જ્ઞાનવાપી વિવાદ: હિન્દુઓના દાવા, મુસ્લિમોનો પક્ષ અને સંપૂર્ણ ઇતિહાસ

અહેવાલ: અનંત ઝણાણેં
જ્ઞાનવાપી મસ્જિદ અને આદિ વિશ્વેશ્વર મંદિર પર હિન્દુ અને મુસ્લિમ પક્ષોના દાવા વચ્ચે તેની સાથે જોડાયેલા ઐતિહાસિક પુરાવા એકઠા કરવા માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઈ) દ્વારા જ્ઞાનવાપી પરિસરનું વૈજ્ઞાનિક રીતે સર્વે કરવાનું કામ શરૂ કરાયું છે.
આ મામલામાં કાનૂની દાવપેચ જિલ્લા અદાલત, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યા છે. આ બાબત સાથે સંકળાયેલી જુદી-જુદી માગણીઓ સાથે કેટલાક મુકદ્દમા દાખલ થયા છે.
આ મુદ્દો અદાલતમાં ચાલી રહ્યો છે એટલે તેને ધ્યાનમાં રાખીને તથા તેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વિવાદના બંને પક્ષો તરફથી થયેલા દાવા અને દલીલોનું સંકલન કરવાની કોશિશ કરી છે, જેથી તમે વધારે સારી રીતે વાતને સમજી શકો અને સમગ્ર ઘટનાક્રમ સાથે જોડાયેલાં તથ્યોને જાણી શકો.
પ્રથમ શું બન્યું હતું : મંદિર કે મસ્જિદ?

તમે મસ્જિદ અને મંદિર બંને પક્ષો તરફથી રજૂ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજોને ઝીણવટભરી રીતે જોશો તો તમારા મનમાં આ વિવાદ અંગ એક સવાલ એ થશે કે અહીં પ્રથમ શું બન્યું હતું - મંદિર કે પછી મસ્જિદ?
આ જ સવાલ આ મુદ્દા પર ચાલી રહેલી કાનૂની લડતના પાયામાં છે.
પ્રથમ જાણીએ કે મંદિરની સ્થાપના અને તેના અસ્તિત્વ વિશે હિન્દુ પક્ષનું શું કહેવું છે અને મુસ્લિમ પક્ષ મસ્જિદના અસ્તિત્વ વિશે શું જણાવી રહ્યો છે.
મંદિરપક્ષ જણાવે છે કે ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આજથી લગભગ 2050 વર્ષ પહેલાં રાજા વિક્રમાદિત્યે બનાવ્યું હતું. મંદિરના સ્થાને અગાઉથી પૌરાણિક કાળથી ભગવાન શિવનું સ્વંયભૂ જ્યોર્તિલિંગ ઉપસ્થિત હતું. તે ભગવાન વિશ્વેશ્વરના નામથી લોકપ્રિય હતું. આ મંદિર ભારતમાં મુસ્લિમ શાસકોના શાસનકાળથી પણ પહેલાં અસ્તિત્વમાં હતું. મંદિરપક્ષના જણાવ્યા અનુસાર આ જ્યોર્તિલિંગ દેશભરમાં ફેલાયેલાં 12 જ્યોર્તિલિંગમાંથી સૌથી પવિત્ર મનાય છે.
મસ્જિદપક્ષનો દાવો છે કે મસ્જિદ એક હજાર વર્ષ જૂની છે, જ્યાં મુસ્લિમો રોજ નમાજ અદા કરે છે.
મસ્જિદપક્ષનું કહેવું છે કે પ્લૉટ નંબર 9130 પર બનેલા માળખાનું નામ આલમગીરી અથવા જ્ઞાનવાપી છે.
પરંતુ જ્ઞાનવાપી નામ કેવી રીતે આવ્યું?
આ વિશે મંદિરપક્ષનું માનવું છે કે હાલમાં જ્ઞાનવાપી પરિસર છે તેની અંદર એક પ્રાચીન કૂવો છે, જેને સ્વંય ભગવાન વિશ્વેશ્વરે સતયુગમાં પોતાના ત્રિશૂળથી ખોદ્યો હતો. આજે પણ તે કૂવો પોતાની મૂળ જગ્યા છે. આ કૂવાનું નામ જ્ઞાનવાપી પડ્યું હતું અને તેના કારણે સમગ્ર પરિસરનું નામ જ્ઞાનવાપી થયું હતું, મસ્જિદ અહીં બનેલી છે.
પોતાની અરજીમાં મંદિરપક્ષે લખ્યું છે કે મોગલ શહેનશાહ અકબરના શાસન વખતે, “સંત શ્રી નારાયણ ભટ્ટના આગ્રહથી કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ માટેની મંજૂરી મળી હતી. જ્ઞાનવાપી પરિસરમાં મંદિરને તેના મૂળ સ્થાને નારાયણ ભટ્ટે પોતાના શિષ્ય અને બાદશાહ અકબરના નાણાપ્રધાન રાજા ટોડરમલની મદદથી નવેસરથી બનાવ્યું હતું."

ઔરંગઝેબે મંદિરને ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું?

મંદિરપક્ષ તરફથી રજૂ થયેલા દાવામાં સૌથી અગત્યનો દાવો એ છે કે આદિ વિશ્વેશ્વર મંદિરને મોગલ શાસક ઔરંગઝેબના સમયે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઉપર જ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાકી મુસ્તાદખાનને લખેલા પુસ્તક 'માસિર-એ-આલમગીર'ને ટાંકીને મંદિરપક્ષ આ દાવો કરે છે. આ પુસ્તકને ઔરંગઝેબના શાસનના ઇતિહાસ તરીકે ગણવામાં આવે છે.

મંદિરપક્ષના જણાવ્યા અનુસાર 'માસિર-એ-આલમગીર'માં નીચે પ્રમાણે લખાયેલું છે:
"18 એપ્રિલ 1669ના રોજ સમ્રાટ ઔરંગઝેબને ખોટી માહિતી પહોંચી હતી કે (હાલમાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા) થટ્ટા, મુલતાન અને બનારસમાં કેટલાક મૂર્ખ બ્રાહ્મણ શેતાની વિદ્યા ભણાવે છે, જેને હિન્દુઓની સાથોસાથ મુસલમાનો પણ શીખી રહ્યા છે."
પુસ્તકમાં વધુમાં લખાયું છે:
"એટલે સમ્રાટ ઔરંગઝેબે કાફરોનાં આવાં વિદ્યાલયો અને મંદિરોને તોડી પાડવા માટેનો આદેશ કર્યો હતો અને અધિકારીઓને મૂર્તિપૂજાની રીત બિલકુલ અટકાવી દેવા માટે આદેશ અપાયો હતો."
મંદિરના હિસ્સાને તોડી પાડવામાં આવ્યો તે વિશે પુસ્તકમાં લખ્યું છે કે:
"18મી રબી-ઉલ-આખિરના રોજ બાદશાહ ઔરંગઝેબેના આદેશનું પાલન કરીને કેટલાક શાહી અધિકારીઓએ જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ભગવાન વિશ્વેશ્વરના મંદિરને આંશિક રીતે નષ્ટ કરી દીધું હતું."
મંદિરપક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ પોતાની અરજીમાં લખ્યું છે, "વિશ્વનાથ એટલે કે વિશ્વેશ્વર મંદિરના વિધ્વંસની આ ઘટનાઓનો ઉલ્લેખ 'એશિયાટિક સોસાયટી ઑફ બંગાલ' દ્વારા 1871માં અરબી ભાષામાં છપાયેલા 'માસિર-એ-આલમગીર' પુસ્તકમાં કરવામાં આવ્યો છે."
મંદિરપક્ષ તરફ કરવામાં આવેલા આ દાવાઓની સામે મસ્જિદ પક્ષનું કહેવું છે કે, "1669માં કોઈ બાદશાહના ફરમાન આધારે કોઈ મંદિર તોડી પાડવામાં આવ્યું નહોતું. મસ્જિદ 'અંજુમન ઇન્જેઝામિયા મસાજિદ'ના કબજામાં જ રહી છે અને અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાના કબજામાં ક્યારેય રહી નથી."
મસ્જિદપક્ષ મંદિરપક્ષના દાવાઓ વિશે વધુમાં જણાવે છે કે, “હિન્દુ પક્ષનો દાવો છે કે 15 ઑગસ્ટ 1947 પહેલાં ઔરંગઝેબે માળખું તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. તે માટે તે લોકો પુસ્તકોનો હવાલો આપે છે. અમે પૂછવા માગીએ છીએ કે જે સ્રોતોના આધાર તેઓ લઈ રહ્યા છે તે ભારત અથવા ઉત્તર પ્રદેશના સરકારના રાજપત્રો છે ખરા? કોઈએ ત્યાં જઈને કંઈ લખ્યું હશે કે જોયું હશે. અમે લેખકના ઈરાદા વિશે શંકા નથી કરતા, પરંતુ અમારા માટે એક 'કટ ઑફ ડેટ' 15 ઑગસ્ટ, 1947 છે. અમારા માટે 300 વર્ષ, 700 વર્ષ કે 1500 વર્ષના ઇતિહાસને જોવાનો કોઈ મતલબ નથી.”



વિવાદિત મિલકતનું માલિક કોણ છે? કોની પાસે શું પુરાવા છે?

હિન્દુ અને મુસ્લિમ પક્ષ મંદિર અને મસ્જિદનું અસ્તિત્વ સાબિત કરવા માટે ઇતિહાસકારોએ લખેલા લેખો, ધાર્મિક ગ્રંથો, સરકારી દસ્તાવેજો અને નકશાઓનો આધાર લઈ રહ્યા છે.
અમે બંને પક્ષો તરફથી રજૂ થયેલા દાવાની સાથે જોડાયેલા દસ્તાવેજોને આમને-સામને મૂકીને જોવાની કોશિશ કરી છે.
જ્ઞાનવાપીની જમીનની માલિકી કોની તેના માટે બે મુકદ્દમા ચાલી રહ્યા છે. એક 1991માં દાખલ થયો હતો, જે વકીલ વિજય શંકર રસ્તોગીએ દાખલ કર્યો છે. બીજો કેસ જાન્યુઆરી 2023માં માન બહાદુર અને અનુપમ દ્વિવેદીએ બનારસની જિલ્લા અદાલતમાં દાખલ કરેલો છે. વકીલ વિજય શંકર રસ્તોગીએ 1991માં દાખલ કરેલા કેસમાં દાવો કર્યો છે કે પ્લૉટ નંબર "9130, 9131 અને 9132ની અંદાજે એક વીઘા, 9 બિસ્વા અને 6 ઘુર જમીનીમાં ભગવાન વિશ્વેશ્વરનું એક મંદિર છે."
દાવા અનુસાર જ્ઞાનવાપી પરિસરની વચ્ચે પૌરાણિક કાળથી ભગવાન શિવનું સ્વંયભૂ જ્યોર્તિલિંગ છે, જેનો ઉલ્લેખ 'સ્કંદપુરાણ', 'કાશીખંડ' અને અન્ય પુરાણોમાં મળે છે.
આ અરજીમાં અન્ય દેવીદેવતા તરીકે શૃંગારગૌરી, ગંગેશ્વર ગંગાદેવી, હનુમાન, નંદી, શ્રીગૌરીશંકર, ભગવાન ગણેશ અને અન્ય દૃશ્ય-અદૃશ્ય દેવીદેવતા પણ હાજર હોવાનો દાવો કરાયો છે. તેમાં નોબતખાનાનો પણ સમાવેશ થતો હોવાનો દાવો કરાયો છે, કે જ્યાં પહેલાંથી હિન્દુઓ પૂજાઅર્ચના કરતા રહ્યા છે અને એ હિન્દુઓના જ કબજામાં છે.

બે નકશા અને બંને પક્ષોના દાવા
1991માં જમીનની માલિકી માટે દાખલ કરવામાં આવેલી અરજી સાથે એક નકશો પણ જોડવામાં આવ્યો છે. નકશામાં પરિસરમાં અગાઉ ક્યાં ભગવાન વિશ્વેશ્વરનું મંદિર હતું, મંદિર પરિસરના કયા દરવાજા બંધ કરી દેવાયા એ, એક ભોંયરું (જેનો કબજો હિન્દુ પક્ષ પાસે દર્શાવાયો છે) અને પરિસરની આસપાસનાં અન્ય હિન્દુ દેવીદેવતાનાં સ્થાનોને પણ દર્શાવાયાં છે.
આ નકશાની સરખામણી મસ્જિદપક્ષ તરફથી મુકાયેલા નકશા સાથે કરી શકાય છે. જ્ઞાનવાપીને મસ્જિદ સાબિત કરવા માટે 1942ના દીન મહમદ કેસના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે.

મસ્જિદપક્ષ તરફથી તેમાં મૂકવામાં આવેલા દાયકાઓ જૂના આ નકશામાં જ્ઞાનવાપી પરિસરમાં રહેલી કબરો દેખાડવામાં આવી છે. તેમાં મસ્જિદમાં પ્રવેશ માટેનો દરવાજો સ્પષ્ટ દેખાડવામાં આવ્યો છે. તેની સામે મંદિરપક્ષે પ્રાચીન મંદિરના દરવાજા તરીકે જેને દેખાડ્યો છે, તેને આ નકશામાં ફક્ત 'જૂનો દરવાજો' એવી રીતે દેખાડ્યો છે.
નકશામાં શૃંગારગૌરી (જે સ્થળે રોજ પૂજા કરવા માટે હિન્દુ પક્ષે અદાલતમાં મંજૂરી માગી છે) મસ્જિદના જૂના દરવાજાથી લગભગ 25 ફૂટ દૂર બતાવાયું છે. આ નકશાને મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપી મસ્જિદનું અસ્તિત્વ હતું તેનો પાકો પુરાવો માને છે.

મસ્જિદ પક્ષના વકીલ એસએએફ નક્વી કહે છે:
"દીન મહમદના 1942ના ચુકાદામાં જ્ઞાનવાપીના નકશાના અમારા સાક્ષીઓ, જમીનનો ઉતારો અને જમીન માલિકીના દસ્તાવેજોની નકલથી ખ્યાલ આવે છે કે 15 ઑગસ્ટ 1947 પહેલાં અહીં જે માળખું ઊભું હતું તે મસ્જિદ હતી. એક વાર આ અગાઉની કાનૂની કાર્યવાહી અને અદાલતી ચુકાદા સાબિત થઈ જશે તો માળખાની માલિકી કોની છે તેની વારંવાર તપાસ કરવાની કોઈ જરૂર નહીં રહે."
મસ્જિદના માળખામાં મંદિરના પુરાવા?
મંદિરપક્ષ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર અને કલ્ચરલ હિસ્ટ્રી વિભાગના અધ્યક્ષ ડૉ. એ.એસ. અલ્ટેકરના 1930ના દાયકામાં પ્રગટ થયેલા પુસ્તકનો આધાર લે છે. આ 'હિસ્ટ્રી ઑફ બનારસ' પુસ્તકમાં મસ્જિદ પરિસરમાં કેવું નિર્માણ થયેલું છે તેની શૈલીનું વર્ણન કરતા લખાયું છે કે મસ્જિદનો મોટા ભાગનો હિસ્સો પ્રાચીન મંદિરના સ્તંભો ઉપર બનેલો છે. "ઔરંગઝેબના ઇજનેરોએ મંદિરનું માળખું, મંદિરનો ઘણો બધો હિસ્સો એમ જ રાખીને તેના પર મસ્જિદનું બાંધકામ કર્યું હતું."
ડૉ. અલ્ટેકર લખે છે, "પરિસરની પૂર્વ દિશામાં હિન્દુ મંડપને મોટા પથ્થરોને ગોઠવીને બનાવવામાં આવ્યો હતો. મંદિરના મંડપનો એક હિસ્સો આજે પણ મસ્જિદના પ્રાંગણમાં ઉપસ્થિત છે. મસ્જિદની પશ્ચિમ દીવાલની પાછળ શૃંગારગૌરી દેવીની એક મૂર્તિ છે, જેની પ્રાચીન સમયથી પૂજા થતી આવી છે."
આ પુસ્તકમાં વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહને કેવી રીતે બંધ કરાયું તેનું પણ વર્ણન છે અને જણાવાયું છે કે મંદિરનું ગર્ભગૃહ હતું તેને જ મસ્જિદનો મુખ્ય હૉલ બનાવી દેવાયો છે.
મંદિરપક્ષનો દાવો છે કે ડૉ. એ.એસ. અલ્ટેકરના પુસ્તકમાં લખાયેલું છે કે "હિન્દુઓ આજે પણ ત્યાં પૂજા કરે છે."
ચિત્રોમાં મસ્જિદનો પાછળનો હિસ્સો મંદિર તરીકે દેખાડાયો
મંદિરપક્ષનું કહેવું છે કે 1822માં 'જર્નલ ઑફ એશિયાટિક સોસાયટી ઑફ બંગાલ'ના સંસ્થાપક સંપાદક જેમ્સ પ્રિન્સેપે પોતાના પુસ્તક 'બનારસ ઇલસ્ટ્રેટેડ'માં એક ચિત્ર 'ટેમ્પલ ઑફ વિશ્વેશ્વર' તરીકે આપ્યું છે, જેમાં જ્ઞાનવાપી મસ્જિદના પાછળના ભાગને દર્શાવાયો છે અને લખ્યું છે કે "મસ્જિદના ચબૂતરાને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના ચબૂતરા તરીકે હિન્દુઓ પૂજતા હતા."

1868માં એક ખ્રિસ્તી મિશનરી એમ.એ. શેરિંગે પણ લખ્યું છે કે ઔરંગઝેબના ફરમાનથી જે મંદિરનો નાશ કરાયો હતો તે મંદિરના 'વિસ્તૃત અવશેષો' હજી પણ દેખાય છે, જે મસ્જિદની 'પશ્ચિમી દીવાલનો એક મોટા હિસ્સા તરીકે' રહેલા છે.
પ્રિન્સેપ અને શેરિંગનાં પુસ્તકોને હિન્દુ પક્ષ મંદિરનું અસ્તિત્વ હતું તેના એક મહત્ત્વના પુરાવા તરીકે ગણે છે.



પુસ્તકોના આધારે મંદિરપક્ષ દ્વારા દાવા કરાયા છે, તેના વિશે મસ્જિદ પક્ષના વકીલ એસ.એ.એફ. નક્વી કહે છે, "આપણે તેનો નકાર કે સ્વીકાર ના કરી શકીએ. 300 વર્ષ પહેલાં કોઈએ શું લખ્યું અને કેવી પરિસ્થિતિમાં લખ્યું, તેના વિશે અમે ટિપ્પણી કરી શકીએ તેમ નથી. તેઓએ લખ્યું તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે લેખકનો અમુક તરફનો લગાવ. આપણે માત્ર સરકારી પરિપત્રો અથવા ગૅઝેટ પર આધાર રાખી શકીએ. તે સિવાય તો બધાને ઇતિહાસ ગણવો પડે. એ સમયગાળા માટે કોઈ એક આવૃત્તિને ઇતિહાસ તરીકે અન્ય કોઈ ગણે તો પછી હું બીજી આવૃત્તિને પણ એક ઇતિહાસ તરીકે આધારભૂત ગણી શકું છું. એ રીતે આપણે એકબીજાનું ખંડન કરતા રહીશું."
જમીનના ઉતારા અને સરકારી મહેસૂલી દસ્તાવેજ
જ્ઞાનવાપીનો વહિવટ સંભાળતી 'અંજુમન ઇન્તેઝામિયા મસાજિદે' આ જમીનને પોતાની માલિકીની સાબિત કરવા માટે સરકારી દસ્વાવેજોમાં જમીનના ઉતારાના રેકર્ડને રજૂ કરે છે.
સમયાંતરે ઉર્દૂમાં જમીનના ઉતારામાં કરવામાં આવેલી નોંધને દેખાડવામાં આવી છે. મુસ્લિમ પક્ષે 16 ઑગસ્ટ 2016ના રોજ મહેસૂલી જમીનના દસ્તાવેજોમાં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો જે નકશો છે તેની નકલને પણ પોતાના પક્ષના મહત્ત્વના પુરાવા તરીકે રજૂ કર્યો છે.

જ્ઞાનવાપી વકફની જમીન પર બનેલી છે કે નહીં?

મસ્જિદપક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ એક વકફ સંપત્તિ છે અને તેના કારણે અહીં કોઈ મંદિર ના હોઈ શકે. આ આધાર પર મુસ્લિમ પક્ષની ઇચ્છા એવી છે કે જ્ઞાનવાપી સાથે જોડાયેલા મુકદ્દમાની સુનાવણી અદાલતના બદલે વકફ ટ્રિબ્યૂનલમાં થવી જોઈએ.
મસ્જિદસમિતિનું કહેવું છે કે જ્ઞાનવાપી મસ્જિદ એક વકફ મિલકત છે, જેનો વકફ નંબર 100 (બનારસ) છે.
આ જમીનને વકફની જમીન સાબિત કરવા માટે મસ્જિદપક્ષ દીન મહમદના કેસનો 1942માં આવેલો ચુકાદો પણ ટાંકે છે અને કહે છે કે જ્ઞાનવાપીને એક વકફ સંપત્તિ માનવામાં આવી હતી અને તેમાં મુસ્લિમોનો નમાઝ પઢવા માટેનો અધિકાર માન્ય રાખવામાં આવ્યો હતો.
આ ચુકાદામાં જણાવાયું છે કે, "આથી જાહેર કરવામાં આવે છે કે ફક્ત મસ્જિદ અને તેના પ્રાંગણની જમીન હનફી મુસ્લિમ વકફની સંપત્તિ છે અને મુસ્લિમોને મસ્જિદ અને તેના આંગણમાં ઇબાદત કરવાની મંજૂરી છે. સાથે જ મસ્જિદમાં રહેલી કબરોમાં વર્ષે એક વાર ઉર્સ મનાવવાની મંજૂરી છે અને મસ્જિદની છત પર જવાની તથા નમાજ અદા કરવાની મંજૂરી છે."
આ વાત ખોટી હોવાનું સાબિત કરવા માટે હિન્દુ પક્ષે કેટલાક દાવા રજૂ કર્યા છે.
હિન્દુ પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપીનું વકફ મિલકત તરીકે રજિસ્ટ્રેશન કરાયું છે તે ‘ગેર-કાનૂની અને પાપ’ છે, કેમ કે આ એક એવી મસ્જિદ છે, જે એક મંદિરને તોડીને બની છે.
મંદિરપક્ષ કહે છે, "હિન્દુ દેવની સંપત્તિ હંમેશાં દેવની જ રહે છે. તેથી તેને વકફની સંપત્તિ કરી શકાય નહીં. વિવાદિત સંપત્તિ સ્વંયભૂ ભગવાનની છે. જ્ઞાનવાપી મામલામાં વકફ ઍક્ટ લાગુ પડતો નથી, કેમ કે તેને લાગુ કરવા માટે બંને પક્ષો મુસ્લિમ હોય તે જરૂરી છે. કોઈ પણ મિલકતને ત્યારે જ વકફની સંપત્તિ બનાવી શકાય, જ્યારે તેનો માલિક તેને વકફ તરીકે સમર્પિત કરે. કોઈ મિલકતને વકફ સંપત્તિ બનાવતા પહેલાં તેની આસપાસ રહેનારા લોકોને તથા વકફ તરીકે તેને જાહેર કરવાને કારણે જેમને પણ અસર થઈ શકતી હોય તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે. જ્ઞાનવાપીને વકફ નંબર 100 તરીકેની સંપત્તિ જાહેર કરતાં પહેલાં આવી કોઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોય તેવા કોઈ સબૂત નથી."
આ વિશે મસ્જિદ સમિતિના વકીલ એસ.એફ.એ. નક્વી કહે છે, "આ મુદ્દા પર પણ તે લોકો (હિન્દુ પક્ષ) 300 વર્ષ પહેલાંના યુગમાં જીવી રહ્યા છે. આજ સુધી અલાહાબાદ હાઈકોર્ટના 1942ના દીન મહમદ ચુકાદાને કોઈ પણ અદાલતમાં પડકારવામાં આવ્યો નથી. તે ચુકાદામાં જણાવાયું છે કે જ્ઞાનવાપી એક વકફ સંપત્તિ છે. અદાલતનો તે ચુકાદો આજે પણ યથાવત્ છે. એક વાર અદાલતે જણાવી દીધું કે જ્ઞાનવાપી વકફ સંપત્તિ છે તો પછી અમુક વર્ષ પહેલાં આવું થયું હતું કે ફલાણું થયું હતું તેવું કહેનારા અરજદારો કોણ છે? તે લોકો (હિન્દુ પક્ષ) ઘડિયાળના કાંટાને પાછા ફેરવવા માટેની કોશિશ કરી રહ્યા છે."

શૃંગારગૌરીની પૂજાના અધિકાર માટેનો મામલો

જ્ઞાનવાપીની જમીનની માલિકીના દાવા ઉપરાંત પાંચ મહિલાઓએ 2021માં વારાણસીની અદાલતમાં એક નવો કેસ કર્યો છે. તે રીતે શૃંગારગૌરી સાથે જોડાયેલા લગભગ 19 મુકદ્દમા હવે અદાલતમાં જુદાજુદા તબક્કે ચાલી રહ્યા છે.
આવા જ મામલામાં જિલ્લા ન્યાયાલય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશને આધારે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઈ) દ્વારા વૈજ્ઞાનિક સર્વે થઈ રહ્યો છે, જેમાંથી પોતાના સમર્થનમાં પુરાવાઓ મળશે એવી આશા બંને પક્ષોને છે.
16.08.2021ના રોજ પાંચ મહિલા અરજદારો - રાખીસિંહ, લક્ષ્મીદેવી, સીતા સાહૂ, મંજૂ વ્યાસ અને રેખા પાઠકે વારાણસીની નીચલી અદાલતમાં અરજી દાખલ કરી હતી.

પોતાને શિવભક્ત ગણાવીને આ પાંચેય મહિલાઓએ જણાવ્યું હતું કે -
- તેઓ કાશીમાં ત્રેતા યુગમાં લાખો વર્ષો પહેલાં સ્થાપિત આદિ વિશ્વેશ્વર જ્યોર્તિલિંગના દર્શને જાય છે.
- સનાતન ધર્મના ગ્રંથો અનુસાર ભગવાન શિવે કાશી ફરતે પાંચ કોસ વિસ્તારમાં મુક્ત ક્ષેત્રની સ્થાપના કરી હતી. તેના કારણે તે હિન્દુઓ માટે એક પવિત્ર અને પૂજનીય સ્થળ છે. (આ પાંચ કોસ ક્ષેત્રફળમાં જ પંચકોસી યાત્રા કરવામાં આવે છે.)
- મા શૃંગારગૌરીનું સ્વરૂપ જ્ઞાનવાપી મસ્જિદની પાછળ ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થપાયેલું છે અને હિન્દુ શ્રદ્ધાળુઓ મા શૃંગારગૌરી, હનુમાનજી, ગણેશજીને અને બીજાં દૃશ્યમાન અને અદૃશ્ય દેવીદેવતાનાં સ્વરૂપોની પૂજાઅર્ચના કરતા આવ્યા છે. 'ભગવાન વિશ્વેશ્વર મંદિર'ના પરિસરની પરિક્રમા પણ કરતા આવ્યા છે.

- એક માઈલ એટલે 1.6 કિલોમીટર થાય અને બે માઈલનો એક કોસ થાય. તે રીતે એક કોસમાં 3.2 કિલોમીટર વિસ્તાર આવે. 3.2 કિલોમીટર x 5 = 16 કિલોમીટરના પરિઘમાં ગોળાર્ધમાં કાશીનગરી આવેલી છે અને તેને પ્રાચીન માનવામાં આવે છે. આ પાંચ કોસ પરિઘમાં જ અનેક પૌરાણિક મંદિરો આવેલાં છે એવું વિવિધ ગ્રંથોમાં જણાવાયેલું છે.
પ્લૉટ નંબર 9130 માટે દાવા
પાંચેય હિન્દુ મહિલાઓની માગણી છે કે “મા શૃંગારગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, નંદીજી, દૃશ્યમાન અને અદૃશ્ય દેવીદેવતા, મંડપ અને પવિત્ર સ્થળના દર્શન, પૂજામાં કોઈ અડચણ થવી જોઈએ નહીં અને બધાં જ દેવીદેવતાની પ્રતિમાઓને નુકસાન કરવું, તેનું રૂપ બગાડવું કે તેને તોડી નાખવું કે કોઈ રીતે નુકસાન કરવું - એવું કશું થવું જોઈએ નહીં.”
મસ્જિદ પક્ષનો વિરોધ
આવી માગણીઓનો વિરોધ કરીને મસ્જિદ સમિતિના વકીલ એસ.એફ.એ. નક્વી સવાલ કરે છે, "અમે (મસ્જિદ સમિતિ) એ કેવી રીતે સાબિત કરીએ કે શૃંગારગૌરી ત્યાં હાજર છે કે તેમનું અસ્તિત્વ છે? તેને સાબિત કરવાનું કામ હિન્દુ પક્ષના લોકોનું છે, કેમ કેમ તેમણે કેટલાક દાવા કરીને અદાલતમાં અરજી કરી છે. અમે ફક્ત એટલું જ કહીએ કે આવી કોઈ વાત નથી અને આ બધી હિન્દુઓની કલ્પના છે."
જ્ઞાનવાપીના વજૂખાનામાં શિવલિંગ છે કે ફુવારો છે?

મા શૃંગારગૌરીની પૂજાની માગણી સાથે કરવામાં આવેલા મુકદ્દમામાં બનારસની અદાલતના આદેશનું પાલન કરીને કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઍડ્વોકેટ કમિશનરે 14 અને 15 મે, 2022ના રોજ સર્વે શરૂ કર્યો હતો.
16 મે 2022: શિવલિંગ મળ્યાનો દાવો થયો
સર્વે વખતે અદાલતને હિન્દુ પક્ષના હરી શંકર તરફથી જાણ કરવામાં આવી કે
"આજે (16 મે 2022ના રોજ) મસ્જિદના વજૂખાનામાં શિવલિંગ મળ્યું છે, જે ખૂબ મજબૂત પુરાવો છે."
હિન્દુ પક્ષે માગણી કરી કે
- સીઆરપીએફના કમાન્ડોને ગોઠવીને વજૂખાનાને સીલ કરવામાં અને વજૂખાનાનો ઉપયોગ તત્કાલ અટકાવી દેવામાં આવે
- વારાણસીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મસ્જિદમાં 20થી વધુ મુસ્લિમોને એક સાથે નમાઝ પઢવાની મંજૂરી ના આપે
મુસ્લિમ પક્ષનું કહેવું છે કે -
-નીચલી અદાલતે મસ્જિદ વહિવટ કરનારા લોકોનો પક્ષ જાણ્યા વિના જ વજૂખાનાને સીલ કરી દેવાનો હુકમ કરી દીધો.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો કે -
- મસ્જિદના જે હિસ્સામાં શિવલિંગ જેવી આકૃતિ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેને વારાણસી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રટ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરે.
- મુસ્લિમોને મસ્જિદમાં પ્રવેશ કરતા કોઈએ રોકવા નહીં અને તેઓ ત્યાં આવનજાવન કરી શકે અને કોઈ અવરોધ વિના નમાઝ પડી શકે છે અને ઈબાદત કરી શકે છે.
- જિલ્લા વહિવટીતંત્ર વજૂખાનામાં બીજી કોઈ વ્યવસ્થા પણ ના કરે.
મુસ્લિમ પક્ષ: શિવલિંગ નહીં ફુવારો
અદાલતમાં મુસ્લિમ પક્ષે જણાવ્યું કે, “સર્વેમાં સ્પૉટ ઇન્સ્પેક્શન થયું છે, પરંતુ કોઈ શિવલિંગ મળ્યું નથી. શિવલિંગ નહીં, પણ એક ફુવારો મળ્યો છે. ઍડ્વોકેટ કમિશનરે પોતાના અહેવાલની નકલ કોર્ટને સોંપી છે, પરંતુ અદાલતે તેના પરની સુનાવણી પૂરી કરી નથી.”
મસ્જિદપક્ષના વકીલ એસ.એફ.એ. નકવી કહે છે, "મા શૃંગારગૌરી મુકદ્દમામાં હિન્દુ પક્ષ પાસે કોઈ સબૂત નહોતા અને ઍડ્વોકેટ કમિશનરના સર્વેથી એક રીતે હિન્દુ પક્ષ પુરાવા એકઠા કરી રહ્યા હતા."
વજૂખાનામાં શિવલિંગ છે કે ફુવારો છે તેની દલીલો વિશે વકીલ નકવી કહે છે, "હિન્દુ પક્ષ પોતાના કાનૂની દાવાને અલગઅલગ હિસ્સામાં વહેંચી દઈને ભ્રમ પેદા કરે છે. તો અમે અત્યારે અદાલતમાં તેનો જવાબ કેવી રીતે આપી શકીએ?"
હિન્દુ પક્ષ દ્વારા વજૂખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે તે વિશે મસ્જિદ સમિતિના વકીલોનું કહેવું છે કે “તે લોકો (હિન્દુ પક્ષ) અલગઅલગ ચીજો માટે જુદીજુદી રીતે દાવા ના કરી શકે. એક વાર જ્યારે હિન્દુ પક્ષે સંપૂર્ણ સંપત્તિ પર દાવો કર્યો છે, તો પછી સમગ્ર સંરચના અને તેની અંદરની બધી ચીજો (વજૂખાના સહિત) કાનૂની રીતે વિવાદમાં જ છે."
એએસઆઈ સર્વે : શું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે?

એએસઆઈને સર્વેનો હુકમ કરતી વખતે વારાણસીના જિલ્લા ન્યાયાધીશે લખ્યું હતું કે, "જો પ્લૉટ અને માળખાનો સર્વે અને વૈજ્ઞાનિક તપાસ થાય તો તેનાથી અદાલત સામે સાચાં તથ્યો આવશે, જેના આધારે આ અદાલતમાં ન્યાયિક રીતે અને યોગ્ય રીતે આ મામલોનો નિવેડો આવી શકે."
8 ઑગ્સ્ટ, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એએસઆઈના સારનાથ સર્કલના સુપરિન્ટેન્ડેન્ટ આર્કિયોલૉજિસ્ટને સેટલમેન્ટ પ્લૉટ નંબર 9130 (હાલમાં જ્યાં જ્ઞાનવાપી પરિસર છે ત્યાંના જમીનના) ભૂભાગ અને ભવનનો (મસ્જિદની ઇમારતનો) સર્વે કરવા જણાવ્યું હતું.
કોર્ટે પોતાના આદેશમાં લખ્યું હતું કે એએસઆઈ એવી રીતે સર્વે કરે, જેથી ભવનમાં કોઈ તૂટફૂટ ના થાય. કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે સર્વેમાં કોઈ ખોદકામ નહીં કરવામાં આવે કે માળખાને કોઈ રીતે તોડવામાં નહીં આવે.
કેવી રીતે થશે એએસઆઈ સર્વે?
સર્વેની ટીમમાં : આર્કિયૉલૉજિસ્ટ, આર્કિયૉલૉજિકલ કેમિસ્ટ, એપિગ્રાફિકસ્ટ, સર્વેયર, ફોટોગ્રાફર અને અન્ય ટેક્નિકલ એક્સપર્ટ્સનો સમાવેશ કરવામાં આવશે તેમના દ્વારા તપાસ થશે અને ડૉક્યૂમેન્ટેશન થશે.
નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(હૈદરાબાદ)ના વિશેષજ્ઞોની એક ટીમ જીપીઆર(ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર)થી સર્વે કરશે.
એએસઆઈની વૈજ્ઞાનિક તપાસનું કાર્યક્ષેત્ર
- સર્વે કરીને એ જણાવવાનું છે કે હાલનું માળખું ઊભું છે તે શું અગાઉથી અહીં બનેલા મંદિરની ઉપર બનાવાયું છે?
- જ્ઞાનવાપીની પશ્ચિમ તરફથી દીવાલ કેટલાં વર્ષ જૂની છે અને તેનું નિર્માણ કેવા સ્વરૂપે કરવામાં આવ્યું તેની વૈજ્ઞાનિક ઢબે તપાસ
- જરૂર લાગે તો એએસઆઈ પશ્ચિમ તરફની દીવાલની નીચે જમીનની અંદર તપાસ માટે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારનો ઉપયોગ કરી શકે
- જ્ઞાનવાપીના ત્રણ ગુંબજ બનેલા છે તેની નીચે શું છે તેની તપાસ કરવાની અને તેના માટે પણ ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારનો ઉપયોગ કરી શકાય છે.
- જ્ઞાનવાપીનાં બધાં જ ભોંયરાંની તપાસ કરવાની છે અને તેની નીચેની જમીનમાં શું છે તે જાણવા માટે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારનો ઉપયોગ કરી શકાય છે.
- આ તપાસમાં એએસઆઈને જે પણ કલાકૃત્તિઓ મળે તેની એક યાદી બનાવવાની રહેશે અને તેમાં એ પણ નોંધવાનું રહેશે કે દરેક કલાકૃતિ ક્યાં હિસ્સામાંથી મળી અને તેનું ડેટિંગ કરાવીને તે કેટલી જૂની છે અને કેવા સ્વરૂપની છે તે જાણવાની કોશિશ કરવાની રહેશે. આવું કરવા માટેની માગણી હિન્દુ પક્ષના વકીલ અનુપર દ્વિવેદીએ કરી હતી.
- જ્ઞાનવાપી પરિસરમાં મળે તે બધા જ થાંભલા અને ચબૂતરાની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે અને તે કેટલા જૂના, કેવાં સ્વરૂપના અને કઈ સ્થાપત્ય શૈલીના છે તેની ઓળખ કરવાની છે.
- ડેટિંગ, ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાનવાપીનો ઢાંચો કેટલા વર્ષ જૂનો છે, અને તેનું નિર્માણ કેવા સ્વરૂપે થયેલું છે તેની તપાસ કરવાની છે.
- તપાસમાં જે કલાકૃતિઓ મળે તેની અને ઢાંચામાં પણ કે તેની નીચે મળેલી ઐતિહાસક અને ધાર્મિક વસ્તુઓની પણ તપાસ કરવાની રહેશે.
- એ વાતની કાળજી લેવાની છે કે ઢાંચાને કોઈ રીતે નુકસાન ના થાય અને તે બિલકુલ સલામત રહે.
મસ્જિદપક્ષ દ્વારા સર્વેનો વિરોધ
મુસ્લિમપક્ષનું માનવું છે કે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા લેખિત અને મૌખિક પુરાવાઓથી કોર્ટ કોઈ નિષ્કર્ષ પર આવી શકે તેમ ના હોય તેવા સંજોગોમાં જ સર્વે કરવાનો હોય છે.
કોર્ટમાં હિન્દુપક્ષે જણાવ્યું કે સ્થાપત્યની શૈલીને જોતા એવું લાગે છે કે ઢાંચાની કૃત્રિમ રીતે બનાવેલી દીવાલોની પાછળ શું વસ્તુઓ છુપાયેલી હશે તેના પુરાવા મળી શકે તેમ નથી. જોકે મુસ્લિમપક્ષનું માનવું છે કે હિન્દુ પક્ષે કરેલા દાવા માટેના પુરાવા એકઠા કરવા ખાતર એએસઆઈને સર્વે માટેની મંજૂરી મળી જાય તેવી કોઈ કાનૂની જોગવાઈ નથી.
મસ્જિદપક્ષનું કહેવું છે કે એએસઆઈનો સર્વે 1991ના ધાર્મિક સ્થળના અધિનિયમનો ભંગ કરે છે. એ અધિનિયમ હેઠળ આઝાદી પહેલાં જે પણ ધાર્મિક સ્થળો હતો તેને યથાવત્ રાખવાનાં છે. તેમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી નથી. મસ્જિદપક્ષનું એમ પણ કહેવું છે કે જ્ઞાનવાપીની જમીનની માલિકીના મામલામાં અગાઉથી જ અલાહાબાદ હાઈકોર્ટે એએસઆઈ દ્વારા સર્વેની વાત પર સ્ટે આપ્યો હતો, તો પછી અન્ય કોઈ મામલામાં સર્વે કરવાની મંજૂરી આપી શકાય નહીં.
મંદિરપક્ષ: સર્વેથી વિવાદનો ઉકેલ આવી શકે
મંદિરપક્ષનું માનવું છે કે એએસઆઈના સર્વેને કારણે અદાલતને આ વિવાદના ઉકેલ માટેનો રસ્તો મળશે. તેઓ કહે છે કે "હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને એએસઆઈના સર્વે દ્વારા જે પણ નિષ્કર્ષ નીકળે તેનો વિરોધ કરવા માટેની, તેને પડકારનારી દલીલો કરવાની તક અદાલતમાં મળશે."
મંદિરપક્ષને એવું નથી લાગતું કે 1991નો ધાર્મિક સ્થળને યથાવત્ રાખવાનો અધિનિયમ સર્વે કરવાની બાબતમાં આડે આવે. તેમનો દાવો છે કે આઝાદી પૂર્વે અને બાદમાં પણ અહીં હિન્દુ પૂજા કરતા આવ્યા છે.
મંદિરપક્ષનું માનવું છે કે એએસઆઈનું કામ ઐતિહાસક ઢાંચાની સુરક્ષા અને દેખરેખ કરવાનું છે. તેથી સર્વેના કારણે જ્ઞાનવાપીને કોઈ નુકસાન થશે તેવી મુસ્લિમ પક્ષની આશંકા નિરાધાર છે.
અયોધ્યાની જેમ જ જ્ઞાનવાપીમાં પણ એએસઆઈ સર્વે કરાવવો યોગ્ય છે?
આ વિશે મસ્જિદપક્ષના વકીલ એસ.એફ.એ. નક્વી કહે છે, "પૂજાસ્થળ અધિનિયમ 1991 જણાવે છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ બાબરી મસ્જિદની ભૂમિની માલિકી કોની તેનો મુકદ્દમો પૅન્ડિંગ પડેલો હતો. આ અધિનિયમમાં જ્ઞાનવાપી કે અન્ય કોઈ મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને અયોધ્યામાં જમીનમાલિકીના કેસમાં અદાલતે આ અધિનિયમને બંધારણીય પણ જાહેર કરેલો છે."
નક્વી કહે છે, "અયોધ્યામાં એએસઆઈ સર્વે અલગ પરિસ્થિતમાં કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં એએસઆઈ સર્વે માળખું તોડી પડાયું તે પછી થયો હતો, તે પહેલાં નહીં. સર્વે 1992 પછી થયો હતો, તે પહેલાં નહીં.”

ધાર્મિક સ્થળ વિશેનો અધિનિયમ: મુસ્લિમપક્ષની સૌથી મજબૂત દલીલ સાબિત થઈ શકે?

આ લેખમાં એકથી વધુ વાર 1991ના ધાર્મિક સ્થળના અધિનિયમનો ઉલ્લેખ કરાયો છે. આ અધિનિયમનો ઉલ્લેખ ખાસ કરીને મુસ્લિમપક્ષ દ્વારા પોતાની દલીલોમાં વારંવાર કરવામાં આવ્યો છે.
મા શૃંગારગૌરીનાં દર્શન માટેનો મુકદ્દમો હોય કે જ્ઞાનવાપીની જમીનની માલિકીના હકનો મુકદ્દમો, મસ્જિદપક્ષ 1991ના ધાર્મિક સ્થળના અધિનિયમને કેન્દ્રમાં રાખીને દલીલો કરે છે.
મસ્જિદપક્ષે આ જ અધિનિયમના આધારે આ અંગેના જુદાજુદા મુકદ્દમાઓને પડકાર્યા છે. મુસ્લિમ પક્ષની દલીલ છે કે 1991નો આ કાયદો છે તેના કારણે આ બાબતમાં કરવામાં આવેલા મુકદ્દમા સુનાવણી માટે ઊભા રહી શકે તેમ નથી. એટલે કે તે મેઇન્ટેનેબલ નથી, કેમ કે આ કાયદો કહે છે કે 1947 વખતે ધાર્મિક સ્થળોની જે સ્થિતિ હતી તેની યથાસ્થિતિ જાળવી રાખવાની છે.
આપને એ પણ જણાવી દઈએ કે હજી સુધીમાં આ અંગે દાખલ કરવામાં આવેલા કોઈ પણ મુકદ્દમાની સુનાવણી શરૂ થઈ નથી અને આ માટેના પુરાવાઓને હજી સુધી કાનૂની દલીલો દ્વારા ચકાસવામાં આવ્યા નથી.
જોકે મુસ્લિમપક્ષનું માનવું છે કે આ બધા દાવાઓની સામે 1991નો પ્રાર્થનાના સ્થળ માટેનો અધિનિયમ ખડકની જેમ ઊભો છે.
મસ્જિદપક્ષનો દાવો છે કે મસ્જિદ અને તેની સાથે જોડાયેલી જમીન 15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં હતી, તેથી તે આ અધિનિયમની વ્યાખ્યા હેઠળ આવે છે.
મસ્જિદપક્ષનું માનવું છે કે 1991માં ધાર્મિક સ્થળો માટેનો આ કાયદો કરાયો તેની પાછળનો હેતુ સાંપ્રદાયિક સદભાવના ટકી રહે તે માટેનો હતો. 1942માં દીન મહમદના મુકદ્દમામાં અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદામાં આ જગ્યા "મંદિર છે કે મસ્જિદ" તેના વિવાદનો પહેલાંથી જ ઉકેલ આવી ગયો છે.
સુપ્રીમ કોર્ટે પણ ધાર્મિક સ્થળ અંગેના કાયદાની પ્રશંસા કરીને બાબરી મસ્જિદ રામજન્મભૂમિ કેસમાં આપેલા ચુકાદામાં લખ્યું હતું કે "આ અધિનિયમ પૂજાસ્થળમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે તે સુનિશ્ચિત કરીને ધર્મનિરપેક્ષતાના બંધારણીય મૂલ્યની રક્ષા કરે છે."
મંદિરપક્ષના જણાવ્યા અનુસાર, "15 ઑગસ્ટ, 1947ના રોજ આ ઢાંચો એક હિન્દુ મંદિર હતો અને અહીં આદિ વિશ્વેશ્વર તથા અન્ય દેવીદેવતાની 1993 સુધી નિયમિત પૂજા થતી આવી હતી. અદાલતે એ જોવાનું છે કે 15 ઑગસ્ટ 1947ની પહેલાં આ સ્થળનું ધાર્મિક ચરિત્ર કેવું હતું અને આ સ્થળ હિન્દુઓ માટે પૂજાનું સ્થળ હતું કે મુસ્લિમો માટે?"
મંદિરપક્ષનું માનવું છે કે, "જ્ઞાનવાપી મસ્જિદ મંદિરના ઉપરના ભાગને તોડીને તેના ઉપર બનાવી દેવાઈ છે. પરંતુ મંદિર પરિસરના અન્ય હિસ્સામાં આવેલા શૃંગારગૌરી, ગણેજી અને અન્ય દેવોની પૂજા પ્રાચીન મંદિર પરિસરની અંદર અને પાંચ કોસના ક્ષેત્રમાં ચાલતી રહી હતી."
મંદિરપક્ષનું કહેવું છે કે ધાર્મિક સ્થળ અંગેના કાયદામાં કોઈ પૂજાસ્થળ છે કે ધાર્મિક સ્થળ છે કે કેમ તેની તપાસ કરવાને અટકાવવાની જોગવાઈ નથી.
મુસ્લિમ પક્ષ ધાર્મિક સ્થળના કાયદાને જ સર્વોપરી જણાવીને કહે છે, "જો હિન્દુ પક્ષનો દાવો હોય કે 300 વર્ષ પહેલાં આ ઢાંચાના ધાર્મિક ચરિત્રને બદલવામાં આવ્યું હતું તો એ તેમનો માત્ર એક દાવો જ છે. અમારા માટે એક જ બાબત અગત્યની છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ અહીં ધાર્મિક ચરિત્ર કેવું હતું અને અમે જાણીએ છીએ કે ત્યારે અહીં એક મસ્જિદ જ હતી."
મસ્જિદપક્ષના વકીલ એસ.એફ.એ. નકવી કહે છે, "હિન્દુ પક્ષ પોતાની દલીલોનો આધાર 'કેટલાક પુરાવાઓ' પર રાખે છે. જો અમે હિન્દુ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનું ખંડન કરવાનું શરૂ કરી દેશું તો પછી 1991માં બનેલા ધાર્મિક સ્થળ અંગેના કાયદાનો શો અર્થ રહેશે? અમારું કહેવું છે કે મુકદ્દમો ચલાવવા માટે માગણી કરવામાં આવી છે તેમાં સૌથી મોટો અવરોધ આ કાયદો જ છે તો પછી મુકદ્દમાને સાંભળવા જ યોગ્ય નથી. તો પછી આ માટેના પુરાવાઓનો કોઈ અર્થ રહેતો નથી.”
મસ્જિદ સમિતિના વકીલોનું કહેવું છે કે હજી સુધી અદાલતમાં એ જણાવવાનો કોઈ પ્રસંગ જ નથી આવ્યો કે મસ્જિદની પશ્ચિમી દીવાલની પાછળ કેવા પ્રકારની વાસ્તુકલા કોતરાયેલી છે. તેઓ કહે છે, “અમે કોઈ બાબત વિશે ટિપ્પણી કરી શકીએ નહીં, કેમ કે અમે અમારી કાનૂની દલીલોને માત્ર ધાર્મિક સ્થળ અંગેના અધિનિયમની જોગવાઈઓ પૂરતી સીમિત રાખી રહ્યા છીએ.”


અહેવાલ: અનંત ઝણાણે
એડિશનલ રિપોર્ટિંગ: ઉત્પલ પાઠક, વારાસણીથી
ઇલસ્ટ્રેશન: પુનીત બરનાલા
Shorthand પ્રોડક્શન: શાદાબ નઝ્મી