ભારતમાં કોરોનાથી થયેલાં
એ મૃત્યુ જે નથી નોંધાયાં

સુનીલ શર્મા, જેઓ એક પૂજારી તરીકે કામ કરતા હતા, નાની ઉંમરે મૃત્યુ પામ્યા. અને તેમની પાછળ પત્ની અને બે બાળકોને નિરાધાર છોડી ગયા.
સુનીલ શર્મા રાજસ્થાનના ગાંવડીના રહેવાસી હતા. તેમનાં પત્ની સુનીતા શર્માએ બીબીસીને જણાવ્યું કે, “આ વર્ષે નવ મેના રોજ તેમને તાવ આવ્યો જે બાદ અમે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા.”
એક અઠવાડિયા પછી ટેસ્ટ કરાયો ત્યારે ખ્યાલ આવ્યો કે 41 વર્ષના સુનીલને કોરોનાનો ચેપ લાગ્યો છે.
શરૂઆતમાં સારવારથી સારું લાગ્યું હતું, પણ બાદમાં તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું એટલે જયપુરની હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ગાંવડી ગામ
ગાંવડી ગામ
20 મેના રોજ તેમનું મૃત્યુ થયું અને તેમના ગામડે તેમની અંતિમ વિધિ કરવામાં આવી.
સુનીતા જણાવે છે કે, “કોવિડ-19 પ્રોટોકોલ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા, પરંતુ તેમનું નામ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં લખાયું નથી.”
સુનીલ, હશીબ, આશિક, પુનીતા અને કુંદન - આ કેટલાંક એવાં નામો છે, જેમનું મોત કોવિડ-19ને કારણે થયું, પરંતુ તેમનાં નામ સરકારી ચોપડે કોરોનાના કારણે મૃત્યુ પામેલ લોકોની સત્તાવાર યાદીમાં નોંધાયાં નથી.
બીબીસીના 12 રિપોર્ટરોએ આઠ રાજ્યોનાં 12 શહેરોમાં જઈને તપાસ કરી હતી કે ભારતમાં કોરોનાને કારણે થયેલાં મૃત્યુનો આંક ઓછો નોંધવામાં આવી રહ્યો છે કેમ?
અમે સ્મશાનગૃહ, કબ્રસ્તાન, હૉસ્પિટલો, કાર્યકરો અને અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી અને મે મહિનાની એકથી 15 તારીખ દરમિયાન જાહેર થયેલા સરકારી આંકડાની ખરાઈ કરવાની કોશિશ કરી હતી. વાસ્તવિક રીતે કેટલાં મોત થયાં હતાં તે જાણવા માટે દેશભરમાંથી શહેરોની પસંદગી કરી હતી અને ખાસ કરીને સૌથી વધારે કેસ જ્યાં આવ્યા હતા તેની પસંદગી કરી હતી.

બિજનોર, દરભંગા, જમશેદપુર, જૌનપુર, કરીમનગર, માનસા, નાગપુર, પટણા, પ્રયાગરાજ, રાયપુર, સિકર અને શીમલાનાં નામ આ શહેરોમાં સમાવિષ્ટ છે. આ શહેરો પૂર્વ ભારતનાં બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ, ઉત્તરમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશ, પશ્ચિમમાં મહારાષ્ટ્ર અને દક્ષિણમાં તેલંગાણા રાજ્યોમાં આવેલાં છે.
અમારી તપાસનો શો નિષ્કર્ષ નીકળ્યો તે અહીં રજૂ કરી કરીએ છીએ.
સુનીલનાં પત્ની કહે છે કે, “હૉસ્પિટલે તો કહ્યું કે સુનીલનું મોત કોવિડ-19થી થયું છે. પણ મને ખબર નથી કે તેમનું નામ સત્તાવાર યાદીમાં કેમ નથી.”
સ્થાનિક આરોગ્ય અધિકારી પાસે પણ આનો કોઈ જવાબ નથી. દરેક મૃત્યુની નોંધ કરવાની જવાબદારી તેમની છે.
ગામની પડુંપડું થઈ રહેલી શાળાનાં અંધારિયાં ઓરડાંમાં આરોગ્યકેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. તેની જવાબદારી વિમલા ચૌધરીના હાથમાં છે. તેમનું કહેવું છે કે સુનીલ શર્મા ગામની બહાર રહેતા હતા એટલે તેમનું નામ દસ્તાવેજમાં નથી. સુનીલ શર્મા પૂજારી તરીકે ગુજરાતના એક ગામમાં કામ કરતા હતા. ગત નવેમ્બરમાં લૉકડાઉન પછી લાખો લોકો પોતાના વતન પરત ફર્યા હતા તે રીતે સુનીલ શર્મા પણ કુટુંબ સાથે રહેવા માટે ગામડે પાછા ફર્યા હતા.
કોવિડ-19ના કારણે મૃત્યુ થાય ત્યારે હૉસ્પિટલે તેની જાણ ઉપરી અધિકારીઓને કરવાની હોય છે, જેથી મૃતકનું નામ સત્તાવાર યાદીમાં નોંધવામાં આવે.
હૉસ્પિટલે બીબીસીને ખુલાસો કરતાં જણાવ્યું કે પ્રોટોકોલ પ્રમાણે કામ કરાયું હતું. રાજસ્થાનના આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ “સંદેશવ્યવહારમાં ખામી”ને આ માટે કારણભૂત ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે, “અમારા રાજ્યમાં મોત થયું હોય, તો તેનું નામ અહીં નોંધાવું જ જોઈએ... અમે મૃત્યુ કેટલાં થયાં તેનું ઑડિટ કરાવી રહ્યા છીએ.”
આવી ખાતરીથી શર્મા પરિવારને સાંત્વના મળે તેમ નથી. પરિવારને ચિંતા છે કે નામ નોંધાયેલું નહીં હોય તો કોવિડ-19થી મૃત્યુ માટે ચૂકવાતું વળતર તેમને નહીં મળે.
જાણકારો કહે છે કે સુનીલ શર્માનો કિસ્સો દર્શાવે છે કે ભારતમાં મૃત્યુ પામેલાની સાચી સંખ્યા જાણવાનું કેટલું મુશ્કેલ છે.
અહીંથી સેંકડો કિલોમિટર દૂર ઉત્તર પ્રદેશમાં 11,000ની વસતિ ધરાવતા એક ગામમાં લોકો ટપોટપ મરવા લાગ્યા હતા. એપ્રિલના મધ્યથી શરૂ કરીને ફક્ત ચાર જ અઠવાડિયાંમાં 50થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
તેમાં એક હતા પત્રકાર આશિક અલી.
બીબીસીને પત્રકાર આશિક અલીના નાના ભાઈ અબ્દુલ કાદીરે જણાવ્યું કે, “મારા ભાઈને 19 એપ્રિલે તાવ આવ્યો હતો, પણ આમ તબિયત ઠીક હતી. દવા લે તો તાવ ઊતરી જતો હતો, પણ ફરી પાછો આવી જતો હતો.”
“અમને હતું કે સામાન્ય તાવ હશે, એટલે કોરોના ટેસ્ટ કરાવવા ગયા નહોતા. પણ પહેલી મેની રાત્રે અચાનક તેમનું મોત થઈ ગયું.”
સ્થાનિક પત્રકાર કંવલ જાફરી કહે છે કે, “ગામમાં બીજાનાં પણ મોત થયાં, તેમને પણ આવાં જ લક્ષણો હતાં. તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ.” જાફરીએ કોવિડ-19 જેવાં લક્ષણો સાથે થયેલાં મૃત્યુની વિગતવાર યાદી તૈયાર કરીને રાખી છે.
શું આ બધાં મોતની નોંધણી થઈ હતી?
જિલ્લા અધિકારીઓ કહે છે કે મોતની સંખ્યામાં વધારો થયો હતો તેની તેમને જાણ છે, પણ તે બધાં કોવિડ-19ને કારણે થયાં હતાં તેવું તેઓ સ્વીકારતા નથી.
સિનિયર અધિકારી ધીરેન્દ્ર સિંહે બીબીસીને જણાવ્યું કે, “અમે ગામમાં ઘણા કૅમ્પ કર્યા હતા, પણ કોઈના કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા નહોતા.”
અચાનક કારણ વગર મોતની સંખ્યા કેમ વધી ગઈ તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “એ તો યોગાનુયોગે હોઈ શકે છે.”
ભારતનાં રાજ્યોનાં જુદાં જુદાં શહેરોમાં અને ગામડાંમાં લગભગ આવી જ કહાણીઓ સાંભળવા મળે છે.
આ કહાણી છે ભારતનાં નોંધાયાં વગરનાં મોતની.
બિહારના દરભંગાના નવીન સિંહા કહે છે કે, “બીજી લહેર 8 એપ્રિલે શરૂ થઈ હતી. તે પછીના 44 દિવસ સુધી સ્મશાનોમાં ચિતાની આગ ઠરી જ નહોતી.” નવીનની સંસ્થા બિનવારસી લાશોના અંતિમ સંસ્કારનું કામ કરે છે.
“કેટલાંક કુંટુંબમાં બબ્બે ત્રણ-ત્રણ જણનાં મોત થયાં હતાં. એટલા બધા મૃતદેહો આવતા હતા કે એક જ ચિતા પર એકથી વધારે અંતિમ સંસ્કારની વિનંતીઓ થવા લાગી હતી. લોકો એકબીજાને ગળે લગાડીને સાંત્વના પણ આપી શકે તેમ નહોતા.”
લોકો ટપોટપ મરવા લાગ્યા હતા, પણ તેની સંખ્યા સરકારી આંકડામાં દેખાતી નથી.
ભારતે કોરોનાને કારણે થયેલાં મોતના આંકડા છુપાવ્યા છે તેની ભારે ટીકા થઈ છે. તેના કારણે ભવિષ્યમાં આવનારી મહામારી સામે તૈયારી અને વ્યૂહરચના ઘડવામાં દેશને તકલીફ પડશે એમ જાણકારો કહે છે.
ભારતમાં કોવિડ-19થી થયેલાં મોતનો આંક ચાર લાખને વટાવી ગયો છે – આ મામલે અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત ત્રીજા નંબરે છે.
ગ્લોબલ હેલ્થ અલાયન્સ યુ. કે.ના ડિરેક્ટર ડૉ. રાજય નારાયણ કહે છે. “તમે આંકડા યોગ્ય રીતે નહીં નોંધીને લોકો પર જોખમ વધારી રહ્યા છો.”
તેમણે જણાવ્યું કે,“ આંકડા નહીં નોંધીને તમે જેના કારણે મોત થઈ રહ્યાં હોય તે સ્ટ્રેઇનને યોગ્ય રીતે ઓળખી નથી રહ્યા.”
નારાયણે કહ્યું કે, “સરકારથી સ્વતંત્ર એવી પારદર્શી સિસ્ટિમ હોવી જરૂરી છે, જે મોતના આંકડાની નોંધ રાખતી હોય.”
પાર વિનાના સવાલો
એવો આક્ષેપ થઈ રહ્યો છે કે હૉસ્પિટલમાં મૃત્યુ થયું હોય અને કોઈ ગંભીર બીમારી (કોમોર્બિડિટી) ના હોય તેમનાં નામ જ સત્તાવાર યાદીમાં નોંધાયાં હતાં.
આના કારણે જ મુશ્કેલી સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘરે જ મૃત્યુ પામ્યા. તેમનું યોગ્ય રીતે ટેસ્ટિંગ પણ નહોતું થયું. ખાસ કરીને ગામડાંમાં કે જ્યાં હજીય દેશની બે તૃતિયાંશ વસતિ રહે છે.
ગામડાંમાં નોંધણી ના થઈ હોય તો તેના કારણે પોતાના પરિવારજન કોવિડ-19માં મૃત્યુ પામ્યા છે તેવું સાબિત કરવું અશક્ય બની જાય છે. આવી રીતે થયેલાં મોતની નોંધણી ક્યારેય સત્તાવાર યાદીમાં થાય તેવી કોઈ શક્યતા નથી.
ઉત્તર પ્રદેશના આરોગ્યમંત્રી જયપ્રતાપ સિંહે મને બીજી લહેરની પીક વખતે જણાવ્યું હતું. “અમારાં બધાં જ નોંધાયેલાં મોત હૉસ્પિટલમાં થયેલાં છે.”
ઝમીર હાશમી જેવી અનેક લોકોની વીતકકથાઓ છે, જે હૃદયને હચમચાવી દે છે.
ભારતનાં શહેરોમાં ચેપ મોટા પાયે ફેલાઈ ગયો તે પછી હૉસ્પિટલમાં પથારી મળતી નહોતી. દર્દીઓ અને તેમનાં સગાં રળઝી પડ્યાં હતાં અને સારવાર લેવા ક્યાં જવું તેની સૂઝ પડતી નહોતી.
બીબીસી સાથે વાતચીત કરતાં ઝમીરે કહ્યું કે તેમના ભાઈ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા અને તેમને લઈને ગયા ત્યારે પટણાની અનેક હૉસ્પિટલોએ દાખલ કરવાની ના પાડી દીધી હતી. તેમના મિકેનિકલ ઇજનેર ભાઈને આખરે એક હૉસ્પિટલે દાખલ કરવાની તૈયારી બતાવી, પણ શરત એ રાખી કે અહીં મૃત્યુ થશે તો મરણનો દાખલો આપવામાં આવશે નહીં.
ઝમીરના ભાઈનું 19 એપ્રિલે મોત થઈ ગયું.
શોકગ્રસ્ત ઝમીર કહે છે, “મારા ભાઈને કોરોનાએ નથી માર્યો, ડૉક્ટરોએ મારી નાખ્યો. તે શ્વાસ લેવા માટે તરફડતો રહ્યો અને જતો રહ્યો.”
બીબીસીની તપાસ

સમગ્ર ભારતમાંથી સાચું ચિત્ર મેળવવા માટે બીબીસીએ આંકડાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી. અમે 12 શહેરોમાં સ્મશાનો, કબ્રસ્તાનો, હૉસ્પિટલો, કાર્યકરો અને અન્યોની મુલાકાત લીધી, જેથી પહેલી મેથી 15 મે સુધીના સત્તાવાર આંકડા અંગે સ્પષ્ટતા મેળવી શકાય.
અમે દેશભરમાંથી શહેરોની એવી રીતે પસંદગી કરી કે જેથી સમગ્ર દેશનું ચિત્ર મળી શકે. ખાસ કરીને કોરોના કેસમાં ઝડપી ઉછાળો આવ્યો હતો તેવાં શહેરોની પસંદગી કરી હતી.
પૂર્વ ભારતનાં બિહાર, ઝારખંડ અને છત્તીસગઢનાં, ઉત્તરમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશનાં, પશ્ચિમમાં મહારાષ્ટ્ર અને દક્ષિણમાં તેલંગાણાનાં 12 શહેરોની પસંદગી કરાઈ હતી. આ શહેરોમાં - બિજનોર, દરભંગા, જમશેદપુર, જૌનપુર, કરીમનગર, માનસા, નાગપુર, પટણા, પ્રયાગરાજ, રાયપુર, સિકર અને શીમલાનો સમાવેશ થાય છે.
આ સમયગાળામાં કોરોનાના રોગચાળાની બીજી લહેર તેની ચરમસીમા પર હતી. મોટા ભાગનાં રાજ્યોમાં લોકોને સ્વજનોના અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલીઓ નડી રહી હતી. કેટલાક લોકોનાં મોત થયાં તેના આંકડા મળવા મુશ્કેલ હતા. મોટા ભાગનાં શહેરોમાં ગયા વર્ષે આ જ સમયગાળામાં કેટલા લોકોનાં મોત થયાં હતાં તેના આંકડા ઉપલબ્ધ નહોતા. આંકડાના અભાવે કેટલા મોટા પાયે લોકો મરણ પામ્યા તેનું ચિત્ર સ્પષ્ટ થતું નહોતું. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કોવિડ-19થી થયેલાં મૃત્યુનો આંક બહુ ઓછો બતાવવામાં આવ્યો છે.
દીપેન્દ્ર કુમાર ભટ કહે છે કે, “સૌથી મોટો પડકાર એ હતો કે આટલા બધા મૃતદેહોને સંભાળવા કેવી રીતે?” તેઓ ઝારખંડના સૌથી મોટા નગર જમદેશપુરના પાર્વતી ઘાટ સ્મશાનમાં કામ કરે છે.
આ ઘાટમાં બે ઇલેક્ટ્રિક ફર્નેસ છે, જેમાં એક દિવસે દસને અગ્નિદાહ આપી શકાય.
“બીજી લહેર વખતે એક જ દિવસે 55-60 શબો આવતાં હતાં. તેના કારણે ચોમાસા માટે સાચવી રાખેલાં લાકડાં વાપરીને અગ્નિદાહ આપવા પડ્યા હતા.”

બિહારની રાજધાની પટણામાં સત્તાવાર રીતે એકથી 20 મે દરમિયાન માત્ર 357 મોત નોંધાયાં હતાં. સમગ્ર જિલ્લાનો આ આંકડો ગણાવાયો હતો, પરંતુ સ્થાનિક કૉર્પોરેશનના આંકડા અનુસાર શહેરમાં છ સ્મશાનો છે તેમાં કુલ 1352 કોવિડ-19ના દર્દીઓના મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા હતા. આ સત્તાવાર આંકડા છે.
જિલ્લાની કુલ વસતિ 60 લાખની છે, જેમાંથી કૉર્પોરેશનની હદમાં માત્ર 17 લાખની વસતિ જ આવે છે.
બિહાર સરકારે હવે કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો સુધાર્યો અને તેમાં 4,000 જેટલો વધારો કર્યો છે.
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં સત્તાવાર મોતનો આંક માત્ર 516નો હતો. અમારા રિપોર્ટરે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે બીજા ઓછામાં ઓછાં 340 મોત થયાં હતાં.
ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે છત્તીસગઢમાં મે મહિનામાં કોવિડ-19થી માત્ર એક જ મોત થયાનું નોંધાયું છે.
અમારી તપાસમાંથી એ પણ સ્પષ્ટ થયું છે કે ગામડાંમાં થયેલાં મોતની નોંધણી કરવાની વ્યવસ્થા બહુ કાચી છે.
ભારતનાં ગામડાંમાં કેસ વધી રહ્યા છે તેની ચિંતા મીડિયામાં વ્યક્ત થવા લાગી હતી. દરમિયાન ગંગા સહિતની મોટી નદીના કિનારે મોટી સંખ્યામાં લાશો દેોખાવા લાગી ત્યારે સૌને આઘાત લાગ્યો હતો.
નદીના કિનારે હજારો મૃતદેહો તણાઈને આવ્યા હતા. સ્વજનનું મોત થાય પછી તેમના અંતિમ સંસ્કાર કરવાની પણ સ્થિતિમાં ના હોય તેવાં કુટુંબોએ આ લાશો વહાવી દીધી હતી તેમ માનવામાં આવે છે.
આમાંથી કેટલાં મોત સરકારી ચોપડે નોંધાયાં હતાં, તેની કદાચ ક્યારેય ખબર નહીં પડે.
બીજું ભારત બહુ વિશાળ દેશ છે અને રોગચાળાની ઉગ્રતા જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી હતી.
ભારતનાં તથા આંતરરાષ્ટ્રીય મીડિયાના ઇન્વેસ્ટિગેટિવ અહેવાલોમાં એવા આક્ષેપો થતા રહ્યા છે કે સ્થળ પરની તપાસમાં મળેલા આંકડા સાથે સરકારી આંકડા મેળ ખાતા નથી.
ગુજરાતના એક અખબારે અહેવાલ આપ્યો હતો કે પહેલી માર્ચથી 10 મે સુધીમાં સરકારી આંકડા કરતાં દસ ગણાં મોત થયાં હતાં.
Estimated excess deaths in Gujarat during a 71 day period (March 1 to May 10) are around *ten times* official COVID deaths. That is the scale of the tragedy in Gujarat. @aashishg_ does the calculations. https://t.co/e9rnyteswU
— Murad Banaji (@muradbanaji) May 15, 2021
The Scroll headlined that the state of “Madhya Pradesh saw nearly three times more deaths than normal after the second wave of Covid-19 struck”.
“It isn’t possible to attribute the entire excess death toll to covid,” the report added.
ધ હિંદુ અખબારે પણ જુદાં જુદાં રાજ્યોમાં વધુ મોત થયાના અહેવાલો છાપ્યા હતા. છત્તીસગઢમાં મોતની નોંધણી થઈ, તેના કરતાં બીજી લહેરના સમયગાળામાં 4.85 ટકા વધુ મોત નોંધાયાં હતાં એમ એક અહેવાલમાં જણાવાયું હતું.
મોતના આંકડા છુપાવ્યાના આક્ષેપોને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યા છે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત “કોવિડ-19 ડેટા મૅનેજમૅન્ટની બાબતમાં પારદર્શી રહ્યું છે. એક અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે “ભારતમાં સત્તાવાર આંકડા કરતાં કોવિડ-19ને કારણે થયેલાં મોતની સંખ્યા કદાચ પાંચથી સાત ગણી વધારે હશે". આ અહેવાલના નકારમાં નિવેદન જાહેર કરાયું હતું.
કેન્દ્ર સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે કોવિડ-19 પૉઝિટિવ દર્દીનાં મોત થયાં હોય તે બધાને કોમોર્બિડિટી હોય કે ના હોય, તેને કોવિડ ડેથ ગણવામાં આવશે. આ માટેની સૂચના 2020માં જાહેર કરવામાં આવી હતી એમ સરકારે જણાવ્યું. સરકારની તબીબી ક્ષેત્રની નિયંત્રણ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ માર્ગદર્શિકા જાહેર કરી હતી.
જોકે આ માર્ગદર્શિકાનું પાલન હૉસ્પિટલોએ કર્યું નહોતું અને મોટા ભાગની જગ્યાએ દર્દીને બીજી કોઈ ગંભીર બીમારી ના હોય તો જ મૃત્યુને કોવિડ-19થી થયેલ મૃત્યુ ગણાવ્યું હતું.
ઉત્તરાખંડમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે તેઓ સરકારે આપેલા કોવિડ-19થી થયેલાં મોતના આંકડા “સ્વીકારી શકે તેમ નથી.”
અલ્મોડા જિલ્લામાં માત્ર 111 લોકોનાં મોત થયાં તે બધા માટે 'કાર્ડિયોપલ્મોનરી એરેસ્ટ' એટલે કે હાર્ટ ઍટેકનું કારણ નોંધવામાં આવ્યું હતું. આ વાત કોર્ટને ગળે ઊતરી નહોતી.
હવે રાજ્યમાં મૃત્યુનાં કારણોની તપાસ માટે સમિતિઓ બનાવાઈ છે જે આંકડાની ચકાસણી કરશે. જોકે તેના કારણે નાનાં શહેરો અને ગામડાંમાં ઘરે થયેલાં મોતને સમાવી લેવાશે તેવું લાગતું નથી.
આ દર્દીઓના ટેસ્ટ જ થયા નહોતા, હૉસ્પિટલમાં દાખલ થયા નહોતા એટલે તેમની નોંધ લેવાઈ જ નહોતી.
આંકડામાં ખામી

આંકડામાં રહેલ વિસંગતતા આવી અમુક સ્થિતિને કારણે હશે તેમ લાગે છે.
બિહાર
દાખલા તરીકે પટણા જિલ્લામાં 357 મોત થયાં તેવું બિહારના આરોગ્યવિભાગે નોંધ્યું હતું.
અહીં કેટલાક સંદર્ભ સાથે ચકાસીએ. પટણા જિલ્લાતંત્રે મે 2020માં 740 મોત અને મે 2019માં 964 મૃત્યુની નોંધણી કરી હતી.
તેની સામે હવે મે 2021નો આંકડો તપાસો. કુલ 4,775 લોકોનાં મોતની નોંધણી થઈ હતી. આ રીતે મૃત્યુનોંધમાં જંગી ઉછાળો આવ્યો હતો. આમાં બધા પ્રકારનાં કારણોથી થયેલાં મોત આવી ગયાં એટલે તે બધાં કોવિડ-19ને કારણે થયાં એમ પણ ના હોય.
આ આંકડાથી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે.
બિહારના એક બીજા જિલ્લા, દરભંગાના આંકડા જુઓ. એકથી 15 મે દરમિયાન જિલ્લામાં સત્તાવાર રીતે 52 મોત નોંધાયાં હતાં.
દરભંગા જિલ્લામાં 50થી વધુ નાનાં મોટાં સ્મશાનો આવેલાં છે, જ્યારે 100 જેટલાં કબ્રસ્તાનો છે.
દરભંગાના ભીગો સ્મશાનને કોવિડ-19થી મૃત્યુ પામેલ લોકોના અગ્નિસંસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. આ એક જ સ્મશાનમાં 15 દિવસમાં 52 મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા હતા.
કોવિડ-19થી મૃત્યુ પામેલ વ્યક્તિને દફનાવવા માટે નક્કી કરાયેલા કબ્રસ્તાનમાં 12ને દફન કરાયા હતા.
જિલ્લાનાં ગામડાંમાં કેટલાં મોત થયાં તેના આંકડા ઉપલબ્ધ નથી.

છત્તીસગઢ
રાયપુરમાં 15 દિવસમાં સત્તાવાર મૃત્યુઆંક 516 નોંધાયો હતો, પણ અમને 857 મોત થયાના પુરાવા મળ્યા હતા. સાચો આંકડો આનાથી વધુ હોઈ શકે છે. સ્મશાનોમાં જગ્યા ખૂટવા લાગી એટલે સરકારી તંત્રે વધારાનાં 26 કામચલાઉ સ્મશાન તૈયાર કર્યાં હતાં.
રાયપુરના એક સ્મશાનમાં ચોકીદાર તરીકે કામ કરતે બરામ હિરવાણી કહે છે, "હું 13 વર્ષથી અહીં કામ કરું છું, પણ આટલી મોટી સંખ્યામાં શબોના અગ્નિદાહ મેં જોયા નહોતા.”
“ત્રણ ચિતાની જગ્યા હોય ત્યાં દસ-દસ ચિતા કરવી પડી હતી. રસ્તાના કિનારે ચિતાઓ કરી દેવામાં આવી હતી.”
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એકથી પાંચ મે દરમિયાન સત્તાવાર રીતે કોવિડ-19ને કારણે 51 મોત નોંધાયાં હોવાનું સ્થાનિકો જણાવે છે.
તેની સામે જૌનપુરના પિલકિચા ઘાટમાં જ કોવિડ-19 અને નોન-કોવિડ-19 431 શબોને અગ્નિદાહ અપાયા હતા. સામાન્ય દિવસોમાં 70-100 અગ્નિસંસ્કાર થતા હતા.
શહેરનું બીજું મોટું સ્મશાન ઘાટ રામઘાટ છે અને સાત બીજાં નાનાં સ્મશાનો છે. આ સ્મશાનોના કોઈ આંકડા ઉપલબ્ધ નથી તેના કારણે સાચો આંકડો ક્યારેય જાણવા નહીં મળે.
નિયમિત સ્મશાનની મુલાકાતે આવતાં સામાજિક કાર્યકર સત્યવીર સિંહના જણાવ્યા અનુસાર એકથી 15 મે દરમિયાન રોજ 500થી વધુ અગ્નિદાહ અપાયા હતા. રોગચાળા પહેલાં આ પ્રમાણ 100થી 125 વચ્ચેનું હતું.
સતત ચિતાઓ બળતી હતી તેના કારણે ઉપર રખાયેલું લોખંડનું છાપરું પણ ઓગળી ગયું હતું.
સ્મશાનમાં કેટલા અગ્નિસંસ્કાર થયા તેની નોંધ પણ રખાઈ નથી.
રામઘાટ સ્મશાને કામ કરતાં રાકેશના જણાવ્યા અનુસાર રોગચાળો વધ્યો ત્યારે રોજના 500-700 અગ્નિદાહ અપાતા હતા.
સતત ચિતાઓ બળતી હતી તેના કારણે ઉપર રખાયેલું લોખંડનું છાપરું પણ ઓગળી ગયું હતું.
આસપાસનાં ગામડાંમાં ગોમતી નદીના કિનારે અગ્નિદાહ દેવાતો હોય છે. પણ ત્યાંનો કોઈ દસ્તાવેજ રાખવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશના અલાહાબાદ જિલ્લામાં પણ સત્તાવાર રીતે કોરોનાના કારણે 140 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું હતું.
પંરતુ ફંફામાઉ ઘાટ પર ડ્યૂટી પર મુકાયેલા એક પોલીસકર્મીએ જણાવ્યું કે ત્યાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ 300થી વ્યક્તિઓના મૃતદેહોને અગ્નિદાહ અપાયો હતો.
પોતાનું નામ ના આપવાની શરતે તેમણે બીબીસી સાથે વાત કરી હતી.
સ્મશાનમાં કોઈ નોંધ રાખવામાં આવતી નથી, પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ કહે છે કે તેમણે બીજી લહેર વખતે નોંધ રાખી હતી. સ્મશાનની આસપાસ બેસતાં ફેરિયાઓ પણ કહે છે કે ભાગ્યે જ એવો દિવસ ગયો હશે, જ્યારે 50થી ઓછાં શબ આવ્યાં હોય.
શહેરમાં પાંચ મોટાં સ્મશાનો છે. તેમાંથી માત્ર રસુલાબાદ સ્મશાન નોન-કોવિડ હતું અને ત્યાં નોંધ રાખવામાં આવી છે.
આ સ્મશાને કામ કરતાં અજય નિષાદે જણાવ્યું કે 2020માં એકથી 15 મે દરમિયાન 150 અગ્નિસંસ્કાર થયા હતા, જ્યારે આ વર્ષના મે મહિનામાં એકથી 15 તારીખ દરમિયાન આ સંખ્યા વધીને 331 થઈ હતી.
ગયા વર્ષે એકથી 15 મે દરમિયાન જિલ્લામાં કુલ 216 મરણના દાખલા કઢાયા હતા, જ્યારે આ વર્ષે આ જ પંદર દિવસો દરમિયાન 767 મરણના દાખલા અપાયા હતા.
જાણકારોનું માનવું છે કે, ગામડાંમાં થયેલાં મોતના આંકડા મળી શક્યા નથી. ઘરેઘરે ફરીને સર્વે કરવામાં આવે તો જ ત્યાંનો આંક મળી શકે તેમ છે.
કોવિડ-19થી થયેલાં મોતની નોંધણી ના થઈ તે માટે સ્થાનિક પરિબળો પણ જવાબદાર હતાં. સ્મશાનો અને કબ્રસ્તાન ચલાવવા માટે ભંડોળ હોતું નથી, તેથી ત્યાં નોંધણી માટેના માણસો પણ હોતા નથી.
કોવિડ-19થી થયેલાં મૃત્યુ અને કુલ મૃત્યુ
મોટી સંખ્યામાં થયેલાં મૃત્યુને કારણે સવાલો પેદા થાય છે, પરંતુ બધાં જ મોત કોવિડ-19ને કારણે થયાં એવું પણ ના કહી શકાય, એમ નિષ્ણાતો કહે છે.
નાગપુરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 1,132 મોત નોંધાયાં હતાં, તેમાંથી 118 એવાં હતાં, જે મે મહિનાના પ્રથમ 15 દિવસોમાં બહારથી સારવાર માટે આવ્યા હતા અને નાગપુરમાં તેમનું મૃત્યુ થયું હતું.
અમે નાગપુર શહેરમાં કુલ મોતનો સરવાળો કર્યો તો 4,446 થયો હતો. નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્યવિભાગની સમિતિના વડા સંજય મહાજનના જણાવ્યા અનુસાર કુલ મોતનો આંક 6,892 થયો હતો.

નાગપુર, મહારાષ્ટ્ર
નાગપુર, મહારાષ્ટ્ર
તેની સરખામણીએ મે, 2020માં 1,624 મૃત્યુ નોંધાયાં હતાં અને મે, 2019માં 1,900 મોત થયાં હતાં.
વિદર્ભ હૉસ્પિટલ ઍસોસિયેશનના ડૉ. અનુપ મરાર કહે છે. “બીજી લહેર વખતે હૉસ્પિટલો ઉભરાવા લાગી હતી અને કોવિડ-19નો ચેપ લાગ્યા પછી થતા કોમ્પ્લિકેશન્સમાં સારવાર ના આપી શકવાના કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં.”

નાગપુર, મહારાષ્ટ્ર
નાગપુર, મહારાષ્ટ્ર
પંજાબના માનસા જિલ્લામાં મે મહિનાના પ્રથમ 15 દિવસમાં કોરોનાના કારણે 49 મૃત્યુ નોંધાયાં હતાં.
સમગ્ર જિલ્લાનાં 240થી વધુ ગામોમાં 300 નાનાં મોટાં સ્મશાન છે અને 250થી વધુ કબ્રસ્તાનો છે.
ત્રણ મોટાં શહેરી સ્મશાનો અને એક ગામના સ્મશાનમાંથી આંકડા એકઠા કર્યા તો કોવિડ-19થી થયેલ મૃત્યુ અને નોન-કોવિડ મૃત્યુનો આંક 162 થયો હતો.
અહીં પણ ગ્રામીણ વિસ્તારોમાંથી આંકડા મેળવવા મુશ્કેલ હતા.
ગ્રામીણ વિસ્તારમાં માહિતી મેળવવામાં મુશ્કેલી
ભારતમાં કોરોનાની પહેલી લહેર મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં હતી, પરંતુ બીજી લહેર ગ્રામીણ વિસ્તારમાં વ્યાપક રીતે ફરી વળી હતી.
બિહારના એક ગામના શિવકાંત ઝાએ બીબીસીને જણાવ્યું કે, “પહેલાં મારી પત્નીનું મોત થયું, બે કલાક પછી પુત્રનું પણ મૃત્યુ થયું.”શિવકાંતે પરિવારમાંથી ત્રણ લોકોને કોરોનામાં ગુમાવ્યા છે.

શિવકાંત ઝા
શિવકાંત ઝા
તેઓ કહે છે કે, “મારી પત્નીને સ્મશાને લઈ જવા કોઈ નહોતું. સરકારી માણસો અને કેટલાક સ્થાનિક લોકોએ અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી.”
ભારતનાં ઘણાં રાજ્યોમાં આરોગ્યસુવિધાઓ કંગાળ છે. જેમને પરવડે તેમ હોય તે લોકો શહેરમાં સારવાર લેવા પહોંચ્યા હતા, પણ બાકીના નિ:સહાય બનીને રહી ગયા હતા.
દાખલા તરીકે રાજસ્થાનના દંતારુ ગામના લક્ષ્મીચંદ જેઠુને હજીય ખાતરી નથી કે કોરોના વાઇરસને કારણે તેમનાં પત્નીનું મૃત્યુ થયું હતું કે કેમ?
તેમણે બીબીસીને જણાવ્યું કે ગામમાં કોઈના કોરોના ટેસ્ટ થયા નહોતા એટલે જેટલાં મોત થયાં તે કોરોના ચેપને કારણે થયાં તેમ કહેવું મુશ્કેલ છે.
શિવકાંત ઝા
શિવકાંત ઝા
આ જ ગામના સુખદેવ સિંહે દીકરી ગુમાવ્યાં અને તેમને લાગે છે કે ચેપને કારણે જ તેમનું મૃત્યુ થયું હતું.
મિડલસેક્સ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી મુરાદ બાનાજી કહે છે કે પ્રારંભથી જ તેઓ ભારતમાં કોવિડ-19 મહામારીની વિગતો ચકાસતા રહ્યા છે.
તેઓ કહે છે કે, “શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારમાં કોવિડ-19થી ગ્રસ્ત દર્દીનું મોત થાય તે પહેલાં સમયસર હૉસ્પિટલ પહોંચે તેવું ઓછું શક્ય હોય છે.”
“આમાં નવાઈ પામવા જેવું નથી, કેમ કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ બહુ ઓછી છે.”
કોવિડ થયું હોય તેને ખાંસી અને શરદી થાય, પણ તેને સામાન્ય ગણી લેવામાં આવે તેના કારણે સમસ્યા વકરતી હોય છે. પછી સારવારની જરૂર હોય ત્યારે હૉસ્પિટલમાં સારી સારવાર મળતી પણ નથી.
કોરોનાનો ચેપ લાગ્યો તેને એક શરમની વાત તરીકે પણ જોવામાં આવતી હતી તેના કારણે પણ ઘણા લોકો જાણ કરતા નહોતા.
“ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના એક ગામવાસી કહે છે કે, “આઇસોલોશેનમાં રહેવાનું, અંતર જાળવી રાખવાનું, સરકારી નિયંત્રણો - આ બધાં કારણોસર લોકો કોવિડ-19નાં લક્ષણો દેખાતાં હોય તો પણ જાહેર કરવામાં સંકોચ અનુભવતા હતા.”
અન્ય એક ગામવાસીએ કહ્યું કે “તમે કોવિડ પૉઝિટિવ હો તો પડોશી જાણે તમે ગુનેગાર હોવ એમ તાકી તાકીને જુએ.”
સમગ્ર વિશ્વમાં કોરોનાના આંકડા ઓછા દર્શાવાઈ રહ્યા છે, પણ મુરાદ બાનાજી માને છે કે દક્ષિણ એશિયામાં તેનું પ્રમાણ બહુ ઊંચું છે.
બાનાજી કહે છે કે, “પડકારો છે ખરા, પણ સરકારની દાનત હોય તો તેને નિવારી શકાય છે.”
“આપણે રાજ્ય સરકારોની પાસેથી હિસાબ માગવો જોઈએ.”
મહારાષ્ટ્ર અને બિહાર જેવાં રાજ્યોએ બાદમાં મોતના આંકડા વધાર્યા છે, જેને અનુસરીને બીજાં રાજ્યોએ પણ આંકડા સુધારાવા જોઈએ.
મુરાદ બાનાજીએ બીબીસીને જણાવ્યું કે સમગ્ર દેશમાં ઓછા આંકડા નોંધાયા તેનું પ્રમાણ પાંચ ગણું હોઈ શકે છે.
તેઓ કહે છે કે, “નોંધાયેલાં મૃત્યુ અને વધેલાં મૃત્યુ તે બંને આંકડા વચ્ચે એટલો મોટો તફાવત છે કે તેનો યોગ્ય ખુલાસો કરવો જરૂરી બન્યો છે.”
“જોકે કોઈ એવું નથી કહેતું કે મોતના આંકમાં વધારો થયો તે બધાં જ મોત કોવિડ-19ને કારણે છે, પણ મોટા ભાગનાં તેના કારણે છે.”
જો આ ધારણાને સાચી માનીએ તો ભારતમાં કોરોના મૃત્યુ આંક 20 લાખ સુધી પહોંચી જાય – વિશ્વમાં સૌથી વધુ અને પછીના ક્રમે આવતાં સાત રાષ્ટ્રો - અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, પેરુ, રશિયા, યુ. કે. અને ઇટાલીનાં કુલ મૃત્યુ કરતાંય વધારે.
અહેવાલ - દિલ્હીથી નીતિન શ્રીવાસ્તવ અને મેધાવી અરોરા, લખનૌથી સમીરાત્મજ મિશ્ર, હૈદરાબાદથી બાલા સતીષ, દરભંગાથી નીરજ સહાય, જમશેદપુર અને જૌનપુરથી મોહમ્મદ સરતાજ આલમ, સિકરથી મોહરસિંહ મીણા, પટણાથી સીટૂ તિવારી, રાયપુરથી આલોક પુતુલ, પ્રયાગરાજથી પ્રભાતકુમાર વર્મા, શીમલાથી પંકજ શર્મા/રાજેશ કુમાર, માનસાથી સુરિન્દર માન અને નાગપુરથી પ્રવીણ મુધોલકર.
એડિટોરિયલ પ્રોડક્શન - વિનીત ખરે અને સુહૈલ હલીમ
શૉર્ટહૅન્ડ પ્રોડક્શન - શાદાબ નઝમી
ઇલસ્ટ્રેશન્સ - ગોપાલ શૂન્ય
તસવીરો - Getty images
તપાસની રીત
બીબીસીએ ભારતનાં 12 શહેરોમાં પોતાના રિપોર્ટરો મોકલ્યા, જેમણે સ્મશાનગૃહો અને હૉસ્પિટલોની મુલાકાત લીધી. એમણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા સામાજિક કાર્યકરો સાથે અને જેમના સ્વજનોનું મૃત્યુ 1થી 15 મે, 2021 દરમિયાન થયું હતું એમની સાથે વાત કરી. અમે આ શહેરોની પસંદગી એવી રીતે કરી કે જેથી સમગ્ર ભારતમાં કોરોનાથી થયેલાં મૃત્યુની સંખ્યા ઓછી બતાવવા અંગેનું કારણ સમજી શકાય.
પડકારો
સ્મશાન અને શબદાહગૃહો તથા કબ્રસ્તાનોને મોતનો આંકડો મેળવવાની પોતાની મર્યાદાઓ છે. અનેક વાર કોવિડ-19 સંદિગ્ધ મૃતદેહની અંતિમવિધિ પણ સામાન્ય રીતે કરવામાં આવી.
મોટા ભાગના સ્મશાનઘાટ અને કબ્રસ્તાનો પાસે ત્યાં આવનાર શબની નોંધણી રાખવાનાં સંસાધનો નથી. આ કારણે તમામ આંકડાઓ યોગ્ય રીતે બતાવવા વધારે મુશ્કેલ થઈ જાય છે.
ગ્રામીણ વિસ્તારમાં લોકો ગંભીર રીતે બીમાર થાય ત્યારે સારવાર માટે નજીકના શહેરી વિસ્તારમાં જાય છે. જેમનું મૃત્યુ હૉસ્પિટલમાં થઈ જાય એમની અંતિમવિધિ પણ શહેરમાં થાય છે જેના કારણે શહેરી જિલ્લાઓમાં મૃત્યુની સંખ્યા વધી જાય છે.
આ તમામ તથ્યોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે અને આ અહેવાલ થકી બીબીસીએ જિલ્લા વિશેષમાં 1થી 15 મે, 2021 સુધી થયેલાં મૃત્યુની સંખ્યાની ભાળ મેળવવાની કોશિશ કરી છે. આમાં પટણા એકમાત્ર એવું શહેર છે જેમાં બીબીસીને ગત અમુક વર્ષોમાં નોંધવામાં આવેલાં મૃત્યુના આંકડા મળ્યા, જેની આ વર્ષે થયેલાં મૃત્યુ સાથે તુલના થઈ શકી.
તપાસ દરમિયાન પસંદ કરવામાં આવેલા સમયમાં તમામ જિલ્લાઓમાં તમામ પ્રકારનાં મૃત્યુના આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી મૃત્યુની સંખ્યાનું આકલન કરવું વધારે મુશ્કેલ બન્યું. આ જ કારણે અમે આ અહેવાલમાં ફક્ત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટિમ(સીઆરએસ)માં નોંધવામાં આવેલા વધારાનાં મૃત્યુના આંકડાનો જ ઉલ્લેખ કર્યો છે. કોવિડ અને બિન-કોવિડ મૃત્યુના આ આંકડા પત્રકારો માટે ઉપલબ્ધ છે. કોવિડ અને બિન-કોવિડ મૃત્યુના આંકડા વચ્ચેના અંતરથી એ સમયે થયેલાં વધારે મૃત્યુની સંખ્યાની જાણકારી મળે છે.