કુંભ ભાગદોડનું સત્ય, સરકારે કહ્યું 37 લોકોનાં મૃત્યુ, બીબીસી તપાસમાં ઓછામાં ઓછા 82 લોકોનાં મૃત્યુની પુષ્ટિ

અભિનવ ગોયલ, બીબીસી સંવાદદાતા

29 જાન્યુઆરી એટલે કે મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજના કુંભમેળામાં જીવલેણ ભાગદોડની ચાર ઘટના બની.

ઉત્તર પ્રદેશ સરકાર અનુસાર ભાગદોડમાં 37 લોકોનાં મૃત્યુ થયાં અને મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું.

બીબીસીની ગહન તપાસમાં જાણવા મળ્યું કે ભાગદોડની ઘટનાઓમાં ઓછામાં ઓછા 82 લોકોનાં મૃત્યુ થયાં.

બીબીસીને એવા 26 પરિવાર મળ્યા, જેમને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા (કૅશ) આપવામાં આવ્યા, પરંતુ મૃતકોની ગણતરીમાં તેમને સામેલ કરવામાં નથી આવ્યા.

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે મેળામાં 66 કરોડ લોકો પહોંચ્યા. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલેલો આ મેળો લગભગ 4,000 હેક્ટરમાં ફેલાયેલો હતો.

45 દિવસના આ આયોજન પાછળ સરકારે 7,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં કહ્યું, “કુંભના સફળ આયોજનનો પડઘો દુનિયામાં લાંબા સમય સુધી સંભળાતો રહેશે.”

પરંતુ, ‘સફળતાના આ પડઘા’માં એવા કેટલાય લોકોનો અવાજ દબાઈ ગયો, જેમનું મૃત્યુ કુંભમાં થયેલી ભાગદોડમાં થયું.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં જણાવ્યું, “29ની રાત્રીએ સંગમ નોઝની નજીક 1.10 વાગ્યાથી લઈને 1.30 વાગ્યા સુધીમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટે છે…”

“66 શ્રદ્ધાળુ તેની હડફેટમાં આવ્યા હતા, જેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જેમાંથી 30 શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે… 30માંથી 29ની ઓળખ થઈ.”

તેમણે કહ્યું, “એકની ઓળખ નથી થઈ શકી. તેમના ડીએનએ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર લોકલ સ્તરે વહીવટી તંત્રએ કર્યા… પ્રયાગરાજમાં જુદાં જુદાં સ્થળોએ બીજા પણ પ્રેશર પૉઇન્ટ બન્યા હતા.”

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય મંત્રી જેને ‘પ્રેશર પૉઇન્ટ’ જણાવી રહ્યા છે તે જગ્યાઓએ પણ ભાગદોડમાં શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં છે.

19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદનમાં મુખ્ય મંત્રી આદિત્યનાથે કહ્યું, “કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેમાં લગભગ 30-35 લોકો અન્ય સ્થળોએ પણ ઘાયલ થયા. તેમને પણ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. તેમાંથી પણ સાત લોકોનાં મૃત્યુ થયાં—હૉસ્પિટલે લઈ જતાં સમયે કે હૉસ્પિટલમાં.”

ભાગદોડની આ ઘટનાનું સંપૂર્ણ સત્ય શું છે?

તેની તપાસ માટે બીબીસીના રિપોર્ટર 11 રાજ્યના 50 જિલ્લામાં ગયા.

આ તપાસમાં બીબીસીએ 100થી વધારે એવા પરિવારોની મુલાકાત કરી, જેમનું કહેવું હતું કે તેમનાં સ્વજનોનાં મૃત્યુ કુંભ ભાગદોડમાં થયાં છે.

બીબીસી પાસે એ વાતની નક્કર સાબિતી છે કે ઓછામાં ઓછા 82 લોકો કુંભ ભાગદોડમાં મૃત્યુ પામ્યા. જે પરિવાર પોતાની વાત સાબિત કરવા માટે નક્કર પુરાવો ન આપી શક્યા, તેમને બીબીસીએ 82 મૃતકોની સૂચિમાં સામેલ નથી કર્યા.

બીબીસીને મૌની અમાવસ્યાના દિવસે કુંભક્ષેત્રમાં ઓછામાં ઓછી ચાર જગ્યાએ જીવલેણ ભાગદોડ અને તેમાં લોકોનાં મૃત્યુ થયાંના પુરાવા મળ્યા છે.

મહાકુંભના સત્તાવાર ટ્વિટર હૅન્ડલે જણાવ્યું, “મૌની અમાવસ્યાએ સંગમ તટ પર થયેલી ઘટના દરમિયાન 30 લોકો અને અન્ય સ્થળોએ સાત લોકોનાં—જેમનાં શરીર પર સ્પષ્ટ જખમો જોવા મળ્યાં હતાં—દુઃખદ મૃત્યુ થયાં હતાં.

માનનીય મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજીની જાહેરાત અનુસાર 37માંથી 35 મૃતકોના આશ્રિતોનાં બૅંક ખાતાંમાં 25-25 લાખની વળતર રકમ જમા કરી દેવામાં આવી છે. એક મૃતકની ઓળખ થઈ શકી નથી અને એક મૃતક બિનવારસી હોવાના કારણે વળતરની રકમ આપી શકાઈ નથી.

આ રિપોર્ટ લખાય છે ત્યાં સુધીમાં ઉત્તર પ્રદેશ સરકારે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોની સત્તાવાર યાદી જાહેર નથી કરી કે નથી એ જાણકારી સાર્વજનિક કરી કે કયા પરિવારોને વળતર આપવામાં આવ્યું છે અને તેઓ ક્યાંના રહેવાસી છે.

વિધાનસભામાં મુખ્ય મંત્રીએ 19 ફેબ્રુઆરીએ જે દાવો કર્યો, તેની પડતાલ કરવાથી બીબીસીને જાણવા મળ્યું કે 35ની જગ્યાએ 36 એવા પરિવાર છે જેમને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 25-25 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.

આ 36 લોકોનું સંપૂર્ણ વિવરણ તમે નીચે જોઈ શકો છો.

બીબીસીને 26 પરિવાર એવા મળ્યા, જેમણે પુરાવા સાથે જણાવ્યું કે યુપી સરકાર તરફથી તેમને પાંચ લાખ રૂપિયા રોકડા મળ્યા છે.

યોગી સરકારે 36 પરિવારોને તો ડાયરેક્ટ બૅનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) કે ચેક દ્વારા 25 લાખ રૂપિયા વળતર આપ્યું.

બીબીસીને 26 પરિવારો પાસેથી એવા ઘણા વીડિયો અને ફોટા મળ્યા છે, જેમાં પોલીસ ટીમો 500 રૂપિયાની નોટોનું બંડલ આપતા જોવા મળી રહી છે.

ઘણા પરિવારોએ બીબીસીને જણાવ્યું કે તેમની મરજી વિરુદ્ધ તેમને એવા કાગળો પર સહી કરાવવામાં આવી જેમાં ‘અચાનક તબિયત બગડી ગયા’ પછી મૃત્યુ થયું હોવાની વાત પહેલાંથી લખેલી હતી.

બીબીસીની પોતાની તપાસમાં ક્યાંય પણ એ વાતનો કશો સંકેત નથી મળ્યો કે, પાંચ-પાંચ લાખની નોટોનાં બંડલ સરકારી તિજોરીમાંથી વિધિસર આપવામાં આવ્યા હતા.

તપાસમાં એ જાણવા નથી મળી શક્યું કે 26 પરિવારોને આપવામાં આવેલા કુલ 1 કરોડ 30 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા. પરંતુ બધા 26 મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસ સામેલ હોવાની વાત પરિવારજનોએ કહી છે. મોટા ભાગના કેસમાં પરિવારજનોની પાસે ફોટો અને વીડિયો છે.

જેમ જેમ તપાસ આગળ વધી બીબીસીને બીજા 19 પરિવાર મળ્યા, જેમને કશી મદદ નથી મળી.
આ 19 પરિવારોના સભ્યોનું કહેવું છે કે તેમના પરિવારજનનું મૃત્યુ 29 જાન્યુઆરીએ કુંભમાં જુદી જુદી જગ્યાએ થયેલી ભાગદોડમાં થયું. પોતાની વાતને સાબિત કરવા માટે ઘણા લોકો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ, કેટલાક લોકો હૉસ્પિટલના શબઘરની પહોંચ અને કેટલાક લોકો મૃત્યુનું પ્રમાણપત્ર જેવા પુરાવા બતાવે છે.

આ 19માં ઘણા પરિવાર એવા છે, જે 29 જાન્યુઆરીએ મેળાક્ષેત્રમાં લેવામાં આવેલા એવા ફોટા અને વીડિયો પણ બતાવે છે, જેમાં તેમના પરિવારજનનો મૃતદેહ જોવા મળી રહ્યો છે.

આ તપાસ દરમિયાન ઘણી કમકમાટીભરી કહાનીઓ પણ સામે આવી છે. કુંભ ભાગદોડમાં થયેલાં 82 મૃત્યુને બીબીસીએ ત્રણ કૅટેગરીમાં વહેંચ્યાં છે.

પ્રથમ કૅટેગરી એવા મૃતકોની છે, જેમના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું અને તેમને મૃતકોની સ્વીકારોક્તિમાં ગણવામાં આવ્યા.

બીજી કૅટેગરી એવા મૃતકોની છે, જેમના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા, પરંતુ તેમને કુંભની ભાગદોડમાં થયેલાં મૃત્યુમાં ગણવામાં નથી આવ્યા.

જ્યારે, ત્રીજી કૅટેગરીમાં એવા મૃતકો રાખવામાં આવ્યા છે, જેમને નથી તો મૃતકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા કે નથી કશી મદદ આપવામાં આવી.

આ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર મળ્યું

જે 36 મૃતકોના પરિવારોને યુપી સરકાર તરફથી 25 લાખ રૂપિયાનું વળતર મળ્યું, તેમાંનો એક પરિવાર ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાનો છે.

47 વર્ષના નનકન 27 જાન્યુઆરીએ પરિવાર સાથે કુંભ માટે નીકળ્યા હતા.

પત્ની રામાદેવી, મોટાભાઈ મસરૂ, ભત્રીજો જોખુ અને પરિવારના અન્ય લોકો નનકનની સાથે હતાં. સાંજે લગભગ છ વાગ્યે બધા લોકો મેળાક્ષેત્રમાં પહોંચી ગયાં અને એક આશ્રમને પોતાનું ઠેકાણું બનાવ્યું.

28 જાન્યુઆરીની સવારે પરિવારે નજીકના એક ઘાટ પર સ્નાન કર્યું. હવે મૌની અમાવસ્યાના પ્રસંગે ગંગામાં ડૂબકી લગાવવાની રાહ જોવાતી હતી.

નનકનના મોટાભાઈ મસરૂ જણાવે છે, “28 જાન્યુઆરીની રાત્રે લગભગ દસ વાગ્યે અમે સંગમ તરફ ગયા. ત્યાં પહોંચતાં અમને બે કલાક થયા.”

“ત્યારે જ ત્યાં માઇક પર એલાન થયું – ‘અમૃત વરસી રહ્યું છે, બધા લોકો સ્નાન કરી લો’, બસ પછી તો શું, લોકો પાગલ થઈ ગયા.”

મસરૂ કહે છે, “ભીડ એટલી થઈ ગઈ કે અમે પાછા ફરવાનું વિચાર્યું. એવામાં નનકન પડી ગયા અને ભીડ તેમને કચડીને જતી રહી.”

તેઓ જણાવે છે, “ત્યાં લગભગ 30 મૃતદેહ પડ્યા હતા. કેટલીક સ્ત્રીઓનાં શરીર પર કપડાં સુધ્ધાં નહોતાં.”

નનકનનાં પત્ની રામાદેવી પણ તેમની સાથે હતાં. તેઓ કહે છે, “ભીડ એટલી હતી કે અમારાં કપડાં પણ ખૂલી ગયાં. ત્યાં માણસે માણસને મારી નાખ્યા.”

પરિવાર ગંગામાં સ્નાન કરી શકે તે પહેલાં જ સંગમ નોઝ પર ભાગદોડ થઈ ગઈ. થોડીક જ વારમાં ભાગદોડની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી.

એ તસવીરોમાંની એક તસવીર નનકનની પણ હતી. ઘણા મૃતદેહોની વચ્ચે મૃત પડેલા નનકનનો હાથ તેમના ભત્રીજા જોખુએ પકડેલો હતો.

આ તસવીરને જોઈને જોખુ કહે છે, “તે સમયે કશું સમજાતું નહોતું. ચારેબાજુ ભાગમભાગ થતી હતી.”

પરિવારનું કહેવું છે કે મૃતદેહને ઘરે લાવવા માટે હૉસ્પિટલેથી એક ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી, સાથે જ, અંતિમ સંસ્કાર કરવા માટે ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ 15 હજાર રૂપિયાનું એક કવર પણ આપ્યું.

અન્ય મૃતકોના પરિવારજનોએ બીબીસીને જણાવ્યું કે આ જ રીતે, અંતિમ સંસ્કાર માટે તેમને પણ 15 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

નનકનના પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 25 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.

રામાદેવી જણાવે છે કે નનકનના બધા પરિવારજનોને સરખેસરખી રકમ મળી છે. તેઓ કહે છે, “મારા અને ચાર બાળકોનાં ખાતાંમાં પાંચ-પાંચ લાખ રૂપિયા સરકાર તરફથી આવ્યા છે.”

સંગમ નોઝ પર થયેલી આ ભાગદોડમાં મૃત્યુ પામનારમાંથી બીબીસીને ચાર એવા લોકો મળ્યા જેઓ કર્ણાટકથી આવ્યા હતા. બેલગામનાં રહેવાસી કંચન પોતાના પતિ અરુણ નારાયણ કોપર્ડે (ઉંમર 60 વર્ષ)ની સાથે કુંભમાં આવ્યાં હતાં.

પરિવારની સાથે બેલગામના બીજા પણ ઘણા લોકો હતા. બધા એક ટ્રાવેલ એજન્સી દ્વારા કુંભસ્નાન કરવા આવ્યા હતા.

કંચન જણાવે છે, “અમારી ઉપર લોકો પડવા લાગ્યા. મારા પતિની પીઠ પર પગ મૂકીને લોકો જતા હતા. તેઓ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ કોઈ સાંભળનાર નહોતું.”

“કોઈ તેમના ગળાને જૂતાથી દબાવીને ચાલ્યું ગયું અને તેમણે મારી છાતી પર જ પોતાનું માથું ઢાળી દીધું (અંતિમ શ્વાસ લીધો).”

ભાગદોડવાળી જગ્યાએથી અરુણના મૃતદેહને રેસ્ક્યૂ ટીમ હૉસ્પિટલે લઈ ગઈ, પરંતુ તેમને કઈ હૉસ્પિટલમાં લઈ ગયા તેની માહિતી કંચનને આપવામાં ન આવી.

કંચન કહે છે, “હું એક હૉસ્પિટલેથી બીજી હૉસ્પિટલમાં મારા પતિને શોધવા માટે લગભગ 35 કિલોમીટર પગપાળા દોડી. પછી એક શબઘરમાં મને તેઓ મળ્યા.”

કર્ણાટકના બાકીના ત્રણ મૃતદેહોની સાથે અરુણના મૃતદેહને ઍમ્બ્યુલન્સ દ્વારા પહેલાં દિલ્હી એરપૉર્ટ મોકલવામાં આવ્યો. ત્યાંથી બધા મૃતદેહોને પ્લેન દ્વારા કર્ણાટક પહોંચાડવામાં આવ્યા.

કર્ણાટકથી કુંભમેળામાં આવેલા બધા મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર મળી ગયું છે. મૃત્યુ પ્રમાણપત્ર અનુસાર, ચારેયનાં મૃત્યુ 29 જાન્યુઆરીએ કેન્દ્રીય હૉસ્પિટલ, પ્રયાગરાજ, મહાકુંભ–2025માં થયાં.

ઉત્તર પ્રદેશ સરકાર અનુસાર, કુંભ ભાગદોડમાં એક મૃતકના કોઈ વારસદાર નહોતા, તેથી તેમના કોઈ પરિવારજનને 25 લાખ રૂપિયાનું વળતર આપી શકાયું નથી.

પોતાની તપાસમાં બીબીસીને જાણવા મળ્યું કે એ વ્યક્તિ, ભાજપના પૂર્વ મહાસચિવ અને રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક રહેલા કેએન ગોવિંદાચાર્યના નાના ભાઈ કેએન વાસુદેવાચાર્ય હતા.

સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા અન્ય લોકોની જેમ જ કેએન વાસુદેવાચાર્યના મૃત્યુ પ્રમાણપત્રમાં પણ મૃત્યુનું સ્થાન વૉર્ડ નંબર 7, ફોર્ટ કૅન્ટ, પ્રયાગરાજ છે.

ફોન પર થયેલી વાતચીતમાં કેએન ગોવિંદાચાર્યએ જણાવ્યું, “હા, મારા નાના ભાઈ હતા. હું તેમની તેરમીમાં ગયો હતો.”

અમે જ્યારે કેએન વાસુદેવાચાર્યના ઘરે પહોંચ્યા ત્યારે અમારી મુલાકાત કિરણ મિશ્રા સાથે થઈ.

વાસુદેવાચાર્યની સાથે છેલ્લા લગભગ બે દાયકાથી સહાયિકા તરીકે રહેતાં કિરણ કહે છે, “તેઓ ઈ.સ. 1990થી વારાણસીના આ ઘરમાં રહેતા હતા. હું લગભગ 20 વર્ષથી તેમનું ધ્યાન રાખતી હતી. તેમણે લગ્ન નહોતાં કર્યાં. તેઓ એક સ્કૂલમાં પ્રિન્સિપાલના હોદ્દા પરથી રિટાયર થયા હતા.”

તેઓ જણાવે છે, “પ્રયાગરાજમાં પહેલાં તેમના મૃતદેહને બિનવારસી તરીકે નોંધ્યો હતો. પછીથી ભાજપ સાથે જોડાયેલા એક પરિચિત વ્યક્તિએ તેમનો મૃતદેહ રિસીવ કર્યો અને ઍમ્બ્યુલન્સ દ્વારા તેને બનારસ લાવ્યા. તેમના અંતિમ સંસ્કાર હરિશ્ચંદ્ર ઘાટ પર થયા.”

વારાણસીના કેસરીપુર સર્કલના લેખપાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “સરકારી તપાસ આવી હતી, મેં તપાસ કરીને રિપોર્ટ આપી દીધો હતો કે તેમના કોઈ વારસદાર નથી.”

આ મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા

હવે બીજી કૅટેગરીની વાત.

આ તપાસમાં બીબીસીને 26 એવા પરિવાર પણ મળ્યા જેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે તેમને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા છે.

તેમાં ઉત્તર પ્રદેશના 18, બિહારના 5, પશ્ચિમ બંગાળના 2 અને ઝારખંડનો 1 પરિવાર સામેલ છે.

આ પરિવારોનું કહેવું છે કે તેમનાં સ્વજનોનાં મૃત્યુ કુંભમાં અલગ અલગ જગ્યાએ થયેલી ભાગદોડમાં થયાં. આ પરિવારો એ 36 પરિવારોથી અલગ છે, જેમને ઉત્તર પ્રદેશ સરકારે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં ગણીને 25 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.

આ પરિવારોનું કહેવું છે કે યુપી પોલીસે ઘરે આવીને કેટલાક ‘કાગળો પર અંગૂઠો કરાવ્યો અને સહી કરાવી’ છે. આ કાગળોમાં લખ્યું છે કે ‘અચાનક તબિયત ખરાબ થવા’ના લીધે મૃત્યુ થયું; ભાગદોડ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.

બીબીસીએ પરિવારજનોના આ આરોપો વિશે સરકારનો પક્ષ જાણવા માટે પ્રદેશ પોલીસ અને વહીવટી તંત્રના અનેક અધિકારીઓ સાથે ઘણી વખત વાત કરવાની કોશિશ કરી, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ નથી મળ્યો.

ઉત્તર પ્રદેશના માહિતી નિયામક વિશાલ સિંહ અને પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવીન્દ્રકુમાર મંધડનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

42 વર્ષીય વિનોદ રુઈદાસ, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમી બર્ધમાનના રહેવાસી હતા.

પરિવારનું કહેવું છે, “યુપી પોલીસના કેટલાક લોકો ઘરે આવીને પાંચ લાખ રૂપિયા આપી ગયા છે.”

વિનોદના સાળા તેમની સાથે કુંભ ગયા હતા. તેમણે જણાવ્યું, “અમે 27 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા હતા. પહેલાં બનારસ ગયા, પછી ત્યાંથી પ્રયાગરાજ. રાત્રે સંગમ પર થયેલી ભાગદોડમાં મારા જીજાજી પડી ગયા હતા અને લોકો તેમને કચડતા પસાર થઈ ગયા.”

તેઓ જણાવે છે, “બીજા દિવસે મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજની મોર્ચરી (શબઘર)ની બહાર પોસ્ટરમાં જીજાજીની પણ તસવીર હતી. તેમના ખભા ઉપર વાગેલાનાં નિશાન હતાં. તેમણે ફ્રીમાં એક ઍમ્બ્યુલન્સ કરી આપી હતી, જેમાં મૃતદેહને અમે ઘરે લાવ્યા.”

આ વીડિયો ભાગદોડમાં માર્યા ગયેલા એક વ્યક્તિના પરિવારે બીબીસીને મોકલ્યો છે. ઉત્તર પ્રદેશમાંથી આવેલા કેટલાક અધિકારી પરિવારને વીડિયોમાં એવું કહેવડાવી રહ્યા છે કે તેઓએ પાંચ લાખ રૂપિયા રિસીવ કર્યા છે.

આ જ રીતે કેટલાક લોકો પાંચ લાખ રૂપિયા લઈને બિહારના ગોપાલગંજમાં તારાદેવીના ઘરે પણ પહોંચ્યા. તે બધા લોકો સાદાં કપડાંમાં હતા.

પરિવારને પાંચ લાખ રૂપિયા આપ્યા પછી નિયમાનુસાર તે લોકોએ એક વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં મૃતક તારાદેવીના પુત્ર ધનંજયકુમારને બોલતા સાંભળી શકાય છે.

“હું ધનંજયકુમાર, મારી માતા તારાદેવી, અમે કુંભમેળામાં ગયાં હતાં, નાહવા માટે. મારી માનું મૃત્યુ થઈ ગયું. અહીં સાહેબ આવ્યા હતા. યુપીના સાહેબ છે. પાંચ લાખ રૂપિયા અમને આપ્યા. અમે પ્રાપ્ત કર્યા છે.”

આવી જ રીતે મૃતક તારાદેવીના પતિ પણ વીડિયો પર પોતાનું નિવેદન નોંધવતા જોવા મળે છે. ફોન રેકૉર્ડ કરાયેલી વાતોમાં ભાગદોડ શબ્દનો ઉલ્લેખ નથી.

62 વર્ષનાં તારાદેવી પોતાના પરિવારની સાથે કુંભ ગયાં હતાં. આ યાત્રામાં તેમની સાથે પડોશનાં સુરસત્તીદેવી પણ હતાં.

ધનંજય ગોંડ જણાવે છે, “ભાગદોડવાળી જગ્યાએ 15-16 મૃતદેહો પડ્યા હતા. મેં મૃતદેહોને હટાવવાનું શરૂ કર્યું. તેમાં નીચે મારી મમ્મી અને પડોશનાં દાદી સુરસત્તીદેવીનો મૃતદેહ પડ્યો હતો.”

પરિવારે જણાવ્યા અનુસાર, તારાદેવીના મૃતદેહ પર 35 નંબર અને સુરસત્તીદેવીના મૃતદેહ પર 46 નંબર લખ્યો હતો.

પ્રયાગરાજનાં ઘણાં ચક્કર લગાવ્યાં પછી મૃત્યુનું પ્રમાણપત્ર બન્યું. જેના અનુસાર બંનેનાં મૃત્યુ 29 જાન્યુઆરીએ ‘સેક્ટર 20, કુંભમેળાક્ષેત્ર, ઝૂસી, ફૂલપુર, પ્રયાગરાજ’માં થયાં.

આ જ રીતે ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ધર્મરાજ રાજભરના પરિવારને 10 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા. તેમનાં પત્ની રામપતિદેવી અને પુત્રવધૂ રીતાદેવીનાં મૃત્યુ કુંભ ભાગદોડમાં થયાં હતાં.

તપાસમાં બીબીસીને ઐરાવત માર્ગ પર થયેલી ભાગદોડનો એક વીડિયો મળ્યો છે. આ વીડિયોમાં રાજભર પરિવાર, બંનેના મૃતદેહને લઈને ઘટનાસ્થળ પર બેઠો છે.

જૌનપુરના પોતાના ઘરમાં કવરમાં નોટોના બંડલની તસવીર બતાવતાં રાજભર કહે છે, “સરકારે 25 લાખ વળતર આપવાની વાત કરી હતી. પરંતુ આ પૈસા (પાંચ લાખ) પોલીસવાળા આપી ગયા છે.”

ભાગદોડવાળી રાતને યાદ કરતાં તેઓ જણાવે છે, “મારી પત્નીએ મને બૂમ પાડી કે સૂરજના પિતાજી, મને બચાવો, પરંતુ હું શું કરું? હું પોતે જ દબાતો ગયો. મારી પત્ની રાધે રાધે બોલી રહી હતી, પરંતુ ધીમે ધીમે તે શાંત થઈ ગઈ.”

તપાસમાં બીબીસીને સંગમ નોઝ પર થયેલી ભાગદોડના થોડા કલાક પછી મેળા હૉસ્પિટલમાં બનાવાયેલો એક વીડિયો મળ્યો.

આ વીડિયોમાં જમીન પર રખાયેલા 18 મૃતદેહ દેખાઈ રહ્યા છે. તપાસમાં પાંચ પરિવારોએ આ વીડિયોને જોઈને પોતાના પરિવારજનના મૃતદેહ ઓળખી કાઢ્યા. તેમાંનો એક મૃતદેહ ઝારખંડના શિવરાજ ગુપ્તાનો પણ છે.

શિવરાજની બાજુમાં હરિયાણાનાં રામપતિદેવી, પ્રયાગરાજનાં રીના યાદવ, આસામનાં નીતિરંજન પૉલ અને જૌનપુરનાં મનિત્રાદેવીના મૃતદેહ રાખ્યા છે.

ઉત્તર પ્રદેશ સરકારે શિવરાજ ગુપ્તાના પરિવારને બાદ કરતાં બાકી ચારેય પરિવારોને 25 લાખ રૂપિયા વળતર આપ્યું.

શિવરાજના પુત્ર શિવમ ગુપ્તાએ જણાવ્યું, “21 માર્ચે યુપી પોલીસના એક અધિકારી પાંચ લાખ રૂપિયા રોકડા લઈને ઘરે આવ્યા હતા.”

પાંચ લાખ રૂપિયા રોકડા મેળવનાર કેટલાક પરિવારોએ ઉત્તર પ્રદેશ પોલીસ પર એવો આરોપ પણ કર્યો છે કે તેઓ પૈસાના બદલામાં એવા કાગળ પર સહી કરાવી રહ્યા છે, જેમાં મૃત્યુનું કારણ તબિયત બગડવાનું જણાવાયું છે.

તેમાં બિહારના ગોપાલગંજના શિવકલીદેવી અને ઉત્તર પ્રદેશના બલરામપુરનાં વૈજંતીદેવી જેવા લોકોના પરિવાર સામેલ છે.

આ મૃતકોના પરિવારને કોઈ વળતર નથી મળ્યું.

અને ત્રીજી કૅટેગરી એવા મૃતકોની છે, જેમને સરકાર તરફથી કશું નથી મળ્યું.

બીબીસીની તપાસ જેમ જેમ આગળ વધી, અમને બીજા 19 પરિવાર એવા મળ્યા, જેમણે જણાવ્યું કે તેમનાં સ્વજનોનાં મૃત્યુ કુંભ ભાગદોડમાં થયાં.

આ પરિવારો પેલા 62 પરિવારોથી અલગ છે, જેમને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 25 લાખ રૂપિયાનું વળતર કે રહસ્યમય રીતે 5 લાખ રૂપિયા રોકડા મળ્યા છે.

આ 19 પરિવારોમાં એક પરિવાર ગોરખપુરમાં રહેતા શ્યામલાલ ગોંડનો છે. પ્રયાગરાજની સ્વરૂપ રાની હૉસ્પિટલમાંથી મળેલી પહોંચમાં લખ્યું છે કે તેમને 29 જાન્યુઆરીની સવારે 10:00 વાગ્યા ને 2 મિનિટે મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા.

શ્યામલાલ ગોંડના પુત્ર ભાગીરથી ગોંડ જણાવે છે, “મારા પિતાજી અજ્ઞાતમાં હતા. તે લોકોએ રેકૉર્ડ મેન્ટેન કરવા માટે એક ફાઇલ રાખી હતી. જે સ્થિતમાં મૃતદેહ મળ્યો હતો એ જ અવસ્થામાં ફોટો લઈને રજિસ્ટરમાં ઉમેરી દીધું હતું.”

તેઓ જણાવે છે, “તસવીર જોઈને તેમને ઓળખવામાં મુશ્કેલી પડી રહી હતી. પડી ગયા પછી તેમનું માથું નીચેની તરફ જતું રહ્યું હતું. છાતી ઉપર આવી ગઈ હતી. તેમનું માથું પણ થોડું ફરી ગયું હતું.”

ભાગીરથી જણાવે છે, “તેમણે મને કશું લખીને નથી આપ્યું. તેઓ કહી રહ્યા હતા કે મૃતદેહને લઈ જાઓ; મેં કહ્યું કે લઈ જઈશ, પરંતુ તમે કશી કાર્યવાહી નથી કરી રહ્યા. લખીને પણ નથી આપતા.”

આવી જ રીતે હરિયાણાના ફરીદાબાદમાં મૃતક અમિતકુમારના પરિવારની પણ કોઈ સંભાળ લેનાર નથી.

34 વર્ષના અમિતકુમાર ભારતીય સેનામાં કામ કરતા હતા. ચાર બાળકો, પત્ની અને માતાની સાથે તેઓ 25 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા હતા.

ચાર બાળકોમાં સૌથી મોટી પુત્રી સાત વર્ષની અને સૌથી નાનો પુત્ર એક વર્ષનો છે. પરિવારે 27 જાન્યુઆરીએ પુત્રનો જન્મદિવસ કુંભમાં જ ઊજવ્યો હતો.

અમિતકુમારનાં માતા સરિતાદેવી જણાવે છે, “28 જાન્યુઆરીની બપોરે અમે સંગમની તરફ નીકળી ગયાં હતાં. પગપાળા ચાલવાના લીધે અમિતના પગે સોજા ચડી ગયા હતા. જ્યારે મારો પુત્ર ભીડની લપેટમાં આવ્યો તો તે ઊભો ન થઈ શક્યો.”

માતાનું કહેવું છે કે ભાગદોડમાં ઘાયલ થયા પછી સારવાર માટે તેઓ ભટકતાં રહ્યાં અને જ્યાં સુધીમાં તેઓ હૉસ્પિટલે પહોંચે, તેમના પુત્રનું મૃત્યુ થઈ ગયું.

મોતીલાલ નહેરુ મેડિકલ કૉલેજના શબઘરમાંથી અમિતકુમારના મૃતદેહને સરકારી ઍમ્બ્યુલન્સની મદદથી ફરીદાબાદ મોકલવામાં આવ્યો. તેમના મૃતદેહ પર 59 નંબર લખ્યો હતો.

માતાનું કહેવું છે, “અમે મરી જઈએ તો નનામીને કોઈ કાંધ આપનાર નથી બચ્યું. એક સહારો હતો તે પણ ભગવાને લઈ લીધો. બાળકો ફોન લઈને મારી પાસે આવે છે કે પપ્પાને ફોન કરો. હું કહું છું કે પપ્પા ફોન વગર નોકરીએ ગયા છે.”

તેઓ કહે છે, “સૌથી નાની પુત્રી ગેટ પર બેસી જાય છે. તે કહે છે કે બધાના પપ્પા આવે છે, પરંતુ મારા પપ્પા નથી આવતા. ભગવાને અમારી ઉપર પહાડ તોડી નાખ્યો છે. એવું પૂર આવ્યું કે અમારું બધું વહાવીને લઈ ગયું.”

આ જ રીતે બિહારના કૈમૂર જિલ્લાનાં રહેવાસી સુનયનાદેવીનું મૃત્યુ પણ કુંભમાં થયું. પરિવારનું કહેવું છે કે તેમનું મૃત્યુ કુંભમાં ઝૂસી તરફ સમુદ્રકૂપ ચાર રસ્તા પાસે થયેલી ભાગદોડમાં થયું.

પરિવારની પાસે ઘટનાસ્થળની એક તસવીર પણ છે, જેમાં સુનયનાદેવીનો મૃતદેહ ભાગદોડવાળી જગ્યાએ પડ્યો છે.

પરિવારજનોનું કહેવું છે, “પોલીસવાળા પાંચ લાખ રૂપિયા આપવા માટે ઘણી વખત ઘરે આવ્યા, પરંતુ અમે લેવાનો ઇન્કાર કરી દીધો.”

ત્રણ નહીં, ચાર જીવલેણ ભાગદોડ થઈ

મૃતકોના પરિવારજનોને મળ્યા પછી બીબીસીને જાણવા મળ્યું કે કુંભક્ષેત્રમાં ફક્ત સંગમ નોઝ, ઝૂસી તરફ સમુદ્રકૂપ ચાર રસ્તા અને ઐરાવત માર્ગની પાસે જ ભાગદોડ નથી થઈ.

બીજી એક મોટી ભાગદોડ કલ્પવૃક્ષ દ્વારની પાસે મુક્તિમાર્ગ ચાર રસ્તા પર સવારે લગભગ આઠ વાગ્યે પણ થઈ.

પોતાની તપાસમાં બીબીસીએ અહીં માર્યા ગયેલા પાંચ લોકોની ઓળખ કરી.

તેમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના પન્નેલાલ સાહની અને નગીનાદેવી, સુલ્તાનપુર જિલ્લાનાં મીના પાંડે, હરિયાણાના જીંદ જિલ્લાનાં કૃષ્ણાદેવી અને બિહારના ઔરંગાબાદનાં સોનમકુમારી સામેલ છે.

આમાંથી એક પણ મૃતકના પરિવારને 25 લાખ રૂપિયા વળતર નથી મળ્યું.

પાંચ પરિવારોમાંથી સુલ્તાનપુરનાં મીના પાંડે અને હરિયાણાનાં કૃષ્ણાદેવીના પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ નથી મળી.

જ્યારે મુક્તિમાર્ગ ચાર રસ્તા પર થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે.

કુંભમેળાની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે મેળાક્ષેત્રમાં ઇન્ટેલિજન્સ તકનીકથી સજ્જ 2,750 સીસીટીવી કૅમેરા અને તેની દેખરેખ માટે 300થી વધારે એક્સ્પર્ટ્સને કામે લગાડવામાં આવ્યા હતા.

તેના ઉપરાંત, સુરક્ષામાં 50 હજારથી વધુ જવાન, હવામાં ડ્રોન અને ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે એર ઍમ્બ્યુલન્સ સહિત 133 ઍમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવ્યાં હતાં.

તેમ છતાં તેના પીડિત પરિવારો સુધી મદદ ન પહોંચી. તેમનું કહેવું છે કે તેઓ પોતાના પરિવારજનોના મૃતદેહોને લઈને ભાગદોડવાળી જગ્યાએ સાંજના ચાર વાગ્યા સુધી બેઠા રહ્યા.

ઘટનાસ્થળે પોતાનાં પાડોશી મીના પાંડેનો મૃતદેહ લઈને બેસી રહેલાં અર્ચના સિંહ કહે છે, “ત્યાં આઠ મૃતદેહો પડ્યા હતા… એક માણસ ત્યાં હતા, તેમણે કહ્યું કે આ મરી ગયાં છે, હવે તમે તમારો જીવ બચાવો.”

અર્ચના અને મીના સુલ્તાનપુરથી એકસાથે મેળામાં આવેલાં.

અર્ચના કહે છે, “એ દૃશ્ય જોવાલાયક નહોતું. જો ત્યાં કૅમેરા લાગેલા હશે તો તમે જુઓ, ત્યાં કેવો સીન હતો. લગાડેલા તો જરૂર હશે. દબાવી દીધા હશે.”

ઘટનાસ્થળની તસવીરો જોતાં અર્ચના કહે છે, “ત્યાં પણ અમે બોલ્યાં છીએ. પ્રેસવાળા આવ્યા હતા. મૃતદેહ સડી જતો. બે વાગ્યાથી તો વાસ મારવા લાગી હતી—મૃતદેહમાં. આખો દિવસ તડકામાં મૃતદેહ પડ્યો હતો.”

“તમે વિચારો, આઠ વાગ્યે (સવારે) એક્સ્પાયર થઈ, ત્રણ વાગ્યા (બપોર) સુધી પડી રહી. 29 તારીખે તડકામાં મૃતદેહ પડ્યો હતો. હેલિકૉપ્ટર પણ આવ્યું ઉપરથી જોવા માટે. લોકો હાથ ઊંચા કરીને મદદ માગી રહ્યા હતા, પણ કશું ન થયું.”

અર્ચનાએ જણાવ્યું કે પરિવાર જે બોલેરો કાર દ્વારા કુંભ ગયો હતો, તેની જ મદદથી મીના પાંડેના મૃતદેહને ઘરે લઈ આવ્યો.

મીના પાંડેની બાજુમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના રહેવાસી પન્નેલાલ સાહની અને નગીનાદેવીના મૃતદેહ પડ્યા હતા.

પન્નેલાલ સાહનીનાં પત્ની કુસુમદેવી કહે છે, “29ની સવારે લગભગ પાંચ વાગ્યે અમે લોકોએ સ્નાન કર્યું. લગભગ આઠ વાગ્યે ભાગદોડમાં મારા પતિ અને નગીનાદેવીનાં મૃત્યુ થઈ ગયાં.”

તેઓ કહે છે, “ડાબી તરફ મારા પતિ પડ્યા અને જમણી તરફ નગીના. લોકો તેમની ઉપર ચડીને જતા હતા. અમે તેમનો મૃતદેહ લઈને સાંજના ચાર વાગ્યા સુધી તડકામાં બેસી રહ્યાં. ત્યાં પાણી પિવડાવનાર પણ કોઈ નહોતું.”
કુસુમ જણાવે છે, “આસપાસ 8-9 મૃતદેહો અને લોકોનો પડી ગયેલો સામાન પડ્યો હતો. જૂતાં, ચંપલ, બૅગ અહીંતહીં પડ્યાં હતાં. આખા શરીર પર ઈજાનાં નિશાન હતાં.”

જ્યારે નગીનાદેવીના પુત્ર સિકંદર નિષાદ ઘટનાસ્થળની તસવીર બતાવતાં કહે છે, “જુઓ, કઈ રીતે લોકો મરેલા પડ્યા છે. ત્યાં વહીવટી તંત્ર તરફથી મદદ માટે કોઈ ન આવ્યું.”

તેઓ કહે છે, “કલ્પવૃક્ષ દ્વાર પાસે ભાગદોડ થઈ હતી. મારી માના માથા પર, છાતી પર અને હાથ પર વાગ્યાનાં નિશાન હતાં. સારી રીતે સમજાતું હતું કે લોકો તેમના પર ચડીને ગયા છે. તેમના મૃતદેહ પર 62 નંબર લખ્યો હતો.”

પન્નેલાલ સાહનીના મૃતદેહ પર 64 નંબર લખેલો હતો.

અહીં જ પોતાની પુત્રી સોનમકુમારી (ઉંમર 21 વર્ષ)નો મૃતદેહ લઈને બિહારના ઔરંગાબાદનાં રંજનાકુમારી પણ બેઠાં હતાં.

રંજનાકુમારી જણાવે છે, “મારે ત્રણ દીકરી છે, એક સોનમ હંમેશ માટે જતી રહી. અમે બંને સ્નાન કરવા માટે જતાં હતાં. અચાનક પાછળથી ભીડ આવી અને અમે બંને દબાઈ ગયાં.”

તેમણે જણાવ્યું, “ભીડમાં જ્યારે તે આગળ નીકળી ગઈ ત્યારે તેણે બૂમ પાડી કે માજી બચાવો… મેં કહ્યું કે ત્યાં જ ઊભી રહે, આગળ ન વધતી. ત્યાર પછી ભાગદોડમાં અમે બંને પડી ગયાં.”

“મને એક સંતે હાથ પકડીને બહાર કાઢી, પરંતુ મારી પુત્રી બૂમો પાડતી રહી ગઈ, એને કોઈએ ન બચાવી.”

તેઓ જણાવે છે, “ભાગદોડ સવારે લગભગ આઠ વાગ્યે થઈ હતી. મારી પુત્રીનો મૃતદેહ ત્રણ મૃતદેહની નીચે દબાયેલો હતો. ત્રણ મૃતદેહને કોઈક રીતે હટાવીને અમે તેને બહાર કાઢી. અમે સાંજના ચાર વાગ્યા સુધી બેસી રહ્યાં, અમારા સુધી કશી મદદ નથી પહોંચી.”

આ જ ભાગદોડમાં જીવ ગુમાવનાર હરિયાણાના રોહતકનાં કૃષ્ણાદેવીના પરિવારને પણ કશી મદદ નથી મળી. કૃષ્ણાદેવી પોતાનાં પુત્રવધૂ સુનીતાદેવી સાથે કુંભ ગયાં હતાં.

સુનીતા દેવી કહે છે, “જે તરફ અમે જતાં હતાં, એ બાજુથી ભીડ આવી અને ધક્કામુક્કી થતાં અમે પડી ગયાં. મમ્મી સીધાં પડ્યાં અને હું ઊંધા મોંએ પડી. હું માત્ર બૂમ પાડી રહી હતી, કોઈક તો અમને બચાવી લો.”

આ રિપોર્ટ કઈ રીતે બન્યો?

કુંભ ભાગદોડ અંગેના મીડિયા રિપોર્ટ્સની બારીકાઈથી તપાસ કર્યા પછી બીબીસીને કેટલાંક મૃતકોનાં નામ મળ્યાં; જોકે, સરકારે ક્યારેય ક્યાંય કોઈ મૃતકનું નામ નથી જણાવ્યું. આ નામો બાબતે અમે ગ્રાઉન્ડ વર્ક કર્યું અને તેમના ઘર સુધી પહોંચ્યા.

અમે આ રિપોર્ટ તૈયાર કરતાં પહેલાં દેશભરમાં ફેલાયેલા 100 કરતાં વધારે પરિવારો સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે 29 જાન્યુઆરીએ મેળાક્ષેત્રમાં થયેલી નાસભાગમાં તેમના પરિવારજન મૃત્યુ પામ્યા, પોતાના દાવાને સાચો ઠરાવવા તેમણે બીબીસીને નક્કર પુરાવા બતાવ્યા.

બીબીસીને કેટલાંક નામ સ્થાનિક રિપોર્ટર્સ પાસેથી મળ્યાં, ત્યાર પછી અમે એ પરિવારો સુધી પહોંચ્યા.

એ વાતની ઘણી શક્યતા છે કે આવાં મૃત્યુની વાસ્તવિક સંખ્યા અમારા રિપોર્ટ કરતાં ઘણી વધારે હોય, પરંતુ ઊંડી તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં મૃતકોની સંખ્યા અમે 82 એટલા માટે જણાવી રહ્યા છીએ, કેમ કે, આટલાં જ મૃત્યુ વિશે બીબીસી પાસે નક્કર પુરાવા અને પ્રત્યક્ષદર્શી ઉપલબ્ધ છે.

ક્રેડિટ્સ:


પડતાલ અને રિપોર્ટિંગ: અભિનવ ગોયલ
તસવીરો: દેવેશ ચોપડા, ગેટી
પ્રોડક્શન: કાઝી ઝૈદ
ઇલસ્ટ્રેશન: પુનીત બરનાલા
પ્રકાશન તારીખ: 11 જૂન, 2025