બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની એ ત્રણ મહિલાઓની કહાણી

રામજન્મભૂમિ આંદોલન વખતે તમતમતાં ભાષણો કરીને પ્રભાવી મહિલા નેતાઓ તરીકે ઊપસી આવેલાં સ્ત્રીઓની આ કહાણી છે, અને એવી નારીઓની પણ કથા કે જેમણે બાબરી મસ્જિદ વિધ્વંસ પછી રમખાણોમાં પુરુષોની સાથે જ ભાગ લીધો હતો.


બીજા ધર્મોની જેમ જ હિન્દુઓમાં પણ સ્ત્રીઓને દ્વિતીય કક્ષાનો જ દરજ્જો મળેલો છે, પરંતુ પરંપરાગત ભૂમિકામાં તેમની એક છબિ બનાવીને રાખવામાં આવી છે. ત્યાગમૂર્તિ, સહનશીલ, ગૃહલક્ષ્મી અને અન્નપૂર્ણા.पूर्णा.

સ્ત્રીઓની આ ઓળખમાં એક નવી પરિભાષા અને મિજાજ 1990ના દાયકામાં જોવા મળ્યાં કે જ્યારે રામજન્મભૂમિ આંદોલનમાં હિન્દુ નારીએ પણ જોશભેર ભાગ લેવાનું શરૂ કર્યું. એક અંદાજ અનુસાર 55 હજાર સ્ત્રીઓએ કારસેવિકાઓ તરીકે રામજન્મભૂમિ આંદોલનમાં ભાગ લીધો હતો.
સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળ્યાં, રાજકારણમાં જોડાયાં અને અને જોતજોતામાં પુરુષોના એકાધિકાર ગણાતા ક્ષેત્રમાં પ્રવેશવા માટેની બધી અડચણોને તોડી નાખી.

આંદોલનના અગ્રણી ચહેરા અને અવાજ તરીકે ત્રણ મહિલાઓની ઓળખ ઊભી થઈ - તેઓ હતાં સાધ્વી ઋતંભરા, ઉમા ભારતી અને વિજયારાજે સિંધિયા.

રામમંદિર માટે ઈંટો એકઠી કરવી, રથયાત્રામાં જોડાવું, બાબરી મસ્જિદ વિધ્વંસ અને તે પછી થયેલાં રમખાણોમાં સામાન્ય હિન્દુ મહિલાઓ હિસ્સો લેવા લાગ્યાં.

ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના છ નેતાઓ સાથે સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પર વિધ્વંસના મુકદ્દમામાં ફોજદારી કાવતરું કરવાના અને રમખાણો જગાવવા માટે ઉશ્કેરણી કરવાના આરોપો લાગેલા છે. વિજયારાજે સિંધિયાનું 2001માં અવસાન થયું હતું.

આજથી ત્રણ દાયકા પહેલાં દેશના રાજકારણમાં સ્ત્રીઓની ભૂમિકા નગણ્ય હતી, પરંતુ આ ત્રણેય નારીઓએ રામમંદિર આંદોલનના પરિઘમાં પોતાના માટે અને સામાન્ય હિન્દુ સ્ત્રીઓ માટે રાજકારણ અને તેની સાથે જોડાયેલી હિંસામાં એક નવો જ તખતો તૈયાર કરી આપ્યો.


News image
News image

સાધ્વી ઋતંભરા

આંદોલનનો અવાજ

રામજન્મભૂમિ આંદોલન વખતે શેરી ગલીઓમાં, મંદિરોમાં અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સભાઓમાં સાધ્વી ઋતંભરાનો અવાજ ગુંજવા લાગ્યો હતો.

આંદોલનના સંદેશ સાથેના તેમના જોશભેર ભાષણની ઑડિયો ટેપ બનાવીને એકએક રૂપિયામાં વેચવામાં આવી હતી. ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકરોના ઘરે ઘરે તેની કૅસેટ પહોંચાડવામાં આવી હતી.

તેમની લોકપ્રિયતા કેટલી હતી તે વિશે લખતાં ઇતિહાસકાર તનિકા સરકારે પોતાના પુસ્તક ‘હિન્દુ વાઇફ, હિન્દુ નેશન’માં લખ્યું છે કે, “અયોધ્યાના પંડિતો મંદિરોમાં રોજના પૂજાપાઠ બંધ કરીને તેની જગ્યાએ આ ભાષણોની કેસેટ વગાડવાનું શરૂ કરી દીધું હતું.”

હિન્દુ નારીની સૌમ્ય અને આજ્ઞાંકિત છાપથી વિપરિત આ ભાષણો બહુ આવેગભર્યા હતાં.
ભાષણની શરૂઆત સાધ્વી ઋતંભરા મોટા ભાગે ‘જય મા સીતા’ના નારાથી કરતાં. તેઓ કહેતાં કે લવ કુશ મોટા થયા તે પછી માતા સીતાએ પતિ રામની આજ્ઞા હોવા છતાં પરત તેમની પાસે જવાના બદલે પ્રાણ ત્યાગ કરી દેવાનું પસંદ કર્યું હતું. એટલે કે પતિની આજ્ઞાથી ઉપરવટ જઈને, ધર્મ ખાતર પોતાના મનની વાત માની, કેમ કે તે વાત જ સાચી હતી. સાધ્વી પોતાના ભાષણમાં સીતાને માત્ર પત્ની તરીકે નહીં, પરંતુ ધર્મની રક્ષા કરનારી નારી તરીકે રજૂ કરતાં હતાં.

કોલંબિયા જર્નલમાં માયા અજ્રાને ‘સેફરોન વુમેન’ શીર્ષકથી લખેલા લેખમાં જણાવ્યું હતું કે, “સાધ્વીના આહ્વાનને કારણે તેમને સાંભળનારી સ્ત્રીઓ માત્ર સ્ત્રીઓના બદલે ઐતિહાસિક રક્ષક નારી બની જતી હતી, કે જેમને અયોધ્યામાં પુનર્નિર્માણ માટે સાદ પડ્યો હતો.”


ઋતંભરામાંથી સાધ્વી

સાધ્વી ઋતંભરા પોતાનાં ભાષણોમાં હિન્દુઓને જ્ઞાતિઓના ભેદભાવ ભૂલીને એક થવા માટેની હાકલ કરતાં હતા. તેઓ કહેતાં કે રામ બધા જ હિન્દુઓના ભગવાન છે.

આ માત્ર ભાજપનો હિન્દુ એકતાનો એજન્ડા નહોતો, પરંતુ તેમના માટે જીવનની વાસ્તવિકતા પણ હતી.

ઋતંભરાનો જન્મ પંજાબના ગરીબ મંડી દૌરાહા ગામમાં થયો હતો. તેમનો જન્મ નિમ્ન મનાતી જ્ઞાતિના પરિવારમાં થયો હતો.

મનોવિશ્લેષક સુધીર કક્કડે પોતાના પુસ્તક ‘ધ કલર્સ ઑફ વાયલન્સ’માં લખ્યું છે કે, “16 વર્ષની ઉંમરે ઋતંભરાએ હિન્દુ પુનરુત્થાન માટે કામ કરી રહેલા ઘણા સંતોમાંના અગ્રણી એવા સ્વામી પરમાનંદનાં પ્રવચનો સાંભળ્યાં હતાં અને તેમને અધ્યાત્મિક અનુભૂતિ થઈ હતી.”
ત્યારબાદ ઋતંભરા હરિદ્વારમાં તેમના આશ્રમમાં જઈને રહ્યાં અને ત્યાં નિવાસ દરમિયાન તેઓ સારા વક્તા તરીકે ઘડાવા લાગ્યાં.

વક્તા તરીકે તેઓ એટલા પારંગત થઈ ગયાં કે વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિર આંદોલન દરમિયાન તેમને પોતાના પ્રવક્તા તરીકે આગળ કર્યાં હતાં.

સપ્ટેમ્બર 1990માં ગુજરાતના સોમનાથથી રામમંદિર માટે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. તેના એક મહિનાની રથયાત્રા દરમિયાન 10,000 કિલોમિટરનો પ્રવાસ કરીને અયોધ્યા પહોંચવાનું હતું.

ભાજપના અનુમાન અનુસાર રથયાત્રાના જુદાજુદા તબક્કે તેની સાથે 10 કરોડથી વધુ લોકો જોડાયા હતા.

આ જ તબક્કામાં ઋતંભરાના નામ સાથે હવે 'સાધ્વી' શબ્દ જોડાઈ ગયો હતો.


મુસ્લિમો માટે નફરત

સાધ્વી તરીકે તરીકે તેમનો દરજ્જો હવે વધ્યો હતો, કેમ કે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું અને સાંસરિક સુખોનો ત્યાગ કરવાનો હતો, છળકપટથી ઉપર, રાજકારણના ખેલથી પર, ને હિન્દુ ધર્મ ખાતર સમગ્ર દેશ માટે ચિંતા.

તેમનાં ભાષણોમાં હિન્દુ ધર્મ પર મુસ્લિમોના આક્રમણની વાતો અને મુસ્લિમ સમુદાય માટે ધિક્કારની ભાવના ભરેલી રહેતી હતી.

દાખલા તરીકે મુસ્લિમ વસતિ ઝડપથી વધી રહી છે અને હિન્દુ વસતિ ખતમ કરી દેવાશે, મુસ્લિમોને વિશેષાધિકાર આપી દેવાશે, હિન્દુ સમાજને ધાર્મિક તહેવારો માટેની મનાઈ કરી દેવાશે વગેરે.

હિન્દુ સ્ત્રીઓની જાંઘ પર ‘પાકિસ્તાન’ લખી દેવાશે, ભારત માતાના હાથ કાપી નખાશે તેવી ઉશ્કેરણીજનક વાતો કરવામાં આવતી હતી.

સ્ત્રી હોવા છતાં જાહેર સભામાં આવી ભાષા અને આક્રમક અંદાજમાં ભાષણના કારણે એક તાકાતનો અહેસાસ થતો હતો.

તેમની શબ્દોની પસંદગી અને અંદાજ પૌરુષેય હતો, પરંતુ તેમાં આંદોલનમાં જોડાવા માટે સ્ત્રીઓને આહ્વાન પણ કરાતું હતું, ઘરમાં કે સડકમાં ગમે ત્યાં ભૂમિકા ભજવવા પર ભાર મુકાતો હતો.

હિન્દુ ધર્મ પર આક્રમણની સામે લડવા માટે પુરુષોને મદદ કરવા માટે સ્ત્રીઓએ માતા તરીકે ભૂમિકા ભજવીને વધારે સંતાનો પેદા કરવાની અને ઘરની બહાર નીકળીને સામે આવવા માટેનું આહ્વાન પર રહેતું હતું.

6 ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકો બાબરી મસ્જિદ પર ચડી ગયા ત્યારે મંચ પર ભાજપના ટોચના નેતાઓ, સાધુસંતો સાથે સાધ્વી ઋતંભરા પર હતા.

વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માએ પોતાના પુસ્તક 'યુદ્ધ'માં અયોધ્યામાં તે દિવસના ઘટનાક્રમનો આંખે દેખ્યો અહેવાલ લખેલો છે.

તેમના જણાવ્યા અનુસાર સાધ્વી ઋતંભરા કારસેવકોને સંબોધન કરતાં કહી રહ્યાં હતાં કે આ શુભ અને પવિત્ર કામમાં પૂરી રીતે લાગી જાવ.

તે દિવસે મંચ પર અન્ય એક મહિલા પણ હતાં. તેઓ હતાં માત્ર 30 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશના ખજૂરાહોથી લોકસભામાં જિતેલાં સાંસદ ઉમા ભારતી.

ઉમા ભારતી

‘સેક્સી સંન્યાસિની’

છઠ્ઠી ડિસેમ્બર 1992ની એક બહુચર્ચિત તસવીરમાં વિધ્વંસ પછી ઉમા ભારતી અને તે વખતે રાજ્યસભાના સભ્ય મુરલી મનોહર જોષીની સાથે ખુશખુશાલ જણાઈ રહ્યા છે.

એ માત્ર યોગાનુયોગ નથી કે રામમંદિર આંદોલન વખતે ભાષણ આપી રહેલા ઉમા ભારતીની તસવીરો શોધવા છતાં બહુ મળતી નથી, પરંતુ આ તસવીરનો વારંવાર ઉપયોગ થયો છે.
તે વખતે નાની ઉંમરના ઉમા ભારતી રાજકારણમાં સ્થાન જમાવવા માટે મહેનત કરી રહ્યાં છે તેના સમાચારો ચમકતા રહેતા હતા.

પુરુષ નેતાઓ સાથે તેમનો મુક્ત વ્યવહાર અને કહેવાતા સંબંધો વિશે લખીને તેમનું નીચે દેખાડવા કોશિશો થતી અને તેના લેખો અખબારો અને સામયિકોમાં છપાતા રહેતા હતા. કેટલાક લોકો તેમને ખાનગીમાં ‘સેક્સી સંન્યાસિની’ કહેતા રહેતા હતા.

આ તે વખતની વાત છે, જ્યારે 1989ની લોકસભાની ચૂંટણીમાં 523 બેઠકોમાંથી માત્ર 23 બેઠકો પર એટલે કે માત્ર 4.4 ટકા બેઠકો પર મહિલાઓ જીત્યાં હતાં અને તેમાં એક હતાં ઉમા ભારતી.

ઇન્દિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન બની ચૂક્યાં હતાં, પણ એ ઘટના દેશના રાજકારણમાં મહિલાઓની વધતી હિસ્સેદારી પ્રતીક ગણાતી નહોતી.

News image

ઉમા ભારતી અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ગોવિંદાચાર્ય વચ્ચેના ‘સંબંધો’ની વાતો ચગવા લાગી હતી અને તે વખતે ઉમા ભારતીએ પોતે પત્રકારોને કહ્યું હતું કે ઊંઘવાની ગોળીઓ લઈને આત્મહત્યાની કોશિશ કરવા તેઓ મજબૂર થઈ ગયાં હતાં.

તે વખતે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, “સ્ત્રીઓની બાબતમાં લોકો બહુ સંકુચિત અને રૂઢિચુસ્ત વિચારો ધરાવે છે.”

માનુષીનાં સંપાદિકા મુધ કિશ્વરે ઉમા ભારતીની આત્મહત્યાની કોશિશ વિશે 1996માં લેખ લખ્યો હતો અને જણાવ્યું હતું કે, “કોઈ સ્ત્રી પોતાની તાકાત પર પક્ષમાં આગળ આવે ત્યારે તેમના જ સાથીઓ તેમની બદનામી કરવામાંથી પાછા હઠતાં નથી.”


પુરુષ વિનાની સ્ત્રી

ઉમા ભારતી પોતાના પગ પર ઊભાં હતાં. પિતા કે પુત્રો પર આર્થિક રીતે તેઓ નિર્ભર નહોતાં. તેમની ઓળખ માતાની કે પુત્રી તરીકેની નહોતી.

તેઓ એક સજાગ, સશક્ત અને રાજકીય રીતે મહત્ત્વાકાંક્ષા ધરાવતાં મહિલા હતાં.
ઉમા ભારતી 11 વર્ષનાં હતાં ત્યારે પિતાનું મૃત્યુ થયું હતું. પોતાના માટે પ્રેરણા સ્વરૂપ ગણાવતા તેમના માતાએ તેમને અને પાંચ ભાઈ બહેનોને એકલે હાથે ઉછેર્યા હતા.

એક મુલાકાતમાં ઉમા ભારતીએ જણાવ્યું હતું કે પિતા પાછળ છોડી ગયેલી જમીન તેમનાં સગાંઓએ પડાવી લેવાની કોશિશ કરી ત્યારે તેમની માતા એક મહિનો ચાલીને ભોપાલ પહોંચ્યાં હતાં અને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સામે સૂઈ ગયાં હતાં, જેથી તેમની ફરિયાદ સાંભળવામાં આવે.

આવી જ જીદ અને જોશ ઉમા ભારતીએ પણ દાખવ્યાં હતાં અને તેમણે અયોધ્યામાં દાખલ થવા માટે પોતાના વાળ ઉતરાવી નાખ્યા હતા.

1990માં જયપુરમાં યોજાયેલા ભાજપના અધિવેશનમાં બોલતી વખતે ઉમા ભારતીએ જણાવ્યું હતું કે ઑક્ટોબરમાં અયોધ્યામાં વિવાદિત સ્થળે લોકોને પ્રવેશ માટે બંધ કરી દેવાયો ત્યારે તેમની પાસે ત્યાં પહોંચવા આ એક જ રસ્તો હતો.

તેમણે કહ્યું, “મને મારા લાંબા વાળ બહુ ગમતા હતા. પણ હું એક મંદિરમાં ગઈ અને નાઈને કહ્યું કે મારા બધા વાળ ઉતારી લે. માથે ટકો થઈ ગયો ત્યારે હું એક છોકરાના વેશમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અયોધ્યામાં પહોંચી ગઈ હતી.”
પુરુષોના વર્ચસ્વ વચ્ચે રાજકીય સ્પર્ધામાં ભગવા વસ્ત્રો ધારણ કરનારી, બ્રહ્મચર્યનું પાલન કરનારી, માથે મુંડન કરાવેલી એક સ્ત્રીની છબી બહુ પ્રભાવી લાગતી હતી.

પક્ષમાં સ્થાન જમાવવામાં ઘણી મુશ્કેલી હોવા છતાં રામજન્મભૂમિ આંદોલન દરમિયાન સાધ્વી ઋતંભરાની જેવી જ પ્રભાવી ભાષણશૈલી સાથે તેઓ એક સારા વક્તા તરીકે જાણીતા થયાં. તેમનાં ભાષણોની પણ ઘણી કૅસેટો બની હતી.

ધાર્મિક લાગણીઓ ભડકાવે તેવા એમનાં ભાષણોને રોકવા માટે ભાજપે ક્યારેય કોશિશ કરી નહોતી.


વિધ્વંસમાં ભૂમિકા

રામજન્મભૂમિ આંદોલન વિશે પત્રકારોના ઘણા અહેવાલોમાં ઉમા ભારતીનાં ભાષણોની ચર્ચા થઈ છે. તેમની ભાષા પણ સાધ્વી ઋતંભરાથી ખાસ અલગ નહોતી.

દાખલા તરીકે તેઓ કહેતા કે રામમંદિર બનાવવા માટે “સરયુનું પાણી આપણા લોહીના લાલ રંગથી રંગાઈ જાય તો પણ...” અથવા તો “મંદિર બનાવવા માટે જરૂર પડશે તો આપણે આપણા હાડકાની ઈંટો બનાવીશું અને લોહીનો ગારો.”

બાબરી મસ્જિદ વિધ્વંસ પછી તરત જ ડિસેમ્બર 1992માં જ કેન્દ્ર સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ લિબરહાનને ઘટનાની તપાસનું કામ સોંપ્યું હતું.


17 વર્ષ પછી લિબરહાન પંચે પોતાનો અહેવાલ આપ્યો હતો, જેમાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને વિજયારાજે સિંધિયા સહિત 68 લોકોને સાંપ્રદાયિક લાગણીઓ ઉશ્કેરવા બદલ દોષી ઠરાવાયાં હતાં.

ઉમા ભારતીએ અહેવાલને ખોટો ગણાવીને જણાવ્યું હતું કે મસ્જિદ તોડી પાડવાની માત્ર “નૈતિક જવાબદારી” તેઓ સ્વીકારે છે અને “રામજન્મભૂમિ આંદોલનમાં ભાગ લેવાનું મને ગૌરવ છે.”

બાબરી મસ્જિદ વિધ્વંસના દિવસે ઉમા ભારતીએ બે નારાઓ લગાવ્યા હતા -

“રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ” અને “એક ધક્કા ઔર દો, બાબરી મસ્જિદ તોડ દો.”

વરિષ્ઠ પત્રકાર હેમંત શર્માના જણાવ્યા અનુસાર ઉમા ભારતીએ મંચ પરથી કહ્યું હતું કે, “હજી કામ પૂર્ણ થયું નથી, બધું સમથળ ના થઈ જાય ત્યાં સુધી પરિસર છોડશો નહીં.”
તેમણે મંચ પર એક મહિલાને હાજર કર્યાં અને દાવો કર્યો હતો કે “ઢાંચાના ગુંબજ પર સૌથી પહેલા ચડી ગયેલાં આ મહિલા છે.”

ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો હેતુ હિન્દુ એકતા અને રામમંદિર માટે કારસેવકોને પ્રેરિત કરવાનો હતો. આ એક જ લક્ષ સાથે તેઓ કામ કરતાં હતાં અને તેમાં પુરુષો સાથે તેમણે સ્ત્રીઓને પણ જોડ્યાં હતાં.

જોકે બંને નેતાઓએ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ સ્ત્રીઓના મુદ્દા ઉઠાવવા માટે નહોતો કર્યો. તેવો પ્રયાસ કરાયો હોત તો તેને નબળાઈ ગણવામાં આવી હોત અને કદાચ તેમનો આટલો પ્રભાવ પણ ના પડ્યો હોત.

જોકે ઉમા ભારતીને રાજકારણમાં આગળ લાવવામાં સૌથી અગત્યની ભૂમિકા એક મહિલા નેતા વિજયારાજે સિંધિયાએ જ ભજવી હતી.

ઘણી મુલાકાતોમાં ઉમા ભારતીએ ઉલ્લેખ કર્યો છે કે નાની ઉંમરમાં જ સિંધિયાની છત્રછાયા તેમને મળી હતી અને તેમના સમર્થનને કારણે જ સંઘમાં પોતાનું સ્થાન જમાવી શક્યા હતાં.

વિજયારાજે સિંધિયા

હિન્દુ રીતનું પ્રતીક

ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા બંને યુવા હતાં, જ્યારે તેમનાથી ઉંમરમાં બહુ મોટાં હતાં, 70 વર્ષ વટાવી ગયેલાં અનુભવી નેતા વિજયારાજે સિંધિયા, જેઓ રામજન્મભૂમિ આંદોલનનો ત્રીજો અગત્યનો મહિલા ચહેરો બન્યાં હતાં.

પછાત વર્ગ અને આર્થિક રીતે ગરીબ પરિવારોમાંથી આવનારાં ભારતી અને ઋતંભરાથી તેમની પૃષ્ઠભૂમિ બહુ અલગ હતી.

વિજયારાજે રાજવી પરિવારના હતાં, સમૃદ્ધ અને સામંતશાહી પરિવેશમાંથી આવતાં હતાં.
જોકે ઋતંભરા અને ભારતીની જેમ તેઓ પણ એકલા મહિલા હતાં. વિધવા તરીકે તેઓ સંયમિત જીવન જીવી રહ્યાં હતાં.



સિંધિયાનો દરજ્જો ઘણો ઊંચો હતો અને રાષ્ટ્રનિર્માણ માટે તેઓ ઉત્તમ સેવિકા બની શકવાની સ્થિતિમાં હતાં.

ભગવા વસ્ત્રો અને કપાળે મોટા તિલક સાથે સાધ્વી સ્વરૂપમાં રહેતાં ઋતંભરા અને ઉમા ભારતીથી જીવનશૈલીની બાબતમાં વિજયારાજે સિંધિયા ઘણા અલગ પડતાં હતાં. જોકે વિધવા હોવાના કારણે રીતરિવાજ અનુસાર તેઓ સફેદ સાડી પહેરતાં હતાં.

હિન્દુ ધર્મમાં પ્રચલિત એવી સ્ત્રીઓની રૂઢિવાદી અને પરંપરાગત ભૂમિકા તેઓ યોગ્ય માનતા હતાં.





રાજપરિવારનું પ્રભુત્વ

વિજયારાજે સિંધિયાની રાજકીય સફરની શરૂઆત ભાજપથી નહોતી થઈ. એવું પણ નહોતું કે તેમના પતિ જીવાજીરાવ સિંધિયાને કારણે તેઓ રાજકારણમાં આવ્યા હોય.

પોતાની આત્મકથા, ‘ધ લાસ્ટ મહારાણી ઑફ ગ્વાલિયર’માં તેમણે લખ્યું છે કે તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુના આમંત્રણને કારણે તેમણે અચાનક રાજકારણમાં અને કૉંગ્રેસમાં પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો હતો.

રાજવી પરિવાર તરીકે વિસ્તારમાં હજીય તેમનો દબદબો હતો અને 1957માં પ્રથમ વાર લોકસભાની ચૂંટણી લડ્યાં તેમાં આરામથી જીતી ગયાં હતાં.

News image

1961માં પતિના અવસાન બાદ પણ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યાં હતાં. જોકે કૉંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે તેમણે આખરે 1972માં કૉંગ્રેસ છોડી અને જનસંઘમાં જોડાઈ ગયાં.

ગ્વાલિયર હિન્દુ મહાસભાનો ગઢ હતો. વિચારધારાની રીતે સિંધિયા કૉંગ્રેસ કરતાં હિન્દુ મહાસભાની વધારે નજીક હતાં. તેઓ સફળ રાજનેતા હતા, પરંતુ સાથે જ રાજવી પરિવારના હોવાના કારણે તેમની આર્થિક તાકાત પણ ઘણી હતી.

કટોકટી લાદવામાં આવી ત્યારે બીજા નેતાઓ સાથે વિજયારાજે સિંધિયાને પણ જેલમાં નાખવામાં આવ્યાં હતાં. જેલમાંથી બહાર આવ્યાં તે પછી તેમને ભારતીય જનતા પક્ષમાં ઉપાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદમાં પણ તેમનું મહત્ત્વનું સ્થાન હતું અને તેમની અધ્યક્ષતા હેઠળ વિશ્વ હિન્દુ પરિષદનો ગૌરક્ષા વિભાગ રચવામાં આવ્યો હતો.

વિધ્વંસમાં ભૂમિકા

માતા તરીકેના તેમના વ્યક્તિત્વમાં સાદગી અને સંયમ દેખાઈ આવતાં હતાં અને ભાષણો પણ સીધાસરળ રહેતાં હતાં.

સિટિઝન્સ ટ્રાઇબ્યૂનલ ઑન અયોધ્યા’માં 1993ના પ્રગટ થયેલા અહેવાલ, ‘ધ કૉન્સપરસી ઑફ ધ સંઘ કમ્બાઇન’માં જણાવ્યા અનુસાર, નવેમ્બર 1992માં વિજયારાજે સિંધિયાએ પટનામાં ભાષણ આપતા કહ્યું હતું કે, “બાબરી મસ્જિદને તોડવી પડશે.” તેમણે વિધ્વંસના દિવસે મંચ પરથી કારસેવકોને “સર્વશ્રેષ્ઠ બલિદાન” દેવા તૈયાર રહેવાની હાકલ કરી હતી.

‘ક્રીએટિંગ અ નેશનાલિટી’ પુસ્તકમાં વિધ્વંસના દિવસના ઘટનાક્રમમાં જણાવ્યા અનુસાર વિજયારાજે સિંધિયાએ કહ્યું હતું કે, “હવે હું કોઈ અફસોસ વિના પ્રાણ ત્યાગ કરી શકીશ, કેમ કે મેં મારું સપનું પૂરું થતા જોયું છે.”


વિજયારાજે માટે તેમના રાજકીય જીવનમાં બાબરી વિધ્વંસની ઘટના એવા સમયે બની હતી કે જેના થોડા વખત પછી 1998માં તેમણે સ્વાસ્થ્યના કારણસર રાજકારણમાંથી નિવૃત્તિ લેવી પડી હતી.

જોકે તે પછીય તેમનો પ્રભાવ યથાવત્ રહ્યો હતો અને તેઓ ભાજપનાં ઉપાધ્યક્ષપદે યથાવત્ રહ્યાં હતાં. ત્રણ વર્ષ બાદ તેમનું અવસાન થયું હતું.

ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરા માટે આંદોલનથી રાજકારણની શરૂઆત થઈ હતી. તેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા હતી અને પ્રભાવશાળી વક્તાઓ તરીકે તેઓ જાણીતા થયાં હતાં.
સાધ્વી ઋતંભરાને હવે સૌ ‘દીદી મા’ તરીકે ઓળખે છે. ટીવી પર તેઓ ધાર્મિક ઉપદેશો આપતા રહે છે. દેશવિદેશમાં અને ‘ક્રૂઝ શિપ’ પર પણ સભાઓ કરતાં રહે છે.

1992માં તેમણે પરમશક્તિપીઠ નામની એનજીઓની સ્થાપના કરી હતી. બાદમાં વૃદાંવન પાસે વાત્સલ્યગ્રામ નામનો 52 એકરમાં ફેલાયેલો આશ્રમ સ્થાપ્યો છે. છેલ્લા દાયકાઓ દરમિયાન તેઓ જુદાંજુદાં રાજ્યોમાં પોતાની શાળાઓ અને હૉસ્ટેલ ખોલતાં રહ્યાં છે.

રામમંદિર આંદોલન પછી ઉમા ભારતી રાજકારણમાં સક્રિય રહ્યાં હતાં. 1989થી 2003 સુધી તેઓ લોકસભામાં સાંસદ તરીકે રહ્યાં હતાં. વચ્ચે થોડાં વર્ષો માટે મધ્યપ્રદેશમાં મુખ્ય મંત્રી બન્યાં હતાં. કેન્દ્રની એનડીએ સરકારમાં મંત્રીપદે પણ રહી ચૂક્યાં છે.

વચ્ચે થોડાં વર્ષો માટે તેમણે ભાજપ છોડીને પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો. જોકે ભાજપમાં પરત ફર્યાં અને 2014માં ફરીથી લોકસભામાં જીત્યાં અને કેન્દ્રમાં પ્રધાન પણ બન્યાં. 2019માં તેમણે જાહેરાત કરી હતી કે ચૂંટણી લડશે નહીં, તે પછી તેમને પક્ષમાં ઉપાધ્યક્ષનો હોદ્દો અપાયો છે

આ મહિલાઓ નેતાઓની રાજકીય સફર જેવી પણ રહી હોય, પરંતુ ત્રણ દાયકા પહેલાં તેઓએ સામાન્ય હિન્દુ સ્ત્રીઓ માટે આગવું સ્થાન ઊભું કર્યું હતું. તેમનાં ભાષણોએ અનેકમાં જોશ ભર્યું હતું અને તેમના કારણે પ્રથમ વાર મહિલા કારસેવિકાઓ તૈયાર થયાં હતાં.


કારસેવિકાઓ

રાજકીય ચેતના

આંદોલન વખતે હિન્દુ સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળ્યાં તેની પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે. તેનો પાયો કેટલાક દાયકા પહેલાં નંખાયો હતો.

1936માં આરએસએસની મહિલા પાંખ રાષ્ટ્રસેવિકા સમિતિની રચના થઈ હતી.
આરએસએસની શાખાઓમાં પુરુષો ભાગ લેતા અને વ્યાયામ તથા હિન્દુ ધર્મના ઇતિહાસ અને સંસ્કૃતિની ચર્ચાઓ થતી. હવે આવી જ શાખાઓ સ્ત્રીઓ માટે પણ ખૂલવા લાગી.

કેટલાક દાયકા બાદ આ સ્ત્રીઓ જાહેરમાં દેખાયાં હતાં. 1960ના દાયકામાં જનસંઘે ગૌહત્યાના વિરોધને રાજકીય મુદ્દો બનાવ્યો ત્યારે મહિલાઓની હાજરી દેખાવા લાગી હતી.
1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે ભારતીય મહિલા મોરચાના નામે મહિલા પાંખ પણ બની હતી.

આ સંસ્થાઓમાં સ્ત્રીઓને સભ્ય બનાવાયાં હતાં અને તેમાં ઉચ્ચ, મધ્યમ અને વેપારી વર્ગનાં મહિલાઓ સામેલ થવા લાગ્યાં હતાં.

આ સંગઠનોમાં સક્રિય થયેલી મહિલાઓ તથા સંઘ પરિવારના પુરુષ સભ્યોની મહિલાઓ પણ ઘણી રીતે પોતાનો સંદેશ સામાન્ય મહિલા વર્ગમાં પણ પહોંચાડતાં રહ્યાં હતાં.

ડ્યુક વિશ્વવિદ્યાલયના ઍસોસિએટ પ્રોફેસર સુચેતા મજુમદારના જણાવ્યા અનુસાર સ્ત્રીઓને બિનસત્તાવાર રીતે સંગઠિત કરવાની અને વિધારધારાને ફેલાવાની એક રીત હતી એકબીજાને મદદરૂપ થવાનું. નવી વહુ આવી હોય કે નવી માતા બની હોય કે પડોશની સ્ત્રી હોય તેમને મદદ કરવાની. તેમની મારફતે સંઘનો સંદેશ પહોંચાડવામાં આવતો હતો.

પોતાના ‘વુમેન ઑન ધ માર્ચ’ લેખમાં સુચેતાએ લખ્યું છે કે, “આ મહિલામંડળોનો ઇરાદો ચૂંટણી માટે મતો એકઠા કરવાનો નહોતો. ખાસ કરીને દુર્ગાવાહિની અયોધ્યા આંદોલન માટે સ્વંયસેવિકાઓ તૈયાર કરી રહી હતી. તેના કારણે અયોધ્યા માટેની સભામાં વીસ હજાર જેટલી સ્ત્રીઓ એકઠી થઈ જતી હતી.”

બજરંગદળે પણ આ જ પદ્ધતિએ સ્ત્રીઓને સંગઠિત કરવાનું કામ કર્યું હતું. 1984માં વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ દુર્ગાવાહિનીની સ્થાપના થઈ હતી.

આ સંગઠનમાં ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગનાં સ્ત્રીઓને જોડવામાં આવતાં હતાં.


‘ફૂલ નહીં અંગારો’


દુર્ગાવાહિનીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર રામજન્મભૂમિ આંદોલનમાં વાહિનીની સભ્ય સ્ત્રીઓએ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી.

તેમાં જણાવાયું છે કે, “અયોધ્યાના રક્તરંજિત માહોલમાં સ્ત્રીઓએ પોતાના સહજ કોમળ સ્વરૂપનો ત્યાગ કરીને, પ્રભાવશાળી રૂપ ધારણ કરીને એક જીવંત દીવાલ જેવું સ્વરૂપ અપનાવ્યું હતું, જેથી તેઓ સુરક્ષાદળોની લાઠીઓ અને ગોળીઓનો સામનો કરી રહેલા પોતાના ભાઈઓને સુરક્ષિત બનાવી શકે.”

સાધ્વી ઋતંભરા દુર્ગાવાહિનીનાં રાષ્ટ્રીય સંયોજિકા એટલે કે અધ્યક્ષા છે.

શાખા અથવા તો દુર્ગાવાહિનીની શિબિરમાં જનારી સ્ત્રીઓ સાડી નહીં પરંતુ સલવાર-કમીઝ પહેરે છે. દુર્ગાવાહિનીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, ‘સફેદ સુરવાલ, સફેદ કુર્તા, ભગવા રંગનો દુપટ્ટો, સફેદ કાપડનાં જૂતાં અને દુર્ગાવાહિની લખેલો પટ્ટો’ યુનિફોર્મ તરીકે પહેરવાં જરૂરી છે.

આવી વેશભૂષાને કારણે પુરુષોની દુનિયામાં તેમને આગવી ઓળખ આપે છે.
સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતીની ઑડિયો કૅસેટે ઘરગથ્થુ સ્ત્રીઓના જીવનમાં રાજકારણને દાખલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

રાજકારણ અને જેન્ડર એ વિશે સંશોધન કરનારા અમૃતા બાસુએ પોતાના ‘ફેમિનિઝમ ઇન્વર્ટેડ’માં લખ્યું છે કે, “મહાત્મા ગાંધીએ કર્યું તે રીતે લગભગ આ કામ થયું હતું. તેમણે સ્વદેશી આંદોલન વખતે સ્ત્રીઓને રેંટિયો કાંતવાનું કામ સોંપ્યું હતું. તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા માટે આવી જ અનેક રીતો અપનાવી હતી. તેના કારણે ઘરમાં બેઠેલી સ્ત્રીઓને પણ એવી લાગણી થાય કે પોતે આ લડતમાં હિસ્સેદાર છે.”



ભાષણોમાં મુસ્લિમ સમુદાય સામે વેરભાવના ભડકાવવાનું કામ થયું હતું. જેમ કે સાધ્વી ઋતંભરાએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, “ક્યારેય સાંપ્રદાયિક ના બનનારા હિન્દુઓને પણ આજે સાંપ્રદાયિક ગણાવાઈ રહ્યા છે અને તે લોકો (મુસલમાન) ડર્યા વિના હત્યા કરી રહ્યા છે અને લોકો ચૂપ છે.”

બાબરી મસ્જિદ વિધ્વંસ પછી દેશભરમાં થયેલાં રમખાણોમાં બે હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

નારીવાદી લેખિકા ઉર્વશી બુટાલિયાના જણાવ્યા અનુસાર, ઘણી હિન્દુ સ્ત્રીઓએ મુસલમાનો સામે થયેલી હિંસા, લૂંટફાટ અને તેમની સ્ત્રીઓ સાથે થયેલા વર્તન અંગે અફસોસ વ્યક્ત કર્યો નહોતો, કેમ કે તેમને લાગતું હતું કે મુસ્લિમ સમુદાય ‘પીડિત’ ગણી શકાય નહીં.
આંદોલન વખતે સ્ત્રીઓમાં એક નારો બહુ પ્રચલિત હતો, “અમે ભારતની નારી છીએ, ફૂલ નહીં ચિનગારી છીએ.”

1993માં માનુષી સામયિકમાં મધુ કિશ્વરે લખ્યું હતું કે, “સ્ત્રીઓએ તોફાની ટોળાંની આગેવાની લીધી અને મુસ્લિમ સ્ત્રીઓ અને બાળકોને ખેંચીને રસ્તા પર લાવી તેમના પર બળાત્કાર માટે ઉશ્કેરણી કરી અને મુસ્લિમ સ્ત્રીઓને પથ્થરો મારવામાં અને આંગ ચાંપવામાં પુરુષોને સાથ આપ્યો.”

સમય સાથે મજબૂત થઈ રહેલી સ્ત્રી કૅડરમાં પુરુષો જેટલી જ નફરત ફેલાઈ ચૂકી હતી.
વિધ્વંસ પછી થયેલાં રમખાણો અંગે મધુ કિશ્વર લખે છે, “જમણેરી શિવસેનાની સ્ત્રીઓ રસ્તા પર આડી બેસી જતી હતી, જેથી મુસ્લિમ વિસ્તારો સુધી રાહતસામગ્રી લઈ જઈ રહેલી ટ્રકો આગળ ના વધી શકે. કરફ્યૂ વખતે શિવસેનાના કોઈ નેતા તેમની ગાડીમાં હથિયાર સાથે પકડાઈ જતા તો ત્યારે સ્ત્રીઓ રસ્તા પર આડી સૂઈ જતી હતી, જેથી પોલીસ તેમને પકડીને લઈ જઈ શકે નહીં.”

તે વખતે હિન્દુ સ્ત્રીઓની ઓળખ માત્ર સ્ત્રી તરીકેની નહીં, પણ ધર્મ પ્રત્યે તેની કેટલી નિષ્ઠા છે અને કર્તવ્ય ભાવના છે તેનાથી થતી હતી.

પ્રોફેસર મનીષા સેઠીએ પોતાના ‘ઍવેન્જિંગ ઍન્જલ્સ ઍન્ડ નરચરિંગ મધર્સ’ લેખમાં જણાવ્યું હતું કે, “સંકટના સમયે બદલો લેનારી દૂત તરીકેની ભૂમિકા અપનાવવાની મંજૂરી સ્ત્રીઓને મળે છે, પરંતુ તે સમય પસાર થઈ જાય તે પછી સ્ત્રી ફરી પાલન કરનારી માતા અને આજ્ઞાકારી પત્ની તરીકેની ભૂમિકામાં પાછી ફરતી હોય છે.”

Report: Divya Arya
Illustrations: Puneet Barnala
Images: Getty
Production: Shadab Nazmi
Published on: 29 September 2020