You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Surat Fire : સુરતના ટ્યૂશન ક્લાસમાં ભીષણ આગ, 20 લોકોનાં મૃત્યુ

બંધના એલાનના પગલે શનિવારે સુરતના ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે, રાજ્યભરમાં ફાયર-સેફ્ટી મામલે તવાઈ.

લાઇવ કવરેજ

  1. હાર્દિક પટેલે મુખ્ય મંત્રીના રાજીનામાની માગ કરી

    કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે 24 કલાક બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી થઈ નથી.

    હાર્દિકે એવું પણ લખ્યું છે કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉત્સવમાં વ્યસ્ત છે, મુખ્ય મંત્રી અને સુરતના મેયરે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ.

  2. ફાયર વિભાગના બે અધિકારીઓ સસ્પેન્ડ

    આગની ઘટના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર એસ. કે. આચાર્ય તથા ફાયર ઑફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

  3. સુરત કમિશનરે ઘટનાસ્થળની સમીક્ષા કરી

    સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ આગ લાગી તે ઘટનાસ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.

  4. અમિતાભ બચ્ચનની મૃતકોને અંજલિ

    અભિનેતા અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને મૃતકોને અંજલિ આપી હતી.

    બચ્ચને ટ્વીટમાં આ ઘટનાને ભયાનક અકસ્માત ગણાવ્યો હતો અને પીડિતો માટે પ્રાર્થના કરી હતી.

  5. સત્તા અને માલિકોની ઉદાસીનતા જવાબદાર - પ્રિયંકા દત્ત

    કૉંગ્રેસનાં પૂર્વ સાંસદ પ્રિયંકા દત્તે ટ્વીટ કરીને સુરત ઘટનાના મૃતકોને અંજલિ આપી હતી.

    સાથે-સાથે તેમણે લખ્યું કે સત્તા અને માલિકોની ઉદાસીનતા અને લાલચના કારણે વારંવાર નિર્દોષ લોકો ભોગ બને છે.

  6. સ્કૂલ્સ દ્વારા ઉજવણી નહીં, ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

    ધો. 12 (સામાન્ય પ્રવાહ)નું પરિણામ જાહેર થયું હતું. જોકે, શાળાઓ તથા વિદ્યાર્થીઓએ સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.

    રાજકોટથી સ્થાનિક પત્રકાર બિપીન ટંકારિયા જણાવે છે કે વિદ્યાર્થીઓએ પ્રાર્થનાસભા દ્વારા સુરતમાં મૃત્યુ પામેલાં બાળકોને અંજલિ આપી હતી.

    3,55,562 વિદ્યાર્થીમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ જાહેર થયા હતા. આમ 73.27 ટકા પરિણામ આવ્યું હતું.

  7. વડોદરામાં હૉસ્પિટલ્સ અને રેસ્ટોરાંમાં પણ ચેકિંગ

    વડોદરામાં સર્વેના આધારે 152 ટ્યૂશન ક્લાસિસની યાદી બનાવાઈ છે કે જેમની ફાયર-સેફ્ટીની એનઓસી નથી. આ ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.

    આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં ટ્યૂશન ક્લાસિસ ઉપરાંત હૉસ્પિટલ્સ અને રેસ્ટોરાંમાં પણ ફાયર-સેફ્ટીની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે.

    વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ 152 ટ્યૂશન ક્લાસિસનાં નામોની યાદી ટ્વિટરના માધ્યમથી જાહેર કરી હતી અને આવા અન્ય ટ્યૂશન ક્લાસિસ ધ્યાને આવે તો વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનું ધ્યાન દોરવાની અપીલ પણ કરી હતી.

  8. ક્લાસિસ સંચાલકની ધરપકડ કરાઈ : પોલીસ કમિશનર

    સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરાઈ છે.

    કમિશનરે એવું પણ જણાવ્યું હતું કે ઘટનામાં અત્યાર સુધી મૃત્યુઆંક 20 નોંધાયો છે. તમામ મૃતદેહોની ઓળખ થઈ ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

  9. રાજ્યભરમાં ટ્યૂશન ક્લાસિસ પર તવાઈ

    સુરતમાં આગની ઘટના બાદ ટ્યૂશન ક્લાસિસમાં ફાયર-સેફ્ટીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

    શુક્રવારે મોડી રાતથી જ રાજકોટ સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં ટ્યૂશન ક્લાસિસ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા જામનગરમાં ચાલી રહેલા ટ્યૂશન ક્લાસિસને જ્યાં સુધી ફાયર-સેફ્ટી અંગે એનઓસી (નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન મેળવી લે, ત્યાર સુધી અભ્યાસકાર્ય બંધ રાખવાના આદેશ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.

  10. ત્રણ સામે FIR દાખલ

    સુરત પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પ્રમાણે, તક્ષશિલા આર્કેડમાં બીજા, ત્રીજા તથા ચોથા માળની માલિકી ધરાવતા હરસુલ વેકરિયા તથા જિગ્નેશ પાઘડાળે ચોથા માળે ગેરકાયદેસર રીતે માળખું ઊભું કરીને ભાર્ગવ બુટાણીને આપ્યું હતું. જેઓ ત્યાં ડ્રૉઇંગ ક્લાસ ચલાવતા હતા.

    ચોથામાળે ફાયર સેફ્ટીને લગતી કોઈ સાધનસામગ્રી ન હતી અને આગના સમયે આપાતકાલીન નિકાસ માટે કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે આ દુર્ઘટના દાખી હતી.

    હજુ સુધી પોલીસે આ મામલે કોઈની ધરપકડ કરી નથી.

  11. 'મિતનું આર્કિટેક્ટ બનવાનું સપનું હતું'

  12. સુરતમાં આજે બંધનું એલાન

    સુરતથી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા જણાવે છે કે પાસ દ્વારા આજે સુરતમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.

    સુરતના અન્ય ટ્યૂશન ક્લાસીસને મ્યુનિસિપલ કૉર્પોશનનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

  13. વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી

    ઘટના બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી.

  14. 'વાયરિંગ બળવાથી શરૂઆત'

    સુરતના સરથાણા વિસ્તારમાં દુકાન ધરાવતા દર્શન પાંધી કહે છે, "તક્ષશિલા કૉમ્પલેક્સ અને મારી દુકાનની દીવાલ એક છે. સાંજે પોણા ચાર વાગ્યે મેં દુકાન ખોલી હતી. 10-15 મિનિટ થઈ હશે કે મને વાયરિંગ બળવાની વાસ આવવા લાગી."

    "અમુક મિનિટ્સમાં તક્ષશિલા આર્કેડમાં પહેલા માળે લગાડવામાં આવેલાં એસીમાં આગ લાગી હતી. એટલે મેં મારી દુકાન બંધ કરી દીધી."

    "ચાર વાગ્યા અને આઠ મિનિટે મેં 101 નંબર ઉપર ફોન કર્યો, તેમને ફોન ન લાગ્યો એટલે 100 નંબર ઉપર ફોન કર્યો. એસીની આગને કારણે હોર્ડિંગ સળગી ગયું હતું, જેણે આગને ફેલાવી દીધી હતી."

  15. મૃત્યુઆંક 20એ પહોંચ્યો

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 20એ પહોંચી ગઈ છે.

    જે પૈકી કેટલાક લોકોનાં મૃત્યુ ઇમારતની ઉપરથી કૂદીને પડવાના કારણે થઈ હતી.

  16. અમદાવાદમાં ટ્યૂશન ક્લાસ બંધ

    અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ડિપાર્ટમેન્ટ પાસેથી સાવચેતીના પગલારૂપે ટ્યૂશન ક્લાસ, ડાન્સ ક્લાસ તથા ઉનાળુ વૅકેશન દરમિયાન ચાલતા ક્લાસિસ ફાયર સર્ટિફિકેટ ન મેળવી લે, ત્યાર સુધી બંધ રહેશે.

  17. પ્રફુલ્લ પટેલે શોક વ્યક્ત કર્યો

    રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે ટ્વિટર ઉપર લખ્યું, 'સુરતમાં આગની ઘટના અંગે સાંભળીને દુખ થયું છે. જે લોકો ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના.'

  18. વિજય રૂપાણી સુરત પહોંચ્યા

    ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સુરત પહોંચ્યા.

  19. ક્રિકેટર યુસુફ પઠાણે શોક વ્યક્ત કર્યો

    ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો માટે પ્રાર્થના કરીને સ્થિતિ ઝડપભેર થાળે પડે તે માટે કામના કરી હતી.