પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનોમાં ફાયરિંગ - બેના મૃત્યુ, બે ઇજાગ્રસ્ત

શનિવારે મોડી સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં આઈઆરબીના જવાનો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં એક જવાનો એકે-47થી ગોળીબાર કર્યો હતો

લાઇવ કવરેજ

  1. ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોએ 'PMને ધન્યવાદ' પાઠવવા 18 કરોડ ખર્ચ્યા

  2. પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલા જવાનોમાં ફાયરિંગ - બેના મૃત્યુ, બે ઇજાગ્રસ્ત

    આઈઆરબીના જવાનોના ગોળીબારમાં બેના મોત

    ઇમેજ સ્રોત, Ajay Shilu

    ગુજરાતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણી માટે બંદોબસ્તમાં આવેલા ઇન્ડિયન રિઝર્વ બટાલિયન (આઈઆરબી)ના જવાનો વચ્ચે ઘર્ષણ બાદ થયેલા ગોળીબારમાં બે જવાનોના મૃત્યુ થયા છે અને બે જવાનોને ઈજાઓ પહોંચી છે.

    બીબીસીએ આ ઘટનાની પુષ્ટિ માટે જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

    જોકે, પોરબંદરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એ એમ શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતા બીબીસીને જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે મોડી સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. પોરબંદરના નવી બંદરસ્થિત સાયક્લોન સેન્ટરમાં ચૂંટણીમાં બંદોબસ્ત માટે આવેલા આઈઆરબીના જવાનોને રહેવાની સુવિધા આપવામાં આવી હતી. ત્યાં હાજર રહેલા જવાનો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

    ઝઘડો વધી જતા એક જવાને એકે-47માંથી ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાનોનાં મૃત્યુ થયા છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અને ચૂંટણી અધિકારીઓ હૉસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘટના પાછળના કારણો જાણવાની તપાસ હાથ ધરી હતી.

  3. ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, બીએસએફએ તોડી પાડ્યું, રવિંદરસિંહ રૉબિન

    ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન

    ઇમેજ સ્રોત, Getty Images

    શુક્રવારે પંજાબના અમૃતસર સૅક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ડોકે ગામ નજીક બીએસએફના જવાનોએ એક ડ્રોનને તોડી પાડ્યું હતું.

    બીએસએફનો દાવો છે કે, આ ડ્રોન પાકિસ્તાનથી ભારતીય વિસ્તારમાં ઘૂસ્યું હતું.

    બીએસએફ અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદ પર એક સંદિગ્ધ ડ્રોન ઊડવાનો અવાજ સંભળાયો હતો અને બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને સંદિગ્ધ ડ્રોન તોડી પાડ્યું છે.

    ત્યારબાદ સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો, પોલીસ અને સંબંધિત એજન્સીઓને તેની સૂચના આપવામાં આવી હતી.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ડ્રોનમાંથી ડ્રગ્સના બે પૅકેટ મળી આવ્યાં છે, જેનું વજન 2.5 કિલોગ્રામ છે.”

    તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સરહદ પર તહેનાત સુરક્ષા દળો સાથે કેટલાક ઇનપૂટ શેર કર્યા હતા, તેથી સરહદ પર થતી આ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓને રોકી શકાય.

    બીએસએફનું કહેવું છે કે, “તેમના સતર્ક જવાનોએ ફરી એક વાર ડ્રોનને પકડવામાં સફળતા હાંસલ કરી છે અને તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.”

  4. અજમલ કસાબને ફાંસી બાદ બીબીસી તેના ગામમાં પહોંચ્યું ત્યારે ત્યાં શું જોવા મળ્યું હતું?

  5. કોહલીના ટ્વીટ પછી લોકો કેમ તેમની 'નિવૃત્તિ'ની વાતો કરવા લાગ્યા?

    વિરાટ કોહલી

    ઇમેજ સ્રોત, Getty Images

    ક્રિકેટર વિરાટ કોહલીએ એક તસવીર ટ્વીટ કરી છે, જેના પછી અટકળોનું બજાર ગરમાયુ છે કે વિરાટ કોહલી ખરેખર સંન્યાસ લેવાના છે.

    વિરાટ કોહલી હાલમાં બ્રેક પર છે અને આ દરમિયાન તેમણે ટી20 વર્લ્ડકપમાં મેલબૉર્નમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચની તસવીર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એ તસવીરમાં તે બેટ લઈને ઊભા છે.

    કોહલીએ આ તસવીર સાથે લખ્યું, “23 ઑક્ટોબર, 2022 મારા દિલમાં હંમેશા ખાસ દિવસ રહેશે. મેં આ પહેલા ક્યારેય કોઈ મૅચમાં આવી ઊર્જા અનુભવી નથી. કેટલી અદ્ભુત સાંજ હતી એ."

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    મેલબૉર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એ ભારે રોમાંચક મૅચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મૅચનો રોમાંચ છેલ્લા બૉલ સુધી જળવાયો હતો. કોહલીએ ભારત માટે અશક્ય લાગતી જીતને શક્ય બનાવી હતી.

    મૅચમાં એક તબક્કે જીતવા માટે 8 બોલમાં 28 રનની જરૂર હતી અને ભારતની જીતની સંભાવના સાવ ઓછી જણાતી હતી, પરંતુ કોહલીની અણનમ ઇનિંગે ભારતને પાકિસ્તાન સામે વિજય અપાવ્યો હતો.

    વિરાટ કોહલીના આ ટ્વીટ બાદ ઘણા ક્રિકેટ ચાહકોને આશંકા છે કે તેમણે નિવૃત્તિનો સંકેત આપ્યો છે?

    ટ્વિટર પર એક યૂઝરે લખ્યું, “ભાઈ, આવા ફોટો મૂકીને ન લખો. હૃદયના ધબકારા વધી જાય છે. શું નિવૃત્તિની જાહેરાત તો નથી કરી દીધીને?”

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    સોની નામના યૂઝરે લખ્યું, "પહેલા તો મને લાગ્યું કે ખતરનાક 'આર' શબ્દ આવી રહ્યો છે."

    બદલો X કન્ટેન્ટ, 3
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 3

    કૉફી બુક્સ નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, "સારી તસવીરો મુકવાનું રાખો, સવાર સવારમાં હાર્ટ-એટૅક આવી જાય છે."

    કોહલી ઉપરાંત રોહિત શર્મા, કેએલ રાહુલ, આર. અશ્વિન, મોહમ્મદ શમી અને દિનેશ કાર્તિક પણ બ્રેક પર છે.

  6. હિન્દી, મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન

    વિક્રમ ગોખલે

    ઇમેજ સ્રોત, Getty Images

    હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન થયું છે.

    77 વર્ષીય વિક્રમ ગોખલેએ શનિવારે પૂણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

    તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

    વિક્રમ ગોખલેના પુત્રી વૃશાલી ગોખલેએ બીબીસી હિન્દી સાથે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

    તેમની વૃશાલી ગોખલેએ કહ્યું, "મારા પિતા વિક્રમ ગોખલેનું આજે બપોરે નિધન થયું છે. મારો પરિવાર આ મુશ્કેલ સમયમાં તેમના માટે પ્રાર્થના કરનારા તમામ લોકોનો આભાર માને છે."

    વિક્રમ ગોખલેના અંતિમ સંસ્કાર આજે સાંજે પુણેમાં કરવામાં આવશે.

    વિક્રમ ગોખલેએ મરાઠી ફિલ્મોની સાથે સાથે "અગ્નિપથ" (1990), 'હમ દિલ દે ચૂકે સનમ' (1999) અને 'ભૂલ ભૂલૈયા' (2007) જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

    2010માં, વિક્રમ ગોખલેને મરાઠી ફિલ્મ ઇશ્તીમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

    ટીવીમાં તેમણે ઔર આજા પરદેશી, અલ્પવિરામ, જાના ના દિલ સે દૂર, સંજીવની, ઈન્દ્રધનુષ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું.

    80ના દાયકામાં દૂરદર્શન પર આવેલી ટીવી સિરિયલ 'ઉડાન' થકી વિક્રમ ગોખલેનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું હતી.

    તેમની મરાઠી ફિલ્મ 'ગોદાવરી' હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.

  7. ‘વી ધ પીપલ’ માત્ર એક શબ્દ જ નથી આ એક પ્રતીજ્ઞા છે- મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    શનિવારે બંધારણ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, “બંધારણની પ્રસ્તાવનની શરૂઆતમાં જે ‘વી ધ પીપલ’ લખ્યું છે, તે માત્ર ત્રણ શબ્દ જ નથી.”

    તેમણે કહ્યું હતું કે, “આ દિવસે જ સ્વતંત્ર ભારતે તેના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. હું આધુનિક ભારતનું સપનું જોનારા બાબા સાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ સભ્યોને, બંધારણ નિર્માતાઓને નમન કરું છું.”

    “બંધારણની પ્રસ્તાવનાની શરૂઆતમાં જે ‘વી ધ પીપલ’ લખ્યું છે તે માત્ર ત્રણ શબ્દ જ નથી. આ એક આહ્વાન છે, એક પ્રતીજ્ઞા છે અને વિશ્વાસ છે. બંધારણમાં લખાયેલી આ લાગણી, એ ભારતની મૂળભૂત લાગણી છે, જે દુનિયામાં લોકતંત્રની જનની રહી છે.”

    “વ્યક્તિ હોય કે સંસ્થાઓ, આપણી ફરજ જ આપણી પ્રાથમિકતા છે. આપણા કર્તવ્યના માર્ગ પર ચાલીને જ આપણે દેશને નવી ઊંચાઈએ લઈ જઈ શકીએ છે. આપણા બંધારણ નિર્માતાઓએ એક એવું બંધારણ આપ્યું છે, જે ખુલ્લુ અને ભવિષ્યવાદી છે અને તેની આધુનિક દૃષ્ટિ માટે જાણીતું છે. તેથી સ્વભાવિક રીતે જ આપણા બંધારણનો આત્મા યુવા કેન્દ્રિત છે.”

    ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

    આ પ્રસંગે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, "તે જરૂરી છે કે ન્યાયતંત્ર લોકો સુધી પહોંચે નહીં કે લોકો ન્યાયતંત્ર સુધી પહોંચે.”

    ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, "દરેક લોકો માટે ન્યાય સુધી પહોંચવું સરળ અને સુગમ હોય એ નક્કી કરવાની જવાબદારી અમારી છે."

    તેમણે કહ્યું હતું કે, "આપણા જેવા વૈવિધ્યસભર દેશમાં ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર એ છે કે આપણે લોકો માટે ન્યાય સરળ બનાવવાનો છે. ન્યાયતંત્ર એ એવા ઘણા પગલાં ઉઠાવ્યા છે, જેનાથી લોકોને ન્યાય મેળવવામાં સરળતા રહે."

  8. ચૂંટણીમાં દારૂ ન વહેંચવા ચેતવણી

    સાવડા

    ઇમેજ સ્રોત, Sachin Pithva

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા સીટમાં આવતા સાવડા ગામના સરપંચે વીડિયો મારફતે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે.

    બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, સાવડા ગામના સરપંચે વીડિયોમાં કહ્યું કે "તમામ રાજકીય પક્ષોને જાણ કરું છુ કે, અમારા ગામના તમામ વર્ગના આગેવાનોએ નક્કી કર્યું છે કે, કોઈ પણ પક્ષ અમારા ગામમાં દારૂની વહેંચણી કરશે તો તેમને એક પણ મત મળશે નહીં. તમારે 10 % મત પીનારાના લેવાના હોય તો તમારે ગામના 90 % મત મળશે નહીં."

    આ અંગે સાવડા ગામના સરપંચ હનુભા દાદુભા સોઢાએ જણાવ્યું કે, "અમારા ગામની વસ્તી અંદાજે 2500ની છે અને જેમાં 1400નું મતદાન છે."

    "અમે ગામનાં દરેક ઘરની મહિલાઓના અભિપ્રાય લીધા બાદ ચૂંટણી લડતા તમામ પક્ષોને દારૂ ન વહેંચવાની ચેતવણી આપી છે."

    તેમણે કહ્યું કે આ અંગે તેમણે પાટડી પોલીસ મથકમાં પણ લેખિત જાણ કરી છે કે 30 નવેમ્બરની રાત્રે ગામમાં એક પણ પક્ષના માણસો દારૂ લઈને ના આવે એ માટે સતત પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે.

    તેમણે કહ્યું કે આદમીઓ દારૂ ઢીંચીને પડ્યા રહે છે અને એમની મહિલાઓને ભોગવવાની નોબત આવે છે.

  9. ઓવૈસીએ અમિત શાહના '2002નાં રમખાણો...' નિવેદન પર જવાબ આપ્યો

    અસદુદ્દીન ઓવૈસી

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે 2002નાં રમખાણોમાં અસામાજિક તત્ત્વોને "પાઠ" ભણાવીને ભાજપે રાજ્યમાં "કાયમી શાંતિ" સ્થાપી છે.

    હવે અમિત શાહના આ નિવેદન પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે તેમણે (અમિત શાહ) ગુનેગારોને આઝાદ કરવાનો પાઠ ભણાવ્યો છે.

    ગુજરાતના મુસ્લિમ વિસ્તાર જુહાપુરામાં શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું, "અમિત શાહે એક જાહેર રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું કે 2002માં અમે જે પાઠ ભણાવ્યો તેના લીધે રાજ્યમાં શાંતિ સ્થાપાઈ છે. હું આ વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે એવો પાઠ ભણાવ્યો હતો કે બિલકીસ પર બળાત્કાર કરનારાઓને તમે છોડશો. તમે એ પાઠ ભણાવ્યો હતો કે જેમણે બિલકીસની સામે તેની દીકરીને મારી નાખી તેને તમે છોડશો, અમિત શાહે એ સબક શીખાવડ્યો હતો કે એહસાન જાફરીની હત્યા કરી નંખાશે."

    "યાદ રાખજો, પાઠ ભણાવવાથી કંઈ નહીં થાય, શાંતિ ત્યારે જ મજબૂત બને છે જ્યારે પીડિતોને ન્યાય મળે છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણીસભામાં કહ્યું કે ગુજરાતમાં પહેલાં અસામાજિક તત્ત્વો હિંસામાં સામેલ રહેતાં હતાં, કેમ કે કૉંગ્રેસ એમને સમર્થન કરતી હતી, પણ જ્યારે 2002માં એમને 'પાઠ' ભણાવાયો તો એણે આ પ્રકારની હિલચાલ બંધ કરી દીધી. આ રીતે ભાજપે રાજ્યમાં 'કાયમી શાંતિ' સ્થાપી.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતના ખેડા જિલ્લાના મહુડામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીમાં શાહે કહ્યું, "ગુજરાતમાં 1995 પહેલાં કૉંગ્રેસના શાસનમાં ભારે સાંપ્રદાયિક રમખાણો થતાં હતાં."

  10. યુનિફૉર્મ સિવિલ કોડ મામલે સંકલ્પપત્રમાં શું કહેવાયું?

    • ભાજપે સંકલ્પપત્રમાં કહ્યું કે યુનિફૉર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાશે
    • એન્ટિ રેડિકલાઇઝેશન સેલ બનાવાશે જે દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.
    • રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગરે દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે કાયદો લવાશે.
    • પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.

    ઇકૉનૉમીને લગતી જાહેરાતો કરતા કહ્યું કે ગુજરાતને એક ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સૅક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન ઍનર્જી) પર વિશેષ ધ્યાન અપાશે.

    તેમજ સાગરખેડુ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરાશે. તેમજ મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા બ્લૂ ઇકૉનૉમી કૉરિડૉર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરાશે.

  11. આદિવાસી વિસ્તારોમાં આઠ જીઆઇડીસીની સ્થાપનાનો વાયદો

    આદિજાતિ

    • આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
    • ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ 56 તાલુકામાં મોબાઇલ વાન મારફતે રૅશન વિતરણની વ્યવસ્થા કરાશે.
    • અંબાજી અને ઉમરગામ વચ્ચે બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કૉરિડૉરનું નિર્માણ કરાશે.
    • આદિવાસી ક્ષેત્રોમાં આઠ મેડિકલ અને દસ નર્સિંગ/પેરા મેડિકલ કૉલેજોની સ્થાપના કરાશે.
    • યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં આઠ જીઆઇડીસીની સ્થાપના કરાશે.
    • આદિવાસી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ સ્થપાશે.

    નારીલક્ષી જાહેરાતો

    • કેજીથી પીજી સુધીની તમામ દીકરીઓને નિ:શુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરાશે.
    • આર્થિક રીતે નબળા પરિવારની કૉલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે શારદા મહેતા યોજના શરૂ કરાશે.
    • ગુજરાતમાં મહિલા સિનિયર સિટીઝન માટે નિ:શુલ્ક બસ મુસાફરીની યોજના લવાશે.
    • આવનારાં પાંચ વર્ષોમાં મહિલાઓ માટે એક લાખ કરતાં વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરાશે.
  12. દરેક નાગરિકોને પાકા મકાનનો વાયદો, સમરસ વિકાસ

    પ્રધાનમંત્રી આવાસ યોજનાના 100 ટકા અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે સુનિશ્ચિત કરાશે.

    ફૅમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરાશે.

    પીડીએસ સિસ્ટમ માધ્યમથી દર મહિને એક કિલો ચણા અને ચાર વખત એક લિટર ખાદ્ય તેલ અપાશે.

    શ્રમિકોને રૂ. બે લાખ સુધી કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે.

    ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની એનઆઈઆરએફમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક ઓબીસી/એસટી/એસસી/ઇડબ્લ્યૂએસ વિદ્યાર્થીઓને રૂ. 50 હજારનું પ્રોત્સાહન અનુદાન અપાશે.

  13. ભાજપના સંકલ્પપત્રમાં શું-શું છે?, યુવાઓ માટેનાં વચનો

    મહિલાઓ

    ઇમેજ સ્રોત, TRILOKS

    • મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સ હેઠળ રૂ. દસ હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં 20 હજાર શાળાઓને અપગ્રેડ કરાશે.
    • કે. કા. શાસ્ત્રી હાયર ઍજ્યુકેશન ટ્રાન્સફૉર્મેશન ફંડ અંતર્ગત રૂ. એક હજાર કરોડના ખર્ચે નવી સરકારી કૉલેજોનું નિર્માણ અને હાલની કૉલેજ યુનિવર્સિટીઓને અદ્યતન બનાવાશે.
    • ગુજરાતના યુવાનોને આગામી પાંચ વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરાશે.
    • આઇઆઇટી માફક ચાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીની સ્થાપના કરાશે.
    • વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ ક્લાસ સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે.
  14. ભાજપના સંકલ્પપત્રમાં શું-શું છે?

    ચૂંટણીઢંઢેરો

    ઇમેજ સ્રોત, BJP

    26 નવેમ્બર એટલે કે બંધારણ દિવસે ગુજરાત ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જાહેર કરેલ સંકલ્પપત્રમાં જુદા-જુદા વર્ગો અને ક્ષેત્રોને લઈને ઘણા વચનો આપ્યાં છે.

    જે પૈકી મુખ્ય નીચે મુજબ છે.

    ખેતી ક્ષેત્ર

    નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ઘણી વખત ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી ચૂક્યા છે.

    આ જ દિશામાં આગળ વધીને ગુજરાત ભાજપે પણ પોતાના સંકલ્પપત્રમાં ખેડૂતોને સ્પર્શતા કેટલાક મુદ્દા આવર્યા છે.

    • ગુજરાત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે, જે કૃષિવિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (એપીએમસી, વેરહાઉસ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ વગેરે) મજબૂત કરાશે.
    • 25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરાશે. જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વૉટર ગ્રીડ પર વધુ ધ્યાન અપાશે.
    • પશુધનની સારસંભાળને સુનિશ્ચિત કરવા ગૌશાળા (500 કરોડ રૂપિયાના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરાશે.
    • એક હજાર એડિશનલ મોબાઇલ વેટરનિટી યુનિટોની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી.

    આરોગ્ય ક્ષેત્ર

    • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિ:શુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદાને રૂપિયા દસ લાખ કરાશે.
    • મુખ્ય મંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લૅબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે રૂ. 110 કરોડના ભંડોળનું નિર્માણ કરાશે.
    • રૂ. દસ હજાર કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરાશે, જેથી ત્રણ નવી સિવિલ મેડિસિટી, બે એઇમ્સ સ્તરની હૉસ્પિટલનું નિર્માણ કરાશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે.
  15. ગુજરાત ચૂંટણી : ભાજપના ચૂંટણીઢંઢેરામાં શું-શું છે?

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણીઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે તેને સંકલ્પપત્ર નામ આપ્યું છે.

    આ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.

    આ સંકલ્પપત્રની જાહેરાત કરતી વખતે ગુજરાત ભાજપના પ્રદેશપ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે આ સંકલ્પપત્ર યુવાનો અને જનતા પાસેથી મેળવાયેલાં સૂચનો પર આધારિત છે.

    પાટીલે કહ્યું કે ભાજપે અત્યાર સુધીમાં આપેલા તમામ સંકલ્પ પૂરા કર્યા છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી માટેનું મતદાન છે અને આઠ ડિસેમ્બરે પરિણામ આવવાનું છે.

  16. કૉંગ્રેસે ચૂંટણીપંચને કહ્યું, 'વડા પ્રધાન, ભાજપ ચૂંટણીપ્રચારમાં બાળકોનો ઉપયોગ કરે છે'

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, SACHIN PITHVA

    ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    કૉંગ્રેસે શુક્રવારે ચૂંટણીપંચને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે કથિત રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના રાજકીય પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવાની માગ કરી છે.

    ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભાજપે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠેલી અને ભાજપના શાસનકાળ વિશે ગુજરાતીમાં બોલતી એક બાળકીનો વીડિયો અપલોડ કર્યા બાદ પાર્ટીએ અગાઉ નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઈટ્સ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.

    કૉંગ્રેસનું પગલું રસપ્રદ હતું, કારણ કેચૂંટણીપંચે થોડાં અઠવાડિયાં પહેલાં પાર્ટીને એક નોટિસ આપી હતી. જ્યારે એનસીપીસીઆરે પાર્ટી અને તેમના નેતા રાહુલ ગાંધી સામે કથિત રીતે ભારત જોડો યાત્રામાં ‘રાજકીય સાધનના રૂપમાં બાળકોનો દુરુપયોગ’ કરવા માટે કાર્યવાહી અને તપાસની માગણી કરી હતી.

    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે, “અમે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરવા અંગે ઘણા ચિંતિત છીએ. અમે એવા વીડિયો બનાવ્યા છે જે ઘણા બધા લોકોએ જોયા છે. આ વીડિયો ઘણો વાઇરલ કરવામાં આવ્યો છે. અમે એ વીડિયોને ચૂંટણીપંચ સામે રજૂ કર્યો છે અને અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે, ચૂંટણીપંચે પોતે ઘણી વાર સ્પષ્ટ રીતે કહ્યું છે કે, પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન થવો જોઈએ. પ્રચારોમાં તેમનું શોષણ ન થવું જોઈએ. તેમ છતાં આવું થઈ રહ્યું છે.”

    તેમણે કહ્યું હતું કે, “એવું કઈ રીતે થઈ શકે કે ચૂંટણીપંચ સ્પષ્ટ દૃષ્ટિકોણ અપનાવે અને તે પછી પણ ચૂંટણીપ્રચારમાં તેની અવગણના કરવામાં આવે, આ વાત અમે તેમના ધ્યાને મૂકી છે. તેમણે અમને વચન આપ્યું છે કે, તેઓ તેની બારીકાઈથી તપાસ કરશે, તેની પર યોગ્ય કાર્યવાહી કરશે.”

  17. ગુજરાત ચૂંટણી : જામનગરના લોકો રીવાબાને જીતાડશે કે હરાવશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  18. યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની માતાઓને પુતિને શું કહ્યું?

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધમાં લડી રહેલા અને માર્યા ગયેલા રશિયાના સૈનિકોની માતાઓ સાથે વાત કરતા કહ્યું કે, “હું તમારું દુ:ખ સમજું છું.”

    રશિયાના સરકારી મીડિયા પર બતાવવામાં આવેલા એક આયોજનમાં પુતિન કહે છે, “કોઈ પણ બાબતએક પુત્રના ગુમાવવાના દુ:ખને ઓછું નથી કરી શકતી.”

    ટીકાકારોનું કહેવું છે કે, “આ આયોજનનો ભાગ બનવા માટે રશિયા સરકારે ઇરાદાપૂર્વક પુતિન સમર્થક મહિલાઓને પસંદ કરી રહી છે., કારણ કે રશિયામાં જ યુક્રેન પર થઈ રહેલા હુમલાનો વિરોધ થઈ રહ્યો છે.”

    દેશભરમાં રશિયા સૈનિકોની માતાના જૂથે ખુલ્લેઆમ ફરિયાદ કરી છે કે, તેમના દીકરાઓને ખરાબ ટ્રેનિંગ, પર્યાપ્ત હથિયાર વિના અને સખત ઠંડીમાં જરૂરી કપડાં વિના યુદ્ધમાં મોકલવામાં આવે છે.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા તરફથી યૂક્રેન યુદ્ધમાં લડી રહેલા સૈનિકોની માતાઓ સાથે બેઠક કરી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા તરફથી યુક્રેન યુદ્ધમાં લડી રહેલા સૈનિકોની માતાઓ સાથે બેઠક કરી

    ઘણા પરિવારોનો એ પણ આરોપ છે કે, રશિયન સેના દ્વારા જેમને જબરદસ્તી યુદ્ધમાં મોકલવામાં આવે છે, તેમને યુદ્ધમાં મરવા માટે છોડી દેવામાં આવે છે અને તેમની કાળજી લેવામાં આવતી નથી.

    શુક્રવારે પુતિને તેમના સરકારી આવાસ પર રશિયા તરફથી યુક્રેનના યુદ્ધમાં માર્યા ગયેલા અથવા લડી રહેલા સૈનિકોની 17 માતાનાં એક જૂથ સાથે બેઠક કરી હતી. તેમાંથી કેટલીક માતાઓએ ઘેરા રંગનો હેડસ્કાર્ફ પહેર્યો હતો, જે શોકનું પ્રતીક હતો.

    આ વાતચીત દરમિયાન પુતિને કહ્યું કે, “હું ઇચ્છું છું કે તમે જાણી લો કે, હું વ્યક્તિગત રૂપે અને આ દેશનું નેતૃત્વ તમારું દુ:ખ સમજે છે.”

    અમેરિકી જનરલ માર્કે મિલે અનુસાર, “24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ એક લાખ રશિયા અને એક લાખ યુક્રેની સૈનિક માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.”

    ક્રેમલિને સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, “સેનાના એકત્રીકરણ દરમિયાન તેના અભિયાનમાં ભૂલો થઈ હતી.”

    રશિયાએ યુદ્ધમાં સામેલ થવા માટે લોકોને એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં રશિયાની સરકાર પર લોકોને બળજબરીથી સેનામાં ભરતી કરાવીને યુદ્ધમાં મોકલવાના આરોપ લાગ્યા હતા.

  19. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    25 નવેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.