“અંતે તો પ્રેમનો જ વિજય થશે"

કામિની અને ઇકબાલ (નામ બદલ્યા છે)


તે યુવતી લોખંડના કબાટને ટેકો આપીને બેઠી અને પોતાના હાથ પરની મેંદીની ડિઝાઇન તરફ જોયું. તેનાં ચહેરા પર સ્મિત રેલાયું અને તેણે પોતાની નજીક બેઠેલા પુરુષ સામે જોયું. આટલી ભયંકર સ્થિતિમાં પણ તેમણે મેંદી મૂકવાની ઉજવણી નક્કી કર્યું હતું. તેમનાં માટે આ બહુ નાનકડો છતાં ખાસ કાર્યક્રમ હતો.

કામિની (નામ બદલ્યું છે) આખરે ઇકબાલ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કરી રહી હતી. અત્યાર સુધી તેમણે ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. રૂમમાં બહુ ઓછા લોકો હાજર હતા. કામિનીની ઇચ્છા હતી કે તેની બહેનની જેમ તેનાં પણ ધામધૂમથી લગ્ન થાય અને ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવે. પરંતુ હવે બહુ મુશ્કેલ સમય છે તેવું તે કહે છે.

તેનો ભાવિ પતિ બહાર ગયો અને પોતાના લગ્નની ઉજવણી માટે બહારથી મીઠાઈઓ, સમોસા અને સૉફ્ટડ્રિન્ક્સ લઈ આવ્યો. તેમનાં લગ્ન 10 ફેબ્રુઆરીએ થવાના હતા. 2016માં લખનઉના એક કોચિંગ સેન્ટરમાં તેમની મુલાકાત થઈ હતી. કામિનીએ પહેલા જ દિવસે કોચિંગ ક્લાસમાં જોયું કે સફેદ શર્ટમાં એક શરમાળ યુવાન ક્લાસમાં પ્રવેશ્યો અને તેની બાજુમાં બેઠો હતો. તેને ગણિત સારું ફાવતું હતું. કામિનીએ તેને ગણિતમાં મદદ કરવા કહ્યું અને આ રીતે ઓળખાણ આગળ વધી.

તેમને આ સંબંધો વિરુદ્ધ ઘણી ચેતવણીઓ મળી હતી. ઘણાં યુગલોની ધરપકડ કરવામાં આવતી હતી અને તેમને પરેશાન કરવામાં આવતા હતા. તમામ જોખમો હોવા છતાં તેઓ પ્રેમમાં પડ્યાં.

વર્ષા નામની એક યુવાન છોકરીએ મેંદીનું કોન પોતાના હાથમાં લીધું અને કામિની સામે જોયું. તેઓ પહેલી વાર મળી રહ્યાં હતાં.

24 વર્ષીય વર્ષા કુશવા 31 જાન્યુઆરીએ ગ્વાલિયર છોડીને આવી હતી. તે પોતાના ઘરમાંથી બહાર નીકળી અને જોયું કે મોટરસાઇકલ લઇને આવેલો આદિલ તેની રાહ જોઈ રહ્યો હતો. આ મોટરસાઇકલ તેણે એક દુકાનદાર પાસેથી ઉછીની લીધી હતી. આદિલ સતત ત્રણ રાતથી સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી વર્ષાની રાહ જોતો હતો પણ વર્ષા બહાર નીકળી શકી ન હતી. આદિલે વર્ષા ક્યારેય બહાર આવી શકશે તેની આશા પણ છોડી દીધી હતી, પરંતુ તે દિવસે બપોર પછી તે શાલ ઓઢીને ઘરમાંથી બહાર આવી અને તેઓ ભાગી ગયા.

પહેલા દિવસે તેમણે ઈટાવા પહોંચવા માટે એક કારના 2700 રૂપિયા ચૂકવ્યા. પરંતુ વર્ષા ત્યાંથી ભાગી જવા સક્ષમ ન હતી. આદિલે દિલ્હી જવા માટે ટિકિટ ખરીદી હતી, પરંતુ તે રાતે તેણે ટિકિટ ફાડી નાખી. તેઓ ચોથા દિવસે ટ્રેન દ્વારા ઝાંસી પહોંચ્યાં અને ત્યાંથી તેઓ દિલ્હી આવ્યાં.

આદિલ એક ખુરશી પર બેઠો હતો. તે એક કુસ્તીબાજ છે. તે કહે છે કે તેઓ એવા તબક્કે પહોંચી ગયાં હતાં કે તેમણે બંનેએ આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું.

તે કહે છે:

"અમે એકબીજા વગર જીવી શકીએ તેમ ન હતાં.”

વર્ષા હળવું સ્મિત કરે છે. 2017માં વર્ષાએ જ આદિલને લગ્ન માટે દરખાસ્ત કરી હતી.

આ રૂમની અંદર તેઓ સેલ્ફી લેતાં હતાં અને હસતાં હતાં. કોઈએ ગીત ગાવાનો પણ પ્રયાસ કર્યો. તેઓ તમામ પ્રકારની મુસીબતોનો સામનો કરીને અહીં આવ્યાં હતાં.

દિલ્હીમાં ધનક ફૉર હ્યુમેનિટીની ઑફિસના દરવાજા બહાર એક પોસ્ટર લગાવ્યું છે. તેના પર લખ્યું છેઃ “બળજબરીપૂર્વક થતા લગ્ન એ સંસ્કૃતિ નથી. તે ગુનો છે.”


કાયદો શું કહે છે?

સ્પેશિયલ મૅરેજ ઍક્ટની જોગવાઈઓ પ્રમાણે યુગલે જિલ્લા મૅરેજ ઑફિસરને લેખિતમાં “લગ્નની નોટિસ” આપવી પડે છે. કેટલીક વખત બંને પક્ષ જ્યાં રહેતા હોય તે બે જિલ્લામાં આ નોટિસ આપવી પડે છે. આ નોટિસ એક બુકમાં છપાય છે જે ચકાસણી માટે ખુલ્લી હોય છે. 30 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ ‘ફી ચૂકવ્યા વગર’ આ બુક ચકાસી શકે છે.

જો કોઈ વાંધો ન ઉઠાવે તો 30 દિવસનો ગાળો પૂરો થયા પછી યુગલ લગ્ન કરી શકે છે.
ધનકના સહ-સ્થાપક આસિફ ઇકબાલ કહે છે કે સ્પેશિયલ મૅરેજ ઍક્ટની પોતાની કેટલીક મુશ્કેલીઓ છે. તેમાં નોટિસનો ગાળો ઘણો લાંબો છે તેથી દંપતીઓ ધાર્મિક લગ્ન કરવા પ્રેરાય છે. તેમાં મોટા ભાગે મહિલાએ ધર્મપરિવર્તન કરવું પડે છે.
આવા યુગલો માટે અદાલત જ છેલ્લો આશરો છે. અલાહાબાદ હાઈ કોર્ટે માર્ચ 2018માં શફિન જહાન વિ. અશોકન કેએમ ઍન્ડ ઓર્સ (કુખ્યાત હાદિયા કેસ)નો હવાલો આપ્યો હતો. તે કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “બંધારણ હેઠળ દરેક વ્યક્તિને સ્વતંત્રતા અને સ્વાયત્તતા પ્રાપ્ત થયેલી છે...સરકાર કે કાયદો કોઈને જીવનસાથીની પસંદગી કરવામાં કોઈ ફરજ પાડી ન શકે. તેમ જ આ અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતાને મર્યાદિત પણ ન કરી શકે. બંધારણ હેઠળ તે વ્યક્તિગત સ્વતંત્રતાના સિદ્ધાંતનો ભાગ છે.”



આસિફ કહે છે, “આ યુગલો પાસે સુરક્ષિત રહેવા અને લગ્ન કરવા માટે પોતાના રાજ્યને છોડીને ભાગવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.” મોટા ભાગના યુગલ લગ્ન કરવા માટે પોતાનું રાજ્ય છોડીને બહાર જાય તેના કારણે તેમણે પોતાના વતનની નોકરી કે રોજગાર ગુમાવવા પડે છે.

સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળનો નોટિસ પિરિયડ આવા મોટા ભાગના યુગલો માટે એક પડકાર બની જાય છે કારણ કે તેઓ આ ગાળામાં જોખમ અનુભવે છે.

હકીકતમાં કોઈ યુગલ લગ્ન માટે ઍફિડેવિટ કરાવવા સ્ટૅમ્પપેપર ખરીદે ત્યારથી તેમના માટે જોખમ શરૂ થઈ જાય છે. આંતરધર્મીય લગ્નનો વિરોધ કરતા જૂથો આ યુગલના પરિવાર અથવા પોલીસ પાસે પહોંચી જાય છે અને તેમને કેસ નોંધવાની ફરજ પાડે છે જેમાં છોકરીના પરિવારો યુવક સામે અપહરણનો કેસ દાખલ કરતા હોય છે.


અનિશા- શિરીષ


દેશની રાજધાનીમાં અમે બીજા એક વિસ્તારમાં પહોંચ્યાં જ્યાં ઘરેથી ભાગી છૂટેલા એક યુગલે ઘરનો દરવાજો ખોલીને માત્ર એટલું જ કહ્યું કે તેઓ ઘરમાંથી બહાર નીકળી શકે તેમ નથી. તેમનું ઍપાર્ટમૅન્ટ વિચિત્ર દેખાતું હતું. તેમાં લોખંડની જાળી લગાવેલી હતી જેના પર બ્રાઉન રંગ કર્યો હતો. આ જાળીથી બારી અને બાલ્કની સુરક્ષિત રીતે ઘેરી લેવાઈ હતી. બે માળના આ સાવ સાધારણ મકાનમાં કિલ્લેબંધી કરવામાં આવી હોય તેવી સ્થિતિ હતી. આમ તો તે ઉત્તર દિલ્હીના કોઈ સામાન્ય મકાન જેવું દેખાતું હતું પરંતુ તેમાં એક યુગલ પોતાનો સમય પસાર કરી રહ્યું હતું. તેમાં યુવાન ઉત્તર પ્રદેશના સહારનપુરનો છે જ્યારે યુવતી વડોદરાની છે.

વડોદરાથી આવેલી છોકરીએ કહ્યું, “મારા માતાપિતા બીજા લોકોની સાથે મને શોધવા આવ્યા છે અને તેઓ બહાર ક્યાંક છે.”

“અમને ડર લાગે છે. અમને ઘરની અંદર જ રહેવા જણાવાયું છે.”

29 વર્ષની અનિશા મુસ્લિમ છે. એક વખત શિરીષ અનિશાની આંખોની ખૂબસૂરતીના વખાણ કર્યા હતા. તેઓ 13 વર્ષથી એકસાથે હતાં અને લગ્ન કરવા માટે તેઓ 29 જાન્યુઆરીએ દિલ્હી પહોંચ્યાં હતાં. શિરીષનું લગ્ન નક્કી થઈ ગયું હતું. 15 ફેબ્રુઆરીએ બીજી કોઈ છોકરી સાથે તેના લગ્ન થવાનાં હતાં.

તે કહે છે, “મારા પરિવારે મારા પર લગ્નનું દબાણ કર્યું હતું. મારે અનિશા સાથે લગ્ન કરવું હતું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

નવેમ્બરમાં ધર્માંતરણ વિરોધી કાયદો અસ્તિત્વમાં આવ્યા પછી રાજ્યમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી મોટા ભાગના મુસ્લિમ યુવકો હતા. ઉત્તર પ્રદેશમાં લવજેહાદ વિરોધી કાયદો ઘડવામાં આવ્યો અને અમલ શરૂ થયો તે પહેલાં પણ આંતરધર્મીય લગ્ન માટે સ્થિતિ મુશ્કેલ હતી. બજરંગદળ અને હિંદુ યુવા વાહિની જેવા જૂથો આંતરધર્મીય લગ્ન કરનારા યુગલો વિશે પોલીસમાં જાણ કરતા હતા અને યુવક સામે અપહરણનો કેસ દાખલ કરવા માટે છોકરીના પરિવારજનોને ફરજ પાડતા હતા.

જમણેરી વિચારધારા ધરાવતા કેટલાક હિંદુત્વવાદી કાર્યકરો અને ભાજપના નેતાઓની દલીલ છે કે બળજબરીપૂર્વક ધર્માંતરણ અટકાવવા માટે આ કાયદો જરૂરી હતો. ત્યારે બીજા કાર્યકર્તાઓ અને વિરોધપક્ષના નેતાઓની દલીલ છે કે આ કાયદો ગેરબંધારણીય છે અને તે આંતરધર્મીય લગ્ન પર પ્રતિબંધ મૂકે છે. ઓછામાં ઓછા અન્ય આઠ રાજ્યોએ ધર્માંતરણ વિરોધી કડક નિયમો ઘડ્યા છે. મધ્ય પ્રદેશમાં આ પ્રકારનો કાયદો ઘડાઈ ગયો છે.

આ કાયદા સામે કેટલાક પડકારો છે જે અત્યારે અલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
નવા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માંગતી હોય તો તેણે બે મહિના અગાઉ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવી પડશે. 1954ના સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં નિર્ધારિત સમયગાળા કરતા આ સમયગાળો બમણો કરી દેવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ ધર્માંતરણના ‘વાસ્તવિક હેતુ, ઇરાદો અને કારણ’ની તપાસ કરવા પોલીસને સત્તા આપવામાં આવી છે.


"છોકરીની લડત"


સપ્ટેમ્બર 2020માં એક દિવસે બપોર પછી કામિની (નામ બદલ્યું છે)એ પોતાના ઘરમાં ત્રણ સૂટકેસ અને એક બૅગ ભરી. તેનાં પરિવારે તેને લેપટૉપ અને ડૉક્યુમૅન્ટ પરત આપ્યા અને ઇકબાલને ફોન કરીને એક ચોક્કસ જગ્યાએ તેને મળવા આવવા કહ્યું. કામિનીએ પોતાના પરિવારના આલ્બમમાંથી કેટલાક ફોટા લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે તેને મંજૂરી ન આપી. તેમણે તેને એક પુશ બટન ફોન આપ્યો અને તેનો સ્માર્ટફોન લઈ લીધો.

કામિની કહે છે:

“મેં મારાં બધાં સારાં કપડાં લઈ લીધાં.”

તેના એક બનેવી તેને કારમાં બેસાડીને લઈ ગયા. તેના બીજા એક સ્વજન તેને સ્કૂટરમાં બેસાડીને નિર્ધારિત જગ્યાએ લઈ ગયા. તેને એક કાગળ પર સહી કરવા જણાવાયું જેમાં લખ્યું હતું કે તેનો પરિવાર તેને લગતી તમામ જવાબદારીઓમાંથી મુક્ત થાય છે. ઇકબાલે એક કાગળ પર લખી આપવું પડ્યું કે હવે કામિની તેની જવાબદારી રહેશે. ત્યાર બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા.


કોચિંગ સેન્ટરમાં પહેલી વખત મુલાકાત થયાના આઠ મહિના પછી 2017માં કામિનીને લાગ્યું કે તે ઇકબાલ સાથે પ્રેમમાં પડી છે. ત્યાર બાદ તેમણે ફોન પર વાતચીત શરૂ કરી. તેમણે બહુ સાવધ રહેવું પડતું હતું. તેઓ બગીચા અને રેસ્ટોરાંમાં મળતાં. ઇકબાલ કહે છે, “અમારો ધર્મ અમારા ચહેરા પર નથી લખ્યો. પરંતુ અહીં ઉત્તર પ્રદેશની વાત છે અને અમે મુશ્કેલીઓથી વાકેફ છીએ. કોઈને શંકા ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું.”

તેઓ ટૂંકા સમય માટે જ મળતાં. સૌપ્રથમ લગ્નનો મુદ્દો કામિનીએ ઉઠાવ્યો હતો. ઇકબાલ હજુ પહેલી નોકરી મળે ત્યાં સુધી રાહ જોવા માંગતા હતા. તેમણે બંનેએ પોતાના પરિવારને સંમત કરવાના હતા. ઇકબાલે જૌનપુરમાં પોતાના પરિવાર સાથે કામિની વિશે વાત શરૂ કરી. તે તેની માતાને કામિનીનાં ફોટા દેખાડતો હતો. ઇકબાલના પિતા મુંબઈમાં બિઝનેસ ચલાવતા હતા.

તે કહે છે, “મારો પરિવાર શિક્ષિત છે અને ઉદારવાદી વિચારો ધરાવે છે. પરંતુ મારી માતાએ ક્યારેય વિચાર્યું ન હતું કે હું એક હિંદુ યુવતી સાથે લગ્ન કરીશ.”


તેઓ મોટા થતાં હતા ત્યારે બંનેને જણાવાયું હતું કે તેમને તેમની જ્ઞાતિ અને ધર્મ બહાર લગ્ન કરવાની છૂટ નહીં મળે.
કામિનીએ સપ્ટેમ્બર 2020 સુધી પોતાના માતાપિતા સાથે આ વિશે વાત નહોતી કરી. તેણે જ્યારે ઇકબાલ વિશે વાત કરી ત્યારે જાણે આભ તૂટી પડ્યું અને તેને ઘરમાં પૂરી દેવામાં આવી. પરિવારજનોએ કામિની માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. પરંતુ કામિનીએ કોઈ રીતે પોલીસનો સંપર્ક કર્યો અને તેને નારી નિકેતન પહોંચાડવા માંગણી કરી. તેના પરિવારે તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું અને તેને મુરાદાબાદમાં તેની બહેન સાથે રહેવાં મોકલી દીધી હતી.

પોલીસ આવી ત્યારે તેમણે કામિનીને પોતાના નિર્ણય વિશે ફરીથી વિચારવા કહ્યું. તેને નારી નિકેતન મોકલવાનો ઇનકાર કરવામાં આવ્યો. પોલીસે તેના પરિવારને એક ઍફિડેવિટ પર સહી કરવા કહ્યું જેમાં લખ્યું હતું કે તેઓ તેને શારીરિક ત્રાસ નહીં આપે.

કામિનીએ પોલીસ સાથે જ જવાનો આગ્રહ કર્યો. તે જ્યારે પોતાના રૂમમાંથી પોતાની ચીજવસ્તુઓ લઇને પાછી આવી ત્યારે પોલીસ ત્યાંથી જતી રહી હતી. તેણે પોતાના માતાપિતાને સ્પષ્ટ જણાવી દીધું કે તેને ઇકબાલ સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવશે તો તે પોતાના પતિની હત્યા કરી નાખશે.
તે કહે છે, “મને લાગે છે કે ત્યાર પછી તેમણે હાર માની લીધી. તેમણે મને જે જોઈએ તે બધું પેક કરીને જતા રહેવા કહ્યું.”
ઇકબાલ કહે છે, “મારી માતા ગુસ્સામાં હતી પરંતુ અંતે તે ઢીલી પડી. મારા પિતાએ કહ્યું કે ઠીક છે, મારે હવે લગ્નની તૈયારી કરવી જોઈએ.”

જ્યારે વટહુકમ અમલમાં આવ્યો ત્યારે ઇકબાલનો પરિવાર ઘણો ચિંતિત હતો. તેમણે ઇકબાલને સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરવા જણાવ્યું. તેઓ ઘણા મહિનાથી ધનક સાથે સંપર્કમાં હતા. ત્યાર બાદ સ્થિતિ કપરી થવા લાગી. કામિનીના માતાપિતાએ તેને ધમકાવવાનું શરૂ કર્યું.

તે કહે છે, “તેમને કદાચ પોલીસે ડરાવ્યા હતા. કારણ કે પોલીસ જાણતી હતી કે હું એક મુસ્લિમ પુરુષ સાથે રિલેશનશિપમાં હતી.”

તેમણે નક્કી કર્યું કે ઇકબાલ દિલ્હીમાં એક ફ્લૅટ શોધશે અને નિર્ધારિત નોટિસ પિરિયડ સુધી ત્યાં રહેશે તથા લગ્નની નોંધણી માટે અરજી કરશે.

કામિની કહે છે, “મને મારો પરિવાર યાદ આવે છે પરંતુ ઠીક છે. હું જે વ્યક્તિને પ્રેમ કરતી હતી તેની સાથે છું.”
“તેઓ તેના વિશે જાતજાતની વાતો કરતા. તેઓ કહેતા કે મુસ્લિમ છોકરાને છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવવા માટે રૂપિયા મળે છે. તેઓ કહેતા કે તેમને ચાર-ચાર પત્નીઓ હોય છે. પરંતુ મને વધુ ખબર છે.”
ઇકબાલને એ વાતની રાહત છે કે હવે તેમણે એકબીજાને ફોન કરવા પડતા નથી. તેમણે બગીચામાં મળવા માટે બીજા કોઈ હોવાનો ડોળ કરવો પડતો નથી.

તે કહે છે, “અંતે તો પ્રેમનો વિજય થશે.”

"સુરક્ષિત મકાન"

અનિશા અને શિરીષ 13 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતાં, પરંતુ 22 જાન્યુઆરીએ તેઓ ફ્લાઇટથી વડોદરાથી દિલ્હી ગયા ત્યારે પહેલી વાર બે કલાક સાથે ગાળ્યાં હતાં. બંનેની ઉંમર 29 વર્ષ છે અને હવે તેઓ દિલ્હીના એક સુરક્ષિત મકાનમાં છે. હું તેમને મળી ત્યારે તેમણે કહ્યું કે તેમની જાણકારી પ્રમાણે અનિશાનો પરિવાર તેની શોધમાં ત્યાં આવ્યો છે.

તેમની કહાણી 2009માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વર્ગખંડમાં શરૂ થઈ હતી. શિરીષ ગુજરાતીનો વિદ્યાર્થી હતો જ્યારે અનિશા ઇકૉનૉમિક્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી હતી.

શિરીષે ફોન પર જણાવ્યું, “અમારો હિંદીનો ક્લાસ કૉમન હતો”

બે વર્ષ સુધી તેઓ મિત્ર હતા. તેઓ બંને બહુ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતાં હતાં. તેમને બંનેને ગોધરાકાંડ વખતના રમખાણો પણ યાદ છે. તેમને બંનેને ખબર હતી કે આ પ્રકારના પ્રેમનું કેવું પરિણામ આવી શકે છે.

શિરીષ કહે છે,“ગુજરાતમાં આંતરધર્મીય યુગલ હોવું બહુ મુશ્કેલ હોય છે.”

અનિશાએ જ 2011માં શિરીષને જણાવ્યું કે તે તેને પ્રેમ કરતો હોય તો તેને જણાવવું જોઈએ.
શિરીષને કેટલાક પારિવારિક પ્રશ્નો હતા. તેણે અનિશાને જણાવ્યું કે તે સંબંધમાં આગળ વધશે તો તેને છેલ્લે સુધી જાળવી રાખશે.

“હું શિડ્યુલ્ડ કાસ્ટમાંથી આવું છું અને તે મુસ્લિમ છે. અમને ખબર હતી કે અમારાં માટે મુશ્કેલીઓ પેદા થવાની છે.”
2012માં કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા બાદ તેઓ જ્વલ્લે જ એકબીજાને મળતાં હતાં.
તેમણે એકબીજાને મળવા માટે પણ ઘણું આયોજન કરવું પડતું. તેઓ એક જાહેર સ્થળ પસંદ કરતા જેથી કોઈને શંકા ન જાય.

“અમે અમારાં ચહેરા પર કપડું વીંટાળીને એકબીજાને મળતાં હતાં,” તે કહે છે. “અમે બહુ ટૂંકા ગાળા માટે મળતાં.”
“અમે મારા ઘરની બહાર બેસતાં અને વાત કરતાં. આ મુશ્કેલ બની રહ્યું હતું કારણ કે અનિશા એવા વિસ્તારમાંથી આવતી હતી જે અત્યંત ખતરનાક હતો.

અનિશાના માતાપિતાએ તેનાં લગ્ન તેનાં મામાના પુત્ર સાથે નક્કી કરી દીધા હતા જેને તબીબી મુશ્કેલીઓ હતી.
“અમે ફોન પર વાત કરતાં. અમે અમારું નામ બદલતાં અને બીજાના ફોન પરથી વાત કરતાં. હું અવાજ બદલીને વાત કરતો જેથી તેના પરિવારને લાગે કે કોઈ છોકરી વાત કરી રહી છે કારણ કે તેઓ ફોન પર પણ નજર રાખતા હતા.”


45શિરીષના પરિવારજનોને તેના પ્રેમસંબંધની ખબર પડી ત્યારે તેમણે તેના માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાની જ્ઞાતિની એક છોકરી સાથે તેની સગાઈ પણ કરાવી દીધી હતી.
શિરીષ શિડ્યુલ્ડ કાસ્ટનો યુવાન છે. તેને લાગ્યું કે અનિશાના પરિવારને તેની જ્ઞાતિ સામે વાંધો છે.
તે કહે છે, “મારા માતાપિતાએ મને ધમકી આપી કે હું સગાઈ તોડી નાખીશ તો તેઓ કંઈક કરી નાખશે. મેં ગયા નવેમ્બરમાં સગાઈ કરી હતી.”

શિરીષે જે છોકરી સાથે સગાઈ થઈ હતી તેને અનિશા સાથેનાં તેના સંબંધો વિશે જણાવ્યું. આમ છતાં તે છોકરી લગ્ન કરવા માટે તૈયાર હતી. તેમના લગ્ન ફેબ્રુઆરીમાં થવાના હતા અને સમય ઝડપથી વીતી રહ્યો હતો.
ત્યારે શિરીષે બીજા વિકલ્પોની શોધ કરી. તેણે એક વકીલનો સંપર્ક કર્યો અને તેમના લગ્ન માટે ઍફિડેવિટ કરાવવા તેને 25,000 રૂપિયા પણ ચૂકવ્યા. પરંતુ તે વકીલ પાછળ ખસી ગયો.

તે કહે છે, “કોઈ નોટરી મદદ કરવા તૈયાર ન હતા. કોઈ વકીલ અમારી વિનંતી સ્વીકારવા તૈયાર ન હતા. આ આંતરધર્મીય મામલો હતો અને તેઓ કહેતા હતા કે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે.”

તે સ્ટૅમ્પપેપર ખરીદવા ગયો ત્યારે અનિશાના પરિવારને તેની જાણ થઈ.

તેણે કહ્યું કે, “આંતરધર્મીય લગ્ન વિરોધી જૂથો કદાચ કોર્ટના પ્રાંગણમાં આંટા મારતા હોય છે.”
“અમે ગુજરાતમાં લગ્ન કર્યા હોત તો આખો સમાજ અમારી પાછળ પડી ગયો હોત. અમે દિલ્હીનો ક્યારેય વિચાર કર્યો ન હતો. પરંતુ વકીલે જણાવ્યું કે અમે લગ્ન કરીશું તો ત્યાં રમખાણ ફાટી નીકળશે.”

શિરીષે દિલ્હીની ફ્લાઇટ બૂક કરાવી. તેમણે પોતાનાં માતાપિતાને અને સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી કે તેઓ દિલ્હીમાં છે.

તેમણે કહ્યું, “અમે સુરક્ષિત મકાનમાં જગ્યા મળે તે માટે અરજી કરી અને 29 જાન્યુઆરીએ અહીં આવી ગયાં.”
જોકે, તેમની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો.

તે કહે છે, “મારા પાર્ટનરનું બૅન્ક એકાઉન્ટ તેના માતાપિતાએ બ્લૉક કરાવી દીધું છે.” તે કહે છે કે તેઓ એકબીજા પર ઘણો ભરોસો ધરાવે છે.

“વિશ્વાસના કારણે જ અમે ટકી રહ્યા છીએ,” તે કહે છે.

આટલી પરેશાનીઓ વચ્ચે પણ તેઓ એકબીજાની સાથે હોવા બદલ ખુશ છે. વડોદરામાં માત્ર 10થી 15 મિનિટ માટે મુલાકાત થઈ શકતી હતી જે પૂરતી ન હતી.
હવે આ બધું એક સ્વપ્ન સમાન લાગે છે.

અનિશાએ કહ્યું, “પરિસ્થિતિ સુધરે તો અમે ગુજરાત પાછા જઈશું. નહીંતર અમે વિદેશ જતાં રહીશું. અમારામાં પ્રતિભા છે. અમે અમારા જીવનમાં કંઈક કરી દેખાડીશું.”
આ કામચલાઉ જગ્યામાં તેઓ પોતાના માટે એક રૂમ ધરાવે છે. સરકાર દ્વારા તેમને ભોજન આપવામાં આવે છે. હાલમાં તો બધું સારું છે.

અનિશા કહે છે, “પ્રેમમાં બલિદાન આપવું પડે છે.”

શિરીષ કહે છે, “આપણે માનીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ હકીકતમાં નફરત આંધળી હોય છે.”



સુપ્રીમ કોર્ટે 2018માં દરેક જિલ્લામાં આવા દંપતીઓ માટે સુરક્ષિત મકાન (સેફ હાઉસ) સ્થાપવાનો આદેશ આપ્યો હોવા છતાં ઘણા રાજ્યોમાં આ નિર્ણયનો અમલ થયો નથી. તેના કારણે ઘરેથી ભાગી છૂટેલા યુગલો માટે મુશ્કેલી વધે છે. ગુજરાતમાં આવા લોકો માટે કોઈ સુરક્ષિત મકાન ન હોવાના કારણે શિરીષ અને અનિશાએ ભાગીને દિલ્હી આવવું પડ્યું હતું.

શિરીષે કહ્યું, “અમારા માતાપિતા લગ્ન માટે સહમત થાય તો પણ સમાજ મુશ્કેલીઓ પેદા કરશે. અમને એકલા પાડી દેવામાં આવે અથવા શારીરિક નુકસાન પહોંચાડવામાં આવે તેવો ભય રહે છે. મારા કિસ્સામાં હિંદુત્વવાદી જુથો કહી શકે કે છોકરી મુસ્લિમ છે અને તે હિંદુ બની શકે છે. તે એક પ્રકારની ઘરવાપસી હશે. પરંતુ અમારી વચ્ચે ધર્મ એ ક્યારેય કોઈ પરિબળ ન હતું. હું તેનું ધર્માંતરણ કરાવવા માગતો નથી.”

તેમની સામે ઘણા પડકારો છે. ઘણું ગુમાવવું પણ પડે છે. પરંતુ છેલ્લે પ્રેમનો વિજય થશે તેવી ખાતરી પણ છે.
તેઓ આવી સ્થિતિમાં છે. જે દેશમાં પ્રેમને આદર, ધર્મ, જ્ઞાતિ તથા વર્ગ સાથે સાંકળવામાં આવે છે, ત્યાં આવા યુગલો બંધારણ અને પ્રેમ પર ભરોસો કરે છે.

તેમાં સંઘર્ષ થવાનો જ છે. પરંતુ તેઓ માને છે કે અંતે નફરતની હાર થશે અને પ્રેમનો વિજય થશે.




લેખક: ચિંકી સિંહા
ફોટા: ગોપાલ કુમાર, પુનીત બાર્નાલા