ડની મતગણતરી પછી 1479 મતે આગળ છે.

    શ્રીગુફવારા-બિજબેહારા બેઠક પરથી મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજા મુફ્તી 3068 મતોથી પાછળ ચાલી રહ્યા છે.અહીં ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.

    નૌશેરા બેઠક પરથી ભાજપના મોટા નેતા રવિન્દર રૈના સાત હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે.

  20. 10 વાગ્યા સુધીનાં વલણો: હરિયાણામાં ભાજપ 44 બેઠકો પર અને કૉંગ્રેસ 41 બેઠકો પર આગળ

    હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ચૂંટણીપરિણામો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, હરિયાણા કૉંગ્રેસના નેતા ભૂપિન્દરસિંહ હુડ્ડા

    હરિયાણામાં 10 વાગ્યા સુધીના ચૂંટણીપરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપ 44 બેઠકો પર આગળ છે.

    હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠકથી પહેલા રાઉન્ડની મતગણતરી પછી 732 મતે આગળ છે.

    કૉંગ્રેસના ઉમેદવાર અને કુસ્તીબાજ વીનેશ ફોગાટ પહેલા રાઉન્ડની મતગણતરી પછી જુલાના બેઠકથી 214 મતે આગળ છે.

    પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડા ગરહી સાંપલા કિલોઈ બેઠકથી 11099 મતોથી આગળ છે.

    આ બેઠક પર બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. 10 વાગ્યા સુધીમાં ઇન્ડિયન નેશનલ લોકદળના 2 ઉમેદવારો આગળ છે.