તવાંગમાં ઘર્ષણ અંગે ચીનની સેનાએ સમગ્ર મામલે કંઈક બીજી વાત કરી
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે ભારતને વિનંતી કરે છે કે બન્ને દેશોની સરહદ અંગે જે કરાર છે, ભારત એનું પાલન કરે.
લાઇવ કવરેજ
તવાંગમાં ઘર્ષણ અંગે ચીનની સેનાએ સમગ્ર મામલે કંઈક બીજી વાત કરી

ઇમેજ સ્રોત, Getty Images
અરુણાચલ પ્રદેશમાં ચીનને લાગેલી ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ (એએલસી) પર 9 ડિસેમ્બરે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારતનાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ચીનના સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગ્ત્સે વિસ્તારમાં અતિક્રમણ કરીને યથાસ્થિતિને એક તરફ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
રાજનાથ સિંહે જણાવ્યું, "ચીનના આ પ્રયાસનો અમારી સેનાએ દૃઢતાથી મુકાબલો કર્યો. આમાં ઝપાઝપી પણ થઈ. ભારતીય સેનાએ બહાદુરીથી ચીનના સૈનિકોને આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતાં રોક્યા અને એમની પોસ્ટ પર પરત જવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બન્ને તરફ કેટલાક સૈનિકોને ઈજા પહોંચી."
હવે ચીન તરફથી આ મામલે પ્રતિક્રિયા આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે ભારતને વિનંતી કરે છે કે બન્ને દેશોની સરહદ અંગે જે કરાર છે, ભારત એનું પાલન કરે.
વાંગે વિદેશ મંત્રાલયની દૈનિક પત્રકારપરિષદમાં જણાવ્યું કે બન્ને રાષ્ટ્રો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ' અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના પ્રવક્તાએ જણાવ્યું છે કે પીએલએની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ વાસ્તવિક નિયંત્રણ રેખા (એએલસી) પર ચાઇનિઝ ભૂભાગમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ભારતીય સૈનિક ચીનના ભાગમાં આવી ગયા અને ચીનના સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો."
ગોપાલ ઈટાલિયાએ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને શું અલ્ટીમેટમ આપ્યું?

ઇમેજ સ્રોત, AAPGUJARAT TWITTER
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ મંગળવારે પત્રકારપરિષદ યોજી હતી અને ગુજરાતમાં ચૂંટાયેલી ભાજપની નવી સરકારને શુભેચ્છા સાથે અલ્ટીમેટમ પણ આપ્યાં હતાં.
પત્રકારો સાથે વાત કરતાં ઈટાલિયાએ કહ્યું, "નવી સરકાર હજારો બેરોજગારો માટે વહેલાસર નોકરીની ભરતી શરૂ કરે, સરકારી શાળાઓમાં શિક્ષણની સુવિધા વધારે, આરોગ્ય અને ભ્રષ્ટાચાર ઘટાડવા કામ કરે. જો સરકારે છ મહિનામાં આ બધાં કામો શરૂ ના કર્યા તો આમ આદમી પાર્ટી ફરી સંઘર્ષના રસ્તે ઊતરશે અને આંદોલનનો માર્ગ અપનાવશે. વિરોધ પ્રદર્શનો કરશે."
આ પત્રકારપરિષદમાં ઈટાલિયાએ આપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 40 લાખ કરતાં વધુ મત મળ્યા એ બદલ અને તેમના પાંચ ધારાસભ્યો ચૂંટાયા એ બદલ ગુજરાતના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો.
અરુણાચલ પ્રદેશના CMએ કહ્યું,'ચીન યાદ રાખે આ 1962નું ભારત નથી'

ઇમેજ સ્રોત, ANI
અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સેમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના ઘર્ષણ અંગે વાત કરતાં કહ્યું છે કે આ વિસ્તાર તેમના વિધાનસભાક્ષેત્ર હેઠળ આવે છે.
ખાંડુએ એવું પણ કહ્યું કે તેઓ દર વર્ષે આ વિસ્તારમાં સૈન્યજવાનો અને ગામલોકોને મળે છે.
પેમા ખાંડુએ ઉમેર્યું, "આ 1962 નથી. જો કોઈએ દુ:સાહસ કર્યું તો યોગ્ય જવાબ મળશે. ઈંટનો જવાબ પથ્થરથી નહીં, ઈંટનો જવાબ લોખંડથી આપી રહી છે આપણી વીર ભારતીય સેના."
આ પહેલાં લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ પર સરકારનો પક્ષ મૂક્યો.
રાજનાથ સિંહે કહ્યું, "નવ ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સૅક્ટરના યાંગત્સેમાં પીએલએેની એકતરફી કાર્યવાહીમાં યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય સેના તેમને રોકવા અને આ દરમિયાન હાથાપાઈ થઈ. ચીની સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. આમાં કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી. ચીની પક્ષ સાથે એક ફ્લૅગ મીટિંગ થઈ અને તેને યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું. હું આ સદનને આશ્વસ્ત કરવા માગું છું કે સરકાર સરહદની સુરક્ષા બાબતે કોઈ સમજૂતી નહીં કરે."
ઑસ્ટ્રેલિયામાં થયેલા ગોળીબારમાં બે પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, QUEENSLAND POLICE
ઇમેજ કૅપ્શન, મૅથ્યુ આરનૉલ્ડ અને રેચલ મૅક્રોએ તાજેતરમાં જ પોલીસ સર્વિસમાં જોડાયા હતા ઑસ્ટ્રેલિયાના સુદૂરવર્તી વિસ્તારમાં થયેલા એક હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત છ લોકોનાં મૃત્યુ થયાં છે.
પોલીસે કહ્યું છે કે, તેઓ જ્યારે ક્વિન્સલૅન્ડના બ્રિસ્બેનથી 270 કિમી દુર આવેલા વૅમ્બિલામાં એક ગુમ થયેલ વ્યક્તિને શોધી રહ્યા હતા, ત્યારે તેમની પર ગોળીબાર થયો હતો. આ હુમલો ઓચિંતો હુમલો હોવાની આશંકા છે.
લાંબી ઘેરાબંદી બાદ પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોને ગોળી મારી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી આ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બેનિસે તેને દેશ માટે ‘હૃદયસ્પર્શી દિવસ’ ગણાવ્યો છે.
પોલીસે જણાવ્યું છે કે, સોમવારે બપોરે ચાર પોલીસ અધિકારી વેમ્બિલાની એક પ્રૉપર્ટી પર એક અજાણી વ્યક્તિને શોધવા માટે ગયા હતા. જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમની પર હુમલો થયો હતો. 26 વર્ષના કૉન્સ્ટેબલ મૅથ્યુ આરનૉલ્ડ અને 29 વર્ષના રેચલ મૅક્રોનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. ત્રીજા પોલીસ અધિકારીને ગોળીનો છરો વાગ્યો અને ચોથા અધિકારીએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.
એક 58 વર્ષની વ્યક્તિનું પણ આ હુમલામાં મૃત્યુ થયું છે, ઉલ્લેખનીય છે કે, તે પાડોશમાં જ રહેતી હતી. પોલીસે હજુ સુધી હુમલાખોરોની ઓળખ જાહેર કરી નથી.
ક્વિન્સલૅન્ડ પોલીસ કમિશનર કૅટરીના કૅરોલે તેને ‘અકલ્પનિય દુર્ઘટના’ગણાવી અને કહ્યું કે, ઘણાં વર્ષોમાં આ પ્રથમ ઘટના છે, જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં છે.
બિલકીસબાનોની સમીક્ષા અરજીની સુનાવણીમાંથી જસ્ટિસ બેલા ત્રિવેદીએ પોતાને અળગાં કર્યાં

ઇમેજ સ્રોત, DAKSHESH SHAH
સુપ્રીમ કોર્ટનાં જજ જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ બિલકીસબાનો બળાત્કાર કેસમાં 11 દોષિતોની સજામાફીના ગુજરાત સરકારના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષાની અરજીની સુનાવણીમાંથી પોતાને અળગાં કરી લીધાં છે.
2002માં ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના પરિવારજનોની હત્યા કરવામાં આવી હતી.
બિલકીસ બાનોની સમીક્ષા અરજીની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બૅન્ચની અધ્યક્ષતા અન્ય જજ જસ્ટિસ અજય રસ્તોગી કરી રહ્યા હતા.
તવાંગમાં ચીની સૈનિકો સાથે અથળામણ મામલે વિપક્ષનો સરકાર પર પ્રહાર

ઇમેજ સ્રોત, FACEBOOK/ASADUDDIN OWAISI
મંગળવારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આ મુદ્દા પર મોદી સરકારની ચુપકીદીને લઈને પ્રશ્ન કર્યો હતો, "ચીને અમારી સીમાં ઘૂસણખોરી કરી છે. આ ઝડપ નવ ડિસેમ્બરે થઈ અને સરકાર તરફથી કોઈ જવાબ ન આવ્યો."
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે "સરકાર તરફથી નિવેદન નહીં પણ આ મામલે ચર્ચા થવી જોઈએ."
તેમણે કહ્યું કે, "તમને ખબર નથી કે બે વર્ષ પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ન કોઈ ઘૂસ્યું છે અને ન કોઈ ઘૂસી શકે. પીએમે સત્ય નથી જણાવ્યું. અત્યારે પણ ડેફસાંગ અને ડેમચાંગ ચીનના કબજામાં છે. અત્યાર સુધી એક હજાર વર્ગ કિલોમિટર ચીનની પાસે છે. તમે ચીનના નેતાઓને મળો છો, હાથ મિલાવો છો અને હવે જુઓ આનું પરિણામ શું છે. દેશ જાણવા માગે છે કે આખરે કેમ વડા પ્રધાન ચીનથી ડરી રહ્યા છે."
બે દેશોની સેના વચ્ચે શું થયું? રાજનાથ સિંહે કર્યો આ ખુલાસો
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
'ભારતના સૈનિકોએ ચીની સૈનિકોને તવાંગમાં અતિક્રમણ કરતા રોક્યા'
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ પર સરકારનો પક્ષ મૂક્યો.
રાજનાથ સિંહે કહ્યું, "નવ ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સૅક્ટરના યાંગત્સેમાં પીએલએેની એકતરફી કાર્યવાહીમાં યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી. પરંતુ ભારતીય સેના તેમને રોકવા અને આ દરમિયાન હાથાપાઈ થઈ. ચીની સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. આમાં કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી. ચીની પક્ષ સાથે એક ફ્લૅગ મીટિંગ થઈ અને તેને યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું. હું આ સદનને આશ્વસ્ત કરવા માગું છું કે સરકાર સરહદની સુરક્ષા બાબતે કોઈ સમજૂતી નહીં કરે."
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે, "તવાંગ સૅક્ટરમાં યાંગત્સે વિસ્તારમાં પીએલએનાં દળોએ અતિક્રમણ કરીને અને તેની યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. આ કોશિશને સેનાએ એક નિર્ણાયક રીતે રોકી હતી. આપણી સેનાએ પીએલએને આ વિસ્તારમાં અતિક્રમણ કરતા રોક્યા હતા અને તેમને પીછેહઠ કરીને તેમની પોસ્ટ પર પાછા જવા માટે મજબૂર કર્યા હતા."
રક્ષા મંત્રીએ કહ્યું, ''હું આ સદનને જણાવવા માગું છું કે અમારા કોઈ પણ સૈનિકનું મૃત્યુ નથી થયું અને કોઈ પણ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયું છે. ચીનના પક્ષને આ પ્રકારની કાર્યવાહી માટે ના પાડવામાં આવી અને સરહદ પર શાંતિ જાળવી રાખવાનું કહેવામાં આવ્યું. આ મુદ્દાને ચીનના પક્ષ સાથે રાજદ્વારી સ્તર પર પણ ઉઠાવવામાં આવ્યો. ભારતીય સેનાના કમાંડર્સના સમયસર હસ્તક્ષેપને કારણે ચીનના સૈનિક પોતાના વિસ્તારમાં પાછા જતા રહ્યા. આ ઘટના પછી વિસ્તારના સ્થાનિક કમાંડરે 11 ડિસેમ્બર 2022ના, પોતાના ચીની સમકક્ષ સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક ફ્લૅગ મીટિંગ કરી અને આ ઘટના પર ચર્ચા કરી.''
ભૂપેન્દ્ર પટેલે બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આજે ગાંધીનગરમાં ચાર્જ સંભાળ્યો

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલે બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આજે ગાંધીનગરમાં ચાર્જ સંભાળ્યો છે.
ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ શપથવિધિમાં હાજર રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 156 સીટ મળી છે.
જ્યારે કૉંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 સીટ મળી છે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સંસદમાં ભારત-ચીન ઘર્ષણ બાબતે નિવેદન આપશે

ઇમેજ સ્રોત, ANI
અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે, આ ઘટના નવ ડિસેમ્બર 2022ના દિવસે થઈ હતી.
આ અંગે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદમાં આજે નિવેદન આપવાના છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રાજનાથ સિંહ લોકસભામાં બપોરે 12 વાગ્યે અને રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે નિવેદન આપવાના છે.
ભારતીય સેનાએ બીબીસીને જણાવ્યું હતું કે, નવ ડિસેમ્બરે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ઘૂસ્યા, જેના જવાબમાં ભારતે વળતી કાર્યવાહી કરી. આ ઘર્ષણમાં બન્ને પક્ષોના કેટલાક સૈનિકોને ઇજા પહોંચી છે. ભારતીય સેના અનુસાર બન્ને દેશોના સૈનિકો તાત્કાલિક ઘટનાસ્થળેથી પાછળ હટી ગયા છે. ઘર્ષણ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે વિસ્તારના કમાંડરે તેમના ચીની સમકક્ષ સાથે ફ્લૅગ સ્તરની વાતચીત કરી.
'મોરબી પાલિકાનું વિસર્જન કેમ કરી નાખતા નથી?' કોર્ટ

ઇમેજ સ્રોત, AFP
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.
સુનાવણીમાં મૃતકોના પરિવાર અને ઘાયલોને વળતર વધારવાની વાત પણ કરાઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે શા માટે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને મોરબી નગરપાલિકાને વિસર્જન અથવા સુપરસીડ કરવાનું વિચારી રહી નથી, કેમ કે સસ્પેન્શન બ્રિજની સલામતી રાખવાની જવાબદારી પાલિકાની છે. રાજ્ય સરકારે જણાવ્યું કે મ્યુનિસિપાલિટીનું વિસર્જન કરીને કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પણ છે.
મોરબી બ્રિજની ઘટનાને વિશેષ કેસ ગણીને રાજ્યે કોર્ટને જણાવ્યું કે સરકારે 10 ડિસેમ્બરના રોજ મૃતકના સંબંધીઓને વધારાના રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 1 લાખની વધારાની સહાય ચૂકવવાનો આદેશ પસાર કર્યો છે.
તો કેન્દ્ર સરકારે પણ મૃતકો માટે વધારાના રૂપિયા બે લાખ અને ઘાયલોને રૂપિયા 50,000 આપવાની જાહેરાત કરી હતી. આથી હવે મૃતકના પરિજનોને કુલ રૂપિયા 10 લાખ વળતર મળશે અને ઘાયલોને રૂપિયા બેથી ત્રણ લાખ મળશે.
સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ જે ભલામણ કરી છે તેનો યોગ્ય અમલ કરો.
ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં સરકારી આંકડા અનુસાર, 135 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.
'નરેન્દ્ર મોદીની હત્યા'ના નિવેદન પર કૉંગ્રેસ નેતા રાજા પટેરિયાની અટકાયત
મધ્યપ્રદેશના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાજા પટેરિયાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આવેલા એક વિવાદિત નિવેદન બાદ વિવાદ થયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, પન્ના જિલ્લાના પવાઈ તાલુકામાં એક બેઠકમાં કાર્યકરોને સંબોધન કરતા તેમણે કથિત રીતે 'નરેન્દ્ર મોદીની હત્યા'ની વાત કરી હતી.
કૉંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ થયા બાદ મંગળવારે સવારે તેમના ઘરેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. પટેરિયાએ દાવો કર્યો હતો કે તેમની વાતને ખોટી રીતે લેવાઈ છે. કૉંગ્રેસ પાર્ટીએ નેતાને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.
તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ કહેતા હતા કે "મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વિભાજન કરશે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓનું ભાવિ જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હશે તો મોદીની હત્યા માટે તૈયાર રહો. હત્યા એટલે કે હરાવાનું કામ. (તેમને હરાવવાનું કામ)."
આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ કૉંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે.
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, "ભારત જોડો યાત્રા કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોનાં હૃદયમાં વસે છે, તેઓ સમગ્ર દેશનાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. કૉંગ્રેસ મેદાનમાં તેમની સાથે મુકાબલો કરી શકતી નથી, એટલે મોદીની હત્યાની વાત કરે છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ વીડિયો વાઇરલ થયા બાદ રાજા પટેરિયાએ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા આપી હતી.
તેમણે કહ્યું કે "મારા વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. હું ગાંધીને માનનારો માણસ છું, હત્યાની વાત ન કરી શકું. મારો કહેવાનો મતલબ હતો કે રાજકીય રીતે ચૂંટણીમાં મોદીને હરાવો અને દેશનું બંધારણ બચાવો."

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
ક્રિપ્ટોકરન્સી એફટીએક્સના સંસ્થાપક સૅમ બૅન્કમૅન-ફ્રાઈડની ધરપકડ

ઇમેજ સ્રોત, TOM WILLIAMS
બહામાસે દેવાળિયા થઈ ગયેલા ક્રિપ્ટોકરન્સી એફટીએક્સના સંસ્થાપક સૅમ બૅન્કમૅન-ફ્રોઈડની ધરપકડ કરી છે. દેશના ઍટર્ની જનરલે આ અંગે માહિતી આપી છે.
બહામાસે કહ્યું છે કે તેને અમેરિકા તરફથી સૅમ બૅન્કમૅન સામે ગુનાહિત આરોપોની સત્તાવાર માહિતી મળી છે.
ગયા મહિને એફટીએક્સે અમેરિકામાં પોતાને નાદાર જાહેર કરી અને તેના ઘણા ગ્રાહકો તેમનાં નાણાં ઉપાડી શક્યાં ન હતાં. આ વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી હતી, જે દરરોજ 10 બિલિયન ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરતી હતી.
અમેરિકાના મૅનહટનમાં આવેલા ઍટર્ની ઑફિસે ટ્વીટ કર્યું, "અમેરિકાની વિનંતી પર બહામાસ સત્તાવાળાઓએ સૅમ્યુઅલ બૅન્કમૅન-ફ્રાઈડની ધરપકડ કરી છે. સદર્ન ડિસ્ટ્રિક ઑફ ન્યૂયૉર્ક તરફથી દાખલ કરાયેલી સીલબંધ ફરિયાદના આધારે અમેરિકાએ બહામાસને આ વિનંતી કરી છે."
તાજેતરના કેટલાક ઇન્ટરવ્યૂમાં બૅન્કમૅને સ્વીકાર્યું હતું કે તેમની કંપનીથી ભૂલ થઈ છે, પરંતુ કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ થઈ હોવાનું માનવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
તેમણે ન્યૂયૉર્ક ટાઇમ્સની ડીલબુક સમિટમાં કહ્યું હતું, "મેં ક્યારેય છેતરવાનો પ્રયાસ કર્યો નથી."
જ્યારે ક્રિપ્ટો ન્યૂઝ વેબસાઈટ ક્વૉઇનડેસ્કે સૅમની ટ્રેડિંગ કંપની અલમીડા રિસર્ચ અને એફટીએક્સ એકબીજા સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને એ જણાવ્યું કે બંને સ્વતંત્ર કંપની નથી, પણ ફાઉન્ડેશનનો ભાગ છે. ત્યાર બાદ એફટીએક્સની આર્થિક સ્થિતિ બગડવાની શરૂઆત થઈ હતી.
પછી અન્ય એક આરોપ લાગ્યો કે અલમીડાએ એફટીએક્સના ગ્રાહકોનાં નાણાંનો લોન તરીકે ઉપયોગ કર્યો હતો.
બિલકીસબાનો બળાત્કાર કેસના એક દોષિતની સજામાફી અંગે આજે સુપ્રીમમાં સુનાવણી

ઇમેજ સ્રોત, Ge
સુપ્રીમ કોર્ટ આજે બિલકીસ બાનો કેસ મામલે સુનાવણી કરશે. મે 2022ના આપેલા આદેશની સમીક્ષા માટે અરજી કરાઈ હતી, જેમાં ગુજરાત સરકારે દોષિતોમાંથી એકની વહેલી મુક્તિની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી અને જસ્ટિસ વિક્રમનાથની બનેલી સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ બપોરે આ મામલાની સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે મે 2022ના તેના આદેશમાં ગુજરાત સરકારને 1992ની માફીનીતિના સંદર્ભે એક દોષિતની મુક્તિ અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આ મેના આદેશ અંતર્ગત આ વર્ષે 15 ઑગસ્ટના રોજ બિલકીસના 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
નમસ્કાર બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
12 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
